સોમવાર, 13 એપ્રિલ, 2015

પત્રોનો પટારો, મારો લખાયેલો પત્ર - 5

મારી રામપ્યારી (મારી સાઇકલ),

મારી જીંદગીમાં મેં નક્કી કરેલા સપના પુરા કરવા માટે જ્યારે મારે આમથી તેમ દોડવું પડતું હતું ત્યારે પપ્પાએ મને તારા સ્વરૂપમાં જે ભેટ આપી છે એને હું ક્યારેય ભૂલી નહિ શકું. તું મારી જિંદગીનો એક અમુલ્ય હિસ્સો છે. તને પહેલીવાર જ્યારે દુકાનમાં પડેલી જોઈ ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે મારી આ કઠોર સફરની સાક્ષી તું જ બનીશ. જેમ કોઈ છોકરી સાથે પહેલી નજરનો પ્રેમ થઇ જાય એવી જ રીતે મને પણ તારી સાથે પ્રેમ થઇ ગયો હતો અને આજે પણ દિલથી તારી સાથે એટલો જ ઘરોબો છે.
આજે કોઈ પણ સાથે વાત કરવામાં જો ભૂતકાળની વાતો નીકળે તો એમાં તારો ઉલ્લેખ હું ચોક્કસપણે કરું છું કે મારી રામપ્યારી નાં હોત તો આજે કદાચ હું આટલી સફળતા નાં મેળવી શક્યો હોત. સંઘર્ષના એ દિવસોમાં તું મારી સાથે ગર્વભેર રહી છો જ્યારે મારા મિત્રો મને એમ કહેતા કે બધાય લોકો બાઈક કે ફોર વ્હીલ લઈને આવે છે અને તું આવી રીતે કોલેજમાં સાઈકલ લઈને આવે છે તો તને શરમ નથી આવતી ? તારા કલાઈનટ્સને મળવા જાય છે ત્યારે તને એમ નથી લાગતું કે એકદમ વ્યવસ્થિત શર્ટ-પેન્ટ ઇનશર્ટ કરેલા, અને શુઝ, અને સાથે એક નાનું એવું બેગની સાથે જ્યારે તું તારી સાઇકલ પર જતો હોય ત્યારે કેવો લાગતો હોઈશ ? ત્યારે તારા વિષે ખરાબ નહિ સાંભળી શકવાની ટેવવશ હું હસીને ફક્ત એટલો જ જવાબ આપતો કે અહિયાંથી ૧૨ કિલોમીટર દુર રહેલા મારા ઘરથી રોજ દિવસમાં ૨ વાર આ મારી સાઈકલ મને અહિયાં સુધી લાવે છે અને મારું બધું કામ પૂરું કરવામાં મારી મદદ કરે છે. આ મારી સાઈકલ નથી પણ મારી હોન્ડા સીટી છે, અરે આતો મારું પ્રાયવેટ જેટ છે જે મને રોજ અહિયાંથી ત્યાં અને ત્યાંથી અહિયાં પહોચાડે છે.
તારા ટાયરમાં ક્યારેક થતા પંચરને કારણે મારે ઘણીવાર મુશ્કેલી પડી છે પરંતુ તો પણ તે મારો સાથ કદી નથી છોડ્યો. બધાય દહાડા સુખના નથી હોતા, અરે માણસ પણ ક્યારેક માંદો પડી જાય છે તો તને પણ ક્યારેક પગમાં કાંટો કે ખીલી કે ધારદાર પથ્થરનો માર લાગી જાય તો એમાં કઈ તારો વાંક થોડો છે કે તારી પર ગુસ્સો કરું. તું પોતે ગમે તેવા રસ્તા પર એકદમ પાણીના રેલાની માફક સ્પીડમાં ચાલીને મને આરામ આપે છે તો મારી પણ એટલી જ ફરજ બને છેને કે હું પણ તારા એ બેરીંગને રેગ્યુલર ઓઈલીંગ કરું, તારા બોડીપાર્ટ્સને વ્યવસ્થિત ધ્યાન રાખું, તને એકદમ ચોક્ખી રાખું.

હું આશા રાખું છું કે તને પણ મારો સાથે ખુબ જ ગમ્યો હશે. બપોરની એ કાળઝાળ ગરમીમાં અને વરસાદના પાણીના કારણે જામ થઇ જતી તારી બ્રેકને પણ તે નજરઅંદાજ કરીને મને સાથ આપ્યો છે અને મારી મંજિલ સુધી પહોચાડ્યો છે. જેનો હું આખી જિંદગીભર તારો ઋણી રહીશ.
આજે પણ જ્યારે હું તારાથી આટલે બધે દુર છું ત્યારે મારા ભાઈને હું ચોક્કસ રોજે ફોન કરીને તારા વિશેના સમાચાર પુછુ છું કે એ તને બરાબર સાચવે છે કે નહિ, તારું વ્યવસ્થિત હું ધ્યાન રાખતો એમ જ રાખે છેને.
હું તને મારાથી ક્યારેય અળગી થવા દેવા માંગતો નથી. ક્યારેય પણ નહિ.
તારો હમસફર
રવિ.

ટિપ્પણીઓ નથી: