રવિવાર, 2 ઑગસ્ટ, 2015

"દ્રીશ્યમ"


"દ્રીશ્યમ" ફિલ્મનું નામ જ અચરજ પમાડે એવું છે. સૌથી પહેલી મૂળ ફિલ્મ મલયાલમ ભાષામાં ડાયરેકટર જીતું જોસેફએ ત્યાના સુપરસ્ટાર મોહનલાલને લઈને બનાવી, એ પછી વી. રામચન્દ્રનને લઈને કન્નડમાં ફિલ્મ આવી, પછી વેંકટેશને લઈને તેલુગુમાં ફિલ્મ આવી, પછી કમલ હસનને લઈને તેલુગુમાં ફિલ્મ આવી. હવે છેલ્લે અજય દેવગણને લઈને હિન્દીમાં ફિલ્મ લઈને આવ્યા છે "નિશીકાંત કામત"

"મુંબઈ મેરી જાન", "ફોર્સ", "લય ભારી" જેવી હીટ ફિલ્મો આપનાર નિશીકાંત કામત આ વખતે એક સસ્પેન્સ થ્રીલર સ્ટોરી લઈને આવ્યા છે જેમાં તમે પોતે ક્યાંક ખોવાઈ જાવ છો જેની તમને પોતાને પણ ખબર નથી રહેતી. ફિલ્મ જોઈ લીધા બાદ પણ ફિલ્મ તમારા મન પરથી દુર નથી થતી.

ફિલ્મની શરૂઆત ગોવાના રમણીય સ્થળોથી થાય છે. શરૂઆતના અડધા-પોણા કલાક સુધી તો એમ જ લાગ્યા કરે છે કે ફિલ્મ સાવ ઠંડી ચાલી રહી છે. પરંતુ અચાનક એક ઘટના બનતા જ ફિલ્મમાં જાણે કોઈક હાઈસ્પીડ મોટર બાઈકનું એન્જીન ફીટ થઇ ગયું હોય એમ ફૂલ સ્પીડમાં ચાલવા લાગે છે અને શરુ થાય છે થ્રીલીંગ માણવાનો અનુભવ. સેકંડ હાફમાં શરૂઆતથી જ ફિલ્મ તમને પોતાની સીટ પર જકડી દે છે કે તમે બીજો કોઈ વિચાર જ નાં કરી શકો. ફિલ્મને અંતે જ્યારે ધીમે ધીમે બધા સસ્પેન્સ ખુલે છે ત્યારે થાય છે કે શરૂઆતમાં જે બોરિંગ ભાગ લાગતો હતો એ જ ફિલ્મનું સસ્પેન્સ હતું. "દ્રીશ્યમ"નો મતલબ શું છે એ હું અહિયાં નહિ કહી શકું એના માટે તમારે થીયેટર સુધી જવું પડશે.

"હકીકત", "ભગતસિંહ", "ઝખમ" જેવી ફિલ્મો પછી ફરી પાછો એક્ટિંગનો કક્કો જાણે અજય દેવગણને યાદ આવી ગયો હોય એટલી ઊંચા દરજ્જાની એક્ટિંગ છે. શ્રીયા સરણ માટે કદાચ કમબેક માટે બોલીવુડના દરવાજા ખુલ્લી જશે. ઈશિતા દત્તા અને રજત કપૂર પણ પોતાના ભાગે આવેલું કામ સારી રીતે કરી જાય છે. "તબ્બુ" જેની એક્ટિંગથી હમેશા અભિભૂત થઇ જવાતું હોય છે પરંતુ આ ફિલ્મની શરૂઆતમાં જાણે થોડી કાચી પડતી હોય અને ફિલ્મના કેરેક્ટરમાં આવવા માટે મહેનત કરતી હોય એવું લાગે છે. ધીમેથી રહીને એની એક્ટિંગમાં ક્યારે ગ્રીપ આવી જાય છે એ ખ્યાલ પણ નથી રહેતો અને પછી જાણે શરુ થાય છે અજય અને તબ્બુ વચ્ચેનું એક્ટિંગનું મહાયુદ્ધ.

વિશાલ ભારદ્વાજે ફિલ્મનું સંગીત આપ્યું છે પરંતુ ફિલ્મની પકડ જ એટલી મજબુત છે કે સંગીત તરફ ધ્યાન કરવાનો મોકો જ નથી મળતો. મુખ્ય વાત છે સ્ક્રીનપ્લેની. આવી સસ્પેન્સ થ્રીલર ફિલ્મમાં સ્ક્રીનપ્લે ખુબ જ મહત્વનો ભાગ ભજવી જતું હોય છે. ફિલ્મ જોયા પછી ખ્યાલ આવે છે કે ફિલ્મમાં આ દ્રશ્ય પહેલા શું કામ ભજવાયું અને આ દ્રશ્ય પછી શું કામ ભજવાયું. ખરેખર ખુબ જ સારું સ્ક્રીનપ્લે.

જીતું જોસેફની સ્ટોરીને આટલી સરસ રીતે ડાયરેક્ટ કરીને નિશીકાંત કામતે પોતાની હીટ ફિલ્મોમાં વધુ એક યશકલગીનું પીછું ઉમેરી દીધું છે. ફેમીલી સાથે બેસીને જોવાલાયક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ.

Ratings :- 4/5

સલાહ સુચન :- કોઈ પણ વસ્તુ ખરીદો એનું બીલ અવશ્ય લઇ લેવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય. :p ;)

તમે ક્યાય પણ બહાર ફરવા જાવ તો એની તારીખ દરેક વ્યક્તિને કહીને જવી અને પાછા આવીને ફરી પાછી એ જ તારીખ યાદ કરાવવી જેથી ભવિષ્યમાં કોઈ ખતરો રહેવાની શક્યતા ઓછી રહે. :p ;) 

ટિપ્પણીઓ નથી: