બુધવાર, 30 ડિસેમ્બર, 2015

ગોઠવાયેલા લગ્ન

ભાગ – ૧
ગામને પાદર ખુલ્લા મેદાનમાં માંડવા નાખેલા છે અને માંડવાની એક બાજુએ ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે અને બીજી બાજુએ જાનૈયાઓ અને ગામના લોકો જમણવારમાં વ્યસ્ત છે. લગ્નમંડપમાં કન્યાપક્ષવાળી સ્ત્રીઓ લગ્નગીતો અને ફટાણાઓ ગાઈ રહી છે જ્યારે વરપક્ષની કન્યાઓ એની સાથે ગીત ગાવાના બદલે પોતાની મસ્તીમાં મસ્ત છે. તેઓ અંદરોઅંદર પોતપોતાની વાતોનો પટારો ખોલીને બેસી ગઈ છે. લગ્નમંડપમાં બેઠેલા વરરાજાની પાસે એમના દોસ્તો ઉભેલા છે અને એ દોસ્તોની વચ્ચે એક ૧૬ વર્ષનો છોકરો કંઈક પૂછવા માટે મંડપમાં આવે છે.
“અરે અમય ! તું અહિયાં શું કામ આવ્યો છે ? તારી ઉમર નથી હજુ અહિયાં ઉભા રહેવાની, ચલ ! જા અહિયાંથી તારા દોસ્તો સાથે બહાર ગામમાં ફરો જાવ.”, દોસ્તોના ટોળામાંથી એક છોકરો બોલ્યો.
આ સાંભળીને અમયના મગજમાં થોડીવાર માટે વિચાર આવ્યો કે લગ્નમંડપમાં ઉભા રહેવા માટે પણ ઉમરની જરૂર પડતી હશે ? “અરે પણ હું ખાલી મારા ભાઈ પાસેથી પૈસા લેવા આવ્યો છું. મારે ગામમાં સોડા પીવા માટે જવું છે અને પૈસા નથી એટલે ભાઈ પાસે પૈસા લેવા આવ્યો છું.”, અમય હળવેથી બોલ્યો.
તરત જ તેના ભાઈએ ખિસ્સામાંથી પૈસા આપીને કહ્યું કે ચલ જા હવે અહિયાંથી. એમ કરીને અમય ત્યાંથી નીકળવા જતો જ હતો ત્યાં જ તેની નજર એક છોકરી પર પડી અને તેના પગ ત્યાં જ અટકી ગયા.
એકદમ પાતળી એવી છોકરી, રંગેરૂપે અદ્દલ અપ્સરા જ જોઈ લો. મોટી મોટી આંખો, એકદમ નમણો ચેહરો, હસે ત્યારે માત્ર એક જ ગાલ પર પડતું ખંજન, હોઠથી સહેજ નીચેના ભાગમાં રહેલું તલનું નિશાન જાણે ચેહરાને વધુને વધુ આકર્ષિત બનાવી રહ્યું હતું. ફૂલની પાંખડી જેવા હોઠ અને એ હોઠની વચ્ચેથી કપાસ જેવા ધોળા દાત. પાતળા હાથ અને એ હાથની કલાઈયોમાં પહેરેલી નાની નાની ચૂડી, કમર પર બાંધેલો કંદોરો, પગમાં બાંધેલા ઝાંઝર અને ખુબ જ નજાકતથી આમથી તેમ ફરતી તેની નજર અને અણીયાળી આંખો. ઉમરમાં હજુ ઘણી નાની દેખાતી હતી અને એના કારણે ઢીંગલી જેવી દેખાઈ રહેલી આ છોકરીને જોઇને અમયના પગ ત્યાજ અટકી ગયા અને પાછો મંડપમાં ગોઠવાઈ ગયો.
અમયને જોઇને વરરાજાનો દોસ્ત બોલ્યો કે તું હજુ ગયો નથી અહિયાંથી ? તને કેટલી વાર કીધું કે તારે અહિયાં નાં રહેવાય, ચલ ઉપડ અહિયાંથી. એમ કરીને અમયને પરાણે ત્યાંથી ભગાડી મુક્યો. અમયના પગ ખસવાનું નામ નહોતા લેતા પરંતુ એના ભાઈના ડરથી તે મંડપથી થોડો દુર રહીને આ અપ્સરાને જોવા લાગ્યો. અમય એક નજરે બસ તેની મસ્તી જોવામાં જ હતો એટલામાં જ એનો દોસ્ત આવ્યો અને બોલ્યો, “ચલ એય ! તને પૈસા લેવા મોકલ્યો હતો અહિયાં ઉભો ઉભો શું કરે છે ?”
અમય કઈ બોલ્યો નહિ અને એના દોસ્તને પૈસા આપી અને એને ગમે તેમ કરીને ત્યાંથી મોકલી દીધો. અમયની નજર તે છોકરી પર હતી અને એટલામાં જ અમયના ભાભી ત્યાંથી પસાર થયા અને  એનું ધ્યાન અમય પર ગયું અને તેને એ જોતા વાર નાં લાગી કે શું ચાલી રહ્યું છે.
“દિયરજી ! અહિયાં લગ્નમંડપની પાસે ઉભા ઉભા તમે શું કરી રહ્યા છો ? તમે કોઈને શોધી રહ્યા છો ?”, ભાભીએ જાણે કઈ ખબર જ નાં હોય એવી રીતે પૂછ્યું.
થોડોક ખચકાતા અવાજે અમય બોલ્યો, “ના ના ભાભી ! મારે અહિયાં શું કામ હોય ? હું તો બસ અમસ્તા જ ઉભો હતો બસ જોઈ રહ્યો હતો કે લગ્નની વિધિમાં શું શું હોય એ”
ભાભી હસવા લાગ્યા અને બોલ્યા,”હજુ તો તમારે ઘણી વાર છે દિયરજી, હજુ તો તમે ૧૬ વર્ષના જ છો અને તમે જેને જોઇને લગ્નની વિધિ જોઈ રહ્યા છો એ હજુ ૧૪ વર્ષની જ છે”
અમયનું મો ખુલ્લું રહી ગયું. એ તો બસ ભાભીની સામે આંખ ફાડીને જોતો રહ્યો કે ભાભી આ શું બોલી ગયા ? પોતાની પોલ ખુલ્લી ગઈ હોવાનો એહસાસ થતા અમય થોડો શરમાઈ ગયો અને નીચી નજર રાખીને બોલ્યો કે ભાભી એ છોકરી મને ખુબ ગમે છે, એ કોણ છે ?
“એ મારા સગા ફોઈની દીકરી છે. એનું નામ અક્ષી છે. એ હજુ ૧૪ વર્ષની જ છે દિયરજી. એ આ જ ગામમાં રહે છે અને ૯મુ ધોરણ ભણે છે. એ મારી નાની બહેન થાય.”, ભાભીએ થોડા સીરીયસ હોવાની એક્ટિંગ કરતા જવાબ આપ્યો.
“હા તો હું ક્યા ૮૦ વર્ષનો બુઢ્ઢો છું. હું પણ ૧૬ વર્ષનો જ છું હજુ, અને તમે બંને એક જ પરિવારમાં રહો તો એમાં તમને જ શાંતિ છે તમને અહિયાં પિયર જેવું જ લાગશે”, આંખ મિચકારીને અમય બોલ્યો.
હહાહ્હા ભાભી જોરજોરથી હસી પડ્યા. “દિયરજી તમને પહોચવું અશક્ય છે. પણ તમારી ઉમર હજુ નાની છે અમયભાઈ, આ ઉમરે પ્રેમ નથી થતો હોતો ફક્ત અને ફક્ત આકર્ષણ જ હોય છે અને એ આકર્ષણ લાંબો સમય ટકતું હોતું નથી. કાલે ક્યાંક બીજી જગ્યા એ જશો અને ત્યાં તમને કોઈક બીજી છોકરી ગમી જશે તો ત્યારે પણ એવું જ થશે. એટલે તમારી જાત પર કાબુ રાખો જ્યારે તમે ઉમરલાયક થશો ત્યારે તમારી માટે સરસ મજાની અપ્સરા જેવી છોકરી શોધી આપીશું. હવે તમે અહિયાંથી જાવ અને બહાર તમારા મિત્રો સાથે ફરો. હજુ તો કોલેજ કરવા જશો ત્યારે તો આવી બીજી ૧૦ અક્ષી ભટકાશે ત્યારે આ અક્ષી ધ્યાનમાં પણ નહિ આવે.”
અમય ભાભીની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો અને મંદ મંદ સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો.
અમય ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ પેલી છોકરી હજુ મગજમાંથી જવાનું નામ લેતી નહોતી. એને જોયા પછી અમય કંઈક એવા જ વિચારમાં પડી ગયો હતો કે શું ભાભી કહેતા હશે એમ હશે ? આકર્ષણ જ હોય ખાલી આ ઉમરે ? અને આવું આકર્ષણ હજુ કોલેજમાં પણ થશે એમ કહે છે. જો આકર્ષણ હોય તો આ છોકરી મારા મગજમાંથી કેમ જતી નહિ હોય ? આવા અનેક સવાલોનું યુદ્ધ અમયના મગજમાં રમાઈ રહ્યું હતું. એટલામાં જ પેલી છોકરી તેની સહેલીઓ સાથે ત્યાંથી નીકળી અને જમણવાર ચાલતો હતો તે બાજુના મંડપમાં ગઈ. અમય આપોઆપ તેના તરફ દોરવાઈ ગયો. ત્યાં જઈને જોયું તો ત્યાં હવે ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ હતી જે જમી રહી હતી. અમય થોડો શરમાયો પણ પછી જ્યાં પીરસવાવાળા ઉભા હતા ત્યાં જઈને ઉભો રહી ગયો જેથી કોઈને શંકા નાં જાય.
અક્ષી તેની બહેનપણીઓ સાથે થાળી લઈને પીરસનારના ટેબલ પર આવી પહોચી અને અમયના પગમાં ધ્રુજારી આવવા લાગી. હૃદયના ધબકારા બમણી સ્પીડથી ચાલવા લાગ્યા અને એમ થઇ આવ્યું કે તે અહિયાં હવે થોડી વાર રહેશેને તો તેનું હૃદય બંધ પડી જશે. એટલું વિચારે ત્યાં તો અક્ષી અમય પાસે પહોચી ગઈ અને રાહે હતી કે ક્યારે અમય એના વાટકામાં દાળ ભરી દે તો એ ત્યાંથી ચાલતી થાય. અમયની નજર અક્ષીના ચેહરા પર તંકાઇ ગઈ હતી. થોડીવાર માટે બંનેની નજર મળી પણ હતી પરંતુ અક્ષીએ તરત જ નજર ફેરવી લીધી અને એમ ને એમ ત્યાંથી ચાલી ગઈ.
આજુબાજુના લોકો શાંતિથી વાતો કરતા કરતા જમી રહ્યા હતા અને અમય ફક્ત અને ફક્ત અક્ષી પર નજર ચોટાડીને ઉભો હતો. એકવાર માટે એવો વિચાર પણ એને આવી ગયો કે આટલી બધી વાર કોઈની સામે નાં જોવાય કે સામેવાળાને શરમ આવી જાય. એ ત્યાંથી ચાલ્યો ગયો. જાન વિદાય થઇ અને વિદાય વખતે પણ અક્ષીનો ચેહરો જોયા વગર જવાનું મન નાં થયું એટલે એ તરત જ મંડપ બાજુ આવ્યો અને જોયું તો વિદાય લેતી કન્યાને જોઇને અને આજુબાજુમાં બીજા લોકોને રડતા જોઇને એ પણ રડી રહી હતી. મોતીના દાણા જેવા આંસુડાઓ તેના શ્વેત ગાલ પરથી દડીને નીચે પડતા હતા અને એનો ઘા અમયને લાગી રહ્યો હતો. એને હજુ સુધી કઈ સમજમાં નહોતું આવતું કે એની સાથે શું થઇ રહ્યું છે.
આખરે જાન વિદાય થઇ અને અમય, ભાઈ-ભાભી બધાય ઘર તરફ જવા માટે રવાના થયા. છેક ઘર સુધી અમય એક પણ શબ્દ નાં બોલ્યો અને ફક્ત ને ફક્ત કંઈક વિચારમાં ખોવાયેલો રહ્યો. ભાભીનું ધ્યાન હતું જ પણ એણે કઈ કહ્યું નહિ અને ભાઈએ પૂછ્યું કે શું થયું અમયને તો એણે પણ વાત ફેરવી નાખી કે કદાચ તબિયત સારી નહિ હોય અથવા તો કંઈક થયું હશે ખબર નહિ.
બીજા દિવસથી હતું એમ જ રૂટીન શરુ થઇ ગયું અને દરેક લોકો પોતપોતાના રોજીંદા કામમાં જોડાઈ ગયા. અમય તે દિવસથી જાણે સાવ બદલાઈ જ ગયો હતો. ઘરમાં બીજું કોણ જાણે એણે શું તકલીફ હતી. અમય ચુપચાપ ઉઠીને તૈયાર થઈને સ્કુલ જવા માટે નીકળી જતો ત્યાંથી ટ્યુશન અને ત્યાંથી બહાર રમવા. એ બને ત્યાં સુધી અક્ષીને ભૂલવાની કોશિશ કરતો હતો પણ ગમે ત્યાંથી કંઈક ને કંઈક રીતે એની યાદ આવી જતી.
જેમ તેમ કરીને થોડા દિવસોમાં અમયનું ધ્યાન ધીમે ધીમે ભણતર તરફ વળ્યું અને ધીમે ધીમે અક્ષી મગજમાંથી જવા લાગી અને પાછો જેવો હતો તેવો જ અમય બની ગયો. થોડા સમય પછી અમયને એક પ્રસંગમાં પોતાના ગામડે જવાનું થયું અને ત્યાં ગયો અને ભાભીની જોડે એ અક્ષી ફરીવાર દેખાઈ અને ફરીથી અમયની એ દટાયેલી યાદોના પોપડા ઉખડી ગયા અને ફરી પાછો એ જ ઘટનાઓમાં લાગી ગયો. બસ એને જ જોયા કરે અને એના સિવાય ક્યાય જવાનું નામ નાં લે. ૧૬ વર્ષનું આ આકર્ષણ હતું કે પ્રેમ એ તો એને પણ નહોતી ખબર પણ અંદરથી એને ખુબ જ ગમતું આ બધું એ એણે મહેસુસ કર્યું હતું.
ભાગ – ૨
ફરીવાર જ્યારે એને જોઈ ત્યારે એમ લાગ્યું કે દુનિયાની સૌથી સુંદર હુરપરી અહિયાં આવી ગઈ છે. નાની ઉમરે થતો અહેસાસ કંઈક અલગ જ લાગતો હતો અમયને. અમય એક ખુબ મળતાવડો અને હસમુખો છોકરો હતો. સ્કુલમાં અવ્વલ નંબરે માર્ક્સ મેળવીને પાસ થવું, દરેક પ્રતિયોગીતામાં ભાગ લેવો, વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું, અને નવા નવા દોસ્ત બનાવવા જાણે એનો શોખ હતો. સ્વભાવે એકદમ ભોળો અને માસુમ અમય તોફાની પણ એટલો જ હતો પરંતુ એના તોફાની સ્વભાવની બધાને ખબર નાં પાડવા દેતો બસ એ તો એની ધૂનમાં જ મસ્ત રહેતો અને વાર્તાઓ વાંચીને સ્વપ્નોની દુનિયામાં રાચનારો અમય નાની ઉમરે ઘણું બધું શીખી ગયો હતો. સ્કુલમાં પણ સૌનો માનીતો હતો અને છોકરાઓ કરતા છોકરીઓ સાથે જ વધારે રહેતો એટલે એવું પણ નહોતું કે અક્ષીને જોઇને એને પહેલીવાર છોકરી જોયાની અનુભૂતિ થઇ હોય. એ પોતે પણ આ બાબતે વિચારતો કે સ્કુલમાં બધી છોકરીઓ છે એની જોડે તો વાત કરું છું, એમની સાથે બેસીને એમના જ ડબ્બામાંથી નાસ્તો કરું છું, એમની સાથે રમતો હોવ છું છતાં પણ એ લોકો તરફ મને આકર્ષણ નહિ થતું પરંતુ અક્ષીને તો મેં માત્ર જોઈ જ છે તો એને જોઇને મારા મનમાં કેમ તરંગો ઉઠતા હશે ? ૧૬ વર્ષની મુગ્ધાવસ્થાના આવા અનેક પ્રશ્નો અમયને કોરી ખાતા અને એના જવાબો એને વાંચેલી વાર્તાઓમાં શોધ્યા કરતો જેમાં છોકરા છોકરીઓના પ્રેમની વાતો આવતી હોય.
આજે તો અક્ષી પોતાના ગામમાં આવી હતી અને પોતાના ઘરના પ્રસંગમાં આવી હતી એટલે અમયને આજે કોઈને કોઈ રીતે તો અક્ષી જોડે વાત કરવી જ હતી એની સાથે અને એની નજીક રહેવું હતું આજનો દિવસ. પરંતુ કઈ રીતે એ ખબર પડતી નહોતી. એટલામાં જ ભાભી અમય પાસે આવ્યા અને બોલ્યા અમયભાઈ તમે જમી લીધું ?
“હા ભાભી હજુ હમણા જમીને જ અહિયાં આવ્યો છું. કેમ શું થયું ? કઈ કામ છે ?”, અમય એકદમ આજ્ઞાકારી વિદ્યાર્થીની જેમ બોલ્યો.
“દિયરજી, કામ છે એટલે તો પૂછું છું. તમે મારી બહેનને આપણા બીજા ઘરે લઇ જાઓ એણે એ ઘર નથી જોયું અને એને થોડો આરામ કરવો છે એને માથું દુઃખે છે એટલે.”, ભાભી ધીમેથી અક્ષી તરફ ઈશારો કરીને અમય સામે બોલ્યા.
નૈનાભાભી જે હજુ ૨ વર્ષ પહેલા જ આ ઘરમાં મોટાભાઈ જોડે પરણીને આવ્યા હતા. દાદાનો દીકરો મોટોભાઈ ખુબ જ નસીબદાર હતો કે જેને પત્ની તરીકે નૈનાભાભી મળ્યા હતા. એકદમ લાડકોડથી એના પિયરમાં ઉછરેલા ભાભી એટલા નસીબદાર હતા કે એમને સાસરીયામાં પણ એવો જ પ્રેમ મળતો હતો. સામાન્ય રીતે ઘરમાં સાસુ-વહુ અથવા તો નણંદ-ભાભી વચ્ચે ક્યારેક ને ક્યારેક કોઈક ખટરાગ રહેતો જ હોય છે પણ ભાભી અને અમયના મોટાબા વચ્ચે કોઈ દિવસ કોઈ નાની એવી બાબતમાં પણ ઝઘડો કે માથાકૂટ થયેલી નહોતી. આખું ઘર એને એવી રીતે સાચવતા જાણે કોઈ મા પોતાના બાળકને સાચવતી હોય. દરેકની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, દરેકને ભાવતી રસોઈ બનાવી દેવી, દરેક કામમાં આગળ પડતું રહેવું અને એકદમ મીઠી અને મધુર બોલીથી સામેવાળી વ્યક્તિને પોતાની બનાવી લેવી જાણે એ ભાભીને વારસામાં મળ્યું હોય એવા સંસ્કારો હતા. ઘરમાં ક્યારેક કોઈ બીમાર પડ્યું હોય ત્યારે ભાભી દિવસ રાત જોયા વગર એમની સેવા-ચાકરી કરતા અને ભગવાન પાસે એમને સારા થઇ જવાની પ્રાર્થના કર્યા કરતા અને જ્યારે ભાભી પોતે બીમાર પડ્યા ત્યારે જાણે આખું ઘર પાંગળું બની ગયું હતું અને ત્યારે ઘરના દરેક સભ્યોને ભાભી પર વધારે માન થઇ આવ્યું હતું કે આ છોકરી આપણા કુટુંબની લક્ષ્મી બનીને આવી છે. કુટુંબમાં સૌથી વધારે ભાભીને કોઈના જોડે બનતું હોય તો એ હતો અમય. એ લાડથી એને દિયરજી કહીને જ બોલાવતા. ઘણીવાર અમયભાઈ પણ કહેતા. ભાભીને કોઈ સગો ભાઈ નાં હોવાથી ભાભી અમયને જ પોતાનો નાનો ભાઈ માનતા અને રાખડી પણ બાંધતા. પરંતુ પેલો સબંધ દિયરનો હોવાથી હમેશા દિયરજી શબ્દ જ મોઢા પર આવતો.
ભાભીએ તો જાણે અમયના મનની વાત જાણી લીધી હોય અને સામેથી જ મદદ કરી હોય એવું લાગવા લાગ્યું. અમય તરત જ તૈયાર થઇ ગયો., “હા ! હા ! ભાભી એમાં કઈ નાં થોડી પાડવાની હોય, એમને કહો બહાર હું ગાડી કાઢું છું ત્યાં આવી જાય હું એમને આપણા બીજા ઘરે લઇ જાઉં છું.” મનમાં ને મનમાં હરખાતો અમય ઘરની બહાર જઈને ગાડી કાઢતો હતો. ટુ વ્હીલમાં અમયના પગ માંડ માંડ પહોચતા હતા પરંતુ પોતે ગાડી સારી રીતે ચલાવી લેતો. ગાડી બહાર કાઢી એટલામાં જ અક્ષી ધીમે ધીમે બહાર આવી. એની નજર હજુ પણ નીચે જ હતી. ધીમેથી ગાડી પર બેસી ગઈ. અમય એ હળવેથી પૂછ્યું, ” ચાલવા દઉં ? તમે સરખી રીતે બેસી ગયા ને ?”
“હમમ” ટુકાક્ષરીમાં જવાબ આવ્યો.
ધીમે રહીને અમયની ગાડી ચાલવા લાગી. રસ્તામાં અમય વિચાર કરતો હતો કે કંઈક વાત શરુ કરે એમ પણ હિંમત જ નહોતી ચાલતી. માંડ માંડ હિંમત એકઠી કરીને હજુ અમય કઈ બોલવા જાય છે ત્યાં જ બાજુની વાડમાંથી એક કુતરું દોડતું દોડતું વચ્ચે આવ્યું અને સીધું જ અમયની ગાડીને અથડાયું. અમયથી ગાડી પર કાબુ નાં રહ્યું અને ગાડી રસ્તા પર પાણી ઢોળાય એમ ઢોળાઈ ગઈ. માંડ માંડ કરીને ગાડી ઉભી કરી અને જોયું તો અક્ષી હજુ જમીન પર જ બેઠી હતી અને કોણી છોલાઈ ગઈ હતી એની પરથી ધૂળ દુર કરી રહી હતી. અમયે તરત જ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને અક્ષીની કોણી પકડીને ત્યાં કાંકરી ઉખેડીને રૂમાલ બાંધી દીધો. અમય સોરી સોરી બોલતો હતો અને ઘા સાફ કર્યે જતો હતો અને અક્ષી અમય તરફ જોઈ રહી હતી અને થોડું દુખ્યું અને અક્ષીના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. અમયનું ધ્યાન અક્ષીના ચેહરા તરફ ગયું અને એની આંખમાં આંસુ આવી ગયા હતા. એ રડી રહી હતી. અમય ત્યાંથી ઉભો થયો અને અક્ષીને ફરીવાર ગાડીમાં બેસવા માટે કહ્યું પરંતુ અક્ષી ઉભી જ નાં થઇ. અક્ષી પોતાના પગને પસવારી રહી હતી કદાચ એનો પગ મચકોડાઈ ગયો હતો પણ અમય ને એ વાત ખબર નાં પડી અને એણે અક્ષીને ઉભી કરવા માટે મદદ કરી અને ગાડી પાસે લઇ ગયો અને ગાડી પર બેસાડી અને જેમ તેમ કરીને અક્ષીને લઈને ઘરે પહોચ્યો.
ઘરે પહોચીને તરત જ અમય ત્યાં મુકેલી મેડીકલ કીટ લઇ આવ્યો અને એમાંથી ડેટોલની શીશી કાઢી અને રૂનું પૂમડું લઈને અક્ષીની કોણીએ લગાવા માટે અક્ષીનો હાથ પકડ્યો. અક્ષીએ માત્ર ડોકું હલાવીને નાં પાડી પરંતુ અમય નાં માન્યો અને બોલ્યો કે આ લગાવી દઈશ એટલે જલ્દીથી સારું થઇ જશે. થોડા માલિકીભાવથી બોલેલો અમય આજે જાણે ડોક્ટર હોય એમ વર્તતો હતો. અક્ષીએ માત્ર આંખની પાપણોથી હા પાડી અને અમય કોણીએ લાગેલા ઘા ને રૂ થી સાફ કરવા લાગ્યો. ડેટોલ અડતાની સાથે જ અક્ષીથી ચીસ નીકળી ગઈ અને અમય હળવેથી એ ઘા પર ફૂંક મારવા લાગ્યો જેથી અક્ષીને થોડી ઠંડક મહેસુસ થઇ અને શાંત પડી. રૂ લગાવીને પછી માથે પાટો બાંધી દીધો. અમય ઉભો થવા જતો હતો ત્યાં જ અક્ષીએ હાથ વડે અમયના ગોઠણ તરફ ઈશારો કર્યો ત્યારે અમયને ખબર પડી કે પોતાને પણ વાગ્યું છે. કારણ કે અક્ષીની સંભાળ રાખવામાં પોતે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો હતો. અમયે હીરોગીરી કરતા કહ્યું, “અરે એવા નાના-મોટા ઘા તો લાગ્યા કરે, રોજનું છે મારે તો.” હવે તમે આરામ કરો હું અહિયાં બહાર ટીવી જોઉં છું. સુઈ જાવ. એમ કરીને અમયે એક ચાદર અક્ષીને આપી અને અક્ષી શાંતિથી સુઈ ગઈ.
અમય બહાર બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો પરંતુ એનું મગજ અક્ષી વિષે વિચારી રહ્યું હતું. કમાલ છે આ છોકરી ! આટલું બધું બની ગયું પણ હજુ સુધી એક શબ્દ પણ મારી સાથે બોલી નહિ, માત્ર ઇશારાથી જ વાતો કરે છે. લગ્નપ્રસંગમાં તો એની સહેલીઓ સાથે ખુબ મસ્તી મજાક કરતી જોઈ હતી તો અત્યારે એને શું થઇ ગયું છે ? ટીવી જોતા જોતા અમયને પોતાને પણ ક્યારે ઊંઘ આવી ગઈ એની પોતાને ખબર નાં રહી અને થોડી વારમાં જ ભાભી પણ ત્યાં આવ્યા અને જોયું તો અમય સૂતેલો હતો અને એના ગોઠણ પર લોહીના ડાઘાનું નિશાન હતું.
“હાય હાય ! અમયભાઈ આ શું કર્યું ? ક્યા વાગ્યું આ ?”, ભાભી એકદમ બેબાકળા થઈને બોલ્યા.
શશશ.. ધીમે બોલો ભાભી. અક્ષી અંદર સુઈ રહી છે. અમે રસ્તામાં પડ્યા ગાડી પરથી. એમ કરીને અતઃ થી ઇતિ સુધીની બધી જ વાત અમયે ભાભીને કરી. ભાભીએ ભગવાનને દીવો કર્યો અને પ્રાર્થના કરી કે,”ભગવાન તારો આભાર કે મારા દિયરને અને મારી બેનને કઈ થયું નથી.”
બપોર પછીના સમયે જ્યારે તડકો આવતો બંધ થઇ ગયો ત્યારે અક્ષી જાગી અને તૈયાર થઇ ગઈ અને એમને એના ઘરે જવાનો સમય થઇ ગયો હતો. થોડો આરામ કરવાથી અક્ષીને થોડી રાહત થઇ હતી અને પગ મચકોડાયો નહોતો ફક્ત થોડીવાર માટે જ દુખી રહ્યો હતો એ વાત એને સમજાણી. ઘરના બધા સભ્યો અત્યારે અહિયાં સાથે જ હતા અને વિદાય લેવાની તૈયારી કરી રહ્યા હતા. એકબીજાને રામે-રામ કરીને બસ નીકળતા જ હતા અને અમયના ચેહરા પર ફરીવાર એ જુદા થવાનું દુઃખ ઉપસી આવ્યું. પોતાના પાપાની ગાડીમાં બેસતી વખતે અક્ષીએ હળવેથી પાછળ ફરીને અમય સામે જોયું અને એક મધમીઠું ધીમું સ્મિત કર્યું અને અમય એ ક્ષણમાટે બધું જ ભૂલી ગયો. એ ધીમું સ્મિત કરતો ચેહરો અને એ સ્મિતની સાથે જ એના એક ગાલ પર પડેલું ખંજનવાળો ચેહરો અમય પોતાની યાદમાં કંડારી રહ્યો હતો કે જેનાથી હવે દિવસો કાઢવાના હતા.
અમય આ દિવસને પોતાની જિંદગીનો અમુલ્ય સમય ગણી રહ્યો હતો કે જેમાં એને અક્ષી સાથે આટલા નજીક રહેવાનો મોકો મળ્યો હતો. અમયને શરીરનું આકર્ષણ એટલું નહોતું પરંતુ ફક્ત અક્ષીની સાથે રહેવાનું જ ગમતું. એ સતત એમ જ વિચાર્યા કરતો હતો કે ફક્ત અક્ષીની સાથે હસી ખુશીથી વાતો કરે, એની સાથે જ હરે ફરે. એને પ્રેમ, શરીરનું આકર્ષણ એ બાબતમાં હજુ લાંબી ગતાગમ નહોતી પડતી. બસ હવે તો ફરીવાર ક્યારે અક્ષીને મળવાનું થશે એની જ રાહે હતો અમય.
ભાગ – ૩
ગામડેથી આવીને હવે અમય કંઈક અલગ દુનિયામાં જ રચ્યોપચ્યો રહેતો પરંતુ ખુશ રહેતો. અક્ષીનું એ મધુર સ્મિત યાદ કરીને એકદમ સ્ફૂર્તિલો બની જતો. હમણાં થોડા સમય માટે ગામડે જવાના કોઈ ચાન્સ નહોતા કારણ કે હવે થોડા સમય માટે કુટુંબમાં કોઈ પણ પ્રસંગ આવતો નહોતો કે એના બહાને અક્ષીને મળી શકાય. અમયને આ વાતની ગણતરી હતી જ એટલે એણે સમજી વિચારીને જ હવે ભણવામાં પોતાનું મન બનાવી લીધું હતું અને ધ્યાન આપીને ભણવા લાગ્યો હતો. પરંતુ અચાનક ક્યારેક અક્ષી યાદ આવી જતા એમ ને એમ ગુમસુમ પણ થઇ જતો.
આમ ને આમ જ ૨ વર્ષ જેટલો સમય નીકળી ગયો હતો. માત્ર ભાભી કોઈ કારણસર પોતાના પિયર જાય ત્યારે અમયને ભાભીની રાહ રહેતી કે ભાભી ક્યારે ઘરે આવે અને ક્યારે અક્ષી વિષે એને જણાવે, અને ભાભી જ્યારે જ્યારે અક્ષી વિષે વાત કરતા ત્યારે અમય એકદમ કુતુહલતાથી સાંભળતો જાણે કે કોઈ રોચક વાર્તા સાંભળી રહ્યો હોય. થોડા દિવસ માટે અમય ફરી પાછો અક્ષીની યાદોને મમળાવ્યા કરતો અને થોડા સમય પછી જાણે પાછો એને ઓળખતો જ નાં હોય એવો બની જતો. કારણ કે અમય હવે નવી દુનિયા જોઈ રહ્યો હતો. પુખ્ત ઉમરમાં પહોચી ચુક્યો હતો એટલે ઘણી બધી સમજણ અમયમાં આવી ચુકી હતી અને એના કારણે જ અમય હવે પોતાની કેરિયર બનાવવા તરફ ધ્યાન આપવા લાગ્યો હતો અને એ દરમિયાન અમયના મગજમાંથી અક્ષી સાવ ગાયબ જ થઇ જતી.
સમયના આ ચક્રવાતમાં અક્ષીની દુનિયા પણ બદલાઈ ચુકી હતી. અક્ષીને પહેલેથી જ અમય તરફ કોઈ આકર્ષણ તો નહોતું પણ એ ભૂતકાળની યાદ અને એના મગજમાં હજુ પણ એમ ને એમ સહી સલામત હતી જેના કારણે તે અમયને ઓળખતી હતી. અક્ષી પણ હવે યુવાનીમાં પ્રવેશી ચુકી હતી. યૌવનના ઉંબરે ઉભેલી આ રૂપરૂપના અંબારને હવે અનેક સપનાઓ અને કોડ જાગ્યા હતા કે એનો રાજકુમાર આવશે અને એને લઇ જશે. બાળપણમાં સાંભળેલી પરીકથાઓ જાણે એને હવે સાચી લાગતી. પરંતુ એ વિચારોમાં અમયનું સ્થાન ક્યાય પણ નહોતું. અક્ષીએ પોતાના પિતાને મદદ કરવા માટે હવે ભણવાનું મૂકી દીધું હતું અને પિતાની સાથે ખેતર જતી અને ખેતીના કામમાં પિતાને મદદ કરતી અને ઘર સંભાળતી જવાબદાર છોકરી બની ગઈ હતી. પેલી કહેવત છે ને કે “છોકરીઓ જલ્દીથી સમજદાર બની જતી હોય છે.” ભણવાનું મુકવાના કારણે તેનું મગજ હવે બહારની દુનિયા સાથેથી જોડાણ ખોઈ બેઠું હતું એને આ દુનિયાદારીની સમજ નહોતી આવી, એના માટે તો દરેક વ્યક્તિ ખુબ જ સારી અને સંસ્કારી જ હોતા. સોળ વર્ષની થઇ ગયેલી આ નાની બાળકીમાંથી રૂપકડી કન્યા બનેલી અક્ષીમાં હવે શારીરિક ફેરફારો અને કુદરતી ચક્રોને કારણે મગજની વિચારધારાઓ પોતાની જાત પ્રત્યે સજાગ બનાવી રહ્યા હતા જેના કારણે તે વધુ ને વધુ સંકોચાતી જતી હતી. અક્ષીની માં સતત એક જ વિચારો કરતી કે આવી રૂપકડી કુમળા ફૂલ જેવી છોકરી મારા ઘરે જ કેમ જન્મી ? હવે આને જલ્દીથી જ હાથ પીળા કરી દેવા જોઈએ નહિતર નાં કરે નારાયણને ગામની નજર લાગી જશે તો ગામ માં ક્યાય મોઢું દેખાડવા લાયક નહિ રહીએ.
બીજી બાજુ સમય અને સંજોગોની થપાટ લાગતા અમયના પિતાનો ધંધો ચોપટ થઇ ગયો હતો. માથે લાખો રૂપિયાનું દેવું થઇ જતા અમયનું ધ્યાન ભણવામાંથી હટીને હવે કમાવા પર આવી ગયું હતું. તેમ છતાં અમયે શહેરની સૌથી સારી કોલેજમાં એડમીશન લીધું હતું. એણે કોલેજની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ કરવાનું નક્કી કરી લીધું હતું. ૧૮ વર્ષની પુખ્ત ઉમરે હાથમાં બુકની જગ્યાએ ઘરની જવાબદારી લઇ લેવા માટે અમય તૈયાર થઇ ગયો હતો. ધીમે ધીમે કામ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીના કારણે અમય એક જવાબદાર પુરુષ બનવા તરફ જઈ રહ્યો હતો.
કામના અને ભણતરના ટેન્શનમાં હવે અમય અક્ષીને ભૂલી ચુક્યો હતો. કોલેજમાં ભણવાનું શરુ થતાની સાથે જ અમયની દોસ્ત બનાવવાની ટેવના કારણે અમય ધીમે ધીમે ક્લાસમાં ફેમસ થઇ રહ્યો હતો. છોકરીઓ તેની પ્રતિભા, બોલવાની અદા, અને પર્સનાલીટીથી ઈમ્પ્રેસ થઈને એની સાથે સામેથી દોસ્ત બનવા આવી જતી અને અમય ખુશી ખુશી એની દોસ્તીનો સ્વીકાર કરી લેતો. શહેરની સારી કોલેજમાં હોવાના કારણે અમયને અક્ષી કરતા પણ વધારે સારી એવી છોકરીઓ કોલેજમાં જોવા મળતી અને એમાંથી મોટાભાગની અમયની દોસ્ત પણ હતી. એ દરેક દોસ્તોની વચ્ચે અમયની એક એવી દોસ્ત હતી જે એના માટે સ્પેશીયલ હતી. જેનું નામ હતું “અલીશા”.
જર્મનીમાં જન્મેલી અને ઉછરેલી અલીશા છેલ્લા ૩ વર્ષથી હવે ભારતમાં રહેતી હતી. પૈસેટકે એકદમ સદ્ધર પરિવારમાંથી આવતી અલીશા એકદમ બિન્દાસ્ત બોલ્ડ અને અલ્લડ સ્વભાવની છોકરી હતી. કોલેજમાં ફોરવ્હીલ લઈને આવતી અને સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ એની સામે જ જોઈ રહેતા. પોતે ડ્રાઈવ કરીને આવવું, બિન્દાસ્ત વેસ્ટર્ન કપડા પહેરવા, પોતાના આકર્ષક ફિગરને પ્રદર્શિત કરવું એ જાણે એનો શોખ હતો. આટલી બિન્દાસ્ત અને બોલ્ડ છોકરી હોવા છતાં અલીશાનું નાક વિન્ધેલું હતું અને એમાં એક ચૂંક પહેરેલી હતી. ભારતમાં આવીને એણે આ ચૂંકને ફેશન તરીકે સમજીને પોતે પણ પહેરવાનું શરુ કર્યું હતું અને એ ચૂંકના કારણે જ લોકોનું ધ્યાન એના તરફ ખેંચાતું. એ આકર્ષક ચેહરાની વચ્ચે એ ચૂંક ચાંદની વચ્ચે રહેલા ડાઘા જેવી લાગતી પરંતુ સરવાળે તો આખા ચેહરાને શોભાવનારી એ ચૂંક જ હતી.
અલીશા અને અમય બંને એક જ ક્લાસમાં ભણતા અને ખુબ થોડા સમયમાં જ બંને સારા એવા પરિચયમાં આવી ગયા હતા અને દોસ્ત બની ગયા હતા. અલીશાના અલ્લડ સ્વભાવના કારણે લોકો વિચારતા કે અમયને એની સાથે કેમ બનતું હશે ? જ્યારે જયારે અલીશા અમયની સાથે રહેતી ત્યારે બીજી છોકરીઓ કે છોકરાઓ અમય પાસે આવતા જ નહિ. અલીશાને આખા ક્લાસમાં માત્ર અમય સાથે જ બનતું. પેલી કહેવત છે ને કે “Opposites always attracts” એકબાજુ શાંત અને સમજુ પ્રકૃતિનો એ અમય અને બીજી બાજુ બિન્દાસ્ત બોલ્ડ અલ્લડ અલીશા. બંનેની કોઈ પણ ટેવ અથવા તો શોખ મળતા ના હોવા છતાય બંને વચ્ચેનું ટ્યુનીંગ જબરદસ્ત હતું. બંનેને એકબીજા વગર થોડીવાર માટે પણ નાં ચાલતું. જ્યારે જુઓ ત્યારે બંને કોલેજમાં સાથે જ હોય. ક્લાસમાં પણ એક જ બેંચ પર બેસતા અને કેન્ટીનમાં પણ એક જ ટેબલ પર બેસીને ટોળ-ટપ્પા અને મજાક મશ્કરી કર્યા કરતા.
કહેવાય છે ને કે “છોકરીઓ અને ઉકરડાઓ દિવસે નાં વધે એટલા રાત્રે વધે અને રાત્રે નાં વધે એટલા દિવસે”. અક્ષીની બાબતમાં પણ આવું જ થયું હતું. ૧૬ વર્ષની યૌવનના ઝણકાર કરતી અને મધુર સ્મિત વેરતી અક્ષી જયારે પોતાના ઘરેથી ખેતર જવા માટે નીકળતી ત્યારે ગામના છોકરાઓ ચોરે આવીને બેસી જતા અને ગંદી નજરે એની સામે તાકતા રહેતા અને યુવાનો આ ઉગીને ઉભા થયેલા કુમળા ફૂલના રસને ચૂસી લેવાના સપના જોયા કરતા. અક્ષી કોઈને પણ ભાવ આપે એવી છોકરી નહોતી. એ તો બસ નીચી નજર કરીને ચાલી જતી અને નીચી નજર કરીને ઘરે આવી જતી પરંતુ ગામ આખામાં અક્ષીની સુંદરતાના વખાણ થતા અને એ સાંભળીને અક્ષીની માંને ખુબ ચિંતા થતી કે ક્યાંક મારી છોકરીને કોઈની ખરાબ નજર નાં લાગી જાય.
અમય અને અલીશાની દોસ્તી હવે આખી કોલેજમાં ફેમસ થઇ ચુકી હતી. અમય ભણવામાં પણ હોશિયાર હતો અને કોલેજની દરેક એક્ટીવીટીમાં પણ અવ્વલ જ રહેતો એટલે એણે આખી કોલેજના દરેક વિદ્યાર્થી અને પ્રોફેસરો પણ ઓળખતા. અમયના સંઘર્ષ અને જવાબદારી વિષે પણ લગભગ વિદ્યાર્થીઓને ખ્યાલ હતો એના કારણે દરેક લોકો અમયને માન આપીને જ બોલાવતા. અલીશા હવે અમય સાથે રહીરહીને એક સારી છોકરી બની ગઈ હતી એના સ્વભાવમાં ઘણો બધો સુધારો હતો અને એના કારણે હવે એણે કોલેજમાં ઘણા લોકો સાથે દોસ્તી પણ થઇ ગઈ હતી. બંને વચ્ચે સારી એવી દોસ્તી થઇ ગઈ હતી પરંતુ અમયના ઘરના સભ્યો થોડા સંકુચિત મગજના હોવાના કારણે અલીશા સાથેની દોસ્તીની વાત ઘરમાં કોઈને ખબર નહોતી. અમય એ વિષે કોઈ દિવસ કઈ જ નાં બોલતો બસ ચુપચાપ પોતાનું કામ કર્યે રાખતો.
એક દિવસ કોઈ કામથી અમયને ગામડે જવાનું થયું અને ત્યાંથી અક્ષીના ગામડે પણ જવાનું હતું એવું અમયના પિતાએ કહ્યું હતું. અમયને જાણે કોઈએ વર્ષો પાછળ ધકેલી દીધો હોય એવો એહસાસ થયો. અચાનક અક્ષીનું નામ આવતા જ અમયના મનમાં જૂની ભૂતકાળની યાદો ફિલ્મની રીલની માફક ફરવા લાગી અને અમય વિચારમાં પડી ગયો કે છેલ્લા ૨.૫ વર્ષથી હું અક્ષીને મળ્યો નથી એને જોઈ નથી એ કેવી લાગતી હશે ? શું હશે ? એક તાલાવેલી મગજમાં લાગેલી હતી. ગામડે જઈને કામ પતાવ્યું અને અક્ષીના ગામમાં જઈને બીજા એક કામથી એના જ ઘરે જવાનું થયું અને અચાનક અમયનું ધ્યાન રસોડાની અંદર ચા બનાવતી અક્ષીની સામે ગયું અને અમય આભો બની ગયો. ૨.૫ વર્ષ પહેલા જોયેલી એ અક્ષી હવે સંપૂર્ણ બદલાઈ ગઈ હતી અને હવે હૃદયના ધબકારા ચુકાવી દે એવી જોબનવંતી છોકરી બની ચુકી હતી. જેટલો સમય બેઠા એટલો સમય તેનું ધ્યાન માત્ર અક્ષી તરફ જ રહ્યું પણ અક્ષીને તો જાણે કઈ યાદ જ નાં હોય એમ એ ચા આપીને જતી રહી. એના ચેહરા પર કોઈ એવા ભાવ નહોતા કે અક્ષી અમયને પહેલા મળી ચુકી છે. એકદમ સપાટ અને ભાવ વગરનો ચેહરો જોઇને અમયને હૃદયમાં શેરડો પડ્યો. ઉતરેલા ચેહરાએ અમય ઘરે આવ્યો ત્યારે ભાભીને એ સમજતા વાર નાં લાગી કે અમયને શું થયું હશે. ભાભી એ પૂછતાં જ અમયે બધી વાત કરી અને અમય અલીશાને મળવા જતો રહ્યો કે જેથી તેનો મુડ સારો બની શકે.
થોડા દિવસમાં અમય પાછો હતો એવોને એવો બની ગયો અને અચાનક ઘરે જતા જ ભાભીએ અમય ને સમાચાર આપ્યા કે “અક્ષી માટે એક ખુબ સારા ઘરમાંથી માંગુ આવ્યું છે અને જો છોકરો છોકરીને એકબીજાને જોઇને ગમી જશે ને તો લગભગ નક્કી થઇ જશે.”
અમયને ધ્રાસકો પડ્યો અને ત્યાં જ બેસી રહ્યો અને વિચારવા લાગ્યો કે હવે શું કરીશ ?
ભાગ – ૪
બે-ત્રણ દિવસમાં જ અક્ષીને જોવા માટે મહેમાન આવી ગયા અને પોતાના તરફથી “હા” બોલીને પણ ગયા. શું કામ નાં બોલે “હા” ? અક્ષી હતી જ એવી કે કોઈને “ના” પડવાનું કારણ જ નાં મળે. અક્ષીને પણ છોકરો ધ્યાનમાં આવી ગયો હતો પરંતુ એણે મમ્મી પાપાને કશું જ કહ્યું નહિ પણ મનોમન હરખાતી અક્ષી સપનાઓમાં સરી ગઈ અને બીજી તરફ અમયને આ વાતની ખબર પડતા એટલો બેચેન બની ગયો હતો કે એને કઈ ભાન જ નહોતું રહ્યું કે પોતે હવે શું કરે ? નૈનાભાભીએ જે પ્રમાણે છોકરા વિષે વિગતો આપી હતી એ પરથી તો એવું જ લાગી રહ્યું હતું કે આ છોકરો બધાને પસંદ આવી જ જશે અને આ સબંધ બનીને જ રહેશે. અમય પોતાના મગજ પર એટલો ભાર દઈ રહ્યો હતો કે પોતે કંઈક વિચારે અને આ સબંધ થતા અટકાવી શકે પરંતુ આજે મન પણ સાથ દેવા માટે મનાઈ કરી રહ્યું હતું.
અમયની ધારણા પ્રમાણે સાચું પડ્યું, અક્ષીના મમ્મી પાપાને અને ઘરના દરેક સભ્યને છોકરો ગમી ગયો હતો અને અક્ષીને તો પહેલી નજરે જ ધ્યાનમાં આવી ગયો હતો પરંતુ હજુ અક્ષીના ઘરમાંથી કોઈએ “હા”માં જવાબ મોકલ્યો નહોતો, અમયને અંતે એવું લાગ્યું કે હવે આ વાત ભાભીને કરવી જ પડશે. એમ વિચારીને સીધો જ ભાભી પાસે ગયો.
ભાભી ! ભાભી ! ક્યા ગયા ?
એકદમ મધુર લહેકાથી ભાભીએ જવાબ આપતા કહ્યું, ” આ રહી દિયરજી, એટલું બધું તો શું ઉતાવળું કામ આવી ગયું તો આમ ઘોડે ચડીને આવી ગયા છો. બોલો શું થયું ?”
“અરે ભાભી આમ ને આમ ચાલશે તો ઘોડે તો શું ગધેડે પણ તમારો દિયર નહિ ચડે.”, અમય બની શકે એટલા શાંત સ્વરે બોલ્યો.
“હહાહ્હા કેમ દિયરજી એવું તો શું થઇ ગયું ? કોલેજમાં કોઈ છોકરી “હા” નથી પાડતી ?”, ભાભીએ મજાક કરતા કહ્યું.
ભાભી મારી વાત સાંભળો કોલેજને ઘડીક બાજુએ મુકો, “તમે પ્લીઝ કંઈક કરો, હું નથી ઈચ્છતો કે અક્ષીનો સબંધ તે છોકરા સાથે નક્કી થાય.”
આશ્ચર્યચકિત થઈને ભાભી બોલ્યા, “પણ શું કામ ? તે સારા ઘરનો છોકરો છે, પોતે એન્જીનીયર છે. મુંબઈમાં પોતાનું મોટું ઘર છે. એના ખાનદાનનું સમાજમાં મોટું નામ છે, આનાથી વધારે સારો છોકરો અક્ષીને ક્યા મળે ?”
અમય થોડો ગુસ્સે થતા બોલ્યો, “પણ ભાભીએ છોકરો અક્ષી કરતા તો ઘણો મોટો છે એમ કહેતા હતા ને તમે ? ઉમરનો મેળ નથી ભાભી.”
ભાભી થોડું હસતા બોલ્યા,”અમયભાઈ લગ્નસબંધમાં છોકરો હમેંશા છોકરી કરતા મોટો હોય એ જ સારું કહેવાય. છોકરો મોટો હોય એમ એમાં સમજણશક્તિ અને સંભાળ લેવાની જવાબદારી હોય છે. તમારા ભાઈ મારા કરતા ૬ વર્ષ મોટા જ છે ને.”
ભાભી તમારી વાત અલગ છે અને અક્ષીની વાત અલગ છે. (અમયને ઘડીક શું બોલવું એ સમજ નાં પડતા થોથવાઈ ગયો.) પણ.. પણ… પણ… ભાભી ક્યા અક્ષી ગામડામાં ઉછરીને મોટી થયેલી અને ક્યા એ મુંબઈ જેવા ગીચ વિસ્તારમાં એડજસ્ટ કરશે. તેને ત્યાં નહિ ગમે ભાભી, જે મનમાં આવ્યું એ બહાનું કાઢતા અમય બોલ્યો.
ભાભી થોડા સીરીયસ થતા બોલ્યા, “અમયભાઈ અક્ષીના મમ્મી પાપાએ જોઈ વિચારીને જ નિર્ણય લીધો હશે ને ? એમને બધી ખબર જ છે અને રહી વાત એડજસ્ટ કરવાની તો એ તો દરેક સ્ત્રી પોતાની લાઈફમાં ઘણું બધું એડજસ્ટ કરતી જ હોય છે ને, પણ તમે શું કામ એટલા બેબાકળા બનો છો ? એનો સબંધ રોકાવીને તમને શું ફાયદો છે વળી ?”
હવે અમયથી રહેવાયું નહિ એટલે આવેશમાં આવીને બોલી ગયો, “ભાભી અક્ષી મને ગમે છે, આજ-કાલની નહિ, જ્યારે ૨ વર્ષ પેલા એને લગ્નમાં જોઇને ત્યારથી જ. અને હું એ કેવી રીતે સહન કરી લઉં કે એનો સબંધ બીજા કોઈ જોડે થઇ જાય.”
ભાભી અદબવાળીને હવે અમય સામે ચુપચાપ ઉભા રહી ગયા અને અમય સામે એક નજરથી જોવા લાગ્યા.
“સોરી ભાભી કે મેં આ વાત તમને પહેલા જાણ નાં કરી. મને લાગ્યું કે તમને આ સાંભળીને કદાચ ખરાબ લાગશે એટલે હું કઈ બોલ્યો નહિ. જ્યારે આપણે ગામડે ગયા હતા અને તમે એના વિષે જાણકારી આપી હતી ત્યારથી એ મને ગમે જ છે પણ ત્યારે તરુણાવસ્થા હતી એટલે હું કશું જ બોલ્યો નહોતો પણ આજે તો હું એક જવાબદાર છોકરો બની ગયો છું, કમાઉ છું અને અક્ષીનું ધ્યાન પણ રાખી શકું છું એટલે હવે કહેવામાં કશો વાંધો નથી.”
અમયભાઈ ! ૪૫૦૦ રૂપિયાના પગારથી ઘર નાં ચાલે એમાંથી તો તમારે તમારો ખર્ચો પણ પૂરો નથી થતો. કોલેજની ફીના પૈસા મારે નાખવા પડે છે એમાં તમે કઈ રીતે એને સાચવશો ? હજુ તો તમે તમારા પોતાના પગ પર પણ ઉભા નથી રહી શકતા તો હું ક્યા મોઢે તમારી વાત ફોઈને કરું ?
અમયને હવે જોરથી જમીન પર ફસડાયો હોય એવો એહસાસ થયો અને પોતાના મનને કોસતો હતો ત્યાં જ ભાભીનો ફોન રણક્યો અને ભાભીએ તરત જ બનાવટી હાસ્ય સાથે વાત શરુ કરી.
ફોન અક્ષીના ઘરેથી નૈનાભાભીના ફોઈનો હતો, “હેલો ! નૈના હું ફોઈ બોલું છું. તને ફોટો મોકલી આપ્યો હતો એ છોકરો કેમ લાગ્યો ? અમને બધાને ગમ્યો છે અને અમે “હા” પાડવાનું નક્કી કર્યું છે પણ થયું કે પહેલા તને પૂછી લઉં. પછી છોકરાના ઘરે ફોન કરીએ અને “હા” પાડીએ અને સગાઇની તારીખ નક્કી કરીએ.
ભાભી અવાચક બનીને સાંભળતા રહ્યા અને બનાવટી હાસ્ય કરતા રહ્યા પરંતુ હમણાં થયેલી વાત અને આ વિરોધાભાસની વાત વચ્ચે પોતે સૂડી વચ્ચે સોપારી બની ગયા હતા.
ભાભીએ જેમ તેમ કરીને ફોન મુક્યો અને અમય સામે જોઇને ભાભી એટલું જ બોલ્યા,”ઇટ્સ ઓવર અમયભાઈ, એ લોકોને છોકરો પસંદ આવી ગયો છે અને આજે જ ફોન કરીને “હા” બોલી દેવાના છે.”
અમયના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ. એકપણ શબ્દ બોલ્યા વગર જ અમય હારેલા યોદ્ધાની માફક ઘરની બહાર ચાલ્યો ગયો.
અમય ઘરની બહાર એક જગ્યાએ બઠો હતો ત્યાં જ અલીશાનો ફોન આવ્યો કે “Heart Beat Restaurant” આવી જા હું તારી રાહ જોઉં છું.
અમયે થોડા ખરડાતા અવાજે હા પાડતા કહ્યું કે ચલ થોડી વારમાં પહોચું. અમય ઘરમાં જઈને કપડા ચેન્જ કરીને સીધો જ ભાઈનું બાઈક લઈને નીકળી પડ્યો.
“Heart Beat Restaurant” ખુબ બધા ફુગ્ગાઓ અને દિલના આકારના દીવડાઓ લટકાવેલા હતા અને આજે આખી હોટેલને એકદમ જાંબલી કલરના ગુલાબના ફૂલો વડે શણગારવામાં આવી હતી અને વચ્ચે રેડ કલરનું એક મોટું દિલ આકારનું ટેડી બેર મુકેલું હતું. રેસ્ટોરેન્ટની એકબાજુએ વાયોલીન અને ગીટારવાદકો વાતાવરણમાં મધુર સંગીત રેલાવી રહ્યા હતા અને આજે આખી રેસ્ટોરેન્ટમાં અમયના કોલેજ ફ્રેન્ડસ જ હતા એ સિવાય કોઈને પણ આજે અંદર આવવાની રજા નહોતી. અલીશા આજે પિંક કલરનાં બેકલેસ ગાઉનમાં એકદમ સોહામણી લાગતી હતી. હાથમાં સફેદ કલરના ગ્લ્વઝ, અલગ પ્રકારે ઓળવેલા વાળ, એકદમ રસથી ભરપુર હોય એવા લીપ્સ્ટીક લગાવેલા હોઠ અને એની અણીયાળી આંખો અને ગુલાબી ગાલ આજે રેસ્ટોરેન્ટને ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
થોડી જ વારમાં અમય રેસ્ટોરેન્ટ પહોચ્યો અને બહારથી બધુય શણગારેલું જોતા પોતે કોઈ બીજી રેસ્ટોરેન્ટમાં નથી આવી ગયો ને એવું કન્ફર્મ કરવા લાગ્યો અને ત્યાં જ કોલેજના ફ્રેન્ડસને જોતા એ અંદર દાખલ થયો અને બધાયને જોઇને એકદમ શોક થઇ ગયો.
અંદર આવતાની સાથે જ બધા ફ્રેન્ડસ એકસાથે ચિલ્લાઈ ઉઠ્યા, ” Welcome to the new world Mr. Amay” અને તાળીઓનો ગડગડાટ થઇ ગયો અને સંગીતનો અવાજ થોડો વધી ગયો. અચાનક અલીશા સામે આવી અને પોતે બંને ગોઠણ નીચે ટેકવીને એક ગુલાબનું ફૂલ લઈને બોલી,
“I Love You Amay. Love You So Much. Now, I can’t live without you. Can you please help me to convert this beautiful friendship into Loveship?”
એકસાથે આટલું બધી બની જતા અને સરપ્રાઈઝ આવતા અમય અચાનક વિચારમાં પડી ગયો અને લોકો અને અલીશા અમયના જવાબની રાહ જોતા જોતા એકદમ શાંત બની ગયા અને આખી રેસ્ટોરેન્ટમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને જાણે કોઈએ દરેકને સ્ટેચ્યુ કહ્યું હોય એવી રીતે અમયની સામે એકીટશે જોવા લાગ્યા કે હવે અમય શું જવાબ આપશે ? દરેક લોકોને પાકો વિશ્વાસ હતો જ કે અમય અલીશાએ કરેલા પ્રપોઝને કોઈ દિવસ નહિ ઠુકરાવે, એ બંને આટલા સારા દોસ્ત છે અને એકબીજાને સમજી શકે છે એટલે હવે એ લોકો આ સબંધને ચોક્કસ આગળ લઇ જ જશે.
અલીશા એકદમ ભોળા ચેહરા સાથે અમયની સામે જોઈ રહી હતી કે ક્યારે અમય કંઈક બોલે.
થોડીવાર વિચાર કરીને અમય બોલ્યો…..
ભાગ – ૫
અમયને આવી રીતે ઉદાસ જોઇને નૈનાભાભીને ખરેખર ધ્રાસકો લાગ્યો હતો. એણે હવે નક્કી કર્યું કે અક્ષીનો સબંધ કોઈ બીજા જોડે તો થવા જ નહિ દઉં અને એમણે સીધો જ તેમના ફોઈને ફોન લગાવ્યો અને ફોઈએ ફોન ઉપાડતા જ નૈનાભાભી ફરીવાર વિચારમાં પડી ગયા કે હજુ તો અમયભાઈ પોતાની કેરિયર બનાવવામાં સેટ નથી થયા અને હું એની વાત સીધે સીધી કરી રીતે કઈ શકું એટલે નૈનાભાભીએ એમ કહી ફોન કાપી નાખ્યો કે “ફોઈ ભૂલથી ફોન લાગી ગયો હતો.”
અક્ષીનો સબંધ બીજે નક્કી થવાની અણી પર હતો અને અમયે આ બધા વચ્ચે પ્રેમનું એક કિરણ દેખાયું અને એ કિરણ હતું “અલીશા”. પોતાની કોલેજની આટલી સારી દોસ્ત હતી એની સાથે મારે સારું એવું ટ્યુનીંગ પણ છે, અમે બંને એકબીજાને ઓળખીએ પણ છીએ, હું એના વગર કે એ મારા વગર રહી નથી શકતા શું ખરેખર આ પ્રેમ હશે ? કારણ કે અક્ષીને તો હજુ હું વધારે ઓળખતો પણ નથી. ફક્ત એટલો જ ખ્યાલ છે કે એ શાંત સ્વભાવની અને સુંદર છે અને મારી તરુણાવસ્થાનો પહેલો ક્રશ “અક્ષી” હતી. અને હવે તો એની પણ સગાઇ થઇ જવાની છે એટલે કદાચ એ તરુણાવસ્થાનું આકર્ષણ માત્ર હશે એમ વિચાર્યું. દરેક કોલેજના દોસ્તોની હાજરીમાં અલીશાએ કરેલા પ્રપોઝને એકદમ આછું સ્મિત આપીને સહર્ષ સ્વીકારી લીધું.
“Yes Alisha…. I love you too”
હું અત્યાર સુધી નહોતો જાણતો કે આપણી વચ્ચેની દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ જશે પણ ક્યાંકને ક્યાંક તારી જગ્યા મારા હૃદયમાં આપોઆપ બની જતી હતી અને અલીશાના હાથમાંથી ગુલાબનું ફૂલ લઈને અલીશાને ઉભી કરીને પોતાની બાંહોમાં સમાવી લીધી અને આજુબાજુના દોસ્તોએ હુરિયો બોલાવીને આ કપલને ચીયર કર્યું.
ત્યારબાદ બંને એકબીજાની આંખોમાં આંખ પરોવીને કપલ ડાન્સ શરુ કર્યો અને કોલેજના બીજા ફ્રેન્ડસ પણ પોતપોતાના કપલ જોડે ડાન્સમાં જોડાયા. એ મધુર સંગીત અને લબુક ઝબુક થતી લાઈટો વચ્ચે મદહોશ કરતા થનગનતા યુવાહૈયાઓના થઇ રહેલા રોમેન્ટિક ડાન્સના કારણે આખું વાતાવરણ જાણે યશ ચોપરાની ફિલ્મો જેવી રોમેન્ટિક ફીલિંગ આપી રહ્યું હતું. આવા ઉત્કટ વાતાવરણની વચ્ચે અચાનક જ જાણે આંખોથી એકબીજાને પોતાનામાં ભરી રહેલા અમય અને અલીશા મદહોશ બનીને હવે એકબીજાના હોઠનો આસ્વાદ માણી રહ્યા હતા અને આજુબાજુનું કઈ ભાન જ નાં રહ્યું. અચાનક મ્યુઝીક બંધ થતા અને લાઈટ શરુ થતા બધાનું ધ્યાન આ બંને તરફ ગયું અને ફરી પછી ચીસો પાડી અને અલીશાને એહસાસ થતા જ એ શરમાઈ ગઈ અને અમયની છાતીમાં ચેહરો સંતાડીને હસવા લાગી અને અમય પણ એને ફરતે હાથ વીટાળીને હસવા લાગ્યો.
નૈનાભાભીએ વિચાર કર્યો કે હું અમયભાઈની વાત તો નહિ કરી શકું પણ સગાઇ તો રોકી શકું તો પણ અમયભાઈને થોડો સમય મળી જશે. તરત જ ફરીવાર નૈનાભાભીએ તેના ફોઈને ફોન લગાવ્યો.
ફોઈ ફોન ઉપાડીને હસતા હસતા બોલ્યા, “શું થયું નૈના, ફરીવાર તો ક્યાંક ભૂલથી ફોન નથી લાગી ગયો ને ?”
નૈનાભાભી પણ હસ્યા,”ના ના ફોઈ પણ એક વાત કહેવી હતી પણ તમને ખરાબ તો નહિ લાગે ને ?”
“અરે ના ના બેટા નહિ ખરાબ લાગે, બોલ ને.”
ફોઈ આ જે છોકરાની અક્ષી જોડે સબંધ કરવાની વાત ચાલી રહી છે એ છોકરો સારો નથી એવા ખબર મળ્યા છે. મુંબઈમાં ઘણી બધી છોકરીઓ સાથે એના લફરા છે એના અને ઘણીવાર શરાબ પણ પીવે છે.
“અરરરર… તને કોણે કહ્યું બેટા ?”
ફોઈ મારી એક ફ્રેન્ડ મુંબઈ સાસરીયે રહે છે એમના પતિનો એ ખાસ દોસ્ત છે એમની જોડે મારે આજે જ વાત થઇ અને એણે મને આ વિષે જણાવ્યું.
આવા ગોઠવણ કરેલા લગ્નેતર સબંધો નક્કી કરતી વખતે કોઈ પણ છોકરો/છોકરી પસંદ નાં આવતો હોય અથવા તો સબંધ નાં કરવો હોય ત્યારે માત્ર એટલું જ બોલવામાં આવે છે, “અમને છોકરો/છોકરી ધ્યાનમાં નથી આવ્યો/આવી” આટલાથી વધારે કશી જ માહિતી આપવામાં આવતી નથી કે એના વિષે પૂછપરછ કરવામાં આવતી નથી હોતી કે તમને શું વાંધો છે ? શું કામ નથી ધ્યાનમાં આવ્યું વગેરે.
સ્ત્રીઓના મન મોટેભાગે વ્હેમીલા જ હોય છે જેના કારણે નૈનાભાભીએ આ વાત બરાબર રીતે આ વાત ફોઈના મગજમાં ઘુસાડી દીધી હતી. એકવાર શંકા ગયેલા સબંધમાં હંમેશ માટે ખટાશ ઉમેરાઈ જતી હોય છે પછી ભલે તમે તેમાં ગમે તેટલું ગળપણ ઉમેરો પણ એ સબંધ ફરી પહેલા જેવો મીઠો બની શકતો હોતો નથી.
ફોઈએ આ વાત સીધી જ અક્ષીના પિતાને કરી અને ધીમે ધીમે આખા ઘરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. આખરે ત્યાં સબંધ નક્કી કરવાનું બંધ રાખવામાં આવ્યું અને અક્ષીના પિતાએ સબંધ નક્કી કરાવવાવાળાને ફોન કર્યો કે અમને છોકરો ધ્યાનમાં નથી આવ્યો. ત્યારે તેમણે એકવાર પાક્કું કહેવા માટે પણ કહ્યું કે તમારો નિર્ણય અંતિમ જ છે ને ? ત્યારે અક્ષીના પિતાએ એમ કહીને જ વાત પૂરી કરી દીધી કે અક્ષીને છોકરો ધ્યાનમાં નથી આવ્યો અને અમે એને જબરદસ્તી નાં કરી શકીએ.
ફોઈએ ત્યારબાદ ફરીવાર નૈનાભાભીને ફોન કર્યો અને જણાવ્યું કે “હવે આ સબંધ નથી થવાનો અને આભાર માન્યો કે દીકરી તારા કારણે આજે મારી અક્ષી આવા ઘરમાં જતા બચી ગઈ.”
નૈનાભાભીને મનથી તો ઘણું દુઃખ થયું કે કોઈના ઘર બંધાતા રોકવા એ પાપ ગણાય પરંતુ એક રીતે ખુશી પણ હતી કે અમયભાઈ માટે આ બધું કરી રહ્યા હતા. “Everything is fare in love and war”ના નિયમ પ્રમાણે તો ભાભીએ જે રસ્તો અપનાવ્યો હતો એ બરાબર જ હતો. હવે ભાભી અમયની રાહ જોવા લાગ્યા હતા કે ક્યારે અમયભાઈ આવે અને એમને આ ગુડ ન્યુઝ આપું.
અલીશા અને અમયે ખુબ બધી મસ્તી કરી. બધાય જમ્યા, અને ડાન્સ કર્યો અને છેલ્લે એકબીજાને ભેટીને છુટા પડ્યા અને અમય ટહેલતો ટહેલતો ઘરે આવ્યો અને સીટી વગાડતો વગાડતો સીધો જ જઈને સોફામાં પીઠના બળ પર પડ્યો અને જોરથી ચીસ પાડીને બોલ્યો, “મમ્મી ! મારા માટે જમવાનું નહિ બનાવતી હું બહાર જમીને આવ્યો છું.
અમયનો અવાજ સાંભળીને ભાભી બહાર આવીને બોલ્યા, “મમ્મી બહાર ગયા છે.” (અમયના ચેહરા પર આનંદ છવાયેલો જોઇને ભાભી આશ્ચર્યમાં પડી ગયા કે હમણાં થોડીવાર પહેલા દેવદાસ થઈને બેસેલા અમયભાઈ ફરી પાછા મુડમાં કઈ રીતે આવી ગયા ? ક્યાંક એમને પણ આ વાતની કોઈના દ્વારા જાણ તો નથી થઇ ગઈ ને ?) “અમયભાઈ કોને મળીને આવ્યા ? આટલા બધા મુડમાં આવી ગયા..
કઈ નહિ ભાભી, કોલેજ ફ્રેન્ડસ બધાય એક રેસ્ટોરેન્ટમાં ગયા હતા અને ત્યાં અમે બધાયે ખુબ ધમાલ મસ્તી કરીને તો મુડ ફ્રેશ થઇ ગયો. અમસ્તું પણ પેલું કહેવાય છે ને કે કોઈ કોઈની માટે રોકાતું નથી કે કોઈના વગર કોઈની જિંદગી અટકી જતી નથી, મારા નસીબના કદાચ અક્ષી નહિ હોય એટલે નહિ થયું તો કંઈ મારે થોડું એની પાછળ ગાંડુ બની જવાય છે. લાઈફ મસ્ટ ગો ઓન ભાભી.
અરે અમયભાઈ તમારી ભાભી જ્યાં સુધી બેઠી છે ત્યાં સુધી કોઈની ત્રેવડ છે કે અક્ષીને તમારાથી કોઈ દુર લઇ જાય. મેં અક્ષીનો સબંધ થતા અટકાવી દીધો છે. એમ કરીને ભાભી એ અતઃ થી ઇતિ સુધીની બધી વાત કરી દીધી.
આ બધું સાંભળીને અમય અવાચક બની ગયો અને વિચારોની ગર્તતામાં ડૂબી ગયો કે મારી સાથે આ શું થઇ રહ્યું છે ? કંઈ સમજાતું નથી. તેને થોડીવાર પહેલા અલીશા સાથે ગાળેલી એ પળો માનસપટ પર નદીના રેલાની માફક આગળ વધવા લાગી અને વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ? ભાભીને અલીશા વિષે કહી દઉં ? અક્ષીની સગાઇ ફરીવાર કરાવી દઉં ? કે પછી થોડીવાર માટે હું બહેકી ગયો હતો એમ બોલીને અલીશાનું દિલ તોડી દઉં ? હું ગાંડો થઇ જઈશ. શું કરું ? શું કરું ?
અમય ચુપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો અને બારણું બંધ કરીને બેડ પર સુઈ ગયો અને વિચારવા લાગ્યો અને વિચાર વિચારમાં ક્યારે ઊંઘી ગયો એની એને ખુદને પણ ખબર નાં પડી. પરંતુ અમયનું આવું વર્તન જોઇને ભાભીને પણ આશ્ચર્ય થયું કે મેં આટલા સારા ગુડ ન્યુઝ આપ્યા એ સાંભળીને ખુશ થવાની બદલે એ આમ કેમ જતા રહ્યા હશે ?
બીજા દિવસથી એ કોલેજને “બેસ્ટ ફ્રેન્ડ કપલ” નહોતું રહ્યું પરંતુ માત્ર “બેસ્ટ કપલ” બની ગયું હતું અને આગળના દિવસે કરેલી ધમાલ-મસ્તી આખી કોલેજને ખબર પડી ગઈ હતી. અમય કોલેજ આવીને અલીશાને કોલેજના પાર્કિંગમાં લઇ ગયો અને અલીશાનો હાથ પકડીને એને પૂછ્યું, “અલીશા એક મિનીટ માટે એવું વિચાર કે શું તું મારા વગર રહી શકે ખરી ? શું કદાચ હું એમ કહી દઉં કે મેં ઉતાવળમાં નિર્ણય કરીને તે કરેલા પ્રપોઝની હા પાડી દીધી હતી પરંતુ મને તારા પ્રત્યે પ્રેમ નથી તો તું શું કરે ?”
આટલું સાંભળીને અલીશાની આંખોમાંથી અમીવર્ષા થવા લાગી અને અમયના હાથ પર એક ચુંબન કરતા બોલી, “તે દિવસ મારી માટે છેલ્લો દિવસ હશે. પણ મને ખબર છે કે તું મારી સાથે કોઈ દિવસ દગો નહિ કરે અને એ પણ ખ્યાલ છે કે તું મને દિલોજાનથી પ્રેમ કરે છે.”
અમય આટલું સાંભળતા જ જાણે પોતાની સામે એક દરવાજો બંધ થતો જોઈ રહ્યો અને હવે ભાભીએ મારી માટે કરેલા એ કામ માટે હું એમની સામે શું મોઢું લઈને જઈશ એ વિચારતો ત્યાંથી જતો રહ્યો અને અલીશા નાં સમજાય એવા હાવભાવ સાથે બસ એની પીઠ તાકતી રહી.
ભાગ – ૬
અમય ઘરે આવ્યો અને ભાભીના ચેહરા પર જોયું તો એ એકદમ ખુશમિજાજમાં હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા. મનોમન વિચાર આવ્યો કે જો ભાભીને હવે અલીશા વિષે વાત કરું તો કદાચ એવું પણ બને કે એમને મારા પરથી ભરોસો ઉઠી જાય અથવા તો એનો આ ખુશમિજાજ જતો રહેશે. ભાભીને આ હાલતમાં તો હું નહિ જોઈ શકું. “અમય તારે આ વાત ભાભીને નાં કરવી જોઈએ”,અમયના અંતરાત્માથી અવાજ આવ્યો. જાણે કઈ બન્યું જ નાં હોય એવા હાવભાવ સાથે અમય ભાભી જોડે વાતો કરવા લાગ્યો અને તરત જ પોતાના કામે વળગી ગયો.
અમયને હવે એહસાસ થયો હતો કે અલીશા અમીર ઘરની છોકરી છે અને એની જરૂરિયાતો અને એના ખર્ચા પોતે ઉપાડી શકે એટલી તાકાત એનામાં નથી અને કોઈ પણ એના વિષે એમ જ બોલતું હતું કે અમયે પ્રપંચ કરીને જ અલીશાને ફસાવેલી છે જેથી અલીશાના પૈસે મોજશોખ પુરા કરી શકે. પરંતુ બીજી જ પળે વિચાર આવતો કે દુનિયા ભલે ગમે તે બોલે પરંતુ હું તો અલીશાને સાચા દિલથી પ્રેમ કરું છું. હું એના વિના નથી રહી શકતો. જો દોસ્તી આટલી મજબુત હોય તો હવે તો પ્રેમમાં છીએ હવે તો કઈ રીતે એના વગર દિવસો નીકળે ? ભલે જે હોય તે હું અલીશાને મળી આવું.
અમય અલીશાને મળવા પહોચ્યો અને અલીશા ફોન પર વાત કરી રહી હતી. અલીશાની નજર અમય પર પડતા જ અલીશાએ થોડા ખચકાટ સાથે તરત જ ફોન કાપી નાખ્યો. અમયને આ વાત પર થોડું અજુગતું લાગ્યું એટલે એનાથી પૂછ્યા વિના નાં રહી શકાયું.
“કોનો ફોન હતો ?”
“પાપાનો ફોન હતો અને તું આવીને તરત જ “અલી” કહીને બોલાવે છે અને એ શબ્દ જો પાપા સાંભળી જાય તો ઘરે મારો વારો પડી જાય એટલા માટે મેં ફોન કાપી નાખ્યો.” અલીશાએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.
અલીશાના મનમાં શું ચાલતું હતું એ અમય કળી નાં શક્યો એટલે એને અલીશાની વાત માની લીધી અને એની સાથે વાતોએ વળગ્યો.
અલીશા ખોટું ખોટું રિસાઈને બોલી, “મારે તારી સાથે વાત જ નથી કરવી, જવા દે… તું મને હમણાંથી સમય જ નથી આપતો. જ્યારે ને ત્યારે બસ કામ કામ ને કામ.
અમય તેને મનાવતા બોલ્યો, “અરે બાબા ! મારા માથે જવાબદારી છે પાપાને સપોર્ટ કરવાની, અને હું જો કામ નહિ કરું તો પાપાને મદદ કેવી રીતે કરી શકીશ ? બાકી તો કોલેજમાં આપણે સાથે જ હોઈએ છીએને, ત્યારે વાતો કરી લેવાની.
બુદ્ધુ કોલેજમાં પ્રેમલીલા કરીશું તો ભણશે કોણ ? અલીશા હસતા હસતા બોલી.
અમય બડાઈ હાંકતા બોલ્યો, ” તને ખબર છે તારો બોયફ્રેન્ડ કોલેજ ફર્સ્ટ આવે છે અને તું આવી રીતે મુંજાઈ છે ? મેં હું નાં.. (શાહરૂખની સ્ટાઈલમાં બંને હાથ ફેલાવીને)
અલીશા હસતી હસતી સીધી જ અમયે ફેલાવેલા એ બંને હાથનો ફાયદો લઈને અમયને ગળે વળગી ગઈ અને અમયે પોતાના બંને હાથ અલીશાના ગળે વીટાળી દીધા.
ધીમે ધીમે કરતા ૬ મહિના જેટલો સમય પસાર થઇ ગયો. આ ૬ મહિના દરમિયાન ભાભી ઘણીવાર અમયને અક્ષી વિષે વાત કરતા. અમય પણ અક્ષી વિષે જાણે અજાણે ખબર મેળવી લેતો હતો પરંતુ ભાભી જ્યારે પણ સબંધની વાત કરતા ત્યારે અમય કોઈને કોઈ બહાનું કાઢીને વાત ફેરવી નાખતો. ભાભીને અમયના આવા વર્તન પર આશ્ચર્ય થતું અને શંકા પણ જતી પરંતુ પછી કોઈ લાંબો વિચાર કરવાનું માંડી વાળતા અને જેમ ચાલે છે એમ ચાલવા દેતા.
કોલેજમાં પીકનીકનું આયોજન થયું હતું. કોઈ હિલસ્ટેશન પર જવાનું નક્કી થયું હતું જેના કારણે દરેક લોકો ખુબ જ ઉત્સાહિત હતા. અમય અને અલીશા પણ જવા માટે તૈયાર જ હતા અને નક્કી કરેલા દિવસે પીકનીક માટે લોકો રવાના થઇ ગયા.
એકદમ વાદળછાયું વાતાવરણ અને સુસવાટા કાઢતો ઠંડો પવન વાતાવરણને આહલાદક બનાવી રહ્યો હતો. અમુક લોકો પોતપોતાના દોસ્તો સાથે ફોટોગ્રાફી કરી રહ્યા હતા અને અમુક લોકો અલગ અલગ ગ્રુપ બનાવીને આજુબાજુમાં ફરવા લાગ્યા હતા. કોઈને ક્યાય પણ પોતાની રીતે ફરવું હોય તો જઈ શકવાની મંજુરી હતી જેથી કરીને લોકો પોતાને મનફાવે એ તરફ ચાલતા ચાલતા નીકળવા લાગ્યા હતા. હિલસ્ટેશન ઘણું જ મોટું હતું જેથી કરીને લોકોને જ્યાં ગમે ત્યાં ફરી શકવાની મંજુરી આપી હતી અને સાંજ સુધીમાં પાછા આવી જવાનું નક્કી થયું હતું. અમય અને અલીશા નહોતા ઇચ્છતા કે તેમની સાથે કોઈ આવે એટલે તેઓ અગાઉથી જ બંને એકબીજાનો હાથ પકડીને એકલા ચાલતા નીકળી ગયા હતા. બંને રસ્તામાં મસ્તી કરતા કરતા ખુબ બધું ફર્યા, મોજ મસ્તી કરી,સાથે લઇ ગયેલો નાસ્તો પણ કર્યા અને ત્યાં રહેલા સરોવરમાં નાહ્યા પણ ખરા. પરંતુ આ બધી મસ્તીમાં તેઓ ઘણા બધા આગળ નીકળી ગયા હતા તેનો અંદાજો નહોતો તેઓને. હજુ તો પાછા ફરતી વખતે અડધે પહોચ્યા હશે ત્યાં તો સાંજ પડી ગઈ હતી અને હવે રસ્તો પણ ભૂલી ગયા હતા. રાત્રીના અંધકારમાં બંને ક્યાંક સીધેસીધા ચાલ્યા જતા હતા. બંને પોતાનો ફોન ત્યાં બેગમાં મુકીને જ આવ્યા હતા જેના કારણે હવે તેઓ કોઈનો સંપર્ક પણ કરી શકે એમ નહોતા. અલીશા હવે માંડ માંડ ડગલાં ભરી રહી હતી અને હાંફી રહી હતી. સાથે જ જેમ સાંજ પડી ગઈ એમ પવન પણ સખ્ત ઠંડો થવા લાગ્યો હતો. અમયને ચિંતા એ વાતની હતી કે અલીશા એની સાથે હતી અને પહોચી શકાય એમ નહોતું. જો કે પીકનીક હજુ ૩ દિવસની હતી એટલે ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી. પરંતુ પોતે આમ અલીશા સાથે જંગલમાં ખોવાઈ ગયો હતો એ વિષે ઘરે કે બીજે ક્યાંક ખબર પડશે તો લોકો શું વિચારશે અને કેવું કેવું બોલશે એ વધારે ચિંતા હતી.
અંધારામાં ચાલતા ચાલતા બંનેને થોડે દુર એક ઝુપડી જેવું દેખાયું. ૪ લાકડા ઉભા કરી દીધેલા હતા અને તેની ફરતે કંઈક વીટાળીને આડશ કરી દઈને રહી શકાય એવી ઝુપડી બનાવેલી હતી જેમાં અંદર જતા જ જોયું તો ધીમી ધીમી આગની ભઠી થોડી મંદ મંદ સળગી રહી હતી પણ અંદર કોઈ હતું નહિ એટલે અમયને અંદાજ આવી ગયો હતો કે એમની પહેલા અહિયાં કોઈક આવીને ગયેલું છે. અલીશા તો સખત થાકી ગયેલી હતી અને આટલી ઠંડી હતી એના કારણે ધ્રુજી રહી હતી એટલે તરત જ એ ભઠી પાસે જઈને પોતાના હાથ શેકવા લાગી. અલીશાને ધ્રુજતી જોઇને અમયએ પોતાનું જેકેટ કાઢીને અલીશાને પહેરાવ્યું અને પોતે સામેના ખૂણે જઈને પગ લાંબા કરીને બેઠો.
“કેમ તને ઠંડી નથી લાગતી ?”, ધ્રુજતા અવાજે અલીશાએ અમયને પૂછ્યું.
નાં ! મારું શરીર હંમેશા ગરમ જ હોય છે જેના કારણે મને ઠંડી સાવ ઓછી લાગે છે. અમયે શાંતિથી પ્રત્યુતર આપ્યો.
“અચ્છા !” અલીશા છણકુ કરતા હસતી હસતી અમય પાસે જઈને બેસી ગઈ અને કહ્યું, “લાવ તો તારો હાથ અડવા દે એટલે ખ્યાલ આવે કે તને ઠંડી કેમ નથી લાગતી”
આવા ઠંડા વાતાવરણમાં અલીશા સખત ધ્રુજી રહી હતી અને અમયનો હાથ પકડતા જ એના હાથ સ્થિર થઇ ગયા. અચાનક જ અલીશા અને અમયની આંખો એકબીજા સામે સ્થિર થઇ ગઈ અને બંને એકબીજા સામે તાકીને જોવા લાગ્યા. નાના જંગલની વચ્ચે આવેલી એક ઝુપડીમાં ઠરી જવા આવેલી ભઠીના આછા પ્રકાશમાં અલીશા વધુ સોહામણી લાગતી હતી અને ઠંડીના કારણે અલીશાના એ કાંપતા હોઠ જોઇને અમય પોતાની જાતને રોકી નાં શક્યો અને પોતાના હોઠ અલીશાના હોઠ પર બીડી દીધા. ઘણીવાર સુધી બંને એકબીજાના હોઠનો પરાગરસ માણતા રહ્યા અને અલીશાના બંને હાથ અમયની પીઠ પર અજગરની જેમ ભરડો લઇ ગયા. અમયના હાથ અલીશાના હાથ પર નરમ રીતે ફરતા હતા અને અલીશાના ઉરોજ પાસે આવીને અટકી ગયા. અલીશાએ જાણે આંખોથી જ મંજુરી આપી દીધી હોય એમ લાગતા જ અમય હવે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેઠો અને એના કઠોર હાથનો સ્પર્શ અલીશા માણવા લાગી. ધીમે ધીમે બંનેના શરીર પરથી એક એક વસ્ત્ર નીચે પથરાતું ગયું અને આટલી ઠંડીમાં બંને યુવાગરમી એકબીજાને ખેંચી રહી હતી અને જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયા. મનભરીને એકબીજાનો સહવાસ માણતા રહ્યા અને સંતોષની લાગણી સાથે જ બંને નિર્વસ્ત્ર જ એમને એમ સુતા રહ્યા, અલીશા તો અમયની છાતી પરના વાળમાં આંગળીઓ ફેરવતી ક્યારે સુઈ ગઈ ખબર જ નાં રહી અને ધીમે ધીમે અમય પણ એના માથામાં હાથ ફેરવતો સુઈ ગયો.
જોતજોતામાં સવાર પડી ગઈ. આંખો ખુલતા જ અમય સફાળો બેઠો થઇ ગયો અને પથરાયેલા કપડા પહેરીને ઝુપડીની બહાર આવ્યો અને અલીશાને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ અલીશા નાં મળતા એક મોટા પત્થર પર બેસીને વિચારોના વહેણમાં ખોવાયો. “મારે આવું નહોતું કરવું જોઈતું, મારાથી ખુબ મોટી ભૂલ થઇ ગઈ છે. મારે મારી જાત પર કાબુ રાખવો હતો.” આકાશ તરફ નજર કરવા જાય છે ત્યાં જ થોડે દુર એક ટેકરી દેખાણી અને ત્યાં કોલેજ ફ્રેન્ડસનો કેમ્પ દેખાયો અને અલીશા ચોક્કસથી ત્યાં પહોચી ગઈ હશે એમ વિચારીને દોડીને ત્યાં જવા રવાના થયો.
કેમ્પ પર પહોચતા જ અમયનું ધ્યાન અલીશા પર ગયું જે દોસ્તો સાથે ગપ્પા લડાવતી મસ્તી મજાક કરી રહી હતી. અમયને સહેજ પણ એવું નાં લાગ્યું કે અલીશાને ગઈ કાલે બનેલી ઘટનાને કારણે અફસોસ હોય. અમયને જોતા જ અલીશાએ રોજની જેમ જ હાઈ કર્યું અને આંખ મારીને હસવા લાગી. અમય માટે આ વાતને આટલી સરળતાથી પચાવવી સહેલી નહોતી. અમયના ચેહરાના હાવભાવ જોઇને અલીશા અમય પાસે ગઈ અને અદબ વાળીને ઉભી રહી. અમય નીચે જોઇને બોલ્યો, “કાલે રાત્રે જે કઈ થયું એ નહોતું થવું જોઈતું. સોરી. એના અવાજમાં ડૂમો ભરાઈ આવ્યો હોવાનું સાફ વર્તાઈ આવતું હતું.
અલીશા હસતા હસતા બોલી, ” અરે એમાં ટેન્શન શું કામ લે છે ? એ તો બધુય પરિસ્થિતિને આધીન જે થવાનું હતું તે થઇ ગયું. અત્યારે આ બધું કોમન છે યાર ! ચીલ માર… બે ફ્રેન્ડસની વચ્ચે તો આવું ચાલ્યા કરે. એમાં કશું ટેન્શન લેવાની જરૂર નથી.”
ફ્રેન્ડસ ?? અમય ચોંકી જતા બોલ્યો.
હા We are friends, કેમ તને કઈ ડાઉટ છે ? આ બધું તારી માટે કદાચ પહેલી વાર હશે મારી માટે નહિ. હું તો અત્યાર સુધીમાં ઘણા છોકરાઓ સાથે સેક્સ માણી ચુકી છું અને એમ પણ આ બધું જે બન્યું એ મારી જ રમતનો એક હિસ્સો હતો. પરિસ્થિતિ એની જાતે નહોતી સર્જાઈ, મેં એનું સર્જન કર્યું હતું.
અમયની આંખો ફાટી ગઈ અને ગુસ્સાથી આંખો રાતીચોળ થઇ ગઈ.
ભાગ – ૭
અરે આટલો ગુસ્સે શું કામ થાય છે ? ચીલ કર. જો ચલ મારી સાથે હું તને સમજાવું. આટલું બોલીને અલીશા અમયનો હાથ પકડીને એકાંતમાં એક વૃક્ષની નીચે લઇ ગઈ અને ત્યાં એક મોટા પત્થર પર એને બેસવા કહ્યું.
જો અમય હું નાનપણથી જ વિદેશમાં રહેલી છું અને એકદમ ખુલ્લા વાતાવરણમાં ઉછરેલી છું. મારું ધાર્યું કરવા ટેવાયેલી છું એ તો તને પણ ખબર જ છે. હું ત્યાં મારા મામાની સાથે રહેતી અને મામાએ મને ખુબ લાડકોડથી મોટી કરેલી છે એના કારણે જ આવી બની ગઈ છું. નાનપણથી જ ગમે ત્યાં રખડવાની અને દોસ્તો સાથે મોજ-મસ્તી કરવાની કોઈ મનાઈ કરવામાં આવેલી નથી અને એના જ કારણે મેં ૧૪ વર્ષની ઉમરે તો પહેલીવાર સેક્સ માણી લીધું હતું. એકવાર એ સુખદ અનુભવ થયા પછી મને જાણે રેગ્યુલર જરૂર પડવા લાગી. જેથી હું વારે ઘડીએ બોયફ્રેન્ડ બનાવ્યા કરતી હતી અને મારી જરૂરિયાતો સંતોષી લેતી હતી. સીધી ભાષામાં કહું ને અમય તો હું એક સેક્સ એડીકટેડ છોકરી છું. મને જમવાનું નાં મળે તો ચાલે છે પરંતુ જ્યારે વાસના મગજ પર ઘર કરી જાય છે ત્યારે નથી ચાલતું. એ બધી વાતની જાણ ઘરે થઇ જાતા પપ્પાએ મને ઇન્ડિયા બોલાવી લીધી જેના કારણે વાતાવરણમાં ફેરફાર થતા કદાચ મારામાં પરિવર્તન આવી જાય. પરંતુ વાતાવરણ બદલવાથી માણસની પ્રકૃતિ અને આદતો નથી બદલાતી હોતી. પણ અહિયાં આવીને એક વાત નોટીસ કરી કે અહિયાં સ્ત્રીઓને ખુબ માન આપવામાં આવે છે. એમની હાજરીનો મલાજો જાળવવામાં આવે છે જેના કારણે મને અહિયાં થોડું વધારે સારું ફિલ થયું અને મારામાં થોડો ઘણો ચેન્જ ચોક્કસ આવ્યો, પરંતુ તો પણ પપ્પા મારા પર ચાંપતી નજર રાખતા હતા જેથી હું બંધાયેલી હોય એવું લાગ્યા કરતુ. હું તારી સાથે હોતી ત્યારે મને ખરેખર એક સાચો દોસ્ત મળી ગયાની લાગણી થતી પરંતુ જ્યારે જ્યારે કોઈને કોઈ બહાને આપણે એકબીજાને સ્પર્શ કરતા કે માત્ર હાથ પણ મેળવતાને ત્યારે મને ખુબ જ અદ્ભુત લાગણી થતી જેના કારણે હું મારી જાતને રોકી નાં શકી અને તેથી જ મેં તને પ્રપોઝ કર્યું. તારી સાથે આટલો સમય રહ્યા પછી મને એટલો તો એહસાસ તો થઇ જ ગયો હતો કે તું ક્યારેય તારી મર્યાદા નહિ ઓળંગે એટલા માટે મેં આ ટુરનો પ્લાન કર્યો.તને શું લાગે છે ગઈ કાલે રાત્રે આપણે પાછા ફરતા મોડું થઇ ગયું હતું એમ ? નહિ અમય, એ મોડું મેં જ જાતે કરીને કરાવ્યું હતું. આ જંગલ જેવા હિલ સ્ટેશન પર રાત્રે કોઈ ઝુપડી બાંધવા શું કામ આવે ? એવો વિચાર તને નાં આવ્યો ? તને તો બસ મારી એ ચિંતા જ હતી કે હું સખ્ત ઠંડીથી ધ્રુજી રહી હતી. આ આખો પ્લાન મારો જ હતો અને તારી સાથે ગઈ કાલે રાત્રે એ મધુર સહવાસ માણ્યા પછી તો જાણે એમ થયું કે આટલા સમયથી તરસ્યા માણસની તરસ છીપાઈ ગઈ. ખરેખર અમય તારી બાંહોમાં જે આનંદ અને શાંતિ મળી છે એવી લાગણી આજ સુધી કોઈ સાથે નથી થઇ એટલે જ આજ સવારથી હું આટલી ખુશ છું. પણ હું જાણું છું કે તું મને સાચો પ્રેમ કરે છે એટલે મેં તને બધી હકીકતો કહી દીધી. I still love you so much Amay.
અમય આ બધું એકીટશે સાંભળતો રહ્યો અને એક પછી એક આઘાત પોતાની અંદર ઉતારતો ગયો. તેણે પોતાની ભાભી સાથે દગો કર્યો એવું એને ફિલ થયું એની સામે ખોટું બોલ્યાનું આ પરિણામ એને મળ્યું એવું લાગવા લાગ્યું. અમયને તે દિવસ યાદ આવી ગયો જ્યારે અલીશા કોઈ જોડે ફોન પર વાત કરી રહી હતી અને તેણે જલ્દીથી ફોન કાપી નાખ્યો હતો અને બોલી હતી કે એના પાપાનો ફોન હતો. ધીમે ધીમે આવી ઘણી બધી ઘટનાઓ પોતાના મગજમાં આવતી ગઈ અને વિચારો આવવા લાગ્યા કે પોતે અલીશાને સાચા દિલથી પ્રેમ કર્યો અને એનો આવો બદલો ? એણે મારી સાથે આટલી મોટી રમત રમી અને હવે મારી સાથે સહવાસ માણ્યા પછી બોલી રહી છે કે હવે પોતાને ફિલ થયું કે ખરેખર તે પણ હવે પ્રેમ કરવા લાગી છે. શું એની વાસના જ એની માટે પ્રેમ હશે ? તેણે ધીમેથી અલીશા સામે નજર કરી અને માત્ર એટલું જ બોલ્યો “ તું જઈ શકે છે અલીશા. જ્યાં પણ જાઓ ત્યાં ખુશ રહો અને તરક્કી કરો એવી ભગવાનને પ્રાર્થના.”
અલીશા પણ કદાચ હવે સમજી ગઈ હતી કે અમય સાથે કદાચ આ છેલ્લો દિવસ છે એટલે એ પણ કઈ દલીલ કર્યા વગર ત્યાંથી જતી રહી. પરંતુ અમય માટે તો એ પહેલો પ્રેમ હતી કે જેને તેણે I Love you કહ્યું હતું પોતાની લાગણીઓ શેર કરી હતી અને પહેલા જ પ્રેમમાં આવો દગો તે સહી નાં શક્યો. અંદરથી તૂટી ગયો હતો અમય. રડવું હતું પરંતુ એક આંસુ પણ બહાર નાં આવી શક્યું. એનો અવાજ એના ગળામાં જ અટકી ગયો હતો. દિગ્મૂઢ અવસ્થામાં જતો રહેલો અમય કલાકો સુધી ત્યાં પત્થર પર જ બેઠો રહ્યો અને કોઈક ફ્રેન્ડ આવ્યો અને એને બોલાવ્યો ત્યારે એને હોશ આવ્યું અને બાકીના બે દિવસ જેમ તેમ કરીને પીકનીક પૂરી કરીને ઘરે આવી ગયો.
ગામના યુવાન છોકરાઓમાંથી એક હતો વિશાલ. અક્ષીના રૂપમાં પુરેપુરો પાગલ હતો. અક્ષીના ઘરની બહાર આવવાનો સમય, ખેતર જવાનો સમય દરેક ટાઈમ ટેબલની વિગત વિશાલ પાસે હતી. વિશાલ અને અક્ષીનું ઘર એક જ દીવાલે હતું એટલે કોઈને કોઈ બહાને તે અક્ષીના ઘરે જતો રહેતો અને અક્ષીને એકદમ ગંદી નજરે જોયા કરતો અને મનમાં ગંદા સપનાઓ જોયા કરતો. આમ તો બહારથી એકદમ શાંત દેખાતો આ વિશાલ મનથી છળકપટવાળો અને પેટમેલો હતો. રખડવાના લક્ષણોના કારણે ભણ્યો નહોતો અને કઈ કામ પણ નહોતો કરતો ઘરમાં જ પડ્યો પાથર્યો રહેતો. અક્ષી એની સામે ક્યારેય પણ જોતી નહિ પરંતુ જ્યારે પણ તે વિશાલના મમ્મી જોડે વાત કરવા જતી ત્યારે વિશાલને ભાઈ કહીને પૂછતી કે “વિશાલભાઈ માસી ક્યા છે ? મારે એનું કામ છે” ત્યારે વિશાલ એકદમ ભોળો બનીને જવાબ આપીને એને જીતવા પ્રયત્ન કરતો પરંતુ અક્ષી તો પોતાના કામથી કામ રાખતી અને પોતાના નામ પાછળ “ભાઈ” સાંભળીને વિશાલને આ શબ્દ શુળની જેમ ભોંકાતો.
અક્ષીની માં ને આ નરાધમની ગંદી નજર પરખાઈ ગઈ હતી એટલે એ ઘણીવાર અક્ષીને ટોકતી કે તારે એના ઘરે નહિ જવાનું, કઈ કામ હોય તો ભાઈને મોકલી દેવાનો. ત્યારે અક્ષીને કઈક અજુગતું લાગતું પરંતુ ડરના કારણે કઈ પૂછી નાં શકતી. પરંતુ પોતાની માં ના કહેવાથી હવે અક્ષી ઘરની બહાર બહુ ઓછું નીકળતી. અક્ષીની માં ને તો હવે જલ્દીથી આને પરણાવી દેવાની જ ઉતાવળ હતી એટલે એ તો કોઈ પણ સબંધની વાત કરે એટલે છોકરો જોવા માટે પહોચી જતા પરંતુ પોતાની ફૂલ જેવી દીકરી માટે જેવું તેવું ઘર અને માંગુ ઠુકરાવી દેતા.
એકવાર અક્ષીના ઘરે બધાય વાડીએ ગયા હતા અને અક્ષી અને એના દાદી બે જ ઘરમાં હતા. એવામાં વિશાલ એના ઘરની અગાશી પરથી ડોકાયો અને જોયું તો કોઈ દેખાયું નહિ એટલે એણે અક્ષીને બૂમ મારી કે મારી માં તને બોલાવે છે કઈક કામ છે એને. અક્ષીને થયું કે માસીને કઈક કામ હશે તો ફટાફટ જઈ આવું. પરંતુ વિશાલના ઘરે તે દિવસે કોઈ હતું જ નહિ. એના મમ્મી-પાપા તો બહારગામ ગયા હતા અને વિશાલ ઘરે એકલો જ હતો. થોડી જ વારમાં અક્ષી આવી અને બોલી કે “ક્યા છે માસી વિશાલભાઈ ?”
“એ અંદર રૂમમાં કઈક શોધે છે તું ત્યાં જ જઈને મળી લે.” વિશાલ એકદમ નરમાઈથી બોલ્યો.
જેવી અક્ષી રૂમમાં પ્રવેશી કે પાછળથી જાણે અચાનક ધક્કો લાગ્યો અને અક્ષી અંદર રૂમમાં ફસડાઈ પડી. હજુ તો આ શું થયું એવું કઈ સમજે એ પહેલા તો રૂમનું બારણું બંધ થઇ ગયું હતું અને વિશાલ ખંધુ સ્મિત કરતો કરતો હથેળીઓ ચોળતો ઉભો હતો. અક્ષીને હવે બધું સમજાઈ ચુક્યું હતું કે પોતે ફસાઈ ચુકી છે. એ જોર જોરથી ચીસો પાડવા લાગી પરંતુ ઘર બંધ હતું અને આજુબાજુના ઘરમાં પણ કોઈ નહોતું એટલે હવે એનો અવાજ સાંભળવાવાળું પણ કોઈ નહોતું. અક્ષીના બંને હાથ પકડીને વિશાલે ઉભી કરી અને જોરથી પલંગ પર પટકી. રડતા કકળતા અક્ષી બે હાથ જોડીને વિશાલને કરગરી રહી હતી કે પોતાને જવા દે, મને છોડી દે અહિયાથી, મેં તારું શું બગાડ્યું છે ? પરંતુ વિશાલના માથે તો અત્યારે કેટલા સમયની ભેગી થયેલી એના પ્રત્યેની વાસનાનું ભૂત ચડ્યું હતું. અક્ષીના બંને પગ પકડીને પોતાની નજીક ખેંચી અને અક્ષીના બંને હાથ એની જ ચુંદડી વડે બાંધી દીધા. અક્ષી પાટા ઉછાળતી હતી પરંતુ વિશાલના જોર સામે એનું કશું નાં ચાલ્યું. જોતજોતામાં તો વિશાલે અક્ષીના કપડા ફાડી નાખ્યા અને અક્ષીને નિર્વસ્ત્ર કરી નાખી. અક્ષીના મોઢામાંથી હવે ધીમા ધીમા રડવાના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહોતો રહ્યો. વિશાલ નામનો એ ભૂખ્યો વરુ આ કુમળા ફૂલ જેવી છોકરી પર તૂટી પડ્યો હતો. એના દરેક અંગોને મસળી મસળીને જાણે એક પિશાચી આનંદ લઇ રહ્યો હતો. સતત ૪ કલાક સુધી આ છોકરી પર પોતાની હવસ ઉતાર્યા પછી હવે એ શાંત થયો.
અક્ષીની નજર હવે ઉપર રહેલા પંખા પર જ અટકી ગઈ હતી. સાવ મરવા જેવી થઇ પડેલી એ અક્ષીની જિંદગી થોડી જ વારમાં આવી ઘટનાથી બરબાદ થઇ ગઈ અને સંપૂર્ણ રીતે તે હેબતાઈ ગઈ હતી. હવે એના શરીરમાં એટલી તાકાત પણ નહોતી રહી કે એ ઉભી થઇ શકે એટલામાં જ વિશાલ અચાનક એની પાસે ધસી આવ્યો અને ગળા પાસે ચાકુ રાખીને બોલ્યો “જો આ વાત કોઈને કહી છે તો તને જીવથી મારી નાખીશ અને તારા મમ્મી-પપ્પાને પણ એટલે આ વાતને અહિયાં જ દબાવી દેજે” અક્ષીની સુકાઈ ગયેલી આંખો હવે પ્રતિકાર પણ કરી શકે એમ નહોતી. શિયળ હણાઈ ચુક્યું હતું હવે એનું. સર્વસ્વ તબાહ થઇ ગયું હતું.
વિશાલે જબરદસ્તીથી એને ઉભી કરી અને જેમ તેમ ફાટેલા કપડા પહેરાવીને પોતાની અગાશીમાં લઇ ગયો અને એક દીવાલે રહેલી અક્ષીની અગાશીમાં એને ઉતારી દીધી અને ત્યાંથી ફટાફટ ઘર બંધ કરીને બહાર જતો રહ્યો.
અગાશીમાં પડેલી અક્ષીએ થોડી વાર રહીને નજર ઉચી કરી. અગાશીના ખૂણામાં પડેલું દાતરડું જોઇને અક્ષીના વિચારો શરુ થયા. ઉભી થવા ગઈ પરંતુ એનામાં અત્યારે એટલી શક્તિ જ નહોતી બચી કે તે કઈ કરી શકે પરંતુ તેમ છતાં પણ માંડ માંડ હિંમત કરીને તે ઢસડાઈને ત્યાં પહોચી ગઈ અને ધીમેથી દાતરડું ઉઠાવ્યું.
ભાગ – ૮
“હવે જીવવાનો કોઈ મતલબ નથી. મારું સર્વસ્વ લુટાઈ ગયું. આ વાત સમાજમાં અને કુટુંબમાં ખબર પડશે તો મારા માં-બાપની બદનામી થશે એ હું સહન નહિ કરી શકું. એ કરતા તો હું મારો જીવ આપીને જ આ બધામાંથી મુક્ત થઇ જાઉં.” આવા અનેક નબળા વિચારો કરીને અક્ષીએ દાતરડું ઉઠાવ્યું અને હજુ તો ઉગામવા જતી હતી ત્યાં જ એની મા એ ચીસ પાડી. અક્ષીની મા વાડીએથી આવીને અગાશી પર ગાંસડી અને બીજા સાધનો મુકવા આવી હતી અને એને જોઈ જતા જ ચીસ પાડી ઉઠી હતી.
ચીસ સાંભળતા જ અક્ષીના હાથમાંથી દાતરડું પડી ગયું અને “મા” કહીને જોરથી પોક મુકીને રડવા લાગી. અક્ષીની હાલત જોતા અને સાથળો પરના કપડા પર લોહીના ડાઘા જોતા જ સમજી ગઈ કે પોતાની દીકરી સાથે નાં બનવાનું બની ગયું છે. બેબાકળી બનીને પૂછવા લાગી “કોણ હતો એ નરાધમ ? કોણે કર્યું આવું કાળું કામ ?” આંખમાંથી આંસુડાની ધાર વહેતી જતી હતી અને ભગવાનને કોસવા લાગી હતી. “શું કામ આવા જુલ્મો કરે છે અમારી જેવા ગરીબ લોકો પર ? આના કરતા તો મારી કુખે પત્થર દીધો હોત ને તો પણ હું ૪ દિવસ રડીને ભૂલી જાત પરંતુ આ તે જે મારી રૂપરૂપના અંબાર જેવી દીકરી સાથે કર્યું છે એ યાદ કરી કરીને આખી જિંદગી કાઢવી પડશે એ સહન કેમ કરીશ હું ? શું તને થોડી પણ દયા નાં આવી ?”
“વિ…. વિ… વિશાલ” અક્ષી માંડ માંડ રડતા રડતા આટલું બોલી શકી.
અક્ષીની માં એ એને છાતીએ વળગાડી દીધી અને હૈયાફાટ રુદન કરવા લાગી. મનમાં ને મનમાં એ કાળમુખા વિશાલને કોસવા લાગી. એટલી જ વારમાં અક્ષીના પિતા પણ અગાશી પર આવી ગયા. આ બધું જોઇને અને એની પત્નીએ કરેલા ઇશારાથી એ સમજી ગયા અને ગુસ્સાથી એકદમ લાલચોળ થઇ ગયા. ખૂણામાં પડેલું ધારિયું ઉઠાવ્યું અને ચાલવા જતા હતા ત્યાં જ અક્ષીની માં એ એમને રોક્યા. રોકાઈ જાવ અને શાંત થાવ. ભગવાનને ખાતર તમે ધારિયું નીચે મૂકી દો. “જો તમે એવું કઈ પણ કરશો તો ગામ આખામાં લોકોને ખબર પડી જશે અને આપણી બદનામી થશે અને પછી આપણી દીકરી જોડે કોઈ લગ્ન નહિ કરે. શું તમે એવું ઈચ્છો છો ?” આ વાતને અહિયાં જ દબાવી દો અને હસતા મુખે બને એટલી જલ્દી અક્ષી માટે સારું ઘર શોધીને જલ્દીથી પરણાવી દયો. આ બદલા લેવાની લહાયમાં જો તમને કઈ થઇ જશે તો અમારું કોણ ? આપણે ભૂલી જઈશું કે આપણા નસીબમાં આવો કાળો દિવસ આવ્યો હતો એમ.
બીજી તરફ ટુરમાંથી આવ્યા પછીનો અમય તો જાણે સાવ બદલાઈ જ ગયો હતો. એ હવે આ બધા પ્રેમના ચક્કર ભૂલીને બસ પોતાના કામમાં વ્યસ્ત બની ગયો હતો. કોલેજ પૂરી થવાને હવે ૬ મહિના જ બાકી હતા તેમ છતાં પણ અમય હવે શહેર છોડીને બહાર જવા માંગતો હતો. ગમે તેમ કરીને પિતાને મનાવી લીધા હતા. અમયને બીજા શહેરમાં પોતાના કામનાં જોરે ખુબ સારી જોબ મળી ગઈ હતી અને આ બધું ભૂલવા માટે પણ અમયને હવે બીજા શહેરમાં જવું જ વધારે યોગ્ય લાગ્યું હતું. ભાભીને આ બધી વાત પર થોડી શંકા તો ગઈ જ હતી પરંતુ પોતાનું ભણતર અધૂરું મુકીને જવાની વાત આવતા જ તેણે હવે અમયને પૂછી લેવાનું નક્કી કર્યું.
“આ શું કરી રહ્યા છો અમયભાઈ ? ભણતર અધૂરું મુકીને તમારે બહાર શું કામ જવું છે ? અને જ્યારથી તમે ટુરમાંથી પાછા આવ્યા છો ત્યારથી તમે સાવ બદલાઈ જ ગયા છો. તમે સતત કઈક ટેન્શનમાં જ હોય એવું કેમ લાગે છે ? તમે મને નહિ કહો તો બીજા કોની સામે બોલશો અમયભાઈ ?” અમયના ખભા પર હાથ મુકીને ભાભીએ પ્રેમથી પૂછ્યું.
ઘણા દિવસોથી મનમાં ને મનમાં કચવાતો અમય હવે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેઠો અને ભાભીને વળગીને રડવા લાગ્યો. ઘણું બધું રડી લીધા પછી અમયે અલીશાની વિષેની બધી વાતો ભાભીને કરી.
બધું સાંભળીને ભાભી થોડીવાર માટે ચિંતામાં પડી ગયા પરંતુ પોતાના નાનાભાઈ જેવા દિયરને બીજું કહે પણ શું ? એટલે એમણે કઈ વાંધો નહિ જે થાય એ સારા માટે જ થતું હોય છે અમયભાઈ. એમ કહીને વાતને પૂર્ણવિરામ આપી દીધો અને નોકરી માટે જવાની મંજુરી આપી દીધી.
અમય બીજા શહેરમાં નોકરી માટે ચાલ્યો ગયો અને થોડા જ સમયમાં સેટ થઇ ગયો. જ્યારે અહિયાં તો તોફાન મસ્તી કરતી ઢીંગલી જેવી અક્ષી આજે જાણે એક નિર્જીવ પુતળું બની ચુકી હતી. એ ઘટના પછી તો જાણે સાવ સહેમી ગઈ હતી અને ચુપ થઇ ગઈ હતી. કોઈની સાથે વાત નહોતી કરતી. ઘરનું કામ કરીને તરત જ એક ખૂણામાં કલાકો સુધી બેસી રહેતી અને રડ્યા કરતી. ઘરની બહાર નીકળવાનું સાવ બંધ કરી દીધું હતું. હવે તો જાણે એ માત્ર જીવવા ખાતર જ જીવતી હોય એવું લાગતું હતું. ગામના લોકોને આ વાતની નવાઈ તો લાગી હતી અને કઈક અજુગતું બન્યું હોવાની ગંધ તો આવી જ ગઈ હતી પરંતુ કોઈ સાબિતી ન હોવાથી કોઈ કશું બોલતું નહોતું પણ આજ નહિ તો કાલે આવા કામો બહાર તો પડતા જ હોય છે એ કડવું સત્ય છે પછી ભલે તેમાં કોઈ ભલો માણસ બદનામ કેમ નાં થાય અને અક્ષીની માં થી આ હાલત જોવાતી નહોતી, એ તો બસ સગા વ્હાલામાં બસ એક જ વાત કરતી હતી કે “કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય તો ચિંધજો.”
અચાનક એક દિવસ વિશાલની મા અક્ષીના ઘેર આવી પહોચી અને અક્ષીની પાસે બેઠી. “કેમ એલી ? હમણાથી ડોકાતી નથી ? કઈ થયું છે ?” અક્ષીનું ધ્યાન જતા જ એના મગજમાં એ ભયાનક ચહેરો સામે તરવરી ઉઠ્યો અને ચીસ પાડીને રડવા લાગી. “મને છોડી દે, ભગવાનને ખાતર મને જવા દે, મેં તારું શું બગાડ્યું છે ?” બોલવા લાગી. આ સાંભળીને અક્ષીની માં અચાનક ધસી આવી અને રૂમમાં વિશાલની માં ને જોઈ અને જાણે કોઈ અગન સળગી ઉઠી હોય એમ તાડૂકી ઉઠી. “તારા દીકરાના કારણે મારી ફૂલ જેવી દીકરીની જિંદગી બરબાદ થઇ ગઈ. તે આવા સંસ્કાર આપ્યા છે તારા દીકરાને ?” ગુસ્સાથી લાલચોળ આંખો જોઇને વિશાલની માં હેબતાઈ ગઈ. અક્ષીની માં પાસે આવીને પૂછ્યું કે શું થયું બેન ? તું કેમ મારા દીકરા વિષે આમ બોલે છે ? શું કર્યું એણે ? અક્ષીની માં થી રહેવાયું નહિ અને વિશાલે કરેલા કાળા કરતુત એની માં સામે છતાં કરી દીધા. આખી વાત સાંભળીને વિશાલની માં સીધી જ અક્ષી પાસે દોડી ગઈ અને અક્ષીને ગળે વળગાડીને રડવા લાગી. પોતાના દીકરાને કોઈ માં કોઈ દિવસ ખરાબ નાં બોલી શકે પરંતુ આજે એ માં પોતાના દીકરાને કોસી રહી હતી. શ્રાપ દઈ રહી હતી.
અક્ષીની માં સામે બે હાથ જોડીને વિશાલની માં બોલી, “બેન તારી દીકરીની જિંદગી બરબાદ કરનાર એ નરાધમને હું મારા ઘરમાં નહિ રાખી શકું. મને માફ કરજે બેન કે મારી કુખેથી જન્મેલા માણસે તારી દીકરીની આબરૂ ઉછાળી.” “હું તને વચન આપું છું કે મારો દીકરાએ એણે કરેલી આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ પડશે.” એમ કરીને ત્યાંથી જતી રહી.
“નરાધમ, પાપી, નાલાયક આવું કામ કરતા પહેલા તું મરી કેમ નાં ગયો ? તને બે ઘડી માટે પણ એ છોડી પર દયા નાં આવી ? એણે તારું શું બગાડ્યું હતું તે એની જિંદગી બરબાદ કરી તે ? આ દિવસ જોવા માટે મેં તને મોટો કર્યો હતો ? તને નરકમાં પણ જગ્યા નહિ મળે મહણીયા !” ચીસો પાડતી વિશાલની માં ઘરે લાકડીથી વિશાલને મારતી મારતી આવા શ્રાપો પોતાના દીકરાને આપી રહી હતી.
આંખોમાં અંગારા અને મુખ પર શ્રાપ. આજે એક માં નહિ પરંતુ એક સ્ત્રી બોલી રહી હતી. એક નિર્દોષ બાળા પર થયેલા અન્યાયની સામે લડી રહી હતી. શું હમેશા એકલું સ્ત્રીઓએ જ ભોગવવાનું હોય છે ? તારા જેવા દીકરા કરતા તો હું વાંઝણી રહી હોત તો સારું હતું. તારા જેવા કપાતરને જન્મ આપીને મેં મારી કુખ લજવી છે. આજે વિશાલને પોતાની માં પણ જાણે દુશ્મન લાગી રહી હતી. એના આવા કઠોર શબ્દો સાંભળીને વિશાલના કાળજે આજે ઘા પડી રહ્યા હતા. ખુબ બધું બોલી લીધા પછી અને માર મારી લીધા પછી એ માં એ એના દીકરાને એટલું જ કહ્યું કે, “કાં તો મારા ઘરમાં અક્ષી મારી વહુ બનીને રહેશે અને કાં તો તું મારા ઘરમાં નહિ રહે.” જે નિર્ણય કરવો હોય એ જલ્દીથી કરી લે. તે કરેલા આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મારી પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. બંને માં -દીકરા વચ્ચે ઘણી બધી દલીલો અને ઉગ્ર બોલાચાલી પછી અંતે વિશાલની માં એ વિશાલને લાકડી મારી મારીને ઘરની બહાર કાઢી મુક્યો અને બહાર શેરીમાં પણ ખુબ બધું ચિલ્લાઈ રહી હતી અને કોસતી હતી. એટલામાં જ આજુબાજુના ઘરના લોકો ત્યાં ભેગા થઇ ગયા. વિશાલની મા બોલી રહી હતી એ ઉપરથી તો લોકો હવે થોડી થોડી વાત સમજી ગયા હતા અને એ સાંભળેલી વાતથી એ હાજર રહેલા ૨૦ કાને બીજા ૫૦ નાં કાને એ વાતમાં ૧૦૦ પ્રકારના મસાલા ઉમેરીને નાખી અને એ ૫૦ કાને બીજા ૧૦૦ કાન પર આ વાત નાખી અને ધીમે ધીમે કરતા આખા ગામમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ હતી.
આવું બન્યા પહેલા જેટલા લોકો અક્ષી માટે સબંધની વાત લઈને આવતા હતા એ બધા જ હવે બંધ થઇ ગયા હતા. સામેથી કોઈને સબંધ માટે વાત કરતા તો લોકો ચોખ્ખી નાં પાડી દેતા હતા અને પાછળથી અક્ષીને જ કસુરવાર ઠહેરાવતા હતા. કારણ કે આવા કોઈ પણ બનાવો માટે હમેશા છોકરીઓના ચરિત્ર પર જ કલંક લાગતા હોય છે અને સહન પણ સ્ત્રીઓએ જ કરવું પડતું હોય છે. અક્ષીના પિતા માટે તો હવે સમાજમાં મોઢું દેખાડવા જેવું નહોતું રહ્યું. પોતાના જ કુટુંબના લોકોના બોલાયેલા એ કડવા ઝેર જેવા શબ્દો અમૃત સમજીને ગળે ઉતારવા પડી રહ્યા હતા. પરંતુ અક્ષી માટે તો જાણે આ બધું હવે અજાણ્યું જ હતું. એને આ બધી વાતોથી જાણે કોઈ ફર્ક જ નહોતો પડી રહ્યો એ તો બસ ખૂણામાં ચુપચાપ બેસી રહેતી.
નૈનાભાભી સુધી આ વાત પહોચી અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાથમાંથી ફોન નીચે પડી ગયો હતો અને ત્યાં જ બેસીને રડવા લાગ્યા. પોતાની જાત પર જ ગુસ્સો કરવા લાગ્યા કે કદાચ તે દિવસે જો અક્ષીનું વેવિશાળ થઇ જવા દીધું હોત તો આજે એના લગ્ન થઇ ગયા હોત અને આ દિવસ જોવાનો વારો નાં આવેત. પરંતુ અમયભાઈની મદદ કરવાની કિંમત આટલી મોટી ચુક્વવાની હતી એ ક્યા ખબર હતી ? અક્ષીની માએ જણાવેલી એ વાત કે આ ખબર પડ્યા પછી હવે કોઈ એની સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી એ સાંભળ્યા પછી તો નૈનાભાભીનું મગજ ચકરાવે ચડી ગયું હતું.
તરત જ અમયને ફોન લગાવ્યો અને બનેલી બધી જ ઘટના અમયને કહી. આ બધું સાંભળીને તો જાણે અમય અવાચક બની ગયો. ઘણીબધી વાર સુધી શોકમાં જ અમય ફોન પર કશું બોલી નાં શક્યો. ભાભીએ ફરીવાર હેલો કર્યું ત્યારે એની તંદ્રા તૂટી.
“હ.. હ.. હવે શું થશે ભાભી ?” આટલું માંડ બોલી શક્યો.
એકદમ દ્રઢ અવાજે નૈનાભાભી બોલ્યા કે હવે જે થવાનું હતું એ થઇ ગયું પરંતુ શું તમે મારી બેન સાથે લગ્ન કરશો ?
લગ્ન ? અક્ષી સાથે ? આ બધું બન્યા પછી ? અમય હવે વિચારમાં ખોવાયો. આટલું બધું બની ગયા પછી અને હવે તો મારી જિંદગી બદલાઈ ગયા પછી ફરીવાર આ બધું શક્ય નથી. હું લગ્ન નહિ કરી શકું.
“નાં” ભાભી તમારી આ વાત હું નહિ માની શકું. હું મારી જિંદગી સાથે આવું રિસ્ક નાં લઇ શકું. હું એક બળાત્કાર થયેલી છોકરીને પરણી નાં શકું. તમે મને સાવ એવી છોકરી સાથે પરણાવશો ? થોડો ગુસ્સે થતા અમય બોલ્યો.
ભાભી ચુપચાપ આ સાંભળતા રહ્યા અને તરત જ ઘરે પાછા આવી જવા માટે હુકમ કર્યો.
ભાગ – ૯
ભાભીના કહેવાથી અમય બીજા જ દિવસે ઘરે આવી ગયો હતો. સખત રીતે વિચારોમાં ખોવાયેલો અમય અત્યારે એકદમ પ્રોફેશનલ બની ગયો હતો. દરેક વાતને પ્રેક્ટીકલ રીતે વિચારવા લાગ્યો હતો. બહાર એકલો રહેતો હોવાથી હવે તે વધારે મેચ્યોર બની ગયો હતો.
ભાભી થોડા ઉગ્ર અવાજે બોલ્યા, “કેમ અમયભાઈ ? તમે તો કઈ ખુબ મોટા માણસ બની ગયા !”
“ના ના ભાભી એવું કઈ જ નથી અને કદાચ હુ દુનિયા સામે મોટો બની જાઉં તો પણ હું તમારી સામે તો નાનો અને તમારો દિયર જ રહેવાનો ને.” બની શકે એટલા શાંત અવાજે અમય બોલ્યો.
“પોતાની તરુણાવસ્થામાં થયેલા પહેલા પ્રેમને લઈને તડપી રહેલી વ્યક્તિ આજે બોલે છે કે હવે અમારા રસ્તા અલગ છે અને હું એની સાથે લગ્ન નાં કરી શકું ?”, ભાભીએ ટોણો મારતા કહ્યું.
“ભાભી એ બધી ભૂતકાળની વાતો હતી અને એ બધું હવે ભૂલી જાવ તો સારું છે. કારણ કે એ બધું બાજુએ મુકીને હું ઘણો આગળ નીકળી ગયો છું. કદાચ એટલો દુર કે કદાચ પાછું વળીને જોઈ પણ નાં શકું. અને આમ પણ એના પર બળાત્કાર થયો છે તો એવી છોકરીને હું અપનાવી નાં શકું ભાભી.”, બહુ સમજદાર વ્યક્તિ વાત કરતી હોય એ રીતે અમય બોલ્યે જતો હતો.
“અમયભાઈ ! તમે એ વાત ભૂલી ગયા કે તમારી જોડે પણ એવી જ કઈક ઘટના બની ગયેલી છે. તમારા પર તો જબરદસ્તી નહોતી થઇ પણ તમે તમારી જાત પર કાબુ નાં રાખી શક્યા અને કોઈ સાથે સબંધ બાંધી બેઠા. તો શું તમે કોઈ છોકરીને લાયક નહિ ગણાવ ને હવે ? તમે બંને એક સરખી પરિસ્થિતિમાં ઉભા છો અમયભાઈ. તમે તો કામમાં પરોવાઈને બધું ભૂલી જાઓ પણ એક છોકરી આ બધું કેવી રીતે ભૂલે ? જ્યારે લોકોના મેણા-ટોણા માથે આવેને ત્યારે ખબર પડે કે દુઃખ કોને કહેવાય. અને એના પર બળાત્કાર થયો છે એનો મતલબ શું એમ થાય કે એ હવે કોઈની જીવનસંગીની બનવાને લાયક નથી ? પુરુષો આવી ભૂલ કરે તો એના વિષે એવું કશું જ બોલવામાં આવતું નથી હોતું પરંતુ કોઈ સ્ત્રીને કદાચ પોતાની મરજી વિરુદ્ધ પર આવું કઈક બની જાય તો એ ઘૃણાને પાત્ર છે ? ડગલે ને પગલે સ્ત્રીઓએ જ બધું સહન કરવું પડે છે. શું આ જ તમારા ખોખલા સમાજનાં નિયમો છે ? જેમાં ત્રાજવું હંમેશા પુરુષો તરફ નમેલું જ રહે છે. શું આવા નિયમો અને માન્યતાઓનો શિકાર ફક્ત સ્ત્રીઓએ જ થવાનું ?
અરે એ બધી વાત છોડો અમયભાઈ. મને એક વાત જણાવો કે જો તમારા બંનેનો પ્રેમ સબંધ થઇ ગયો હોત અને પછી આવું કઈ બન્યું હોત તો શું તમે એને છોડી દેત ? શું તમે આજ સુધી ક્યારેય એને પ્રેમ કર્યો જ નથી ? એના પર બળાત્કાર થયો છે પણ એ આજે પણ મનથી અને આત્માથી એકદમ પવિત્ર જ છે. જેમ એક દીવો પવિત્ર રીતે જગમગતો હોય છે એમ જ. તમે આટલા સમજદાર છો અને તમને આવું સમજાવવું પડે ? શરમજનક વાત છે અમયભાઈ. હવે મને શરમ આવી રહી છે કે તમે મારા દિયર છો અને હજુ જૂની પેઢીના વિચારો સાથે જીવી રહ્યા છો.”, આટલું બોલતા બોલતા ભાભી એકદમ રડવા લાગ્યા.
“ક્યારેક કોઈ પોતાનું આવી રીતે કહી જાય ને ત્યારે માણસને છેક અંદર સુધી આ વાત ઉતરી જતી હોય છે” અને એ લીધેલો નિર્ણય પણ તરત જ આવી જતો હોય છે. અમય સાથે પણ એવું જ બન્યું. ભાભીના આ શબ્દોથી વર્ષોથી એ હૃદયના તળિયે દબાયેલી અક્ષી તરફની એ લાગણીઓ ફરીવાર ઉછાળા મારવા લાગી. એને ફરીથી એ બધું યાદ આવવા લાગ્યું જે તેણે ભૂતકાળમાં જીવ્યું હતું.
સોરી ભાભી. મારા કારણે તમે આટલા દુઃખી થશો એવું હું નહોતો ઈચ્છતો. ફોન પર કદાચ મેં વિચાર્યા વગર જ એમ ને એમ ઉતાવળમાં નિર્ણય લઈને નાં બોલી ગયો હતો. હું ભૂલી ગયો હતો કે માણસની પવિત્રતા એના આત્માથી અને એના મનથી હોય છે, નહિ કે એના શરીરથી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભાભી. હું અક્ષી સાથે જ લગ્ન કરીશ. હું તમને પ્રોમિસ કરું છું કે આ ઘરમાં હવે તમારી દેરાણી બનીને આવશે તો એ ફક્ત ને ફક્ત અક્ષી જ હશે.
ઘરના બધાયને મનાવીને દરેક લોકો અક્ષીને જોઈ આવ્યા અને પરિવારવાળાઓએ બધી વાત પણ કરી લીધી અને બને એટલું જલ્દી વેવિશાળ કરવાનું નક્કી થયું. અમયનું નામ સાંભળતા જ હવે અક્ષીના મગજમાં પણ એ બધું જૂની વાતો યાદ આવી અને હવે એની જ સાથે એનો સબંધ નક્કી થવા જઈ રહ્યો હતો અને પોતાની સાથે આવી ઘટના બની ગઈ છે એવું એને જણાવી દેવું યોગ્ય લાગ્યું એ વિચારીને અક્ષીએ અમયની જોડે એકવાર વાત કરવાની ઈચ્છા દર્શાવી. લોકોએ એમને બહાર સાથે મોકલી દીધા જેથી તેઓ બંને શાંતિથી વાત કરી શકે.
એકદમ સીધી-સાદી, સામાન્ય દેખાતા કપડા અને તેલ નાખીને એકદમ ચપોચપ ઓળેલા વાળ, કપાળ પર નાની બિંદી, કાનમાં મોતીની બુટ્ટી અને શુષ્ક પડી ગયેલા હોઠ જોઇને અમય મનમાં જ કળી ઉઠ્યો, “મારી અક્ષી કેવી હતી અને પેલા નરાધમની ખરાબ નજર નાં કારણે કેવી થઇ ગઈ છે સાવ. હું એનું ખૂન કરી નાખીશ.” કરતા મૂઠ્ઠી વાળી ગયો.
અક્ષીએ અમય સામે જોઇને થોડું બનાવટી સ્મિત કર્યું અને બંને એક ટેબલ પર બેઠા.
અક્ષી તને કદાચ ખબર નહિ હોય પરંતુ હું તને બાળપણથી જ પ્રેમ કરું છું. એટલો પ્રેમ કે તારી પાછળ હું પાગલ હતો. તારી સાથે તે દિવસે થયેલી એ મુલાકાત હું આજ સુધી ભૂલી શક્યો નથી અને જ્યારે જ્યારે પણ હું કોઈ કારણથી અપસેટ હોઉં છું ને ત્યારે ત્યારે એ ઘટના યાદ કરીને હસી લઉં છું. હું આજે પણ એ તારો જોયેલો ચેહરો નથી ભૂલી શક્યો તને ખબર છે તારો ત્યારનો ચેહરો અને અત્યારનો ચેહરો એ બંને માં ફર્ક શું છે ?
અક્ષીએ આશ્ચર્યથી અમયની સામે જોતા ઈશારામાં જ પૂછ્યું કે, “શું ?”
ત્યારની અક્ષી એકદમ ખુલ્લીને હસી લેતી હતી અને અત્યારની અક્ષી તો જાણે પોતાની મુસ્કાન ક્યાંક મુકીને જ આવી છે. જાણે તારા ચેહરાને હાસ્ય સાથે કોઈ દુશ્મની થઇ ગઈ છે. કોણ જાણે એ સ્મિત ક્યા ખોવાઈ ગયું છે પરંતુ હું એને શોધી જ લઈશ.
અક્ષી આ સાંભળીને થોડું હસી. પણ એ મુસ્કાન દિલથી આવેલી હતી એટલે એને અંદર ઊંડે સુધી એકદમ રાહત અનુભવાઈ પરંતુ બીજી જ ક્ષણે એના ચેહરા પર એ ગંભીરતા આવીને બેસી ગઈ અને બોલી, “હું તમને અહિયાં એટલા માટે લાવી છું કે જેથી તમને મારા વિષે કઈક વાત કરી શકુ. એ વાત સાંભળીને કદાચ તમે તમારો આ નિર્ણય બદલી નાખશો. અને તમને એ હક પણ છે કે તમે તમારી જિંદગી વિષે સ્વતંત્ર નિર્ણય લઇ શકો છો.
હું બધું જ જાણું છું અક્ષી. તારી સાથે જે કઈ ઘટના બની છે એ બધું જ મને પહેલેથી જ ખ્યાલ છે અને મેં સમજી વિચારીને જ આ નિર્ણય લીધો છે. મારી જિંદગીમાં પણ એક આવો જ આઘાત લાગેલો છે મને, એમ કરીને અમયે પોતાની અને અલીશા વચ્ચેના જે કઈ સબંધો હતા એ બધાય વિષે વાત કરી દીધી. એવું નથી કે મેં તારા પર કોઈ દયા કરીને આ નિર્ણય લીધો છે પરંતુ હું તને ખુબ જ ચાહું છું. તું મારી જિંદગીનો પહેલો પ્રેમ છે જેને હું આજ સુધી ભૂલી નથી શક્યો. છેલ્લા ઘણા વર્ષોથી હું તને સતત મારા હૃદયના કોઈક ખૂણામાં સાથે લઈને જીવ્યો છું. મારે ફક્ત અને ફક્ત તારો સાથ જોઈએ છે. તારું મન અને આત્મા પવિત્ર છે અક્ષી, એનાથી વધારે મારે કશું જ જોઈતું નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ ?
કહેવાય છે ને કે “પ્રેમનો એહસાસ કરવા માટે કઈ આખી જિંદગીની જરૂર નથી પડતી હોતી એના માટે તો એક ક્ષણ જ કાફી હોય છે કોઈના પ્રત્યે લાગણી થઇ જવા માટે”. અને અક્ષી માટે એ ક્ષણ એટલે અમયની આ વાત હતી. આ વાત સાંભળતા જ અક્ષી ઉભી થઈને અમયને ગળે વળગી પડી અને જોરથી પોક મુકીને રડવા લાગી. અમયે પોતાના હાથ વડે એને જાણે સુરક્ષીત કરી દીધી હોય એ રીતે વીટાળી લીધા અને એને રડવા દીધી. જેથી આટલા દિવસોથી સંઘરી રાખેલો સંતાપ બહાર નીકળી શકે. ઘણીવાર વાર સુધી રડ્યા પછી અક્ષીના હૃદય પરથી જાણે કોઈએ મોટો ભાર હળવો કરી નાખ્યો હોય એવું મહેસુસ કરવા લાગી. હીબકા ભરી રહેલી અક્ષી હજુ પણ અમયને વળગીને જ ઉભી હતી અને બોલી, “મને અહિયાંથી લઇ જા અમય. હું આ નરકમાં રહેવા નથી માંગતી, મારે ખુશ થવું છે, મારે હસવું છે, તારી સાથે જિંદગી જીવવી છે. મનભરીને તારો સાથ માણવો છે, મને લઇ જા અમય. અને પછી અમયે એના બંને હાથ વડે અક્ષીનો ચેહરો પોતાની સામે કર્યો અને કપાળ પર વિશ્વાસરૂપી ચુંબન કર્યું અને કહ્યું કે “હવે ભગવાન પણ આપણને એક થતા નહિ રોકી શકે અક્ષી. થોડા જ સમયમાં આપણી સગાઇ છે અને એના પછી તરત જ લગ્ન. તું જરૂરથી ખુશ થઈશ અક્ષી. તારા ચેહરાની એ મુસ્કાન હું પછી લાવીશ. તારે જેટલું રડવાનું હતું એ તે રડી લીધું હવે જો તારી આંખમાંથી આંસુ આવશે તો એ ફક્ત ખુશીના આંસુ હશે. જે કઈ થયું એ બધું ભૂલી જાજે અક્ષી. હવે હું તારી સાથે છું. “I Love You”
ઘણીવાર સુધી અક્ષી અને અમય એકબીજાને વળગીને ઉભા રહ્યા અને પછી અક્ષી થોડી સ્વસ્થ થતા બંનેએ થોડી વાતો કરી અને અમય અક્ષીને તેના ઘરે મુકીને પોતાને ઘરે જતો રહ્યો.
ઘર મુકીને જતો રહેલો વિશાલ હવે બહાર રખડી રખડીને થાક્યો હતો. એના એ કપટી મગજમાં વિચાર કર્યો કે જો મારે ઘરે જવું હોય અને સુખ શાંતિથી દિવસો કાઢવા હોય તો મારે અક્ષી જોડે લગ્ન કરવા પડે. પરંતુ આમ તો એ વાત પણ ખોટી નથી. આવું કુમળું ફૂલ રોજે સુંઘવા મળતું હોય તો એમાં કઈ ખોટું નથી. જ્યાં સુધી એમાં સુગંધ રહેશે ત્યાં સુધી એને સુંઘીશું અને પછી ફેંકી દઈશું ઉકરડામાં. એટલે હવે ઘરે માં ને મનાવી લઉં અને લગ્ન માટે હા બોલી દઉં.
વિશાલ ફરીથી ઘરે આવી ગયો અને એની માં ને સમજાવીને મનાવી લીધી અને વિશાલની માં હોશે હોશે ચુંદડી અને શ્રીફળ લઈને અક્ષીના ઘેર એની માં પાસે ગઈ. પરંતુ અક્ષીની માં એ હવે રોકડું પરખાવ્યું કે તારા એ કાળમુખા દીકરા સાથે હું મારી દીકરીને નહિ પરણાવું અને આમ પણ મારી દીકરીને ખુબ જ પ્રેમ કરે એવો અને એની સંભાળ રાખે એવો છોકરો અમને મળી ગયો છે એટલે અમને હવે એની ચિંતા પણ નથી અને થોડા જ દિવસમાં સગાઇ પણ છે. તું ચોક્કસથી આવજે હો.. પણ યાદ રાખજે માત્ર “તું” જ.
વિશાલની માં વીલું મ્હો લઈને પાછી આવી અને વિશાલને બધી વાત કરી અને કહી દીધું કે તારે જો આ ઘરમાં રહેવું હોય તો એકલો નહિ રહી શકે. તારે કઈક કામ ધંધો કરવો પડશે અને લગ્ન કરવા પડશે. નહિ માં ! હું લગ્ન માટે તૈયાર જ છું. હું લગ્ન કરીશ તો ફક્ત ને ફક્ત અક્ષી જોડે જ. એમ કરીને એ ફરીથી ઘરમાંથી જતો રહ્યો. વિશાલની માં ને ડર પેઠો કે ક્યાંક આ કઈક આડું અવળું તો નહિ કરે ને. પરંતુ ત્યાં સુધીમાં તો વિશાલ ઘરમાંથી જઈ ચુક્યો હતો. પોતાના રખડું અને ગુંડા દોસ્તો સાથે મળીને અમય વિશેની વિગતો ભેગી કરવા લાગ્યો અને અમયને પોતાના રસ્તામાંથી કાઢી નાખવાના પ્લાન કરવા લાગ્યો. વિશાલે મનમાં નક્કી જ કરી નાખ્યું હતું કે કોઈ પણ ભોગે અક્ષીને હું જ લઇ જઈશ.
થોડા જ દિવસમાં ધામધૂમથી અમય અને અક્ષીની સગાઇ થઇ ગઈ. બધા જ લોકો ખુબ જ ખુશ હતા. અક્ષી તો હવે દિવસમાં પણ સપનાઓ જોવા લાગી હતી. એની જીદંગીમાં હવે અમય જ સર્વસ્વ બની ગયો હતો. એનામાં હવે જાણે એ જૂની અક્ષી કાયાપ્રવેશ કરી ગઈ હતી. ફરીવાર એ જ હસતી કુદતી અક્ષી બની ગઈ હતી અને એ જોઇને એના માતા-પિતા પણ એટલા જ ખુશ હતા કે તેમની દીકરી આ મોટા આઘાતમાંથી હવે પાછી ફરી હતી. તેઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તે આખરે અમારી સામે જોયું ખરા. પરંતુ માણસને ક્યા ખબર હોય છે કે ભગવાન જે કરે છે એવું કોઈ નથી કરતુ. એની એ ખુશીને નજર લગાડવાવાળો હજુ બેઠો હતો. વિશાલ.
લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી અને લગ્નને હવે ૧ અઠવાડિયાની જ વાર હતી અને અમય પોતાની ઓફીસમાંથી થોડા દિવસોની રજા લઈને ઘરે આવી રહ્યો હતો અને રસ્તામાં આવતા જ અમુક ગુંડાતત્વોએ એને રોક્યો અને એને ખુબ માર માર્યો. બેટ અને હોકી વડે એના હાથ પગ ભાંગી નાખ્યા અને માથામાં જોરથી વાગવાથી અમય ત્યાં જ મરી ગયો અને ગાડીની તોડફોડ કરી નાખી અને એમાં બેસાડીને એક ટ્રક વડે ગાડી ઉપર ચડાવી દીધી જેથી કરીને અમયની લાશ સાવ ચગદાઈ ગઈ અને ખ્યાલ નાં આવે કે આ હત્યા હતી કે એક્સીડેંટ.
છેલ્લા થોડા દિવસોમાં બધાયે જોયેલા એ સપનાઓ અને ખુશીઓ પર ભગવાને આવા માધ્યમ દ્વારા એક થપાટ મારી અને બધું જ છીનવી લીધું.
ભાગ – ૧૦
ઘરમાં લગ્નની તૈયારીઓ જોરદાર રીતે ચાલી રહી હતી અને અચાનક આવી રીતે અમયના મૃત્યુના સમાચાર મળ્યા. આ આઘાતજનક સમાચાર સાંભળતા જ અક્ષી જ્યાં ઉભી હતી ત્યાં જ બેભાન થઇને પડી ગઈ. થોડીવાર પહેલા હસતો રમતો પરિવાર ઘડીકમાં શોકના દરિયામાં ડૂબી ગયો. અક્ષીની માં એ તો ઘરમાં રોકળ શરુ કરી મૂકી હતી. “હે ભગવાન ! આ તે શું ધાર્યું છે ? મારી દીકરીનું સુખ તારાથી જોવાતું નથી ? તારા અસ્તિત્વ વિષે હવે મને શંકા જાય છે.” કરતી પોક મુકીને રડતી હતી. બીજી તરફ અમયના ઘરમાં આ સમાચાર મળ્યા હતા ને ત્યાં પણ આવી જ કાંઇક હાલત હતી. થોડી જ વારમાં અમયની લાશ ઘર આંગણે પહોચી ગઈ હતી અને એ ચગદાઈ ગયેલી લાશ જોઇને નૈનાભાભી તો જાણે સાવ પથ્થર બની ગયા હતા. ગળામાંથી જાણે રડવાનું બહાર જ નહોતું આવતું. ગળે ડૂમો બાજી ગયો હતો અને સાવ પાગલ જેવા બની ગયા હતા. એમના નાના ભાઈ જેવો દિયર આવી મરેલી હાલતમાં પડ્યો હતો જેના માટે કેટલા સપનાઓ જોયા હતા. એક સખત ઊંડો આઘાત લાગ્યો હતો જે તેમની છાતીમાં ધરબાઈ ગયો હતો અને એના વજનથી છાતી જાણે હમણા ફાટી જશે એટલી હદનું દુઃખ આજે નૈનાભાભીના હૃદયમાં ભરાયું હતું અને અંતે અમયના મોટાભાઈએ તેના ખભા પર હાથ મુકતા જ એ રોકી રખાયેલા રુદનનો બંધ તુટ્યો અને જાણે આખું ઘર એ વહેણમાં તણાઈ ગયું.
લગ્નને માત્ર અઠવાડિયાની જ વાર હતી અને બધી તૈયારીઓ થઇ ગઈ હતી જે અમયના મૃત્યુના સમાચારના કારણે બધું અસ્તવ્યસ્ત બની ગયું હતું. વિશાલ તો પોતાનું આ કામ પાર પાડીને ઘરે પાછો આવી ગયો હતો. વિશાલની માં ને એ સમજતા વાર નાં લાગી કે આ બધું કામ એના આ કપટી દીકરાએ જ કર્યું હશે. પરંતુ હવે તો થવાનું હતું તે થઇ ગયું અને બીજું બોલે પણ શું ? વિશાલે આવીને તરત જ તેની માં ને ધમકાવી કે પોતાનું માંગુ લઈને હવે અક્ષીના ઘરે જાય અને નક્કી કરીને જ પાછી આવે. વિશાલની મા વિશાલનું આ સ્વરૂપ જોઇને ડરી ગઈ અને ચુપચાપ ચુંદડી અને શ્રીફળ લઈને અક્ષીના ઘરે પહોચી ગઈ. થોડી વાર અક્ષીની માં પાસે બેસીને અમયનો ખરખરો કર્યો અને ત્યારબાદ હળવેથી બોલી કે તારી દીકરીનું વેવિશાળ જેની સાથે થવાનું હતું એ તો હવે આ દુનિયામાં છે નહિ અને બીજા કોઈ તારી દીકરીનો હાથ ઝાલવા તૈયાર નથી તો મારી વાત માની જા. મારા દીકરા વિશાલ જોડે લગ્ન કરી દે, એને એના પાપનું પ્રાયશ્ચિત કરવા દે. જુનું બધું ભૂલી જા અને તારી દીકરીનું ઘર બંધાય છે એ બાંધી દે, તારી દીકરીને નવી જિંદગી મળશે.
અક્ષીની માં એ થોડી વાર વિચાર કર્યો કે એની વાત તો સાચી છે અને બધું ગોઠવાઈ ગયેલું જ છે માત્ર વરરાજો બદલાશે પણ મારી દીકરી તો પરણી જશે. બીજું તો કોઈ હવે એને નહિ પરણે અને અહિયાં હું એને કેટલા સમય સાચવીશ ? એ કરતા સારું છે કે એને વળાવી જ દઉં. ઘરમાં બધાય જોડે વાત કરી અને બધાએ સમંતિ દર્શાવી. અક્ષી તો અમયના મૃત્યુના સમાચાર પછી તો જાણે મૂર્તિ જ બની ગઈ હતી. કશું જ બોલતી નહોતી કે કશું સાંભળતી નહોતી. જેમ કહે તેમ બસ કર્યે રાખતી હતી. એ જાણે અહિયાં માત્ર શરીરથી જ હતી. અક્ષીની માં એ એકવાર નૈનાને પૂછવાનું પણ યોગ્ય સમજ્યું એટલે ફોન કરીને કહ્યું અને નૈનાભાભીએ રડતા રડતા એટલું જ કહ્યું કે તમારી દીકરી છે એટલે એના ભવિષ્ય વિષે શું કરવું એ તમારે જોવાનું છે. હું એમાં કશું બોલી નાં શકું એમ કરીને ફોન કાપી નાખ્યો હતો. પરિવારના દરેક વડીલોની મંજુરીથી આખરે વિશાલ અને અક્ષીના લગ્ન કરવાનું નક્કી થયું હતું જેની જાણ અક્ષીને હજુ હતી જ નહિ. એ તો બસ માત્ર શરીરથી જ જીવતી હતી.
વાજતે ગાજતે વિશાલની જાન જોડાઈ અને માત્ર એક ચામડીના એ પુતળાને પરણવા માટે અક્ષીના ઘર આંગણે આવી પહોચ્યો. ખુબ બધા સાજ શણગાર કરેલી અક્ષી સાવ નિસ્તેજ લાગી રહી હતી. એકદમ મુરજાયેલો ચહેરો અને જરૂરીયાત પુરતી પલકારા કરતી આંખો અને ચાવી ચડાવેલા રમકડાની જેમ વર્તન કરતી અક્ષીને કોઈ જ્યાં દોરે ત્યાં દોરાઈ જતી હતી. લગ્નમંડપમાં માત્ર આજે ખાલી વિશાલ જ પરણી રહ્યો હતો. આ એવા લગ્ન હતા જેમાં માત્ર વરરાજો જ હતો જે એક શરીરથી જીવી રહેલા નિર્જીવ પુતળા સાથે પરણી રહ્યો હતો. આખરે લગ્નવિધિ પૂરી થઇ અને જાન વિદાય વખતે પણ અક્ષીની આંખમાંથી એક આંસુ પણ બહાર નહોતું આવ્યું. એનો એ જ સપાટ ચહેરો આજે ગામ આખામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એ પણ અક્ષીને જ ગુનેગાર ઠહેરાવી રહ્યો હતો. ઘરના લોકોએ એમ સમજીને જતું કર્યું કે ચાલો ભલે વિદાય વખતે રડી નથી પરંતુ લાકડે માકડું ફીટ તો થઇ ગયું.
વિશાલના ઘરે બંનેનું સ્વાગત થયું અને લગ્નની બાકીની વિધિ પતાવીને અક્ષીને વિશાલના રૂમમાં લઇ જવામાં આવી. અક્ષી એ રૂમમાં પ્રવેશતા જ જાણે અચાનક ભાનમાં આવી અને તે દિવસે ઘટેલી એ ઘટના એના માનસપટ પર છવાઈ ગઈ. “નહિ ! નહિ ! હું અહિયાં નહિ જાઉં. મને અહિયાંથી કોઈ લઇ જાઓ” બોલતા જ અક્ષી રડવા લાગી. ગુલાબના ફૂલથી શણગારેલો એ પહેલી રાતનો ઓરડો અક્ષીને કોઈ ચિતા સમાન લાગી રહ્યો હતો જેના પર ભૂતકાળમાં પોતાની આબરૂના અંતિમ સંસ્કાર થયા હતા. અને આજે ફરીવાર એ જ ઘટનાનું પુનરાવર્તન થવાનું હતું અને આજે તો તે કશું બોલી શકે તેમ પણ નહોતી એવું એને હવે ભાન આવી ગયું હતું. અક્ષીનું મન ચકળવકળ થવા લાગ્યું કે પોતે હોશ-હવાસમાં નહોતી અને એના ઘરવાળાઓએ એને પરણાવી દીધી અને એ પણ આ રાક્ષસ જોડે.
આખરે તે માંડ માંડ રૂમમાં પ્રવેશી અને ખુલ્લી બારી પાસે જઈને ઉભી રહી અને આકાશના તારાઓ જોઈ રહી હતી અને ભગવાનને ફરિયાદ કરીને કોસી રહી હતી કે શું આવી છે તારી દુનિયા જ્યાં માણસ જ બીજા માણસની જિંદગી બરબાદ કરવા માટે તરફડે છે. એટલામાં જ બારી પાસેથી અવાજ આવ્યો. એ અવાજ વિશાલનો હતો એ સમજતા અક્ષીને વાર નાં લાગી. ઘરની પાછળ વિશાલ કોઈક જોડે ફોન પર વાત કરી રહ્યો હતો. “જો સાંભળ ! તે કરેલા કામના પૈસા તને જલ્દી મળી જશે અને આમ પણ મારા સસરાએ ઘણું બધું દહેજ આપ્યું છે. પણ આજે મને હેરાન નહિ કરતો આજે હું દારુ પીવા પણ નહિ આવું કારણ કે આજે તો મારે એ ફૂલ ફટકડીના શરીરના કણકણના ઘુંટડા ભરીને પીવાની છે. એકવાર એ ફૂલનો બધો જ રસ ચૂસી લઉં પછી જેવી રીતે અમયનું કાસળ કાઢ્યું એમ અક્ષીને પણ રસ્તામાંથી કાઢતા વાર નહિ લાગે. જેમ તે મારા કહેવાથી અમયના ખૂનને એક્સીડેંટ બનાવી દીધું એવી જ રીતે અક્ષીના મૃત્યુને પણ રસોડામાં થયેલી આકસ્મિક ઘટના બનાવી દઈશું. આપણને દહેજમાં ઘણો માલ મળ્યો છે એટલે ચિંતા કરવા જેવું નથી. આજે મારા તરફથી જેટલો દારુ પીવો હોય એટલો પીવો હું પૈસા આપી દઈશ.”
વિશાલે કરેલી ફોન પરની એ બધી જ વાત અક્ષી બારીએ ઉભી ઉભી સાંભળી ગઈ અને એની આંખો ફાટી ગઈ. ગુસ્સાથી લાલચોળ એ આંખો અને વાત જાણ્યા પછીનું એનું મગજ હવે પોતાની જાત પરનો કાબુ ખોઈ બેઠું હતું અને તેની જિંદગી બરબાદ કરનાર અને પોતાના પ્રેમથી અલગ કરનાર એ માણસ તરફ હવે બદલો લેવાનું વિચારી રહ્યું હતું. અક્ષીમાં જાણે એક શક્તિનો સંચાર થયો હોય એમ લાગતું હતું જેના કારણે તે ઝડપથી પોતાના રૂમની પાસેના જ રસોડામાં જઈને એક મોટી ચાકુ લઇ આવી હતી અને પોતાના ઓશિકાની નીચે સંતાડી દીધી હતી.
થોડી વારે વિશાલ રૂમમાં આવ્યો. ધીમેથી બારણું બંધ કર્યું અને ખંધુ સ્મિત કરતો અક્ષીની બાજુમાં જ પલંગ પર બેઠો. વિશાલ બાજુમાં આવતા જ અક્ષી સહેજ સંકોચાઈ. વિશાલ તરત જ ટોનમાં બોલ્યો, “આજે તો આપણી સુહાગરાત છે શરમાવાનું મૂકી દે, ચલ આજે તો તારામાં હું પુરેપુરો ખોવાઈ જઈશ.” વિશાલના મગજમાં એણે કરેલી ભૂલના એક પણ વિચારો નહોતા. વિશાલ ધીમે ધીમે અક્ષીના પગ પર હાથ ફેરવવા લાગ્યો અને હળવેથી એનો હાથ જાણે સાપની માફક આગળ વધવા લાગ્યો. પોતાનો શર્ટ ઉતારીને ધીમે ધીમે હવે તે અક્ષીના શરીર પર રહેલા એક એક કપડાને દુર કરી રહ્યો હતો અને હવે તે પુરેપુરો વાસનામાં ખોવાઈ ગયો હતો કે તરત જ અક્ષીએ મોકો જોઇને ઓશિકા નીચે પડેલું ચાકુ લઈને વિશાલના ખુલ્લા શરીરમાં પેટમાં ખોસી દીધું અને ચાકુથી એક આંટી ફેરવી દીધી જેના કારણે અંદરની નસો તૂટી જાય. તરત જ જોરથી વિશાલની છાતી પર પાટું માર્યું અને વિશાલ નીચે ગબડી પડ્યો. અણધાર્યા થયેલા હુમલાના કારણે હજુ તો વિશાલ કઈ સમજીને પ્રતિકાર કરે એ પહેલા જ અક્ષી જાણે ચંડી બનીને વિશાલની માથે બેસી ગઈ અને બદલાની ભાવના અને દાઝ ઉતારવાનું એ જુનુનના કારણે બીજા ૫-૬ ઘા ચાકુથી કર્યા અને વિશાલને લોહી લુહાણ કરી નાખ્યો અને એકસાથે આટલા ઘા વાગવાથી વિશાલ ત્યાં જ મરી ગયો અને આખરે એના મોત પછી એનો ગુસ્સો શાંત થયો અને તે પછી ઘણીવાર સુધી ત્યાં બેસીને અમયને યાદ કરીને રડતી રહી. થોડીવાર પછી ત્યાં રૂમમાં જ પડેલી લગ્નનો ચાંદલો લખવાની બુકમાંથી એક પાનું ફાડીને એમાં લખવા લાગી.
“વિશાલના કારણે મારી જિંદગી બરબાદ થઇ ગઈ. એની એ વાસનાના કારણે એને મારા અમયને પણ મારાથી છીનવી લીધો અને સાથે હજુ મને મારવાના પણ સપના સેવી રહ્યો હતો. એક સ્ત્રીની આબરૂ પર ઘા કરવાનો અંજામ શું હોય છે એ સાબિત કરવા અને મારા અમયના ખૂનનો બદલો લેવા માટે મેં આજે એને મોતને ઘાટ ઉતારી દીધો છે. હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. મારી આબરૂ વિશાલ લઇ ગયો અને મારો પ્રેમ અમય લઇ ગયો. હવે આમ શરીર બનીને જીવવું એના કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ જેથી હું મારા અમયને જલ્દીથી મળી શકું. હું મારા અમય વગર ખુશ નહિ રહી શકું અને એટલે જ હું આત્મહત્યા કરું છું.
મારી એક અંતિમ ઈચ્છા છે કે મારા અંતિમ સંસ્કાર પછી મારા અસ્થી અમયના અસ્થીની સાથે જ વિધિ કરીને પધરાવજો જેથી કરીને હું એની સાથે જ આ દુનિયામાંથી વિદાઈ લઇ શકું. એની સાથે જીવી તો નાં શકી પરંતુ એની સાથે મૃત્યુ પછી પણ હું એક થઇ જવા માંગુ છું. નૈનાભાભીને આ વાત પહોચાડી દેજો એટલે એ સમજી જશે. મા અને પિતા હું તમારા ખોળે દીકરી બનીને જન્મી એ મારું સદભાગ્ય હતું પરંતુ મારા કારણે તમારે બદનામ થવું પડ્યું એ બદલ હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું.”
એ જ તમારી અભાગી દીકરી
અક્ષી.
આટલું લખીને અક્ષી પોતાની જ સાડી ઉપર પંખા સાથે બાંધીને લટકી ગઈ અને એ સુહાગરાત બંનેની અંતિમરાત બની ગઈ. વિશાલે કરેલી ભૂલનું પરિણામ તેણે ભોગવ્યું અને તેના જેવા નરાધમના કારણે અક્ષી જેવી માસુમ છોકરીની જિંદગી પણ બગડી અને સાથે અમયે પણ જીવ ગુમાવ્યો.
ઘર પરિવારએ દીકરીનો અંતિમ સંસ્કાર કર્યો અને નૈનાભાભીને એ ચીઠ્ઠી આપી જે વાંચીને નૈનાભાભીએ નક્કી કર્યું કે અક્ષીની અસ્થી અમયના અસ્થી સાથે જ વહાવવામાં આવશે. બંનેના અસ્થીકળશને સાથે ભેગા કરવામાં આવ્યા, ચુંદડી અને છેડાછેડી બાંધી અને ભાભીએ પંડિતને મૃત્યુના શ્લોકને બદલે લગ્નના શ્લોક બોલાવીને બંને અસ્થીકળશના લગ્ન કરાવ્યા અને બંનેની અસ્થીને એક જ કળશમાં ભેગી કરીને દરિયામાં વહાવી દીધી.
લગ્નની ઈચ્છા રાખનાર બંને પ્રેમીઓ જીવતાજીવત તો એક નાં થઇ શક્યા પરંતુ મર્યા પછી આખરે અસ્થીકળશ વડે પણ લગ્ન ગોઠવીને પરણ્યા અને ઉપર રહેલી નિરંતર દુનિયામાં હમેશ માટે એક થઇ ગયા…
અમય અને અક્ષી બંને જાણે આકાશમાંથી નૈનાભાભીનો આભાર માની રહ્યા હોય અને બંને સાથે ખુશ હોય એવું ચિત્ર નૈનાભાભી સામે ખડું થઇ ગયું અને આંખના ખૂણામાં આવેલા આંસુને લુછીને હસીને વિદાય કર્યા.
સમાપ્તિ.