સોમવાર, 3 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૪

બરાબર એ જ સમયે ઉર્વીલે માર્ક કર્યું કે તે જે છોકરીને જોઈ રહ્યો છે તે અંબર જેવી જ દેખાતી કોઈ બીજી છોકરી છે. આથી તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો કે તેને અંબર પર આટલો પણ ભરોસો નથી અને મનોમન અંબરને સોરી બોલીને ઘરે જતો રહ્યો.
ઘરે પહોચતા જ તેની માં એ કહ્યું, “હયાતી હેમખેમ તેના ઘરે પહોચી ગઈ ને બેટા ? તું એને બિલકુલ તેના ઘરની સામે જ ઉતારીને આવ્યો કે અડધેથી જતી રહી ?”
“કોણ હયાતી ?”, ઉર્વીલ એક પ્રશ્નાર્થના ભાવથી તેની માં સામે જોઈ રહ્યો.
“અરે તું જેને મુકવા ગયો હતો એ છોકરી.”, માં એ જવાબ દીધો.
“અચ્છા ! તો લેડી ગબ્બરનું સાચું નામ હયાતી છે !!”, ઉર્વીલ જાણે પોતાની જાતને કહી રહ્યો હોય એમ સ્વગત બબડી રહ્યો હતો.
“શું બોલ્યો ?”
“કઈ નહિ માં, હું એને છેક ઘર સુધી મૂકી આવ્યો. ચલ હવે હું સુઈ જાઉં, મારે વહેલી સવારે ફ્લાઈટ છે.”, આટલું કહીને ઉર્વીલ ફટાફટ પોતાની રૂમમાં જતો રહ્યો.

ઉર્વીલ બેંગ્લોર પહોચી તો ગયો હતો પણ ઓફીસના કામથી જ મુંબઈ ગયો હોવાથી આજે ઓફિસે તે થોડો લેટ પહોચેત તો પણ કોઈ કશું બોલવાનું નહોતું તે વાત તે સારી રીતે જાણતો હતો આથી તે થોડી નિરાત રાખીને ચા-નાસ્તો લઈને ટીવી શરુ કરીને બેઠો હતો. ચેનલ ફેરવતા જ એક ચેનલ પર “શોલે” મુવી આવી રહ્યું હતું અને ઉર્વીલને અચાનક જ પેલી લેડી ગબ્બર યાદ આવી. પહેલી મુલાકાતમાં તેનું કેરેક્ટર તો ઉર્વીલને ખુબ ઈન્ટરેસ્ટીંગ લાગેલું હોવાથી તેની સાથે હજુ વધુ વાત કરવાની લાલચ તેને રોકી નાં શકી. આથી તેણે તરત જ પોતાનું લેપટોપમાં ફેસબુક ઓપન કરીને હયાતી નામ લખીને સાથે મુંબઈનું ફિલ્ટર મારીને સર્ચ કર્યું ત્યાં તો ૧૨-૧૫ હયાતી દેખાઈ. એક પછી એક પ્રોફાઈલના ફોટો જોઈ જોઇને અલગ અલગ હયાતી પર સર્ચ મારી રહ્યો હતો અને ત્યાં જ એક પ્રોફાઈલમાં તેની નજર અટકી.
“યેસ !!”, ઉર્વીલ ઉત્સાહમાં આવીને બબડ્યો. આખરે તે જે હયાતીને શોધી રહ્યો હતો તે મળી ચુકી હતી. તેના વાળની લટ અડધા કપાળને ઢાંકી રહી હતી અને ચેહરા પરની એ સ્માઈલ ઉર્વીલનો ધબકારો ચુકાવી ગઈ. ફટાફટ ઉર્વીલે “સેન્ડ રીક્વેસ્ટ” નું બટન પ્રેસ કરીને બંધ કરીને ઓફીસ જવા નીકળી ગયો.
==***==***==
ઓફીસનો ગેટ પાસે પહોચતા જ ઉર્વીલ જુવે છે કે ત્યાં રોનીત ઉભો ઉભો સિગરેટ પી રહ્યો હતો. ઘણા વર્ષો પછી આજે પોતાના કોલેજ ફ્રેન્ડને જોઇને ઉર્વીલ થોડો જુસ્સામાં આવીણે જોરથી રોનિતના ખભા પર ધબ્બો મારીને બોલ્યો, “રોની !! તું અહિયાં ?
રોનિતને પણ અચાનક આમ ધબ્બો લાગવાથી થોડો હેબતાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે મને કોણ અહિયાં રોની કહીને બોલાવે છે ? પાછુ ફરીને જોયું ત્યાં તો ઉર્વીલને જોઇને તેણે પણ એકદમ ઉષ્માભર્યું આલિંગન આપ્યું જાણે વર્ષો જુના પાક્કા દોસ્ત એકબીજાને મળ્યા હોય.
“કેમ રોની અહિયાં ?”, ઉર્વીલે બિન્દાસ્ત થઈને પૂછ્યું.
“ભાઈ હું અહિયાં જોબ કરું છું. રજા પર હતો ૨ મહિનાની. આજે જ ફરી જોઈન કર્યું છે.”, રોનીએ સિગરેટનો આખરી કશ ખેચીને સિગરેટ નીચે ફેકીને તેના પર પગ નીચે દબાવતા  જવાબ આપ્યો.
“ઓહ્હો !! ધેન વી આર કલીગ્સ, હું પણ અહિયાં જ જોબ કરું છું. હજુ ૧.૫ મહિનો થયો જોઈન કર્યું તેને.”, ઉર્વીલ શાંતિથી બોલ્યો.
“ઓન વિચ પોસ્ટ ?”
“સીનીયર ગ્રાફિક્સ ડિઝાઈનર

અચ્છા !! એનો મતલબ કે તું મારો સીનીયર છે અહિયાં ? હું આસીસ્ટનન્ટ ડિઝાઈનર છું. કમાલ છે હું અહિયાં ૧ વર્ષથી જોબ કરું છું પણ મારું હજુ પ્રમોશન નથી થયું અને તું ડાયરેક્ટ મારાથી સીનીયર બનીને આવી ગયો.”, રોનીએ હસતા હસતા પણ અંદરથી બળતા બળતા મજાકમાં કહ્યું.
“નસીબ અને મહેનતના પરિણામ છે ભાઈ આ તો બધા”, ઉર્વીલે ઉડાઉ જવાબ આપ્યો.
“પણ તું કેમ આટલી લાંબી રજા પર હતો ? બધું ઓલરાઈટ તો છે ને ?”, ઉર્વીલે ચિંતિત સુરે પૂછ્યું.
“પાપાને કેન્સર હતું આથી ઓપરેશન માટે અમેરિકા લઇ જવા પડે તેમ હતા આથી થોડી લાંબી રજા લીધી હતી.”, રોનીએ ઉદાસ થતા જવાબ આપ્યો.
“ઓહ્હ !! હવે કેમ છે અંકલને ? કશી જરૂર પડે તો બિન્દાસ્ત કહી દેજે.”, ઉર્વીલે દિલાસો આપતા કહ્યું.
“હવે સારું છે. દવા રેગ્યુલર લેશે એટલે ઠીક થઇ જશે એમ કહ્યું છે ડોકટરે. અને થેંક્યું દોસ્ત.”, રોનીએ પ્રત્યુતર આપ્યો.
“સારું ચલ ચલ હવે અંદર જઈએ નહિતર બોસ બંનેને કાયમ માટેની છુટ્ટી આપી દેશે.”, ઉર્વીલે વાતાવરણને થોડું હળવું બનાવતા કહ્યું. અને તરત બંને અંદર જતા રહ્યા.

આખો દિવસ બધું કામ પતાવીને અને મુંબઈની મીટીંગના બધા રીપોર્ટસ મેનેજરને સબમિટ કરીને થાક્યો પાક્યો ઉર્વીલ ઘરે પહોચ્યો અને પહોચતાવેત સીધો જ બેડ પર પોતાની જાતને જાણે રીતસર પથારીમાં ફેંકીને સુઈ ગયો. ભૂખ તો લાગી હતી પરંતુ જમવા માટે ઉભા થવાનું મન નહોતું આથી તે એમ ને એમ પડ્યો રહ્યો. ફોનમાં જોયું તો અંબરના મેસેજ અને મિસકોલ આવી ચુકેલા હતા આથી તરત જ અંબરને કોલ કર્યો.

“હાઈ મેડમ ! સોરી તારો કોલ આવ્યો એ મને ખબર નહોતી.”, ઉર્વીલની બોલવાની ઈચ્છા નહોતી તેમ છતાય ફ્રેશ હોય એ રીતે બોલવાની કોશિશ કરી રહ્યો હતો.
“કઈ વાંધો નહિ પણ તું ગઈ કાલે મુંબઈ આવ્યો હતો એવું કીધું મમ્મીએ, તો મને કેમ નાં કીધું ?”, અંબર ઝઘડો કરવાના મુડમાં લાગી રહી હતી.
“અરે બકા ખુબ કામ હતું ગઈ કાલે એટલે ખોટી તને હેરાન નાં કરી, નહિતર તને નાં કહું એવું થોડું બને યાર”, ઉર્વીલ બને એટલું શાંતિથી મસ્કા મારીને વાત પતાવવાની ટ્રાય કરી રહ્યો હતો.
“અરે પણ મળી નાં શકાય તો કઈ વાંધો નહિ પણ એટલીસ્ટ જાણ તો કરવી જોઈએ ને ?”, અંબર થોડું ચિડાઈને બોલી.
“ઓકે હવેથી જાણ કરી દઈશ બસ. હવે મુકું ફોન. હું થાકી ગયો છું.”, આખરે ઉર્વીલએ કંટાળીને ફોન મૂકી દીધો.
થોડીવાર એમને એમ પાછો સુઈ રહ્યો અને અચાનક યાદ આવ્યું કે સવારે હયાતીને રીક્વેસ્ટ મોકલી હતી. ફટાફટ તેણે લેપટોપમાં ફેસબુક ખોલીને જોયું તો હયાતીએ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી અને ઓલરેડી તેના ૨ મેસેજ આવી ચુક્યા હતા.
“ઓહ્હો !! આખરે આપ શ્રી એ મને શોધી લીધી એમને ?”, “મારું નામ ક્યાંથી ખબર પડી ?” આવા બે મેસેજ હયાતી તરફથી આવેલા પડ્યા હતા.
“ઢુંઢનેવાલે તો ભગવાન કો ભી ઢુંઢ લેતે હે ફિર તુમ્હારા નામ ક્યા ચીઝ હે ?”, ઉર્વીલે પોતાની બડાઈ હાંકતો જવાબ આપ્યો.
“ચલ બે વાયડી... હું તારી મમ્મીને મારું નામ કહીને આવી હતી એટલે તે શોધ્યું. ખોટી હુશિયારી મારવાનું બંધ કર.”, હયાતીએ સીધો જ જાણે અણુબોમ્બ ફેક્યો હોય એવો જવાબ આપ્યો અને ઉર્વીલ થોડીવાર માટે હેબતાઈ ગયો.
થોડીવારે કશોય જવાબ નાં આવતા હયાતીએ ફરી મેસેજ કર્યો ? ક્યા ગાયબ થઇ ગયો ?
ઉર્વીલને હયાતીનું આ રૂપ જોઇને કઈક અજબ ફીલિંગ આવી અને સ્વગત બબડ્યો, “યાર ! આ તો બિલકુલ મારી જેવી છે.”
“આ રહ્યો, મેં તુમ્હે છોડકર કહા જાઉંગા ?”, ઉર્વીલે ટીખળ કરી.
“ભાડ મેં... બહોત અચ્છી જગહ હે. વહા ચાલે જાઓ. તુમ્હારે જેસો કી વહા ઝરૂરત હરવક્ત રહેતી હે”, હયાતી તો જાણે એકદમ બોલ્ડ અને અલ્લડ વર્તન કરી રહી હતી અને ઉર્વીલ આ રૂપ જોઇને જાણે ઓફીસનો આખા દિવસનો થાક ભૂલીને મોજમાં આવી ચુક્યો હતો.
“કયું તુમ વહા કી એડ્મીનીસટ્રેટર હો ક્યા ? જો તુમ્હે પતા હે કી વહાં મેરે જેસો કી ઝરૂરત હે ?”, ઉર્વીલ પણ પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરચો દેખાડી રહ્યો હતો.
“નહિ રે... મેરી ઇતની ઓકાત કહા કી મેં વહા કી એડ્મીનીસટ્રેટર બનું ? વો તો તેરે જેસે કમીનો કે લિયે હી ખાલી રહેતી હે.”, હયાતી પણ સહેજ પણ પાછી પડે એમ નહોતી. પહેલી જ વાતમાં આટલી બધી બોલ્ડનેસથી ઉર્વીલ એકદમ શોક થઇ ચુક્યો હતો પરંતુ મજા તો પુરેપુરી એ પણ લઇ રહ્યો હતો.
થોડીવાર સુધી સામેથી કશોય મેસેજ નાં આવ્યો એટલે હયાતીએ ફરીથી મેસેજ કર્યો કે સુઈ ગયો કે શું ? ચલ હવે હું સુઈ જાઉં છું, મને ઊંઘ આવે. બાય.

હજુ તો ઉર્વીલ કશોય જવાબ આપે એ પહેલા તો હયાતી ઓફલાઈન થઇ ચુકી હતી. એટલે પાછી રીપ્લાય કરવાનો કોઈ મતલબ નહોતો.
==***==***==
રોનિત સંઘવી, ઉર્વીલનો કોલેજ ફ્રેન્ડ. ફર્સ્ટ યરથી જ બંને વચ્ચે એવી દોસ્તી જામેલી કે કોલેજમાં લોકો એમની દોસ્તીની મિસાલ આપતા. બંને કોલેજની દરેક એક્ટીવીટીમાં હમેશા ભાગ લેતા અને હમેશા ઉર્વીલ જ પહેલા નંબરે આવતો એના કારણે રોનિતને ઘણીવાર તેનાથી જલન થતી રહેતી પરંતુ દોસ્તીમાં આવું બધું નાં હોય એવું વિચારીને વાત માંડી વાળતો. ઉર્વીલ હરહમેશ રોનિતથી આગળ પડતો રહેતો છતાય તેને ક્યારેય એ વાતનું ઘમંડ નહોતું અને ક્યારેય રોનિત સાથે એવું કશુય રાખ્યું પણ નહોતું. પરંતુ માણસનું મન એકવાર જો કોઈ વિષે આડા વિચારો કરવા લાગે તો એ પાછું વાળવું ખુબ અઘરું થઇ પડતું હોય છે. દિવસે ને દહાડે રોનિતની જેલસી વધતી જ જતી હતી પરંતુ ઉર્વીલને ક્યારેય એ બાબતની ભનક લાગવા દીધી નહોતી. કોલેજની દરેક એક્ઝામ હોય કે કોઈ ટેસ્ટ હોય કે કોઈ ઇવેન્ટ હોય દર વખતે બધો જ યશ ફક્ત ઉર્વીલને જ મળતો અને બીજી તરફ રોનિત બળીને રાખ થઇ જતો. એ દોસ્તીમાં જેલસીની દુર્ગંધ ભળી ચુકી હતી પરંતુ ઉર્વીલને હજુ પણ તેના વિષે ખબર નહોતી. જ્યારે કેનેડા જવા માટે બંનેએ એક્ઝામ આપી ત્યારે પણ ઉર્વીલ બધી જ એક્ઝામમાં પાસ થઇ ગયો હતો અને રોનિત ત્યાંનો ત્યાં જ રહી ગયો હતો. પરંતુ આખરે નસીબ સાથે ચાલતું હતું તેથી એક જ ઓફીસમાં બંને ભેગા થઇ ગયા હતા પરંતુ હવે તેઓની વચ્ચેની દોસ્તી કોલેજ જેવી નહોતી રહી અને જ્યારથી રોનિતને ખબર પડી હતી કે ઉર્વીલ તેનો સીનીયર છે ત્યારથી તે સખત ગીન્નાયો હતો. તેની મનમાં જેલસીરૂપી ચિનગારી એક મોટા આગના તોફાનને પડકારી રહી હતી. પરંતુ હજુ રોનિત ક્યા જાણતો હતો કે હજુ તો આ ચિનગારીનું પણ નાનું એવું સ્વરૂપ છે એટલી મોટી આગમાં તેણે સળગવાનું છે.

બીજા દિવસે ઓફીસમાં બંનેએ એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને એકબીજાના કામે લાગી ચુક્યા હતા. ઓફીસના એક પ્રોજેક્ટ મુજબ રોનિત ઉર્વીલને તેણે તૈયાર કરેલો રીપોર્ટ બતાવવા માટે ગયો અને ઉર્વીલ ફોન પર કોઈક જોડે વાતો કરી રહ્યો હતો અને રોનિત આવ્યો એટલે તેણે સાંભળ્યું, “ચલ હવે ફોન મુકું, ઓફીસમાં કામ છે. લવ યુ બાય.” તરત જ રોનિત જાણે કોલેજની મસ્તી કરતો હોય એમ બોલી ઉઠ્યો, “ઓયે હોય !! કોણ છે એ જેને જનાબ લવ યુ લવ યુ બોલી રહ્યા છે ?”
“અરે મારી ફિયાન્સી છે યાર”, ઉર્વીલને જાણે તેના પ્રશ્ન સાથે કોઈ મતલબ નાં હોય એમ જવાબ આપી દીધો અને રોનિતના હાથમાંથી ફાઈલ લઈને જોવા લાગ્યો.
“અરે વાહ કોન્ગ્રેચ્યુલેશન, તારી સગાઇ થઇ ગઈ અને મને કીધું પણ નહિ ? કશો વાંધો નહિ દોસ્ત, હર કુત્તે કા દિન આતા હે”, રોનિતએ દાઢમાં રાખીને બોલતો હોય એવી રીતે જવાબ આપ્યો. “બાય ધ વે, ભાભીનું નામ શું છે એ તો કહો.”
“અંબર, અને તારા રીપોર્ટમાં આટલી બધી ભૂલો કેમ છે ? એક રીપોર્ટ સાચો નથી બનાવી શકતો તું અને કામ કેવી રીતે પૂરું થશે આમ કરીશ તો ?”, ઉર્વીલ થોડો ગુસ્સા સાથે ફરી બોલ્યો.
અંબર નામ સાંભળતા જ રોનિતના મગજમાં ચમકારો થયો પરંતુ ઉર્વીલ ગુસ્સામાં હતો તે જોઇને તે થોડો શાંત રહ્યો પણ એક વંટોળ એના મગજમાં શરુ થઇ ચુક્યું હતું. “સોરી ઉર્વીલ, લાવ હું બધી ભૂલ સુધારીને તને ફરીવાર રીપોર્ટ આપી દઉં છું.”
“અચ્છા ભાભીનો ફોટો તો બતાવ ?”, રોનિતને જાણે ફાઈલમાં રસ નહોતો અને ફક્ત અંબરનો ચેહરો જોવાની તાલાવેલી લાગી ચુકી હતી કારણ કે આ નામ સાથે તો તે ઘણું બધું જીવ્યો હતો.

ઉર્વીલે આખરે કંટાળીને તેને ફોટો દેખાડ્યો અને બંધ કરીને ફરી પાછો પોતાનું કામ કરવા લાગ્યો.
પણ અંબરનો ફોટો જોતા રોનિતને આંચકો લાગી ચુક્યો હતો.
“અંબર ત્રિવેદી”

વધુ આવતા અંકે...
ટિપ્પણી પોસ્ટ કરો