મંગળવાર, 4 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૫

રોનિત અંબરનો ફોટો જોઈને જાણે શોકમાં ડૂબી ગયો હોય અને ધીમેથી બોલ્યો "અંબર ત્રિવેદી"
ઉર્વિલને લાગ્યું કે રોનિત કદાચ તેનું નામ બોલ્યો આથી તેણે પૂછ્યું
, "શું કીધું ?"
રોનિતે તરત જ જવાબ ટાળતા કહ્યું
, "કશું નહિ ! સરસ જોડી છે ભગવાન તમને બંનેને ખુશ રાખે."
"થેંક્યુ", ઉર્વિલ કર્ટસી ખાતર રોનીનો ધન્યવાદ કર્યો અને તરત જ રોનિત ત્યાંથી ફાઈલ લઈને નીકળી ગયો. 

ફાઈલ પોતાના ડેસ્ક પર મૂકીને રોનિત સીધો જ ઓફિસની બહાર સિગરેટ પીવા જતો રહ્યો. આજે રોનિત કોઈ શોખ ખાતર સિગરેટ નહોતો પી રહ્યો પરંતુ અંદર અંબરનો ફોટો જોઈને પોતાના રોમેરોમમાં જે આગ લાગી હતી તેનો ધુમાડો જાણે બહાર કાઢી રહ્યો હોય એ રીતે એક પછી એક એમ ચાર સિગરેટ પીધા પછી એ સિગરેટની ધુમ્રસેરની છોળોની વચ્ચે અંબરનો તે મહેકતો માસુમ ચેહરો નજર સામે તરવરી રહ્યો હતો. તે આકાશમાં ધુમાડા ઉડાડતો ઉડાડતો જાણે પોતે પણ ભૂતકાળમાં ઉડીને જતો રહ્યો હોય એમ એ યાદોને પોતાની સ્મૃતિપટ પર રેલાવી રહ્યો હતો. 

==***==***==

કોલેજકાળ દરમિયાન ઉર્વિલ તો કોલેજમાં છોકરીઓ જોડે રહીને જ ભણ્યો હતો એમ કહીયે તો ખોટું ના કહેવાય પરંતુ રોનિત છોકરીઓ બાબતમાં થોડો શરમાળ હતો આથી તેની કોઈ છોકરી ફ્રેન્ડ પણ નહોતી પરંતુ શરમાળ છોકરા પાસે દિલ ના હોય એવું કોણે કહ્યું ?

રોનિતનું દિલ તો આવ્યું હતું તેના ઘરની સામે જ બે ઘર છોડીને ત્રીજા ઘરે રહેતી અંબર ત્રિવેદી પર. રોજ સવારે કોલેજ જતા પહેલા તે બહાર છાપું વાંચવાના બહાને હિંડોળા પર બેસીને છાપું વાંચવાનો ઢોંગ કરતો કરતો અંબરના ઘરની સામે જોતો રહેતો અને ચોરીછૂપી નજરે તેને જોયા કરતો. અંબર સવારમાં કોલેજ જવા નીકળતી અને એ પછી જ રોનિત પોતાના ઘરેથી નીકળતો. દિવસમાં ૭-૮ વાર જાતે કરીને પોતાની શેરીમાંથી ચાલતો ચાલતો નીકળતો અને તે ઘર તરફ નજર ફેંકતો ચાલ્યો જતો. આ વાત તેણે ક્યારેય ઉર્વિલને પણ કરી નહોતી. તે તો બસ છુપા રુસ્તમ પ્રેમી હતો. અંબરની આખા દિવસની દિનચર્યાથી તે પુરેપુરો વાકેફ હતો. તે ક્યારે ઘરની બહાર નીકળે છે ક્યાં સમયે ક્યાં જાય છે તે બધી જ બાબતની રોનિતને ખબર હોતી. 

એક દિવસ અંબર કશીક ખરીદી કરવા માટે માર્કેટ ગઈ હતી અને તેને રસ્તામાં એક છોકરાએ છેડતી કરી અને એ છોકરાના બદનસીબે તે દિવસે રોનિતને ક્યાંય જવાનું ના હોવાથી તે અંબરનો પીછો કરતો કરતો આવી રહ્યો હતો અને તે આ ઘટના જોઈ ગયો. અંબર તો તે છોકરાને ઇગ્નોર કરીને જતી રહી પરંતુ તે છોકરો ત્યાંથી ક્યાં ગાયબ થઇ ગયો તે કોઈનેય ખબર નહોતી. ત્રણ દિવસ પછી તેના નામ અને ફોટો સાથે ન્યુઝપેપરમાં ખબર આવી કે તે છોકરાને કોઈએ બાંધીને ઢોર માર માર્યો હતો અને પછી ગટરનું ઢાકણું ખોલીને તેમાં ફેંકી દીધો હતો અને તે અંદર ગૂંગળાઈને મરી ચુક્યો હતો. મર્ડર કોણે કર્યું અને કેવી રીતે કર્યું એ બાબતે પોલીસને ક્યારેય ખબર ના પડી કેમ કે રોનિતે ઠંડા મગજે શાંતિથી કોઈ સબુત છોડ્યા વગર જ તે છોકરાનું કાસળ કાઢી નાખ્યું હતું અને ક્યાય પણ ફિંગર પ્રિન્ટના નિશાન પણ તેણે છોડ્યા નહોતા અને મુખ્ય વાત એ હતી કે રોનિતને બીજું કોઈ જાણતું પણ નહોતું કે પોલીસ તેના નજીકના કે દુશ્મનો સમજીને પૂછપરછ કરી શકે આથી રોનિત આબાદ તેમાંથી બચી ગયો હતો. 

એક દિવસ જ્યારે અંબર ઘરમાં એકલી હતી ત્યારે રોનિત ત્યાં જઈ ચડ્યો હતો અને અંબરને પ્રપોઝ કરી બેઠો. અંબર પહેલા તો તેને આમ ઘરમાં આવેલો જોઈને હેબતાઈ ગઈ હતી અને જ્યારે રોનિતે પ્રપોઝ કર્યું ત્યારે તે કશું વિચારી પણ નહોતી શકતી કારણ કે એક જ સોસાયટીમાં રહેતા હોવા છતાંય અંબરને રોનિત કોણ છે એ પણ ખબર નહોતી. અંબરએ ડરતા ડરતા આખરે રોનિતને ના પાડી દીધી અને રોનિત ગુસ્સામાં આવીને પેલા છોકરાના મર્ડરવાળી વાત ત્યાં બોલી ગયો અને અંબર ત્યાં જ ફસકાઈ પડી. તેણે તરત જ રોનિતને ત્યાંથી બહાર કાઢી મુક્યો અને આખરે રોનિત તેની આ "ના" સહન ના કરી શકતા ત્યાંથી હોસ્ટેલમાં રહેવા જતો રહ્યો.

આટલા વર્ષો પછી અચાનક આજે અંબરને જોતા જ ફરી થી પોતાની અંદર રહેલો જૂનો રોનિત જાગી ચુક્યો હતો. તેનો આ ભૂતકાળ તેને વીંછી બનીને ડંખી રહ્યો હતો. 

==***==***==

છેલ્લા થોડા સમયથી ઉર્વિલ ઘરમાં એકલો એકલો રહીને કંટાળ્યો હતો. પણ આજે કોણ જાણે તેને લખવાનુ સુજ્યું હતું આથી તેણે એક શોર્ટસ્ટોરી એમ જ લખીને ફેસબુક પર પોસ્ટ કરી. જોતજોતામાં તો લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસવા લાગ્યો હતો. ઉર્વિલને જાણે એક નવી એક્ટિવિટી મળી ગઈ હતી. રિસ્પોન્સ જોઈને ઉર્વિલને લખવા તરફ આકર્ષણ થયું. લોકોએ કમેન્ટ્સમાં હજુ વધુને વધુ લખવાની સલાહ પણ આપી હતી. ઉર્વિલ હવે રોજની ૨-૩ શોર્ટસ્ટોરીઝ લખીને ફેસબુક પર પોસ્ટ કરતો રહેતો હતો અને લોકો તે વાર્તાઓને ખુબ એટલે ખુબ સારો રિસ્પોન્સ આપતા. ઘણા લોકોએ તો તેને બુક લખવા સુધીની સલાહ પણ આપી હતી પણ ઉર્વિલ તેને હજુ સિરિયસલી લેતો નહોતો. પરંતુ તેણે પોતાની આ બધી સ્ટોરી માટેના કલેક્શન માટે એક વેબસાઈટ તો બનાવી જ નાખી હતી. પરંતુ ફિલહાલ પૂરતો તે પોતાનો ફાજલ સમય આ પ્રવૃત્તિને આપી રહ્યો હતો. પરંતુ તેને હજુ ક્યાં ખબર હતી કે નજીકના ભવિષ્યમાં આ જ તેની કેરિયરનો ટર્નીંગ પોઇન્ટ બનશે.

આ દરેક સ્ટોરી લખવા દરમિયાન હયાતી સતત તેની સાથે જ હતી કેમ કે ઉર્વિલની દરેક સ્ટોરીને સૌથી પહેલો રીવ્યુ કાયમ હયાતી જ કરતી. ઉર્વિલ પોતાની દરેક સ્ટોરી અંબરને પણ મોકલતો પરંતુ અંબરને વાંચવાનો એટલો શોખ નહોતો એના કારણે તેને અંબર તેનો એવો પ્રતિસાદ નહોતી આપતી આથી ઉર્વિલને થોડું ખરાબ જરૂર લાગતું પરંતુ એ જ સમયે હયાતી સતત તેની સાથે ને સાથે જ હતી અને તેને દરેક નાની નાની બાબતે તેને સપોર્ટ કરતી રહેતી આથી ઉર્વિલને હયાતી તરફ લાગણીઓ જન્મી ચુકી હતી. તે હયાતીને એક સારી અને નજીકની દોસ્ત માનવા લાગ્યો હતો. 

ટૂંક સમયમાં જ એકબીજાને ખુબ સારી રીતે સમજી ચુક્યા હતા આથી બંને વચ્ચે ગજબનું બોન્ડિંગ થઇ ચૂક્યું હતું. હવે બંનેની મજાકમસ્તી અને એકબીજા જોડેની વાતો બંનેની જાણ બહાર એક મર્યાદા ઓળંગી ચુકી હતી. જ્યારે બીજી તરફ એક સ્ત્રીસહજ ભાવો હયાતીમાં જન્મી ચુક્યા હતા. ઉર્વિલ ક્યારે ક્યાં જાય છે, શું કરે છે અને તેની પસંદ નાપસંદનો ખ્યાલ ખુબ જ સારી રીતે રાખવા લાગી હતી. કદાચ હયાતી હવે ઉર્વિલના પ્રેમમાં ગરકાવ થઇ રહી હતી પરંતુ ઉર્વિલની સગાઇ થઇ ચુકી છે તે વાત તે સારી રીતે જાણતી હતી તેથી હજુ સુધી તે કશું બોલી શકવાની હિમ્મત કરી શકી નહોતી.

અંબરને છેલ્લા થોડા સમયથી ઉર્વિલનું આ બદલાયેલું વર્તન ઘણું અજીબ તો લાગ્યું જ હતું પરંતુ કંપનીના કોઈ કામનું પ્રેશર હશે એમ સમજીને તે કશું ધ્યાનમાં લેતી નહોતી. જેમ ચાલે તેમ ચલાવ્યે જતી હતી. ઉર્વિલ અને અંબર વચ્ચે હવે પહેલા કરતા વધુ સમજણ અને પ્રેમ ભળ્યા હતા. બંને કુટુંબમાં હવે આ બંનેના લગ્નની તારીખો લેવાની વાતો શરુ થઇ ચુકી હતી. પરંતુ ઉર્વીલ કોઈને કોઈને બહાનું કાઢીને આ લગ્ન રોકી લેતો.

ઉર્વિલ અને હયાતી વચ્ચે એમને એમ વાતેવાતમાં શરતો લાગતી રહેતી અને એ શરતમાં આ વખતે ઉર્વિલ હાર્યો હતો અને એ શરતની હારનું પરિણામ એ હતું કે ઉર્વિલએ કામના ચાલુ દિવસમાં ઓફિસ પાડીને મુંબઈ સ્પેશિયલ મળવા આવાનું હતું. ઉર્વિલ પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટના કારણે શરતનું પરિણામ ભોગવવા તૈયાર થઇ ચુક્યો હતો. બીજા જ દિવસે તે ઓફિસમાં બહાનું કાઢીને મુંબઈ જવા નીકળી જવાનો હતો પરંતુ રોનિતને તે કહીને ગયો હતો કે તે તેની એક ફ્રેન્ડ સામે શરત હારી ગયો છે આથી તેને મળવા જાય છે. રોનિતના દિમાગમાં આ વાત સાંભળીને ચમકારો તો થઇ ચુક્યો હતો. ઉર્વિલનો રોનિત તરફનો આ ભરોસો જ તેને ખાઈ જવાનો હતો.

"હેલો મિસ અંબર ! હું તમને એક અગત્યની વાત કરવા માગું છું. તમારો ફિયાન્સ ઉર્વિલ આજે મુંબઈમાં કોઈક છોકરીને મળવા સ્પેશિયલ આવ્યો છે. હોપ કે તમને આ વાત જણાવીને હું તમારું ભવિષ્ય કદાચ બચાવી શકું. જાતે ખાતરી કરી લેજો. મને કોલ કરવાની કોશિશ નહિ કરતા કેમ કે તેનાથી તમને કશો ફાયદો નથી. 
તમારો શુભચિંતક."
અંબરના ફોનમાં સવાર સવારમાં આ મેસેજ એક અજાણ્યા નંબર પરથી રિસીવ થયો હતો આથી અંબર કન્ફ્યુઝ હતી કે તે ઉર્વિલ પર ભરોસો કરે કે પછી આ અજાણયા શખ્સ પર. થોડીવારે વિચાર કરીને તેણે ઉર્વિલ પર જ ભરોસો કરવાનું નક્કી કર્યું પરંતુ સ્ત્રીના મગજમાં એકવાર કોઈ શંકાનો કીડો ઘર કરી જાય પછી જ્યા સુધી તે ક્લિયર ના કરે ત્યાં સુધી તેને ચેન નથી પડતું હોતું.
અંબરએ તરત જ ઉર્વિલને ફોન જોડ્યો અને વાતવાતમાં તે ક્યાં છે તેની પુષ્ટિ કરી લેશે એવો તેનો આઈડિયા હતો પરંતુ ઉર્વિલ તેનો ફોન આજે કાપી રહ્યો હતો. અંબરએ છતાંય ધીરજ ધરી કે કદાચ કોઈ કામમાં હશે આથી કાપ્યો હશે થોડીવાર રહીને ફોન કરશે તેવું તેણે નક્કી કર્યું. 

ઉર્વિલ મુંબઈ એરપોર્ટ પર ઉતરી ચુક્યો હતો જ્યારે તેને અંબરનો ફોન આવ્યો હતો પરંતુ એરપોર્ટમાં એનાઉન્સમેન્ટ ચાલુ હોવાથી અંબરને ખબર પડી જશે એ ડરથી ફોન કાપ્યો હતો. એક જ કલાકમાં તે હયાતીના ઓફિસ બિલ્ડીંગની નીચે ઉભો હતો. ફટાફટ લિફ્ટથી તે ઉપર ગયો અને ડોરબેલ વગાડતા જ હયાતીએ દરવાજો ખોલ્યો અને ઉર્વિલએ લાવેલો ફૂલોનો બુકે હયાતીને આપ્યો. હયાતીએ ખુશ થઈને તેને થેંક્યુ કહીને એક હુંફાળું આલિંગન આપ્યું અને ઉર્વિલ ઓફિસમાં પ્રવેશ્યો. 

એકદમ ફેન્સી ફર્નિચર કે જેની ડિઝાઇન જાણે કોઈ વિદેશી કંપનીએ બનાવી હોય એવું હતું. રંગબેરંગી ફૂલોથી બહારનો રિસેપશન એરિયા સુશોભિત થયેલો હતો. મેઈનડોરની સામે જ રિસેપશનનું ડેસ્ક લાગેલું હતું અને તેની બાજુમાં સોફાઓ પડેલા હતા. વચ્ચે એક ગોળ કુંડુ પાણીથી ભરેલું હતું જેમાં રંગબેરંગી ગુલાબના ફૂલો સજાવેલા હતા. ત્યાંથી અંદર જતા ઓફિસનો મેઈન વર્કએરિયા હતો જેની દરેક દીવાલો અલગ અલગ લાઈટ કલરથી રંગાયેલી હતી અને તેના પર દુનિયાના વિવિધ મહાન માણસોએ બોલેલા ક્વોટ્સ અને બિઝનેસમેનના ફોટોસ લાગેલા હતા. ટેબલ ડેસ્કને અલગ અલગ પાર્ટીશન મારીને ત્યાં ૫-૭ લોકો કામ કરી રહયા હતા. ત્યાંથી અંદર જમણી બાજુ સાઈડમાં એક અલગ ઓફિસ કેબીન હતી જ્યા બોર્ડ મારેલું હતું. "મિસ હયાતી મેહતા - મેનેજીંગ ડાયરેક્ટર" હયાતી તેને તે કેબીનમાં લઇ ગઈ અને સોફા પર બેસાડ્યો. એક લીગલ એડવાઈઝરની ઓફિસ આટલી સુઘડ હોઈ શકે એવું ઉર્વિલ પહેલીવાર જોયું હતું. કેમ કે લીગલ કામ હોવા છતાંય ક્યાંય પણ ફાઈલનો ઢગલા નહોતા દેખાઈ રહયા. દરેક વસ્તુઓ પોતપોતાની બેસ્ટ જગ્યાએ જ મુકાયેલી હતી. ઉર્વિલ હજુય ઓફિસનો ખૂણેખૂણો નિરીક્ષણ કરી કરીને જોઈ રહ્યો હતો. 

હયાતી મેહતા, દિલ્હીની એક શ્રીમંત પરિવારની જિદ્દી, ઉદંડ અને ઘમંડી છોકરી હતી. એમ.એ. એલ.એલ.બી. નો અભ્યાસ કરીને તે પોતાની કેરિયરને પોતાના દાદા જેવું બનાવવા માંગતી હતી. તેના દાદા મુંબઈના ટોપ લીગલ એડવાઈઝરમાંથી એક હતા. તેમનું માન સન્માન હંમેશા હયાતીને આકર્ષતું હતું આથી તે અભ્યાસ પૂરો કરીને મુંબઈ આવી ચુકી હતી. દાદાએ તેને પોતાની સાથે ટ્રેઇનિંગ આપતા પહેલા કોઈ બીજી કંપનીમાં જોબ કરવાની સલાહ આપી હતી આથી તે શીખી શકે કે બહાર કઈ રીતે કામ થાય છે અને બોસ તેના એમ્પ્લોયીને કઈ રીતે ટ્રીટ કરે છે. અને તે જોબના ઇન્ટરવ્યૂ માટે જ તે દિવસે તે જઈ રહી હતી જ્યારે ઉર્વિલ તેની સાથે પહેલીવાર ટકરાયો હતો. તે દિવસે જોબ તો તેને નહોતી મળી આથી તે દાદા જોડે જ કામ પર લાગી ગઈ હતી પરંતુ થોડા જ સમયમાં તેના દાદાનું અવસાન થઇ જતા આ આખી પ્રેક્ટિસની જવાબદારી તેના પર આવી ચુકી હતી અને હયાતીએ તે પ્રેક્ટિસને પોતાની સુઝબુઝથી સારી રીતે મેઈન્ટેઈન પણ કરી હતી. 

"શું લઈશ તું ચા-કોફી-ઠંડુ ?", હયાતીએ પોતાની ચેર પર બેસતાંવેંત પૂછ્યું. 
"ના બસ કશું જ નહિ, ફક્ત એક ગ્લાસ પાણી", ઉર્વિલ થોડી ફોર્માલિટી કરી રહ્યો હતો આ જોઈને હયાતીએ પોતાના ઓરિજિનલ રૂપમાં આવતા કહ્યું,
"અબે ભે&&દ ! અહીંયા ફોર્માલિટીની માં બહેન કરમાં, તું મારો કલાયન્ટ નથી, બોલ જલ્દી શું મંગાવું ?", ઉર્વિલ માટે આ વર્તન હવે નવું નહોતું પરંતુ ફેસ ટુ ફેસ આ વર્તન પહેલીવાર જોયું હતું. તેનું આ મસ્તીમાં ગાળો બોલવું પણ ઉર્વિલને ગમવા લાગ્યું હતું. 

થોડી જ વારમાં કોલ્ડડ્રીંક પીયને બંને વાતો કરી રહયા હતા અને ઉર્વિલનો ફોન ફરી વાગ્યો અને ઉર્વીલે ફરીથી ફોન કાપ્યો. આવી રીતે છેલ્લી ૧૦ મિનિટમાં અંબરના ૮ ફોન આવી ચુક્યા હતા પણ ઉર્વિલ તેનો ફોન કાપી નાખતો હતો આથી હયાતીએ બિન્દાસ્ત બોલતા કહી દીધું, "બે ફોન ઉપાડને, મને ખબર છે તારી બાયડીનો ફોન છે એ"
હયાતીના આ શબ્દોથી ઉર્વિલના હૃદય પર કોઈએ બે મણનો વજન મૂકી દીધો હોય એવું લાગ્યું કેમ કે ઉર્વિલ ક્યારેય પણ હયાતીને તેની સગાઇ વિષે વાત કરી જ નહોતી તો તેને ક્યાંથી ખબર પડી ? પરંતુ અત્યારે એ વિચારવાનો સમય નહોતો આથી તેણે ચુપચાપ ફોન ઉપાડ્યો.
"હા બોલ અંબર ! હું એક મિટિંગમાં બેઠો છું એટલું બધું શું અર્જન્ટ કામ છે ?", ઉર્વિલ એકદમ ધીમેથી વાત કરી રહ્યો હતો. 
"પણ તું છે ક્યાં ? ઓફિસએ ફોન કર્યો તો એ લોકો તો એમ કહે છે કે તું આજે રજા પર છે તારી તબિયત સારી નથી એટલે.", અંબરએ હવે ક્રોસટેલી કરવાની શરૂઆત કરી દીધી હતી. 
ઉર્વિલને હવે છટકવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો એવું લાગ્યું પણ ત્યાં જ હયાતીએ નાટક શરુ કર્યું, "મિસ્ટર ઉર્વિલ તમારી કંપનીના આ રિપોર્ટ્સમાં ભૂલ છે જે હજુ સુધી સોલ્વ નથી થઇ"
અંબર સાંભળી શકે એટલા અવાજમાં હયાતી આ બોલી આથી અંબરને વિશ્વાસ બેસી ગયો કે ઉર્વિલ સાચે જ એક મિટિંગમાં છે અને મેં તેના પર ખોટો જ શક કર્યો. આથી અંબરએ સોરી કહીને ફોન મૂકી દીધો.
ઉર્વિલએ હાશકારો અનુભવ્યો અને હયાતીને થેન્ક્સ કહ્યું. પરંતુ હયાતી જાણે એકદમ પ્રોફેશનલ હોય એમ બોલી ઉઠી, "મિસ્ટર પંડયા ! આ ઓફિસમાં કોઈ પણ પ્રકારની હેલ્પ ફ્રી માં નથી, તમારી આ હેલ્પની કિંમત ચૂકવવી પડશે."
ઉર્વિલ ડોકું ધુણાવીને હસતા હસતા હા પાડી કે તમે જે કહેશો તે ચૂકવી દઈશું.
"તો મિસ્ટર પંડયા ! તમારે મને તાજ હોટેલમાં ટ્રીટ આપવી પડશે. બપોરનું લંચ તમારા તરફથી", હયાતી હજુ તેની ખીચાઈ કરી રહી હતી.
"તો આને હું ઓફિશિયલ ડેટ સમજી લઉં કે ?", હવે ઉર્વિલ પણ તેની સામે મજાક પર ઉતરી ચુક્યો હતો. 
“કાચમાં થોબડું જોઈ લે પેલા એકવાર પછી ડેટ પર લઇ જવાની વાતો કરજે.”, હયાતીએ મજાકમાં જ જાટકી નાખતે જવાબ આપ્યો.
ઉર્વિલ અને હયાતી બંને ત્યાંથી નીકળી અને હોટેલ તાજ પહોંચી ગયા હતા. હયાતી કોઈને કોઈ બહાને ઉર્વિલનો હાથ પકડયા કરતી અને તેને સ્પર્શાનંદનો લુફ્ત ઉઠાવતી હતી પરંતુ અંદરખાને ઉર્વિલને પણ આ બધું ગમી રહ્યું હતું. બંનેએ તાજ હોટેલમાં એકદમ આરામથી લંચ કર્યું અને ખુબ વાતો કરી.

એ દરમિયાન અંબરના ફોન પર ફરીવાર એક મેસેજ આવ્યો. તે લોકેશન શેરિંગનો મેસેજ હતો અને મેસેજ હતો ઉર્વિલના નંબર પરથી. અંબરએ એ લોકેશન ગુગલ પર સર્ચ કર્યું તો ખબર પડી કે ઉર્વિલ તો મુંબઈમાં જ છે તો શું પેલા અજાણ્યા નંબરવાળા મેસેજની વાત સાચી હશે ? અંબર ફટાફટ પોતાની એક્ટિવા લઈને તાજ હોટેલ પાસે પહોંચી ગઈ અને અંદર જવા જતી જ હતી એ જ દરમિયાન હયાતી અને ઉર્વિલ એકબીજાનો હાથ પકડીને આવી રહયા હતા. ઉર્વિલની નજર અંબર પર પડતા જ હયાતીનો હાથ છોડાવી દીધો અને હયાતી હજુ કશું સાંજે તે પહેલા તો અંબર તેને જોઈ ચુકી હતી અને બંને હાથે અદબવાળીને તે ત્યાં જ ઉભી રહી ગઈ. 


આખરે અંબરનો શક સાચો નીકળ્યો હતો. ભાંડો ફૂટી ચુક્યો હતો.

વધુ આવતા અંકે...

ટિપ્પણીઓ નથી: