બુધવાર, 24 જૂન, 2015

ટેવ

કાલે મમ્મી જોડે ફોન પર આ રીતે વાત કરી અને એ પછી મગજમાં આવેલો વિચાર જે નીચે લખ્યો છે જેમાં તમારો અભિપ્રાય જોઈએ છે કે આ વાત સાચી છે કે ખોટી ?

હું :- શું મોમ ? શું કરો ? મોજમાં ને ?
મમ્મી :- હેલો, હા મજામાં. પણ તું ફોન કેમ નથી કરતો ? નવરીના છેલ્લા ૮ દિવસથી ફોન નથી કર્યો.. તારી માં હજુ મરી નથી ગઈ, કે પછી માં ભુલાઈ ગઈ છે ?
હું :- થોડા ચીડાયેલા અવાજે, શું પણ મમ્મી ગમે તેમ બોલો છો. અહિયાં જ છું ક્યાય ગયો નથી.
મમ્મી :- પેલા તો રોજે ફોન કરતો, હવે તો ૨-૪ દિવસે કે અઠવાડિયે કરે છે તો બીજું શું કહું ? અહિયાં પછી મને નો ગમે તારી જોડે વાત નો કરું ને તો.
હું :- હવે તો ૧.૫ વર્ષ થયું ત્યાં નથી એને. હવે આવી ટેવ મુકો કે રોજ વાત કરવી જ પડે એમ. નહિતર દુખી થશો અને હું પણ જો એવી રીતે અહિયાં યાદ કરવામાં રહું ને તો મારે ૨ દિવસમાં બિસ્તરા પોટલા બાંધીને ભાવનગર ભેગું થઇ જાવું પડે. એટલે બોવ યાદ નહિ કરવાના. મોજ કરવાની. હું ક્યાય જવાનો નથી અને કોઈ ભૂલી નથી ગયું. ખાઈ-પીને એકદમ ઘોડા જેવો જ છું.

આવેલો વિચાર :-

જિંદગીમાં અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની ટેવ પડી જતી હોય છે જે માણસને ક્યારેક ખુબ વધારે હેરાન કરી નાખે છે. ના ના હું કોઈ દારૂ, સિગરેટ, તંબાકુની ટેવની વાત નથી કરતો, હું તો વાત કરું છું માણસની માનસિકતાની, માણસની વિચારવાની ઢબની...
.
લોકો ઘણીવાર એમ બોલતા હોય કે મારે આવું નાં ચાલે, મારે તો આ વસ્તુ આવી રીતે હોય તો જ ગમે, મારે તો આ વસ્તુ વિના કામ જ નાં થાય, મને તો આવો સમય હોય તો જ ગમે નહિતર તો હું આમ કરું જ નહિ. - આવા બધા સવાલો તો મોટાભાગના લોકોને આવતા હશે અને કોઈ વગદાર માણસ હોય તો એની માટે માની લઈએ કે મોટો માણસ છે તો સીધી વાત છે કે થોડાક નખરા તો હોવાના જ અને નાનો માણસ હોય એ તો બિચારો દરેક નાની મોટી પરિસ્થિતિમાં જીવી જ લેવાનો છે, એણે નાનપણથી જ શીખી લીધું હોય છે. એ બાબતે મારી પણ એક ટેવ છે કે "મોજમાં રેવું, લોજમાં ખાવું અને જગ્યા મળે ત્યાં સુઈ જાવું"
.
મારે અહિયાં વાત કરવી છે વ્યક્તિની ટેવની...
ઘણી વાર આવું જોયેલું પણ છે અને પોતે અનુભવ પણ કરેલો છે કે કોઈ વ્યક્તિ આપણી લાઈફમાં એવી રીતે આવી જતી હોય છે કે પછી એના વગરની લાઈફની કલ્પના કરવી મુશ્કેલ થઇ જતી હોય છે. નાના હોઈએ ત્યારે મમ્મી વગર નો ચાલતું હોય, થોડા મોટા થઈએ ત્યારે ભાઈબંધ વગર નાં ચાલે, અને થોડા સમજણા થઈએ પછી ગર્લફ્રેન્ડ વગર નાં ચાલે. ઘણા લોકોનું માર્કિંગ કરેલું છે કે પોતાની ગર્લફ્રેન્ડને કરેલા મેસેજનો જવાબ ૫ મિનીટમાં નાં આવે તો તરત જ ફોન કરીને ખખડાવી નાખતા હોય છે. પણ ભાઈ ! ઉભો તો રે ઘડીક.. શાંતિ તો રાખ.. એ કંઈક કામમાં હશે એટલે મેસેજ નહિ કર્યો હોય. એમાં આટલો બધો અધીરો શું કામ થાય છે ? તારી સાથે પ્રેમ કર્યો છે એનો મતલબ એમ તો નથી કે ૨૪ કલાક તારી સાથે જ રેવાનું અને વાતો કર્યા કરવાની.. પોતાની જિંદગી જેવું પણ કંઈક હોય કે નહિ ? પણ એમાં એનો પણ વાંક હોતો નથી કારણ કે પોતે એના પર નિર્ભર થઇ ગયા હોય છે થોડી વાર માટે વાત નાં થાય તો એની માટે તો દુનિયા ઉંધીચિત્તી થઇ ગયી હોય એવું લાગવા લાગે છે.
.
રોજે કોઈ જોડે રેગ્યુલર વાત કરવાની ટેવને કારણે તકલીફ એ થતી હોય છે કે આપણે એના પર નિર્ભર બની જતા હોઈએ છે કે એનો મેસેજ નાં આવે તો મૂડ ખરાબ થઇ જતો હોય છે. બેચેન બની જતા હોઈએ છીએ કે આજે શું થયું હશે ? પણ ક્યારેક એવો દિવસ આવી જાય કે જે તે વ્યક્તિનો સંપર્ક કોઈ કારણસર થઇ શકે એમ નાં પણ હોય. પરંતુ આ સમજ ફક્ત ત્યારે જ આવતી હોય છે જ્યારે એ વ્યક્તિની ટેવ નથી હોતી. ત્યારે એવા વિચારો આવે છે કે સાલું કોઈ માણસની ટેવ નહિ પાડવાની, પછી તકલીફ થાય છે કે કોઈ વ્યક્તિ વગર ચાલે નહિ.
.
હું તો છેલ્લા ૩ વર્ષથી એક જ વાત મગજમાં રાખું છું કે "કોઈ કોઈના વગર મરી નથી જતું, દરેક પોતપોતાની જિંદગી જીવતા જ હોય છે તો પછી શું કામ કોઈના આધારે બેસવું કે કોઈના વગર મને ગમશે નહિ કે કોઈના વગર મારી જિંદગી અધુરી લાગશે" ઘણીવાર લવ અફેર્સ વાળા લોકો પણ બોલતા હોય છે કે હું તારા વગર જીવી નહિ શકું વગેરે વગેરે.. પરંતુ બ્રેકઅપ થઇ ગયા પછી એ જ લોકો આરામથી પોતપોતાની જિંદગીમાં ઘણા આગળ નીકળી ગયા હોય છે, અને બીજા સંબંધો પણ બંધાય ગયા હોય છે.
.
જિંદગીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈની ટેવ નહિ પાડવાની.... બાદમેં દર્દ હોતા હે યાર.

સોમવાર, 22 જૂન, 2015

Gift to one of my best friend.

આ અછાંદસ કવિતા લખી છે કે પછી શું એમ ને એમ લીટીઓ તાણી છે એ ખ્યાલ નથી. બસ લખાય ગયું છે.
------------------------------------------------------------------------------------------------------------------
"દોસ્તી" તારા નામથી જ શરુ થતો અર્થ, તારી એ ખંજનવાળી એક જ સ્માઈલમાં સમાઈ જતો સબંધ.
તારી મનપસંદ વસ્તુઓ જ્યારે હું વાપરું છું ને ત્યારે તારી યાદ આવી જાય છે, ચેહરા પરનું એ સ્માઈલ મને તારા સિવાય કોઈ નથી આપતું.
જેમ મારા વગર તારે ચાલતું નથી ને એમ મારે પણ તારા વિના થોડીવાર માટે પણ ચાલતું નથી.
.
આદત ? અરે નહિ જરૂરીયાત બની ગયી છે તું મારી,
ખબર નહિ પણ દિવસમાં કેટલી વાર યાદ આવી જાય છે તું અને તને મળીને તારી સાથે કેટલી બધી વાતો કરવાનું મન થાય છે.
.
તારી એ ખાવાપીવાની જીદ સામે ખોટો ગુસ્સો કરવો,
અને પછી તારી સામે નમતું મૂકી દેવું જાણે મારી આદત બની ગયી છે.
તારી એ નાની નાની વાતોને પણ ધ્યાનથી સાંભળીને પણ પાછળથી વાગોળ્યા કરું છું.
તારું એ કરેલું બનાવટી છણકુ મને ખુબ વહાલું લાગે છે, તને ખબર છે તું જ્યારે "હુહ" એમ બોલે છે ને ત્યારે મારું મન બમણા જોરે વિચારમાં ચડી જાય છે, તને મનાવા માટે, તને હસાવા માટે,
.
તું વાત કરે છે અને મને તારામાં જાણે એક નાનું બાળક બોલતું હોય છે અને હું દાઢી પર હાથ ટેકવીને સાંભળ્યા કરું છું.
જયારે પણ હું કોઈના રેશમી વાળ જોઉં છું ત્યારે મારી નજર સામે તારી એ ઉડતી લટો તરવરે છે.
.
બહાર બહારથી એકદમ મજબુત અને ખુશ રહેતી તું,
તારી અંદરના દુઃખને અને તકલીફોને સમજીને તારો સાથ આપવો ગમે છે.
તને ખબર છે જ્યારે પણ તારી તબિયત બગડે છે ને ત્યારે મને ચેન નથી પડતું,
એમ લાગે કે ચલ હું બધું જ કામ પડતું મુકીને તારી પાસે આવી જાઉં, અને તારી એ બેદરકારી પર ગુસ્સો કરવાનું મન થાય છે.
.
દોસ્તીના આ મધમીઠા સબંધમાં જાણે તું એક આકાશ બની ગઈ છે જેમાં મારે પાંખો ફેલાવીને ઉડવું છે પણ તું મારી સાથે ઉડીશ ને ?
રડવાનું કેવું હોય છે ? કોને ખબર ? તારા તોફાનો જોઇને તો એ પણ ભુલાઈ ગયું,
સંગ્રહાયેલા આંસુની કીમત તો તારા આવ્યા પછી બમણી કરી છે તે, જેમ સંગ્રહાયેલો જુનો દારુ.
.
તું હમેશા ખુશ કેમ નથી રહી શકતી ? મુંજાય છે ? કોના થી ? કારણ ?
અરે તું ચિંતા શું કામ કરે છે હું છું ને તારી સાથે, તારી મુસ્કાન માટે તો હું જોકર બનીને ખેલ પણ કરું છું.
વોટ્સઅપમાં તારા ઓનલાઈન આવાની રાહે તે મને તારું લાસ્ટ સીન જોવાની આદત પાડી દીધી છે,
મેસેજ વાંચ્યા પછી તારા ફોટાની બાજુમાં એ ટાય્પીંગ ટાય્પીંગ જોયા કરીને મનોમન રાજી થાઉં છું.
.
મારા માટે તો દોસ્તી એટલે બસ તું જ અને તારી મુસ્કાન. શું તને ખબર છે આ દોસ્તી તારા માટે શું છે ?

શનિવાર, 20 જૂન, 2015

ABCD - 2



૨ વર્ષ પહેલા આવેલી એક ડાન્સ ફિલ્મ "ABCD" કે જેના પર કોઈ આશા નહોતી અને પાછળથી એ ફિલ્મ હીટ સાબિત થઇ હતી, અને એ જ ફિલ્મની સિકવલ રીલીઝ થવાને લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ફિલ્મ ખાસ કઈ ઉકાળે એમ નથી. ચાલો થોડીક વિગતે વાત કરીએ અને લટાર મારીએ "ABCD-2" પર.

રેમો ડિ'સોઝા ભાઈ તમે "સોઝા" છો એમાં અમને આવા ડાયરેકશનના હથોડા મારીને શું કામ સોજ્વાડો છો ? પહેલી બંગાળી ફિલ્મ ફ્લોપ, પહેલી હિન્દી ફિલ્મ "ફાલતું" ફ્લોપ, બીજી ફિલ્મ "ABCD" સેમી હીટ અને ફરી પાછુ આટલી મહેનત પછી આવી રીતે ડાયરેકશનની ધજીયા ઉડાડી દેવાની યાર.. સીનના અમુક અમુક એન્ગલ તો શું કામ એ એન્ગલથી લીધા હશે એ વિચારવું પડે છે અને ડાન્સના સ્ટેપને એકદમ મસ્ત અને સ્મૂથલી બતાવા માટે અમુક પ્રકારના એન્ગલ લેવા જોઈએ જેથી કરીને ડાન્સ મુવ્સની ઈફેક્ટ સારી રીતે કેમેરામાં જીલી શકાય. પણ બધુય પાણીમાં. સ્ટેજની વચ્ચે કેમેરો ગોઠવી દીધો અને આખો ડાન્સ એમજ પતી જાય. સરવાળે ડાયરેકશન ઢંગ-ધડા વગરનું લાગ્યું.

સ્ટોરી લખનાર પણ આ જ મહાશય કે જેમણે આમાં પણ કઈ ઉકાળ્યું નથી. એ જ ચવાઈ ગયેલી "અંડરડોગ" સ્ટોરી, પરાણે ઘુસાડેલી દેશભક્તિ જોતા જોતા ઘણીવાર માનસપટ પર "ચક દે ઇન્ડિયા" અને "હેપી ન્યુ યર" ફિલ્મ આવ્યા કરે છે. નો સ્ટોરીલાઈન.

દર્શકોને ડાયલોગ બાબતે થોડી રાહત મળી છે કારણ કે ડાયલોગ ખુબ સારા એવા રાઈટર અને અમદાવાદી ગુજ્જુ "મયુર પૂરી"ના ભેજા માંથી આવેલા છે અને ગીતના લીરીક્સમાં ફુલ્લ માર્ક્સ લઇ જાય છે. તુષાર હીરાનંદાનીનું સ્ક્રીનપ્લે છે જેમાં ઘણી જગ્યાએ એવું લાગે છે કે ક્યાંક કચાશ રહે છે. દ્રશ્યો પહેલાના પછી આવી જાય છે અને પછીના પહેલા આવી જાય છે પણ ચાલે એવું છે.

ગુજરાતી સંગીતકાર બેલડી સચિન-જીગર. અરે યાર ! કમાલ છે બોસ આ જોડી. શું જબરદસ્ત મ્યુઝીક આપ્યું છે. કોઈ પણ જડ માણસના પગ પણ થીરકવા મજબુર કરી દે છે. ૧૦૦/૧૦૦ માર્ક્સ. ફૂલ એન્ટરટેઈનીંગ ધમાકા મ્યુઝીક.

"બેઝુબાન ફિર સે", "સુન સાથીયા" અને મેજિકલ વોઈસ અરિજિત સિંહના અવાજમાં આવેલું "ચુનર" દિલના દરવાઝા પર દસ્તક લગાવી જાય છે અને ત્યાં મયુર પુરીએ ખુબ જ માવજતથી લખેલા એ "વંદે માતરમ" ગીતના શબ્દો મગજમાં ઘર કરી જાય છે.

ડાન્સ પરફોર્મન્સમાં એક એકથી ચડિયાતા પાવરપેક પરફોર્મન્સ. ડાયરેકશન ભલે ગમે તેવું કર્યું હોય પરંતુ કોરિયોગ્રાફીમાં રેમો ડિ'સોઝાનો જોટો જડે એમ નથી. એક એક મુવ્સ, હરેક ફ્લીપ્સ, અને બધા જ ફોર્મેશન દિલથી વાહ બોલવા માટે મજબુર કરી દે છે. ડાન્સના માધ્યમથી હવામાં ભારત દેશનો ઝંડાની છોળો ઉડાડીને પરફોર્મન્સને ચાર ચાંદ લગાવી દીધા છે.

લોકેશનની પસંદગી બાબતે રેમોભાઈનું કામ ગમ્યું. લાસ વેગાસ કે જે ૨૪*૩૬૫ ધમધમતું જીવતું જાગતું શહેર જે અહિયાં બેઠા બેઠા સૈર કરાવે છે. એરિઝોના સ્ટેટમાં આવેલા ગ્રાન્ડ કેન્યોનના એ ખડકો અને એમાંથી નીકળતી કોલોરોડા નદી જે જોતા જ દિલમાં લવ ફીલિંગ્સ આવવા લાગે છે.

શ્રદ્ધા કપૂરની ડાન્સ સ્કીલતો રેમો ક્યાંથી શોધીને લાવ્યા છે એ જ ખબર નાં પડી. સરાહનીય કામ છે. અને વરુણ ધવન તો ડાન્સ બાબતે ઘણો સારો જ છે પરંતુ આમાં તેની સામે DIDમાંથી આવેલા પરફોર્મર ધર્મેશ, રાઘવ, સુશાંત,પુનીત અને સાથે પ્રોફેશનલ ડાન્સર લોરેન ગોટીબ સામે ટક્કર જીલવી એ કપરું અને મહેનત માંગી લેતું કામ છે જેમાં વરુણે મહેનત કરી હોય એવું દેખાય છે.

ડાન્સ આશીકો માટે દિવાળી પહેલાનું બોનસ છે. યંગસ્ટર્સ અને બાળકો માટે ખુબ જ એન્ટરટેઈનીંગ અને પાવરપેક ફિલ્મ છે. ક્રિટીક્સ માટે એવરેજ કરતા પણ નબળી.

One Time Watch Movie.

Ratings :- 3.5/5

Bonus :- Life is Always about Next Step.

ગુરુવાર, 4 જૂન, 2015

મારો શું વાંક ??

પ્રેમના ફૂટ્યા છે અંકુર તારા આવવાથી, શું જાદુ છે એવું તારામાં,
કે તારા સિવાય હવે કોઈ બીજું દેખાતું નથી, એમાં મારો શું વાંક ??

પૂછે કોઈ સરનામું મારું, અને મુખે બોલાઈ જાય છે સરનામું તારું,
તારા નામનું ભૂત ચડી ગયું છે મગજમાં, એમાં મારો શું વાંક ??

હજારો ચેહરા જોયા છે જીવનમાં, અને તું પણ એમાંથી એક જ છો,
હવે તારા સિવાય બીજો ચેહરો દેખાતો નથી, એમાં મારો શું વાંક ??

મોતનો ડર નહોતો આજ સુધી આ જિંદગીને, હવે સંભાળે છે મને તું,
તારા વગર એક પળ જીવવું હવે નથી ગમતું, એમાં મારો શું વાંક ??

તને મળ્યા પછી મને હવે જિંદગીને પૂરી માણવાનું મન થાય છે.
અતુટ તાંતણા જેવો પ્રેમ થઇ ગયો તારી સાથે, એમાં મારો શું વાંક ??

વગર કહ્યે આંખોથી વાંચીને સમજી જાય છે તું મને કાયમ એ શું છે ?
મારા હૃદયમાં તારા નામની ધડકનો ચાલે છે, એમાં મારો શું વાંક ??