શનિવાર, 30 ઑગસ્ટ, 2014

રાજા નટવરલાલ


કુણાલ દેશમુખને તો જાણે ઇમરાન હાશ્મીની “લત લગ ગયી” હોય એમ ઉપર છાપરી ચોથી ફિલ્મ બનાવી નાખી. કુણાલને એક જ પ્રકારની થીમ અને વાર્તાઓ કેમ ગમે છે એ નથી સમજાતું. જન્નત, જન્નત-૨, અને હવે રાજા નટવરલાલ પણ એ જ થીમ ઉપર. કુણાલનું દિગ્દર્શન સારું છે અને ઇમરાન તો હવે એક્ટિંગનો પાકો ગઠીયો બની ગયો છે પણ એનો મતલબ એમ તો નથી ને કે એક જ પ્રકારની ફિલ્મ બનાવ્યા કરવાની..!!
પાકિસ્તાની હિરોઈન હુમૈમાં મલિક “આપણા હુમૈમાંબેન” ને કોઈક સમજાવો કે બોલીવૂડમાં તમારું સ્થાન નહિ બની શકે. બોલીવૂડમાં ફેમસ થવા માટે ચેહરા પર ચાર્મ હોવો જરૂરી છે, એક્ટિંગની સમજ હોવી જરૂરી છે. કે.કે.મેનનને સીરીઅસ રોલ આપ્યો પણ આ ભાઈએ થોડો વધારે પડતો સીરીઅસ રોલ કરી નાખ્યો. પરેશ રાવલ પોતાના એક્ટિંગના જોરે ફિલ્મને થોડી મજબુત બનવાની કોશિશ કરી રહ્યા છે. ડાયલોગ રેગ્યુલર છે, સ્ક્રીનપ્લે થોડું આડું અવળું થઈ ગયું.
કુણાલને ગીતોની પસંદગી પેલેથી સારી કરતા આવડે છે અને આ વખતે પણ એમ જ થયું. ગીતો સારા છે. કુણાલની ફિલ્મ હોય એટલે સંગીત પ્રીતમનું જ હોય પણ આ વખતે ભાઈએ દક્ષીણના મ્યુઝીક ડાયરેક્ટર “યુવાન શંકર રાજા” પર પસંદગી ઉતારી. યુવાનનું સંગીત સારું છે, પણ પ્રીતમ હજુ વધારે સારું કરી શકેત એમાં બેમત છે. જો કે આ સંગીત સાથે પણ જાદુઈ અવાજ “અરિજિત સિંહ”નું ગીત “તેરે હોકે રહેંગે” જોડાઈ જાય એટલે ચાર ચાંદ લાગી જાય.
બાકી ફિલ્મમાં કઈ ખાસ જોવા જેવું નથી. ફિલ્મ નો જોઈ શકાય તો અફસોસ કરવા જેવું નથી.
Ratings :- 2/5

શનિવાર, 23 ઑગસ્ટ, 2014

મર્દાની


               
                  “લાગા ચુનરી મેં દાગ” ફિલ્મમાં સ્ત્રીની મજબૂરીની કિંમત તેણે શું ચૂકવવી પડે છે એ વિષય પર બનાવેલી પ્રદીપ સરકારની રાની મુખર્જી સાથેની બીજી ફિલ્મ “મર્દાની” જેમાં પ્રદીપ સરકારે ફરી એક વાર બોલ્ડ વિષય અને અત્યારના સમયની દેશની સમસ્યાને આવરી લીધી છે.
                    “નો વન કીલ્ડ જેસિકા” ફિલ્મમાં એક બિન્દાસ્ત રિપોર્ટરનો રોલ કરનારી રાની મુખર્જીએ “મર્દાની” માં એક ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ભૂમિકા પણ બખૂબી નિભાવી છે. ફિલ્મના એક્શન સીન ભજવવામાં રાનીએ ખુબ મહેનત કરી છે અને સફળ પણ રહી છે.
                      ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે અને એના કારણે સેકંડ હાફમાં ફિલ્મને જલ્દી પૂરી કરી નાખી હોય એવું લાગે છે. આજે દેશમાં ચાલતા સેક્સ સ્કેન્ડલ અને ડ્રગ્સ સ્મગલિંગના ધંધાની ચોખ્ખી હકીકત બતાવી છે પણ હજુ વધુ ઊંડે ઉતરી શક્યા હોત તો ફિલ્મ વધુ અસરકારક બની હોત. ફિલ્મમાં ખુબ જ મહત્વપૂર્ણ અને સામાજિક સંદેશ આપતો વિષય છે પરંતુ એને વાર્તામાં ફેરવવામાં અને ફિલ્મી પરદે ઉતારવામાં ઘણી કચાશ રહી ગયી છે. સુનિધિ ચૌહાણએ ગયેલું ગીત “તુમકો નહિ છોડુંગી” ના શબ્દો પણ સારા છે. ફિલ્મના ડાયલોગ સરાહનીય છે પણ ક્યાંક અમુક ડાયલોગ એવા લાગે છે જાણે આપણે કોઈ જૂની ફિલ્મ જોતા હોઈએ. વિલનનો રોલ કરનાર તાહિર ભાસીન હજુ એક્ટિંગ બાબતમાં હજુ નવો નિશાળીયો છે."પ્યારી" નો રોલ કરનાર પ્રિયંકા શર્માની એક્ટિંગ પણ ઠીક છે.
ઓવરઓલ ફિલ્મ બીલો એવરેજ છે.
Ratings :- 2.5 / 5

બુધવાર, 20 ઑગસ્ટ, 2014

સંબંધોનું નામકરણ

છેલ્લા ૧૫ દિવસથી સતત એક પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. એટલે આજે થયું કે પૂછી જ નાખું.
શું દરેક સંબંધને નામ આપવું જરૂરી હોય છે ?
સામાન્ય રીતે જોઈએ તો આપણે સામાજિક પ્રાણીઓ છીએ અને સમાજની વચ્ચે રહેવાનું હોય છે એટલે દરેક વ્યક્તિ એકબીજા સાથે સામાજિક નામકરણથી ઓળખાય છે. પણ શું દરેક સંબંધને નામ આપવું જરૂરી જ હોય છે ? શું કોઈ સંબંધ નામ વગર આગળ વધી નાં શકે ?
કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે કે જેની સાથેનો સંબંધ એને સમજાતો ના હોય. (અમુક લંગુરો આ વાક્યનો પણ અવળો અર્થ કાઢશે). સ્ત્રી અને પુરુષોના સંબંધોને આજે આપણા સમાજમાં માત્રને માત્ર એક શંકાની નજરથી જ જોવામાં આવે છે. સ્ત્રી-પુરુષોના સંબંધોને હમેશા આપણા ગંદા સમાજે વગોવ્યો છે. આપણા ઇતિહાસમાં શ્રેષ્ઠ ઉદાહરણો જોવા મળે છે સ્ત્રી-પુરુષના સંબંધોના. શ્રીકૃષ્ણ અને દ્રોપદીની મિત્રતાનો સંબંધ, રાધા-કૃષ્ણનો સંબંધ. માણસ બનીને જીવેલા આ ઈશ્વરને પણ આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દ્રોપદી અને રાધા જેવા સ્ત્રીપાત્રોની જરૂર પડી હતી તો આપણી જેવા કાળા માથાના માનવીઓની શું ઓકાત છે.

દ્રોપદી એ કૃષ્ણની મિત્ર હતી એ વાત તો ઠીક છે પણ મને આજ સુધી રાધા-કૃષ્ણનો સંબધ સમજાયો નથી કારણ કે મિત્ર બનાવવા માટે, પ્રેમ કરવા માટે અને લગ્ન કરવા માટે હમેશા ૨ વ્યક્તિઓની જરૂર પડે પણ રાધા-કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે ? મને આજ સુધી આ સવાલનો જવાબ નથી મળ્યો. મેં અત્યાર સુધી વાંચેલા કૃષ્ણચરિત્રમાં પણ આ સંબંધને પ્રેમ ગણાવ્યો છે પણ મને આ વાત ગળે નથી ઉતરતી કે રાધા-કૃષ્ણ પ્રેમીઓ હતા. જો આપણો ઇતિહાસ જ આવા શ્રેષ્ઠ સંબંધોના પાયાની રચના પર ઉભો છે તો પછી ઉપરનું બાંધકામ આટલું બોદું કેમ છે ?
સ્ત્રીની જિંદગીમાં ક્યારેક કોઈક એવો પુરુષ પણ હોઈ શકે કે જેને એ પોતાનો મિત્ર પણ ના કહી શકતી હોય, પોતાનો ભાઈ પણ નાં કહી શકતી હોય, કે પોતાનો પ્રેમી પણ નાં કહી શકતી હોય અને છતાં એ સંબંધને એ પોતાના જીવ કરતા વધારે સાચવતી હોય અને મહેસુસ કરતી હોય છે. આ જ ઘટના પુરુષના જીવનમાં પણ બને છે. પોતપોતાની રીતે બંને આ સંબંધને જાળવતા હોય છે ત્યારે વાંધો નથી પણ તકલીફ ત્યારે ઉભી થાય છે કે જયારે સમાજ એને કંઈક ને કંઈક નામ આપીને સંબંધો પર કાદવ ઉછાળે છે અને એના છાંટા બંને વ્યક્તિના મન પર પણ પડે છે અને એ બંને પણ આ સંબંધોને કંઈક નામ આપવા મજબુર બને છે. પછી આ સંબંધો કાં તો જળવાય છે અને કાં તો ઝંખવાય છે. આપણા આ સમાજની વિચારધારા ક્યારે બદલાશે ?
મારા મતે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રતા, પ્રેમીઓ, પતિ-પત્ની આ સિવાય પણ એક સંબંધ હોય છે જેનો ફક્ત એહસાસ થાય છે આવા સંબંધોના કોઈ સરનામાં નથી હોતા, આવા સંબંધો ક્યારેય ક્યાય પહોંચવા માટે નથી ચાલતા, જેમ નદી આગળ વહે છે કારણ કે એને સમુદ્રને મળવાની ઈચ્છા હોય છે, સ્ત્રી-પુરુષની મિત્રતા આગળ વધે છે પ્રેમ કરવા માટે, પ્રેમીઓ બન્યા પછી એમનું નજીક નું લક્ષ્ય હોય છે લગ્ન. આમ, ઘણા સંબંધોમાં આવા લક્ષ્ય હોય છે પણ અમુક સંબંધોના કોઈ લક્ષ્ય હોતા જ નથી એ વ્યક્તિઓ સંબંધને ક્યાય પહોચાડવા માંગતા જ નથી. એતો બસ વહે છે પવન બનીને સમયની સાથે અને ચાલ્યા જ કરે છે. આવા સંબંધોનો માત્ર એહસાસ કરવાથી જ એમ લાગે છે કે જિંદગીમાં કંઈક રોમાંચ છે એવું લાગે કે જિંદગી જીવીએ છીએ. આ અનુભૂતિ જીવનની શ્રેષ્ઠ પળોમાની એક હોય છે.

મારા એક શિક્ષકને મેં આ સવાલ કર્યો ત્યારે એમણે મને ખુબ જ સરસ વાત કરી કે સમાજ સામે દરેક સંબંધોનું એક આગવું મહત્વ હોય છે અને એ મહત્વ જાળવી રાખવા માટે દરેક સંબંધોને કંઈક ને કંઈક નામ આપવું જરૂરી હોય છે. બાકી પોતાને મહેસુસ થતા હૃદયના સંબંધોને નામ આપીને મર્યાદા બાંધવા કરતા એને માત્ર એહસાસ કરવામાં જ મજા છે. અને જેમ આપણે સમાજ વિષે બોલીએ છીએ એમ સમાજ પણ આપણા વિષે બોલે છે કારણ કે આપણે પણ એના સમાજનો જ એક ભાગ છીએ. આ સાંભળીને પછી મારા મનમાં ઉઠેલું વંટોળિયું થોડા ઘણા અંશે જરૂર શાંત થયું.
સ્ત્રી-પુરુષના આ સંબંધો પર લખવા જઈએ તો આખા એક ગ્રંથ જેટલું સાહિત્ય બની જાય પણ આ તો એક નાનકડો એવો મુદ્દો ટાંકવાની ઈચ્છા થઇ.
તમારા મતે સંબંધોના આ પ્રશ્ન વિષે શું માનવું છે એ કહેશો તો આપણો આભારી થઈશ. ધન્યવાદ.

શુક્રવાર, 15 ઑગસ્ટ, 2014

Singham Returns


ફૂલઓન માસમીડિયા મનોરંજક અને પોલીસની યાદગાર ભૂમિકા ભજવનાર અજય દેવગણની ફિલ્મ “સિંઘમ” ની સિકવલ “સિંઘમ રીટર્નસ”. અજય દેવગણની પાવરપેક એક્શન, સુપર-ડુપર માઈન્ડ બ્લોવિંગ દમદાર એક્ટિંગ. દિગ્દર્શક રોહિત શેટ્ટીની ઉપર છાપરી આ ૮ મી ફિલ્મ સુપર-ડુપર હીટ આવશે બોસ.
રોહિત શેટ્ટીએ લખેલી વાર્તામાં(સ્ક્રીપ્ટ) કઈ ખાસ દમ નથી, નબળી સ્ક્રીપ્ટ છે. પણ સીધી વાત છે ભાઈ ! એક્શન માસ્ટર અને ગાડીઓ ઉડાડવાના શોખીન અને દિગ્દર્શનના એક્કા રોહિતભાઈ ને કોમળ કલમનો ઉપયોગ કરતા કદાચ નાં પણ આવડે એ સ્વીકારવાની બાબત છે. કરીના કપૂરને આ ફિલ્મમાં ફરીવાર “જબ વી મેટ” માં કરેલો “ગીત” નો રોલ કરવાનો ચાન્સ મળ્યો હતો પણ બિચારીએ ઓવર કોન્ફીડંસમાં આવીને ઓવરએક્ટિંગ કરી નાખી. જો કે ફિલ્મમાં એની જરૂરીયાત જ નથી એવું લાગે છે કારણ કે માત્ર એક શો પીસ છે ફિલ્મમાં. એક્ટિંગની બાબતમાં આ વખતે એક વ્યક્તિએ ધ્યાન ખેંચ્યું હોય તો એ છે બાબાજીનો જબરદસ્ત રોલ કરનાર અમોલ ગુપ્તે. અનુપમ ખેરનો રોલ નાનો છે પણ મહત્વનો છે. મહેશ માંજરેકરના ભાગે કંઈ ખાસ કામ નથી આવ્યું આ વખતે. દરવાઝા તોડવાના માસ્ટર દયાની એક્ટિંગ પણ સારી છે.
એક એક ડાયલોગના પાવરપંચ અને સ્ક્રીનપ્લેનું કામ સરાહનીય છે. કોમેડી જબરદસ્તી ઘુસાડેલી છે. ફિલ્મના અમુક દ્રશ્યો શરીરમાં જોશ અને જુનુન ભરી દે એવા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક થોડું લાઉડ છે. “આશિકી ૨” ફેઈમ અંકિત તિવારી, જીત ગાંગુલી, મિત બ્રધર્સ અને યો યો એ મળીને મ્યુઝીક આપ્યું છે જે એક્શન પાવરપેક ફિલ્મમાં પણ એક સુમધુર ગીત "કુછ તો હુઆ હે" મુકવામાં સફળ રહ્યા છે અને સપનાનું શહેર બતાવીને ગીતનું ફિલ્માંકન પણ સરસ રીતે કરેલું છે. મેજિક વોઈસ અરિજિત સિંહનું પણ એક ગીત છે પણ કંઈ ખાસ નથી. હા ગીતના શબ્દો સરસ છે પણ કમ્પોઝિંગ કરવામાં ક્યાંક કચાશ રહી ગયી. અને નાના ટેણીયાઓને ગમે એવું યો યો નું ગીત “આતા માજી સટકલી” ખુબ જ લોકપ્રિય થશે, અને આ વખતે લગ્નપ્રસંગ માં પણ કદાચ વાગશે.
પરિવાર સાથે બેસીને જોવાલાયક એક મનોરંજક ફિલ્મ. પૈસા વસુલ ફિલ્મ જરૂર લાગશે. એકવાર અજય દેવગણની એક્શન જોવા જેવી છે બોસ. રોહિત શેટ્ટી આ વખતે પણ પૈસા ગણવા માટે તૈયાર થઇ જા ભાઈ! ૧૦૦ કરોડ તો આવશે જ એ પાક્કી ગેરંટી.
Ratings :- 3.5/5

શનિવાર, 9 ઑગસ્ટ, 2014

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી..

         આપણે નાનપણથી હુમાયુનો કિસ્સો, કુંતી અને અભિમન્યુનો કિસ્સો આ બધી પૌરાણિક વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ કે બહેન ભાઈની રક્ષા માટે એને રાખડી બાંધે છે, ભાઈ-બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ બતાવતો આ પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન.

         પણ આજની તારીખમાં આની વ્યાખ્યાઓ કંઈક અલગ કરવી પડે તેમ છે. આજે રોજબરોજનું થતું સ્ત્રીઓનું શોષણ, દર ૨ દિવસે થતા બળાત્કારો, ભૃણહત્યા એ બધાથી આજે સ્ત્રીઓ મુશ્કેલીમાં છે. પેલાના સમયમાં બહેન દીકરીઓની આબરૂ બચાવવા માટે પુરુષો પોતાનો જીવ આપતા પણ અચકાતા નહિ. અરે એ સમયના બહારવટિયાઓ પણ ખુદ્દાર માણસો હતા જે કોઈ પણની બહેન દીકરીને બચાવવા માટે પોતે પાળિયા થઇ જતા અને આજે આપણે આતંકવાદીઓથી નહિ પણ આપણી જ આજુબાજુમાં રહેતા રાક્ષસોથી બચતા રહીને ચાલવું પડે છે કે ક્યાંક એમની ખરાબ નજર કોઈની બેન-દીકરીઓની જિંદગી બરબાદ ના કરી નાખે. આજે તો રક્ષક જ ભક્ષક બની ગયા છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે કે એનો ભાઈ સુરક્ષિત રહે પણ એ જ ભાઈ એ સુરક્ષાકવચ પહેરીને કોઈક બીજાની બહેનની આબરૂ લૂટતા શરમાતો નથી. આ કળયુગ નહિ ભાઈ ઘોર કળયુગ આવ્યો છે કે જ્યાં એક બાપ પણ પોતાની દીકરી પર નજર બગડતો ફરે છે. આજે સ્ત્રીઓ એક પ્રકારના ફફડાટ સાથે બહાર નીકળે છે.

         કહેવું છે ફક્ત એટલું કે મહેરબાની કરીને તમારા મનની લાગણીઓ કાબુમાં રાખો અને ક્યારેય પણ કોઈની બેન-દીકરીઓને મુસીબતમાં જુઓ તો તરત જ મદદ કરો, કારણ કે બની શકે કે કાલે સવારે તમારી બેન-દીકરી પર પણ કોઈ આફત આવી પડે અને ત્યારે કદાચ કોઈ ના મળે. જેવું વાવશો એવું પામશો. તમે મદદ કરશો તો કોઈક તમારી મદદ જરૂર કરશે. ભાઈ-બહેનનો પ્રેમ તો ઘણી જગ્યા એ જોયો છે પણ ક્યારેક બીજાની બહેનની રક્ષા પણ કરતી રહેવી જોઈએ. (ઘણા લંગૂર હજુ આ આગળના વાક્યનાં પણ દ્વિઅર્થ કાઢતા હશે. કંટ્રોલ ભાઈ!)

          મારા મતે રક્ષાબંધન એ ફક્ત ભાઈ-બહેનનો તહેવાર નથી પણ દરેક સ્ત્રીને માન-સન્માન આપવાનો તહેવાર છે. આપણા દેશમાં સ્ત્રીઓને માતાજી-ભગવાન ગણીને પૂજે છે લોકો. પણ અમુક લોકો આજે એ ભૂલી ગયા છે કે એ પણ કોઈક સ્ત્રીનો દીકરો છે અને એના ઘરે પણ એમની બહેન છે. so please save the women and also save the Girl child.
          મારે સગી બહેન તો નથી પણ ભગવાને મને એક એવી વ્યક્તિ આપી છે કે જે મારા માટે સગી બહેન કરતા પણ વિશેષ છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પહેલા પણ એના માટે જ લખેલી મારી જ કવિતા આજે ફરીવાર એના માટે અહી મુકું છું. મારી બેન This poem is only for you. I Love You My Sssiiissss.

ગંગાજળથી પણ પવિત્ર સંબંધ સચવાય છે એમ,
કે જેમાં છે એક વીરો અને છે એની લાડકી બેન.
છે મિત્રોથી ભરપુર આ દુનિયા, પણ ઘરમાં છે એક મિત્રની જેમ,
બેના માટે એનો ભઈલો અને ભઈલા માટે એની બેન.
આશ્ચર્ય થાય છે મને કે દુર હોવા છતાં સુરક્ષિત છું હું કેમ,
ખબર પડે છે પછી કે બેન કરે છે ઉપવાસ ને કાઢે છે દિવસ જેમતેમ.
બેના છે ભાઈથી મોટી અને રાખે છે ભઈલાનું ધ્યાન,
સાંભળીને ભાઈનું નામ, બહેન કહે છે કે આજ છે મારું કામ.
પ્રેમ છે તારા પર અપાર મને, કેમ કરી સમજાવું તને બેન,
તારી અમૂલ્ય રાખડીનું ઋણ, ચૂકવીશ હું તને કેમ ?
લીંબડી પીપળીના ગીતો ગાઉં છું જેમ અને તેમ,
પણ નાં આવડે ત્યારે પ્રેમથી કહું છુ કે હું તારો વીરો અને તું મારી બેન.
Happy Rakshbandhan to all people. Happy Rakhi Day.

ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

આત્મહત્યા :- સાહસ કે કાયરતા

ભારત સરકાર આઈ.પી.સી. ની કલમ ૩૦૯ માં સુધારા કરવાનું વિચારી રહી છે કે આત્મહત્યાની કોશિશ હવેથી ગુનો નહિ ગણાય અને એને જેલ નહિ થાય, પણ આત્મહત્યા કરવી જ શું કામ જોઈએ ? એનું કોઈ સોલ્યુશન નથી કાઢતા કોઈ.

જિંદગીમાં ક્યારેક સમય ખરાબ હોય છે, કઈ સારું ન થતું હોય અને જીવનના બધા પાસા ઉંધા જ પડતા હોય ત્યારે અમુક માનસિક પાંગળા લોકોને અંતિમ પગલું આત્મહત્યા દેખાય છે. સાલું, આપણામાં તો બીજાની હત્યા કરવાનીય ત્રેવડ નથી અને માણસો આત્મહત્યા કરી લે છે. હું આવા લોકોને માનસિક પીડિત ગણું છું ઉપર લખ્યું એ મુજબ કારણ કે આવા લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોય છે. પણ શું એ આત્મવિશ્વાસ પાછો નાં આવી શકે ? આવતી તકલીફો સામે લડીને બેઠા ના થઇ શકીએ ? એવું તો કોઈ કારણ માણસના જીવનમાં ન જ હોય કે જેનો ઉપાય આત્મહત્યાથી મળી જતો હોય.

આપણી આસપાસ થતા બનાવો પરથી અમુક તારણો એવા નીકળે કે ભણવામાં નાપાસ થયા હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, નોકરી ન મળતી હોય, દેવું વધી ગયું હોય, અને આજ-કાલ બહુ જોર-શોરમાં ચાલતું મહત્વનું કારણ ઘરમાં થતા કંકાસ અથવા તો મમ્મી-પાપાના કૈક કહેવાથી ખોટું લાગી જાય અને આત્મહત્યા કરનારા કાયરો પણ આપણી આજુ-બાજુ વસે છે. આટલા કારણો સિવાય મને બીજું કોઈ કારણ નથી દેખાતું. આટલી નાની વાતમાં પોતાની જાત નષ્ટ કરી બેસનારા ફટટૂ લોકો એમ લખતા જાય છે કે આત્મહત્યા કરવા માટે હિમત જોઈએ. પણ મારા ભાઈ ! આજ હિંમત આવેલી સમસ્યાનો સામનો કરવામાં દેખાડ તો તારી માટે એક સરસ મજાની જિંદગી રાહ જોઇને બેઠી છે એ વાત એને ધ્યાનમાં નથી આવતી.

વિધાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે અને આ દુનિયા એને નકામી લાગવા માંડે છે. બોર્ડની પરીક્ષાના પરિણામ પછી શહેરના દરેક તળાવ,નદી-નાળા,સરોવર પર પોલીસ પહેરો ભરતી થાય જાય છે શું કામ ? પરીક્ષાનું પરિણામ નાપાસ આવાથી માં-બાપના ખીજાવાનો ડર અથવા તો પોતે કરેલી મહેનતનું પરિણામ ન મળ્યાનો અફસોસ અને પોતે ગુમાવેલો આત્મવિશ્વાસ એમને આવા હલકી કક્ષાના પગલા ભરવા મજબુર કરે છે. પણ એક વાત વિચારો કે પરીક્ષા લેનાર કોઈક છે, પેપર તપાસનાર કોઈક છે અને પરિણામ બનાવનાર પણ કોઈક છે. એ વાત સાચી કે ભવિષ્યનો ફેસલો એના પર થવાનો છે પણ એ લોકો પાસે આપણી સુંદર જિંદગી છીનવાનો કોઈ હક નથી. તો શું કામ એમના એક પરિણામથી આપણી જિંદગી મોતને સોપી દેવી જોઈએ ? મહેનતના આધારે પરિણામ નથી મળતું એનો મતલબ એતો નથી કે હવે બીજી વાર મહેનત નહિ થાય. ક્યાંક કચાશ રહી ગયી હોય એવું બને અથવા તો તમારું મન કૈક બીજો ઈશારો કરતુ હોય એવું બને. આવી પરીક્ષાથી હારી જઈશું તો જિંદગીની પરીક્ષાઓ કેવી રીતે લડીશું ? માં-બાપનો ડર લાગે છે પણ કોઈ દિવસ એ વિચાર્યું કે એ તમારો ડર એમણે આખી જિંદગી ભોગવવો પડશે ? શું તમે ફરીવાર માં-બાપને એવો વિશ્વાસ નાં દેવડાવી શકો કે ફરીવાર મહેનત કરીને વધારે સારું પરિણામ લાવીશ એમ. ભણતર એ જિંદગીનો એક ભાગ જરૂર છે પણ જિંદગી જીવવાનું કારણ નથી કે જેના વગર જીવી ન શકાય.

પરીક્ષા અને રીક્ષામાં એક ગુમાંવાથી નાસીપાસ ના થવાય,
એક જાય ત્યારે બીજી પાછળ આવતી જ હોય છે. 
                                                            - જય વસાવડા


પ્રેમની નિષ્ફળતા :- એક સીધી સાદી વાત કે લોકોને આજકાલની છોકરી/છોકરાનો પ્રેમ દેખાય છે તમારા કુટુંબનો કે માં-બાપનો પ્રેમ નથી દેખાતો ? છોકરા/છોકરીએ કરેલી દગાખોરી કે પછી સંજોગોનાં કારણે લગ્ન ના કરી શકતા લોકોને એનું સર્વસ્વ લુટાઈ ગયા નો એહસાસ થાય છે એ મારી સમજની બહાર છે. માં-બાપે ઉછેરીને મોટા કર્યા,આટલા વર્ષ ભણાવ્યા,આટલા વર્ષ સાચવ્યા,પગભર બનાવ્યા એ પ્રેમ ઓછો લાગે છે ? માં-બાપે તમને જન્મ એટલા માટે તો નથી આપ્યો કે તમે એમને નિરાધાર એકલા મૂકીને ચાલ્યા જાવ. જિંદગીમાં કોઈના આવાથી કે કોઈના જવાથી ફેરફારો જરૂર થાય છે પણ આ દુનિયામાં કોઈ કોઈના વગર મરતું નથી. સમયે જમી  લે છે, સમયે ઊંઘ કરી જ લે છે, સમયે પોતાનું કામ કરી જ લે છે. અમુક સમય જતા એ ઘા પણ ભરાય જાય છે. તો પછી તમે સમય સાથે તાલમેલ કેમ ના કરી શકો ?

આ સમય પણ ચાલ્યો જશે, સુખમાં અને દુઃખમાં આ વાક્ય યાદ રાખવું (જે.કૃષ્ણમૂર્તિ)


નોકરી નથી મળતી અને દેવું વધી જવાથી આત્મહત્યા કરવાવાળા લોકો પણ છે. જાણે કે એમના જીવનનું છેલ્લું કામ નોકરી કરવાનું જ હોય એમ માનવા લાગે છે પણ એક વાત છે કે કોઈ કામ નાનું નથી હોતું. કામ એ કામ હોય છે. પણ નાનું કામ કરવામાં અહંમ નડે છે એ ક્યાંક પીગળી જશે તો અનર્થ થઇ જશે એ કરતા તો આત્મહત્યા કરી લેવી સારી એવી માન્યતાઓ આ માનસિક પીડિતોમાં હોય છે. ભાઈ ! ભણેલો-ગણેલો છો પણ નોકરી નથી મળતી તો ક્યાંક હોટેલ કે લોજમાં કામ કરવા માંડ કદાચ બની શકે કે ત્યાંથી વધુ નસીબ ખૂલવાનું હોય. દેવું વધી ગયું છે તો કામ કરવા લાગો, આત્મહત્યા કરવાથી દેવું ભરાઈ નહિ જાય. ત્યારે એ વ્યક્તિ એમ નથી વિચારતી કે એણે કરેલું દેવું એમના દીકરા/દીકરીને પાછળથી ભરવું પડશે અને અમુક લોકો પોતાની સાથે પોતાના બાળકોને પણ મારી નાખે છે. કાયરો !! સંતાનને જન્મ આપવાનો અધિકાર ભગવાને તમને જરૂર આપ્યો છે પણ એમને મારી નાખવો હક તમને કયો ધર્મ આપે છે કે કયા ભગવાને કહ્યું છે ?


દરેકના ખભા પર સંજોગોનો બોજ હોય છે,
અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઉંચકો છો.
( મર્લે મિલર) (જય વસાવડા ની બૂક "જય હો" માંથી)

આજકાલની પેઢીમાં સહનશીલતાનો અભાવ જોવા મળે છે. માં-બાપ કૈક બોલે તો સહન નથી થતું, કોઈ કંઈ બોલે તો ગુસ્સો આવે છે, ના કરવાનું કરી બેસે છે. શું કામ ભાઈ ? આત્મહત્યા જેવી હલકટ વાતો વિચારી શકે છે પણ માં-બાપ તને ખોટું નથી ખીજાતા એવા હકારાત્મક વિચારો કેમ નથી આવતા ? જતું કેમ નથી કરી શકતો તુ ? જીવનમાં આગળ વધવું હોય તો બાંધછોડ કરવી પડે એ વાત તારા ગળે કેમ નથી ઉતરતી ? આવા સવાલોના એની પાસે અનેક જવાબો મળી રહેશે, કદાચ વ્યાજબી પણ હોઈ શકે પણ એને પૂછવામાં આવે કે જિંદગી જીવવાની ઈચ્છા કેમ નથી તો એનું એક પણ સારું કારણ એની પાસેથી નહિ મળે.આવા અત્યારના મગજ વગરના લોકોની ભૂલો વૃદ્ધ માં-બાપે ભોગવવી પડે છે. એ લોકો સંઘર્ષ કેમ નથી કરી શકતા ?

કાં કશુક કરી બતાવવા માટે જીવી જવાનું હોય છે,
કાં કશુક કર્યા વિના મારી જવું પડે છે. 
                                               - જય વસાવડા

નાનપણથી આપણે વાંદરાના બચ્ચાનું ડાળ પર ચડવું અને રાજા ગુફામાં કરોળિયાને જાળ બાંધતા જોઇને પ્રેરણા લે છે વાળી વાતો સાંભળીને મોટા થયા છીએ એ કોઈ વાર્તાઓ નથી હોતી કે જે પરીકથાઓની જેમ ખોટી હોય. નિષ્ફળતા હમેશા એ દર્શાવે છે કે સફળતા માટે પૂરેપૂરો પ્રયત્ન થયેલો નથી. બાકી જવા વાળાને કોઈ રોકી શકતું નથી. જે ભાગેડુઓ મેદાન મુકીને જાય છે એની ક્યારેય વાહ વાહ નથી થતી મિત્રો, પાળિયા તો એમના પૂજાય છે જે મરવાની હાલતમાંથી બેઠો થઈને લડ્યો હોય.

આત્મહત્યા કરવાના શોખીનો માટે (શોખીન શબ્દ જ વાપરવો યોગ્ય લાગશે આવા ડરપોક માટે) એક સરસ વિચાર છે મારી પાસે કે તમારે ઇન્ડિયન આર્મીમાં જોડાવાની જરૂર છે. કમ સે કમ ૨-૪ દુશ્મનોને મારીને એ લોકોના હાથે મરશો તો શહીદ તો કેવાશો, માં-બાપ ને પણ ગર્વ થશે કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. મરવાનો શોખ હોય તો દેશમાં ઘુસતા આતંકવાદીઓ સામે લડો અને એમને મારી ને મરો. સરકાર તરફથી પુરસ્કાર પણ મળશે જેનાથી માં-બાપ ગુજરાન તો ચલાવી શકશે, કાયર ફટું થઈને મરવાથી કોઈ ફાયદો નથી.

ભારત સરકાર અત્યારે જે વિચારી રહી છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને આર્મીમાં પાકિસ્તાન બોર્ડર પર ભરતી કરી આપો, કમ સે કમ ૨-૪ ને મારીને મરશે.

આત્મહત્યા કરવાના વિચારના એક મિનીટના સમયમાં પંદર સેકંડ જિંદગી જીવવાના કારણ વિચારી લેજો, જિંદગી આપો-આપ બદલાય જશે.  - રવિ યાદવ.