મંગળવાર, 12 મે, 2015

પીકું


શુજીત સરકારની પહેલા આવેલી ફિલ્મ "વીકી ડોનર" અને "મદ્રાસ કાફે" જેવી સફળ ફિલ્મો પછી વધુ એક સફળ ફિલ્મ આવી છે જેનું નામ છે "પીકું". હમેશા કંઈક અલગ વિષય પર એકદમ હટકે ફિલ્મ બનાવનાર શુજીતભાઈએ આ વખતે કબજિયાતના રોગનો મુદ્દો લઈને ફિલ્મ બનાવી છે. 


ફિલ્મ જોતી વખતે એવું સહેજ પણ નથી લાગતું કે આપને કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ. સતત એમ જ લાગે છે કે આવું તો આપણી આસપાસમાં રોજીંદી ઘટના છે. એકદમ નોર્મલ વિષયને પોતાની સેન્સની મદદથી ખુબ જ હળવી શૈલીમાં કોમેડી, સંવાદો, અને મ્યુઝીકની મદદથી સુપર્બ, ફેન્ટાસ્ટીક, માઈન્ડબ્લોવિંગ બનાવી નાખી છે જે ડાયરેક્ટરની કુશળતા બતાવે છે.

અમિતાભ બચ્ચન એક પછી એક ફિલ્મોમાં સતત સાબિત કરતા રહે છે કે તે મીલેનીયમ મેગાસ્ટાર હતા, છે અને રહેશે. એકદમ દિલમાં ઘર કરી જાય એવી એક્ટિંગ છે. એવું લાગતું જ નથી કે કોઈ એક્ટર ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યો છે, નજર સામે જાણે આજુબાજુમાં રહેતા કચકચિયા બોલ બોલ કરનાર દાદા ફિલ્મી પરદે આવી ગયા હોય એવું મહેસુસ થાય છે. 

દીપિકા પાદુકોણ હવે બોલીવુડની સુપરસ્ટાર બની ગયી છે. એની એક્ટિંગના દીવાના થઇ જવાય છે. એક પિતાની સંભાળ રાખવા માટે પોતે કેટલી કેરફુલ છે અને ગુસ્સો પણ કરે છે અને જયારે પ્રેમ દેખાડવાનો આવે ત્યારે આંખોથી જ પોતાના પિતા પ્રત્યે હેત ઉભરાતું દેખાઈ આવે છે અને બિન્દાસ્ત બીજાને બોલી નાખતી કે "હા હું વીયર્ડ નેચરની છું, એ હું સારી રીતે જાણું છું" ત્યારે એના એ ડાયલોગ પર આફરીન થઇ જવાય છે. ઈરફાન ખાનની એક્ટિંગ વિષે કોઈ ખરાબ બોલી શકે એવું મને હજુ સુધી કોઈ મળ્યું જ નથી. જે પણ ફિલ્મ કરે છે એ ફિલ્મમાં બંદો જાન રેડી દે છે. 

ફિલ્મના ઘણા એવા દ્રશ્યો છે જે કોઈ પણ ડાયલોગ વગર સમજમાં આવી જાય છે. માત્ર અને માત્ર આ ત્રણ કલાકારોના હાવભાવ પરથી ફિલ્મમાં જાણે ચાર ચાંદ લાગી ગયા છે. ત્રણેય કલાકારો નોન-બંગાળી હોવા છતાય સહેજ પણ કચાશ વગર બંગાળી બોલી અને એક્ટિંગ કરાવીને શુજીત સરકારે સાબિત કરી દીધું છે કે તે હવે પછીના બોલીવુડના સૌથી સફળ ડાયરેક્ટરમાંથી એક બનશે. પિતાનો પઝેસીવનેસ, કચકચિયો અને તોછડી બોલીનો સ્વભાવ, પિતા પ્રત્યે કેર કરનાર અને પોતાની લાઈફ જતી કરનાર દીકરી અને દીપિકા, ઈરફાન અને અમિતજી વચ્ચે આવતું લાગણીઓનું ઘોડાપુર હૃદયની આરપાર નીકળી જાય છે.

અનુપમ રોય આપણા માટે કદાચ અજાણ્યું નામ હશે પરંતુ બંગાળી ફિલ્મોના સફળ મ્યુઝીક ડાયરેક્ટર, ગીતકાર અને ગાયક છે જેમણે ફિલ્મના બધા ગીત ગયા છે. અને "બેઝુબાન" ગીતના રૂપમાં ખુબ જ સારું એવું ક્રિયેશન પણ બનાવી નાખ્યું છે. જુહી ચતુર્વેદીએ લખેલી આ સ્ટોરી અને એને જ કરેલું સ્ક્રીનપ્લે ખુબ જ અસરકારક લાગે છે. કમલજીત નેગીની સિનેમેટોગ્રાફી પણ જોરદાર છે. ફિલ્મના ડાયલોગ જાણે કોઈ રેગ્યુલર વપરાતી બોલીમાં જ લખાયેલા છે જેના કારણે ફિલ્મ સતત તમને જકડી રાખે છે. અને છેલ્લે શુજીત સરકાર આ બધાયનો મસાલો કરીને એક ખુબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવામાં સફળ રહ્યા છે.

અચૂક જોવા જેવી ફિલ્મ.

Ratings :- 4.5/5

ટિપ્પણીઓ નથી: