સોમવાર, 13 એપ્રિલ, 2015

પત્રોનો પટારો, મારો લખાયેલો પત્ર - 4

પ્રિય મિત્ર શ્રેયા,
જિંદગીના એક એવા મોડ પર તારો સાથ મળ્યો જ્યારે સમયના અભાવને કારણે જિંદગીમાંથી લોકોની બાદબાકી થતી જતી હતી. મારા છેલ્લા બર્થડે પર અચાનક તારો આવેલો એ પહેલો મેસેજ ભલે મેં ફોર્માલીટી સમજીને ઇગ્નોર કરી દીધો હતો પરંતુ ત્યારે મને એ નહોતી ખબર કે જીંદગી મને એક એવી દોસ્તી આપી રહી છે જેને મારે આખી લાઈફ માટે સાચવવાની છે. તારી આ કાજુકતરી જેવી મીઠી દોસ્તી મને શીરાની જેમ ગળે ઉતરી જશે એ નહોતી ખબર. પરંતુ આજે એ જ દોસ્તીને રોજેરોજ મમળાવ્યા કરું છું.
તારા હસતા ચેહરાની પાછળ કેટલી બધી તકલીફોના ડુંગરો છુપાવીને તે મારી સાથે એ રીતે દોસ્તી કરી છે જાણે દૂધમાં સાકર ભળી જતી હોય છે. મને પોતાના અસ્તિત્વ વિષે અને પોતાની પોઝીટીવ બાબતો અને સારાપણા વિષે વાકેફ કરનાર માત્ર તું જ છે શ્રેયા. લાઈફને હમેશા એક સંઘર્ષ અને રણમેદાન સમજીને લડનારી તું, અને તારા એ જ એટીટ્યુડમાંથી શીખીને મારી લાઈફ સામે બાથ ભીડનારો એ હું. ખરેખર સમય અને સંજોગોએ આપણને બંનેને સરખી રીતે જોડ્યા છે. એક એવું નિર્દોષ બંધન કે જેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ લેવડ-દેવડની આશા નથી કે કોઈ ઇચ્છાઓ નથી. ફક્ત અને ફક્ત પવિત્ર નદીની જેમ ખળખળ વહ્યા કરતો આ દોસ્તીનો સબંધ જે બસ જિંદગીભર વહ્યા કરવામાં જ માને છે કોઈ દિવસ પાણીની જેમ ક્યાય અટકીને વાસી થવામાં નથી માનતો કે દરિયાને મળવાની આશા નથી રાખતો.
ફેસબુક પર થતી તારી મજાક અને કમેન્ટથી હું માત્ર નિર્દોષ આનંદ જ લઉં છું. તને જાહેરમાં ઉતારી પાડવાનો મારો કોઈ જ ઉદ્દેશ નથી હોતો પણ જ્યારે પણ તારી સાથે કમેન્ટમાં ઝઘડતો હોવ છું ત્યારે એમ લાગે છે કે હું મારું બાળપણ ફરીવાર જીવી રહ્યો છું, જે બદનસીબે હું જીવી શક્યો નથી. લાઈફને અલગ મજાથી જીવવાનું તે મને શીખવ્યું છે શ્રેયા. માત્ર સમય પસાર કરવા માટેનું સાધન આ ફેસબુક મને તારા જેવી એક હમદમ દોસ્ત મેળવી આપશે એવું મેં કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું.
આભાસી દુનિયામાંથી સમય કાઢીને ભલે આપણે કદી હકીકતે રૂબરૂ નાં મળી શકીએ પરંતુ દોસ્તીના એવા મજબુત તાંતણે જરૂર બંધાયા છીએ કે જે જિંદગીભર તૂટશે નહિ. એકબીજાને કોઈ તકલીફ આવે એટલે વગર મદદ માગ્યે બાજુમાં સલાહ-સુચન અને માર્ગદર્શન આપવા ઉભા રહી જતા આપણે બંનેને જાણે કોઈએ એકબીજાનું ધ્યાન રાખવાની જવાબદારી આપી હોય એવું લાગે છે.
તું હમેશા હસતી રહે અને ભગવાન તારી બધી ઇચ્છાઓ પૂરી કરે એવી મારી દિલથી દુવાઓ.
તારી જિંદગીનો ખાસ ગણી શકાય એવો મિત્ર
રવિ

ટિપ્પણીઓ નથી: