બુધવાર, 5 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૬

ઉર્વિલના સારા નસીબ એ હતા કે હયાતીએ ઉર્વિલનો હાથ પકડ્યો હતો ત્યારે અંબરનું ધ્યાન નહોતું. તેમ છતાંય અંબરનો ગુસ્સો તો સાતમા આસમાને જ હતો કેમ કે આ બીજી વાર એવું બન્યું હતું જ્યારે ઉર્વિલે અંબરને કશુંય કહ્યું નહોતું કે તે મુંબઈ આવ્યો છે. અને બીજી વાત એ હતી કે આ છોકરી જોડે ઉર્વિલ અહીંયા શું કરી રહ્યો હતો તે અંબરને કશીય ખબર નહોતી. પરંતુ ઉર્વિલ પોતાની સેફસાઈડ માટે કંપનીના અગત્યનાં ડોક્યુમેન્ટ અને ૩-૪ ફાઈલ પોતાની બેગમાં સાથે જ લાવ્યો હતો જેથી તે સરળતાથી અંબરને કહી શક્યો કે તે ઓફિસના કામથી જ આવ્યો છે અને તરત જ પોતાના બેગમાં રહેલી ફાઈલો દેખાડી. 

અંબરને હજુય થોડી શંકા તો હતી જ તે પારખીને તરત જ હયાતીએ આ તકલીફની કમાન સંભાળી લેતા અંબરને કહ્યું, "હેલો મિસ અંબર ! તમે મને નહિ જાણતા હોય પણ હું તમને સારી રીતે જાણું છું. કેમ કે અહીંયા લંચ માટે આવ્યા ત્યારથી બસ મારી અંબર આમ ને મારી અંબર તેમ બોલી બોલીને મને આખી અંબર દેખાડી દીધી."
"થેંક્યુ !", અંબરે થોડી સ્માઈલ સાથે જવાબ આપ્યો પરંતુ હજુય તેના ચેહરા પર અકળ ભાવો હતા કે આ છે કોણ
"ઓહ્હ સોરી હું મારી ઓળખાણ કરાવતા તો ભૂલી જ ગઈ. મારુ નામ હયાતી મેહતા છે અને હું એક લીગલ એડવાઈઝર છું અને અહીંયા જ નજીકમાં મારી ઓફિસ છે તમે આવી જ ગયા છો તો ચાલો અમારી સાથે, આમ પણ હજુ થોડું કામ બાકી છે પછી થોડું બેસીશું.", હયાતી એકદમ નોર્મલ પ્રોફેશનલની જેમ જ વાતો કરી રહી હતી. આ જોઈને ઉર્વિલને મનોમન શાંતિ થઇ હતી. 
આખરે અંબરને બધું નોર્મલ લાગતા તે ઉર્વિલની સાથે જ ત્યાં ગઈ અને ખોટો ધંધાકીય કામનો દેખાડો કરીને આખરે ઉર્વિલ અને અંબર છુટા પડયા અને ત્યાંથી નીકળી ગયા.

==***==***==

"તને કોણે કહ્યું કે હું મુંબઈ આવ્યો છું અને હોટેલ તાજમાં જમવા આવ્યો છું એવું", ઉર્વિલે આખરે કર્યાથી અંદર ઘૂમરાતો પ્રશ્ન અંબર સામે ફેંક્યો.
"તે જ તો મેસેજ કરીને લોકેશન શેર કર્યું હતું આથી હું ડાયરેક્ટ ત્યાં આવી હતી.", અંબરે પેલી અજાણ્યા નંબરવાળા મેસેજની વાત છુપાવતા તેને ફક્ત તેના મેસેજ વિષે વાત કરી.
"મેં ક્યારે મેસેજ કર્યો ? મેં કોઈ મેસેજ નથી કર્યો જોઈ લે મારો ફોન !", ઉર્વિલે પોતાનો ફોન અંબરને દેખાડતા કહ્યું.
તરત જ અંબરે પોતાનો મોબાઈલ કાઢીને ઉર્વિલને તેનો આવેલો મેસેજ બતાવ્યો એ જોઈને ઉર્વિલ પણ અચંબિત થઇ ચુક્યો હતો કે તેણે મેસેજ કર્યો નથી તો અંબરને તેના નંબર પરથી મેસેજ કઈ રીતે ગયો ? પણ ત્યાં જ એરપોર્ટ પર બેંગ્લોરની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું અને ઉર્વિલને જવાનો ટાઈમ થયો આથી છેલ્લે અંબરને એક હગ કરીને અને કપાળ ચૂમીને તે એરપોર્ટની અંદર જતો રહ્યો.
તે લોકેશન શેર કરવાવાળું બીજું કોઈ નહિ પરંતુ હયાતી જ હતી. ઉર્વીલને ઈમ્પ્રેસ કરવા માટે જ તેણે જાતે કરીને ઉર્વીલને પહેલા ફસાવ્યો હતો અને પછી તેને અંબરથી બચાવ્યો હતો.

==***==***==

ઉર્વિલે બેંગ્લોરથી ઉતરીને તરત જ રોનિતને ફોન કર્યો કે ઓફિસમાં તેનું કોઈએ પૂછ્યું નહોતું ને ? કોઈ કામ અટક્યું નહોતું ને ? કામની જાણકારી લઈને ઉર્વિલે સિનિયર હોવાનું પ્રમાણ આપ્યું. રોનિતે મુંબઈ મુલાકાત વિષે પૂછપરછ કરી અને ઉર્વિલે બધી જ જાણકારી આપી કે ત્યાં શું શું થયું અને કેવી રીતે બધું સંભાળ્યું, આ સાંભળીને રોનિતનું મગજ બહેર મારી ગયું. આખરે ફરીવાર કેમ બચી ગયો આ ? જોરથી તેણે તેનો હાથ ટેબલ પર પછાડ્યો અને ઉર્વિલનો ફોન મુકાઈ ગયો. 

ઉર્વિલ ઘરે જઈને આખા દિવસ વિષે વિચાર કરી રહ્યો હતો અને હયાતીની જોડે વિતાવેલો સમય તે વાગોળી રહ્યો હતો. તેના પરથી જ તેણે આજે થોડી મોટી સ્ટોરી લખીને ફેસબુક પર અને પોતાની વેબસાઈટ પાર પોસ્ટ કરી દીધી હતી અને રેગ્યુલરની જેમ આજે પણ તેની આ વાર્તાને ખુબ સરાહના મળી હતી. થોડા દિવસો આમને આમ પસાર થયા અને રૂટિન એમ ને એમ ચાલી રહ્યું હતું અને એક દિવસ રાત્રે હયાતીનો ફોન આવ્યો.

"હેય ફટ્ટુ ! શું કરે ?", હયાતીએ સીધી જ તેની ખીલ્લી ઉડાવતા પૂછ્યું.
"બસ જમવા બેઠો છું અને તારે મને ફટ્ટુ નહિ કહેવાનું.", ઉર્વિલે ખોટો ગુસ્સો કરતા કહ્યું.
"ફટ્ટુ ફટ્ટુ ફટ્ટુ, સાડી સત્તર વાર ફટ્ટુ. સાલા પોતાની બૈરી સામે તો મૂંગો મેષ થઈને બેઠી ગયો હતો. જવાબ દેવાની તો ત્રેવડ નથી સાલો ફટ્ટુ.", હયાતીએ બિન્દાસ્ત કહી દીધું.
ઉર્વિલ પાસે હયાતીની આ દલીલનો કોઈ જવાબ નહોતો એટલે તેણે વાત બદલીને પૂછી નાખ્યું, "બોલ શું કામ ફોન કર્યો અત્યારે ?"
"તને એક ગુડ ન્યુઝ આપવાના છે મારી જાન. હું આવતીકાલથી બેંગ્લોર શિફ્ટ થાઉં છું. ત્યાં નવી ઓફિસ શરુ કરી છે અને નવું ઘર પણ પાપાના ફ્રેન્ડએ શોધી લીધું છે. તું કાલે મને બેંગ્લોર એરપોર્ટ પર લેવા માટે આવી રહ્યો છે અને ત્યાંથી મને ઘરે મૂકી જશે.", હયાતી જાણે ઓર્ડર કરી રહી હતી.
"વાઉ ! ધેટ્સ અમેઝિંગ હયાતી.. ગ્રેટ સરપ્રાઈઝ..", ઉર્વિલ એકદમ મોજમાં આવી ગયો હતો. 

સવાર સવારમાં હયાતી પહોંચી ચુકી હતી અને ઉર્વિલને જોતા જ દોડીને તેને ગળે વળગી પડી હતી. આખરે હવે તે કાયમ ઉર્વિલને મળી શકશે એ વિચારીને તે મનોમન ખુબ જ ખુશ થઇ ગઈ હતી. ઉર્વિલ તેને ઘરે ઉતારીને ત્યાંથી ઓફિસ નીકળી ચુક્યો હતો અને તે ઓફિસથી હાફ ડે ની છુટ્ટી લઈને તેને બેંગ્લોર ફેરવવા લઇ જશે તેવું નક્કી થયું હતું. 

==***==***==

બપોરના ૩ વાગ્યાનો તડકો વાતાવરણને વધુ સુસ્ત બનાવી રહ્યો હતો. તેમ છતાંય રોડ પર વાહનોની ભીડ જામેલી હતી તે મેટ્રો સીટીની ઓળખાણ હતી કે સીટી ૨૪ કલાક ધમધમતું હતું. બસ સ્ટેન્ડ પાસે હયાતી એકદમ કેઝ્યુઅલ વેર પહેરીને ઉભી હતી એટલી જ વારમાં ઉર્વિલ બાઈક લઈને આવ્યો અને હયાતી પાસે જઈને ઉભો રહ્યો.

"હેય બ્યુટીફૂલ ! આતી ક્યાં ખંડાલા ?", ઉર્વિલે ટીખળ કરતા પૂછ્યું.
"નહિ ! મેં તુમ્હે નહિ પહેચાનતી, ચાલે જાઓ યહાઁ સે વરના અભી મેરા બોયફ્રેન્ડ આતા હી હોગા.", હયાતી પણ પાછી પડે એમાંની નહોતી જ આથી તે પણ ઉર્વિલની સામે બાથ ભીડી રહી હતી અને આજુબાજુમાં ઉભેલા લોકો એમ સમજી રહયા હતા કે ઉર્વિલ તેને છેડી રહ્યો છે.
"અરે બોયફ્રેન્ડ આયેગા તબ તક તો ધૂપમેં પરેશાન હો જાઓગી ઇસસે અચ્છા હે કી મેરે સાથ ચલ, કિસી હોટેલ મેં ચલતે હે, એશ કરેંગે.", ઉર્વિલ લફરેબાજની સ્ટાઇલથી બોલ્યો.
"હોટેલમેં સાથ આઉંગી તો કિતના દેગા ?", હયાતી જાણે કોલ ગર્લ હોય એ રીતે વાત કરી રહી હતી.
"તેરે ફિગર કે હિસાબ સે તો એક નાઈટ કા ૧૦ હજાર ઠીક હે, ચલ બેઠ જા.", ઉર્વિલ ફૂલ મજાકના મૂડમાં હતો. 

આસપાસ ઉભેલા લોકો હવે તે બંનેને વિચિત્ર નજરથી જોવા લાગ્યા હતા અને અમુક સ્ત્રીઓ તો બોલી રહી હતી કે આજ કાલની છોકરીઓ આમ છડેચોક ધંધો કરે છે એના માં બાપએ કઈ સંસ્કાર નહિ આપ્યા હોય
? અને ઉર્વિલ અને હયાતી આ બધું સાંભળીને ફૂલ મજા લઇ રહ્યા હતા અને પછી વધુ કશી ડાયલોગબાજી કર્યા વગર હયાતી ચુપચાપ ઉર્વિલની બાઈક પાછળ બેઠી ગઈ અને ઉર્વિલની બાઈક જાણે પળવારમાં હવામાં ગાયબ થઇ ગઈ હોય તેમ અદ્રશ્ય થઇ ગઈ. 

ઉર્વિલ અને હયાતી બાઈક રાઇડિંગ કરતા કરતા સીટીની બહાર નીકળી ચુક્યા હતા અને અરકાવતી નદી પાસે આવીને ઉર્વિલે બાઈક રોકી દીધી હતી. સાંજનો સમય થવા આવ્યો હતો અને સંધ્યાકાળનો એ આથમતો સુરજ જાણે વાતાવરણને વધુને વધુ રોમેન્ટિક બનાવી રહ્યો હતો. નદીના વહેણનો ખળખળાટ, આથમતો સુરજ અને આસપાસ રહેલી નીરવ શાંતિની વચ્ચે થનગનાટ કરતા બે યૌવનના ધબકતા હૃદયના ધબકારા એ દ્રશ્યને સંમોહક બનાવી રહયા હતા. હયાતી અને ઉર્વિલ આખરે નદીકિનારે બાજુબાજુમાં બેઠા અને તરત જ હયાતીએ પોતાના હાથના અંકોડા ઉર્વિલના બાવડામાં ભીસી દીધા અને ઉર્વિલના ખભે માથું ટકાવીને સુઈ ગઈ.
 
થોડીવાર સુધી એમને એમ બંને વચ્ચે છવાયેલી નીરવ શાંતિને તોડતા આખરે ઉર્વિલે કહ્યુ, “હું તને કશુંક કહેવા માંગુ છું હયાતી.”
“હમમ બોલ”, હયાતીએ બંધ આંખે જ જવાબ આપ્યો.
“આમ રોજેરોજ તારી સંગતની અસર હવે મારા દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. એક દિવસ પણ વાત ના થાય તો હું નથી રહી શકતો. મને ખબર છે કે મારી સગાઇ થઇ ચુકી છે અને મારુ નસીબ ક્યાંક બીજે જોડાઈ ચૂક્યું છે પરંતુ હું પ્રેમ તો તને કરું છું. આમને આમ જો દરેક વાત માં-બાપની કહેલી જ કરવા રહીશ કે દુનિયાનું વિચારીશ તો હું ક્યારેય નહિ જીવી શકું. તારું મારી સાથે હોવું એ મારા અસ્તિત્વને એક અર્થ આપે છે. મારી દરેક વાત અને વિચાર સામે તું તારા પોતાના વિચારો મૂકીને તેને સાર્થક કરે છે. તારી સામે નબળો પડી જાઉં છું. કારણ કે તારી લાગણીઓ મને જકડી દે છે. મેં નક્કી કર્યું છે હયાતી કે હવે દુનિયાનો વિચાર કર્યા વગર જીવી લેવું છે. તારી સાથે
, તારામાં રહીને, તને મહેસુસ કરીને. જેટલો પણ સમય તારી સાથે વિતાવવા મળે એ વિતાવી લેવો છે.  શું તું તને પ્રેમ કરવાનો અધિકાર મને આપીશ ? તારી દરેક લાગણીઓને હું હૃદયથી સાચવીશ.”

ઉર્વિલતો નીચું જોઈને બસ બોલ્યે જતો હતો પરંતુ તેનું ધ્યાન જો હયાતી સામે ગયું હોત તો આ પ્રપોઝ કરવાની જરૂર જ તેને ના પડી હોત. કારણ કે તેની બાજુમાં બેસેલી હયાતીની આંખોમાંથી નીકળતા આંસુઓએ તેની પ્રપોઝલનો સ્વીકાર બહુ પહેલાથી જ કરી દીધો હતો. ઉર્વિલનું ધ્યાન આખરે હયાતી પર પડ્યું અને જાણે બધું ઝાંખું થવા લાગ્યું કારણકે હયાતીને રડતી જોઈને ઉર્વિલની આંખોએ પણ પોતાનો બંધ તોડી નાખ્યો હતો. પરંતુ એ ઝાંખપમાં પણ આખરે બંને બાજુમાં બેસેલા એ હૈયાઓએ ધીમેથી એકબીજાના ઓષ્ઠનો આસ્વાદ માણી લીધો હતો. એ હસીન સંધ્યામાં એકબીજાની લાગણીઓથી ભરપૂર થઇ જતા યુવાહૈયાઓ તે ચુંબનનો ભરપૂર આનંદ માણી રહયા હતા. 

થોડીવાર સુધી બંને એકબીજામાં ખોવાયેલા રહયા અને બંનેની તંદ્રા તૂટી. સૂર્ય ઢળી ચુક્યો હતો. ઠંડો પવન વહી રહ્યો હતો અને ઉર્વિલ અને હયાતી બંને ઘર તરફ જઈ રહયા હતા. ઉર્વિલ બાઈક ચલાવી રહ્યો હતો અને હયાતી તેની પાછળ બેઠીને તેના બંને હાથને ઉર્વિલના ખભા ફરતે વિટાળીને તેનું માથું ઉર્વિલના ખભા પર ઢાળીને સુઈ ગઈ હતી. કદાચ એટલા માટે કે આટલા દિવસથી રહેલો તેના હૃદયનો ભાર આજે ઉર્વિલે સામેથી હળવો કરી નાખ્યો હતો અને ઉર્વિલ પણ એટલે ચૂપ હતો કેમ કે એકતરફ પોતાના સાચા પ્રેમને મળ્યાની ખુશી હતી તો બીજી તરફ અંબર તરફ કરેલો વિશ્વાસઘાત હતો. કઈ તરફ પોતાની લાગણીઓને દોડાવે એ કન્ફ્યુઝનને આજે બ્રેક લાગી ગઈ હતી કેમ કે હવેથી ઉર્વિલની બધી જ લાગણીઓ હયાતી તરફ જ દોડવાની હતી અને હવે તો રોજે પાસે જ હતી. ભવિષ્યમાં થનારી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરશે તેના વિચારોમાં આખરે ઉર્વિલ ચુપચાપ હવાઓને ચીરતો બાઈક ચલાવી રહ્યો હતો. આખરે ૧.૫ કલાક બાદ તેઓ ઘરે પહોંચ્યા અને તેણે હળવેથી હયાતીના બંને હાથ છોડાવ્યા અને હયાતી આખરે ઊંઘમાંથી જાગી. 

"હયાતી ! હયાતી ! ઉઠ ચલ ઘર આવી ગયું બબ્બુ", ઉર્વિલ એકદમ રોમેન્ટિક થઈને બોલી રહ્યો હતો. 
"હમ્મ ! સુવા દેને ઉર્વિલ ઘડીક, મને ખુબ ઊંઘ આવે છે.", હયાતીએ સુતા સુતા જ જવાબ આપ્યો.
થોડીવાર સુધી એમને એમ ઉર્વિલ શાંતિથી બાઈક પર જ બેઠો રહ્યો અને હયાતી પણ તેના ખભા પર માથું રાખીને સુઈ રહી હતી. આખરે હયાતી જાગી અને બાઈક પરથી ઉતરીને કહે ચાલ હવે કાલ ડાયરેક્ટ ઓફિસ જતો રહેજે.

"
નહિ તું જા અંદર, મારુ ઘર દૂર નથી. આ કપડાં પહેરીને ઓફિસ નહિ જઈ શકું. ઘરે જવું જ પડશે.", ઉર્વિલે પોતાની દલીલ રજુ કરી.

વધુ આવતા અંકે...
ટિપ્પણી પોસ્ટ કરો