સોમવાર, 27 જુલાઈ, 2015

બીજો પ્રેમ

રાહુલ… જોરથી ઘરના વડીલે બુમ મારી અને કીધું કે પેલા મંડપવાળા હજુ કેમ નથી આવ્યા ? એને ફોન કર કે કેટલો ટાઈમ થયો હજુ મંડપ બંધાયા નથી. શું કરે છે એ લોકો ? અશોક.. તું મીઠાઈવાળાને ઓર્ડર આપી આવ્યો ? દીપક.. તે પેલા મ્યુઝીશિયન લોકોને ફોન કરી દીધો છે ને ? ઘરમાં લગ્નપ્રસંગ ઉજવાઈ રહ્યો હતો અને તે વડીલ બધા જ કામ વિશે પૂછપરછ કરી રહ્યા હતા. ઘરમાં કોઈ નવું મહેમાન આવે તો એમની સાથે ખુશ થઈને વાતો કરીને પાછા પોતાના સીરીઅસ મુડમાં આવીને કામે વળગી જતા હતા. એક ખુણામાં એના કુટુંબની સ્ત્રીઓ બેઠી બેઠી કલબલાટ કરતી કરતી હસી રહી હતી, નાના છોકરાઓ આમ-તેમ દોડધામ કરી રહ્યા હતા અને નાની છોકરીઓ મહેંદી મુકાવી રહી હતી. ઘરમાં બીજા લોકો ફૂલો બાંધી રહ્યા હતા, લાઈટ સીરીઝ ગોઠવી રહ્યા હતા. લગ્નને હવે માત્ર ૪ દિવસની રાહ હતી. એક નાની ઢીંગલી “જન્યા” પોતાની મહેંદી દેખાડવા એ વડીલ પાસે આવી અને લાડકા અવાજમાં હળવેથી બોલી કે “દાદુ ! દાદુ ! જો મેં મહેંદી મૂકી છે. કેવી છે ?” વડીલ હળવેથી હસીને જન્યાને તેડી લીધી અને એના ગાલને ચૂમી લીધો અને પછી બોલ્યા કે એકદમ મારી ઢીંગલી જેવી સરસ મજાની મહેંદી છે, પણ મારી જન્યા બેટા જેટલી સરસ નથી. એમ બોલીને વડીલે જન્યાને હળવેથી નીચે ઉતારી અને જન્યા દોડીને એની માંનાં ખોળામાં જઈને બેસી ગઈ અને વડીલ ફરી પોતાના કામમાં લાગી ગયા.
ઘરમાં દીકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા અને લોકો હોશે-હોશે પોતપોતાનું કામ કરી રહ્યા હતા. લગ્ન હતા તે વડીલની સૌથી નાની દીકરી આસ્થાના. કોલેજકાળમાં થયેલા પ્રેમસંબંધને લગ્નમાં ફેરવવા માટે આસ્થાએ ઘરમાં પોતાની જીદથી બધાને મનાવી લીધા હતા. જો કે પરિવારનું આમ માની જવાનું કારણ પણ એ હતું કે છોકરો ડોક્ટર હતો અને શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં એમની હોસ્પિટલનું નામ આવતું હતું. પણ આખરે આ પ્રેમસબંધ લગ્નમાં પરિવર્તિત થઇ રહ્યો હતો. ખુબ ધામધૂમથી ઘરમાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી.
આ બધી તૈયારીઓ થઇ રહી હતી એ દરમિયાન જ ઘરઆંગણામાં એક Audi Q7 દાખલ થઇ અને દરેકનું ધ્યાન ત્યાં ગયું. ગાડી પાર્ક થઇ ગઈ અને હળવેથી ગાડીનો દરવાજો ખુલ્યો અને અંદરથી ૨૬ વર્ષનો યુવાન બહાર આવ્યો અને દરેકના ચેહરા પર એને જોઇને એક મીઠી મુસ્કાન આવી ગઈ. ૫ ફૂટ ૬ ઇંચની હાઈટ, પહોળી છાતી, ફૂલેલા બાવડા, અને શરીરસૌષ્ઠવ જોઇને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે આ કસાયેલું શરીર રોજે જીમમાં કસરત કરવા ટેવાયેલું હશે.
આરવ મહેતા. શહેરના ખુબ ધનવાન શેઠ એવા સુધીર મહેતાનો એકનો એક વારસ. સ્વભાવે ખુબ જ ચંચળ, પરંતુ વિવેકી, કોઈ પ્રકારનું વ્યસન નહોતું આરવને, કોઈ પ્રકારનો ઘમંડ નહોતો કે પોતે એક બીઝનેસ ટાયકુનનો દીકરો છે. આરવ પોતાની કઝીન સિસ્ટરના મેરેજ માટે આવી પહોચ્યો હતો, ઘરમાં આવીને દરેકને વારફરતી મળ્યો, વડીલોને પગે લાગીને આશીર્વાદ લીધા, લોકોના ખબર અંતર પૂછ્યા અને તરત જ વડીલ પાસે પહોચીને પૂછી લીધું કે “અંકલ ! આસ્થા ક્યા છે ? ” એ પોતાની સહેલી સાથે રૂમમાં હશે. તું જા ત્યાં જ તેને મળી લે, એ ખુબ ખુશ થઇ જાશે. છેલ્લા ૨ દિવસથી પૂછી રહી છે કે ભાઈ હજુ કેમ નાં આવ્યો ? વડીલ બોલ્યા.
હા અંકલ હું મળી લઉં છું.
આરવ પોતાની મસ્તીમાં સીટી વગાડતો વગાડતો સીડીઓ ચડતો ચડતો આસ્થાના રૂમ પાસે પહોચી ગયો અને બારણું ખુલ્લું જોઇને સીધો જ અંદર જવા ગયો ત્યાં જ ધડામ દઈને કોઈની સાથે અથડાયો અને તેના દાંતમાં તમ્મર ચડી ગઈ અને આરવથી સિસકારો નીકળી ગયો અને પોતાના બંને હાથ વડે મોઢું દાબી દીધું. આરવે સામે જોયું તો એક ૨૪ વર્ષની યુવતી પોતાના માથા પર બંને હાથ રાખીને કણસી રહી હતી અને સિસકારા કરતી હતી. હાથ માથા પર ઢાંકેલો હોવાથી આરવને ફક્ત એનો અડધો ચેહરો જ દેખાતો હતો. ફૂલની પાંખડી જેવા ધનુષ આકારે હોઠ એટલા સોહામણા લાગી રહ્યા હતા અને એ બંને હોઠની વચ્ચે દેખાઈ રહેલા ધોળા દૂધ જેવા દાંત અને હોઠની નીચેના ભાગે આવેલું તલનું નિશાન એકદમ ગોરી ચિટ્ટી ચામડીમાં ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. થોડીવાર માટે તો આરવ આ બધું જોવામાં ભૂલી જ ગયો હતો કે પોતે ક્યા છે ? એ તો બસ હવે આ આખા ચાંદના દીદાર કરવા માટે રાહ જોઇને ઉભો હતો. એક એક ક્ષણ એની માટે સદીઓ જેવી નીકળી રહી હતી ચેહરો ખુલવાની રાહમાં અને હળવેથી માથા પર ચોળતી ચોળતી ત્યાંથી હાથ હટાવ્યો અને આરવ ત્યાં જ ગોઠણભેર તેની સામે બેસી ગયો. એક જ વિચાર આવ્યો કે ભગવાનને શું હવે અપ્સરાઓની જરૂર નહિ હોય ? એકદમ હીરણાક્ષી આંખો, નરમ રેશમી ગાલ, અને હાથ માથા પરથી હટાવી દીધા પછી માથા પરથી ગાલ પર સરકીને આવી જતી એની મારકણી વાળની લટ આરવને છેક હૃદયના દરવાજે દસ્તક આપી આવી.
આરવનું ધ્યાનભંગ થયું અને જોયું તો પેલી યુવતીની આંખોમાંથી જળજળિયા આવી ગયા હતા અને સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે એને ખુબ જ વાગ્યું હતું, કપાળ પર નજર ગઈ અને આરવથી ઓહ્હ બોલાઈ ગયું. તે યુવતીના કપાળ પર આરવનો દાંત બેસી ગયો હતો અને ત્યાં ઢીમણું થઇ ગયું હતું. પેલી યુવતી થોડી ગુસ્સામાં બોલી કે “દેખાતું નથી ? જોઇને નથી ચાલી શકતા ?” સોરી, આઈ એમ રીયલી વેરી વેરી સોરી, હું જરા ઉતાવળમાં હતો ? આરવ હળવેથી બોલ્યો.
કેમ ? કોઈ લંકા લુટાઈ જતી હતી તમારી ? યુવતી થોડી ચિડાઈને બોલી.
ત્યાંજ રૂમની અંદરથી આસ્થાનો અવાજ આવ્યો. ક્રિશ્ના ! શું થયું ? કેમ ચીસ પાડી ? એમ કરતા તે બહાર આવી અને આરવને જોતા જ જોરથી ચિલ્લાઈ ઉઠી. “આરવ !!” એમ બોલીને સીધી જ આરવને ગળે વળગી પડી અને બંને ભાઇ-બેન એકબીજાના ખબર-અંતર પૂછવા લાગ્યા. એ જોઇને ક્રિશ્નાને થોડો ગુસ્સો આવ્યો કે અહિયાં વાગ્યું છે મને અને તે એકબીજાને ખબરઅંતર પૂછે છે. ક્રિશ્ના જોરથી “હુહ” નું છણકુ કરીને ચાલી ગઈ. આરવે ઇશારાથી આસ્થાને પૂછ્યું કે કોણ છે એ ? તેનું નામ ક્રિશ્ના છે અને તે મારી સાથે કોલેજ ટાઇમથી છે અને તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આરવ થોડો મસ્તીમાં ડોકું હલાવીને આંખ મિચકારીને આસ્થાને ઓકે કહ્યું અને આસ્થા સમજી ગઈ કે આરવ શું કહેવા માંગતો હતો અને પછી બંને ભાઈબહેન પોતાની મસ્તીમાં વાતો કરવા લાગ્યા.
આરવને પોતાને નહોતી ખબર કે પોતાને શું થઇ રહ્યું છે પરંતુ હૃદયના કોઈક ઊંડા ખૂણે કંઈક ખળભળાટ થવાની શરૂઆત થઇ ગઈ હતી. એ બસ આખો દિવસ જ્યાં ક્રિશ્ના હતી ત્યાં જ આંટા માર્યા પણ ક્રિશ્નાનું હજુ સુધી તેના પર ધ્યાન હતું નથી. તે બસ પોતાના કામમાં વ્યસ્ત હતી અને કોઈક સહેલી કંઈક મસ્તી કરે તો થોડું હસી લેતી હતી પરંતુ આરવને આ હસી પાછળ કંઈક અજુગતું લાગ્યું કે કંઈક તો હોવું જોઈએ. ક્રિશ્ના હસી તો રહી છે પરંતુ એ હાસ્યમાં કોઈક ઊંડી વેદના છુપાયેલી છે. આરવ થોડીવાર માટે તો બેચેન બની ગયો અને પલભર માટે તો એમ થઇ આવ્યું કે અત્યારે જ ક્રિશ્ના સામે જઈને બોલે કે તેને શું થયું છે એમ ? પરંતુ પોતાની મર્યાદા જાણતા જ તેનું મન તે દિશામાં આંટા મારતું અટકી ગયું. અચાનક વિચાર આવ્યો કે આ વાત મારે આસ્થાને પૂછવી પડશે. તે આની બેસ્ટ ફ્રેન્ડ છે એટલે આસ્થાને ખ્યાલ જ હોવો જોઈએ.
થોડીવાર પછી આસ્થા પોતાના રૂમ તરફ જઈ રહી હતી એટલે આરવે પણ તેની પાછળ જવાનું વિચાર્યું અને બરાબર આરવને આસ્થા સાથે એકલામાં વાત કરવાનો મોકો મળી જ ગયો. આરવે હળવેથી આસ્થાને પૂછ્યું કે ક્રિશ્નાને શું થયું છે ? આસ્થા થોડીવાર માટે આશ્ચર્યચકિત થઇ ગઈ અને બોલી કે કઈ નથી થયું કેમ ? બરાબર તો છે. આ એનું કામ કરે. આરવ હળવેથી બોલ્યો કે “આસ્થા ! તું મને ઓળખે છે ને ? મેં ક્રિશ્નાને જોઈ અત્યારે, તે સરખું હસી પણ નથી શકતી યાર. કંઈક છે એના મનમાં કે જે પોતે છુપાવાનો પ્રયત્ન કરી રહી છે.” આસ્થાને તરત ખ્યાલ આવી ગયો કે આરવને ચેહરો વાંચતા આવડે છે એ વાત કેમ પોતે ભૂલી ગઈ ? આરવ પોતાના દોસ્તોને આવી જ રીતે મદદ કરતો રહેતો એટલે આસ્થાને પણ થયું કે આરવને ક્રિશ્નાની વાત કરવી જોઈએ જેથી કંઈક મદદ મળી શકે.
આસ્થાએ ધીમે ધીમે વાત શરુ કરી અને જેમ જેમ વાત આગળ વધતી ગઈ એમ એમ આરવના ચેહરાના ભાવ બદલાવા લાગ્યા હતા. એના ચેહરા પર એક ઉદાસી આવીને બેસી ગઈ અને મનોમન વિચારીને ત્યાંથી નીકળી ગયો કે આનો કોઈક રસ્તો કાઢવો જ પડશે.
આરવ આવ્યો તો હતો આસ્થાના લગ્ન માટે પરંતુ હવે તેનો એક આશય ક્રિશ્નાની તકલીફો જાણીને એનું સોલ્યુશન લાવવાનો હતો. કંઈક અજુગતું જ એનામાં હતું જે આરવને પોતાની નજીક ખેંચી રહ્યું હતું. ક્રિશ્ના જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં આરવ તેની આગળ પાછળ ફર્યા કરતો હતો અને કોઈને કોઈ બહાને ક્રિશ્ના જોડે વાત કરવાનો મોકો શોધ્યા કરતો હતો. ક્રિશ્નાને પણ હવે થોડો અંદાજ તો આવી જ ગયો હતો કે આરવ તેની પાછળ ફરી રહ્યો છે પરંતુ ક્રિશ્નાએ એ વાતનો કોઈ વિરોધ નાં કર્યો. ખબર નહિ પણ ક્રિશ્નાને પણ મનના કોઈક ખૂણે કંઈક આકર્ષણ તો જાગી રહ્યું હતું પણ એ પોતાના મગજમાં ચાલી રહેલી લડાઈના કારણે આ વાતને ઇગ્નોર કરી રહી હતી.
આમને આમ ૨ દિવસ પસાર થઇ ગયા હતા અને હવે લગ્નને ફક્ત ૨ જ દિવસની વાર હતી. આરવે વિચાર્યું કે મારે હવે કંઈક કરવું જ પડશે જેથી કરીને હું ક્રિશ્નાની નજીક જઈ શકું, એની તકલીફ જાણી શકું નહિતર પછી મળવાનો કોઈ મોકો નહિ મળે. આરવ તરત જ ક્રિશ્ના પાસે ગયો અને બોલ્યો કે Execuse me ! i want to talk for minutes, can you please come with me ? અને એમ કહીને ક્રિશ્ના અને આરવ બંને ગેલેરીમાં આવ્યા જ્યાં કોઈ હતું નહિ. ક્રિશ્ના અદબ વાળીને ઉભી રહી અને થોડા ટોન્ટમાં બોલી કે બોલો શું વાત કરવી છે ?
Look ! we both know કે આપણી પહેલી મુલાકાત ખુબ ખરાબ રહી અને તમને મારા કારણે માથામાં વાગ્યું પણ ખરા, પરંતુ ખરેખર એ વખતે મારું ધ્યાન નહોતું અને હું તો ફક્ત મારી મસ્તીમાં ઉતાવળો ચાલી રહ્યો હતો. I am really very very sorry for that. શું આપણે આજથી એક નવી શરૂઆત કરી શકીએ ?
ક્રિશ્નાને આ વાત મનોમન ગમી કે આરવે સામેથી સોરી કહ્યું અને વાત કરી પરંતુ એણે ચેહરા પર દેખાવા નાં દીધું કે પોતાને પણ વાત કરવાની ઈચ્છા હતી.
“You Know તે રાત્રે એટલું માથું દુખ્યું કે મારે ડોક્ટર પાસે જવું પડ્યું હતું અને તમે બસ સોરી કહીને નીકળી ગયા. તમારે નવી શરૂઆત શેની કરવી છે ? શું કામ ? કોઈ કારણ ? હમમ ?” ક્રિશ્નાએ આરવની ફીરકી લેતા કહ્યું.
આરવ આ સાંભળીને થોડીવાર માટે તો હેબતાઈ ગયો પછી ધીરે ધીરે માંડ એટલું બોલી શક્યો કે આ આ આ I mean can we become friend ? you don’t think so ?
ક્રિશ્ના ચેહરા પર બનાવટી ગુસ્સો કરીને આંખો ઝીણી કરી રહી હતી પરંતુ મનોમન એ ખુબ હસી રહી હતી આરવની આવી હાલત જોઇને અને હસવું કંટ્રોલ નાં કરી શકી એટલે એણે થોડી સ્માઈલ આપીને પછી ડોકું ધુણાવ્યું.
Haay ! I am Aarav Mehta. I am Aastha’s Cousin.
Hello ! I am Krishna Shah. I am Aastha’s Best Friend.
આરવ પોતાની સ્ટાઈલમાં બોલ્યો Yupp, that is true you are Aastha’s best friend but can i become your best friend ? તમે આસ્થાના બેસ્ટ ફ્રેન્ડ છો એ તો સમજી શકાય છે પણ શું હું તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકું ખરા ?
ક્રિશ્ના હળવું છણકુ કરતા બોલી કે હેલો મિસ્ટર, વેઇટ, હજુ તો ખાલી નામ જ જાણ્યું છે અને તમે તો શતાબ્દી એક્સપ્રેસ ભગાવો છો. (મનોમન વિચાર તો આવી જ ગયો કે છે તો સ્માર્ટ અને હેન્ડસમ અને શાર્પ પણ છે) તમે મારા વિશે હજુ કશું જાણતા જ નથી અને હું તમને મારા બેસ્ટ ફ્રેન્ડ માની લઉં ? હુહ..
આરવને ઘણી બધી વાતો ખબર તો હતી જ કે જે આસ્થાએ એને કીધેલી હતી પરંતુ તે આ વિશે કઈ બોલ્યો નહિ અને ક્રિશ્નાનો વિશ્વાસ જીતવા માટે સ્માઈલ કરીને એટલું બોલ્યો કે “તમને પુરેપુરા જાણી શકું એટલા માટે તો તમને બેસ્ટ ફ્રેન્ડ બનાવવા માંગું છું, તમને ઓળખી શકું, તમારી આ બનાવટી સ્માઈલને એક ખુબસુરત સ્માઈલમાં બદલી શકું જે સ્માઈલ તમારા દિલમાંથી નીકળેલી હોય. શું તમે મને એ સ્માઈલ પાછી લાવવા માટેનો અધિકાર આપીને મને તમારો દોસ્ત બનાવશો ?”
ક્રિશ્ના આ વાત સાંભળીને મનોમન એટલી ખુશ થઇ ગઈ કે થોડીવાર માટે તો એમ થઇ ગયું કે આરવને અત્યારે જ ગળે વળગી પડે અને મન ભરીને રડી લે પરંતુ પોતાની મર્યાદા બાંધેલી હોવાથી હળવેથી સ્માઈલ કરીને હા પાડી, એવી સ્માઈલ કે જે ક્રિશ્નાના દિલમાંથી આજે નીકળેલી હતી, જે છેલ્લા ૨ મહિનાથી હૃદયના કોઈક ખૂણામાં ધરબાઈ ગઈ હતી. ક્રિશ્નાના મનના એ બંજર થઇ ગયેલા બગીચામાં આજે એક નવા ફૂલની કળી ફૂટી નીકળી હતી જેનું કારણ આરવ હતો. આરવ આ સ્માઈલ જોઇને થોડીવાર માટે તો બધું જ ભૂલી ગયો અને બસ જોતો જ રહ્યો અને આરવે પેલી વાર એવું નોટીસ કર્યું કે ક્રિશ્નાના બંને ગાલ પર અને દાઢી પર ખંજન પડી રહ્યા હતા જે ક્રિશ્નાના ચેહરાને ખુબ જ સંમોહક બનાવતા હતા. હોઠની નીચે રહેલો તલ દાઢી પર પડતા ખંજનના કારણે વધુ સોહામણો લાગી રહ્યો હતો. આરવના હૃદયમાં તો જાણે કોઈએ એક સાથે કેટલા બધા વાજિંત્રો વાગવા માટે મૂકી દીધા હોય, ત્યાં જ ક્રિશ્નાએ ચપટી વગાડતા પૂછ્યું કે હેલ્લો ! ક્યા ખોવાઈ ગયા તમે ? અચાનક ધ્યાનભંગ થતા આરવ ઝબકી ગયો. ક ક ક ક ક કઈ નહિ, અહિયાં જ છું અને “તમે” કરતા “તું” વધારે સારું લાગશે અને શોભશે પણ. તમે કોશિશ કરી જુઓ એકવાર. આરવ આંખ મિચકારતા બોલ્યો. આરવની આ બોલવાની અદા જોઇને ક્રિશ્ના પાણી-પાણી થઇ ગઈ.
રાત્રે સંગીત-સંધ્યા હતી. આરવ તો એકદમ સિમ્પલ પંજાબી કુર્તા પાયજામાંમાં સજ્જ થઇને આવ્યો હતો પરંતુ એના શરીર સૌષ્ઠવ પ્રમાણે ખુબ જ શોભતો હતો. ગ્રાઉન્ડમાં થાંભલીને ટેકે ઉભો ઉભો એ તો બસ રાહ જોઈ રહ્યો હતો ક્રિશ્નાની, આજે એણે શું પહેર્યું હશે ? કેવી લાગતી હશે ? આજે તો એને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કચાશ રાખવી જ નથી. એવા વિચારોમાં ખોવાયેલા આરવના કાનમાં ઝાંઝરનો છમ છમ અવાજ રણકયો અને આરવની વિચારોની તંદ્રા તૂટી, પાછળ ફરીને જોયું ત્યાં તો આભો બની ગયો. માથાના એકદમ સિલ્કી ખુલ્લા વાળ અને એ જ વાળમાં કપાળ પર રહેલી એની કાતિલ લટ જે વારે ઘડીએ એના ગાલને ચૂમવા માટે નીચે સરી જતી હતી અને ક્રિશ્ના પોતાની નાજુક આંગળીઓથી હળવેથી પછી એને કાનની પાછળ ટેકવી દેતી અને વાળની લટ પણ આજે નફફટ છોકરા જેવી બની ગઈ હતી થોડી થોડી વારે ગાલને ચૂમવા નીચે આવી જતી હતી. ગુલાબી કલરની બાંધણી ચણીયા-ચોળી અને એમાં એની હાથની બાય પર લટકતું મોતીનું ઝુમખું, ચણીયામાં ટાંકેલા મોતી પણ આજે ક્રિશ્નાની આ સુંદરતા પાસે ઝાંખા પડતા હતા. આરપાર દેખાઈ એવી પાતળી ચુંદડીમાંથી ક્રિશ્નાના ઉરોજ સહેજ ડોકિયું કરી જતા હતા, હાથમાં મહેંદી, ગોરી ચિટ્ટી કમર અને એ કમરની વચ્ચે દેખાતી નાભી જાણે માદકતા પ્રસરાવી રહી હતી. સપ્રમાણ બોડી શેઈપ જાણે કે ખજુરાહોના મુર્તિ-શેઇપ જોઇને જ ભગવાને ક્રીશ્નાને ઘડી હશે એવું લાગી રહ્યું હતું. હળવેથી આરવ પાસેથી પસાર થઇ અને આંખ મીચકારીને “હાઈ” બોલતી ગઈ અને આરવનું હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું.
સંગીત પ્રોગ્રામ શરુ થતા જ પરિવારના બધાય લોકો ધીમે ધીમે દાંડિયારાસ લઇ રહ્યા હતા અને એ લોકોની વચ્ચે કોલેજનું એક ગ્રુપ કે જે આસ્થાનું ફ્રેન્ડ સર્કલ હતું એમાં ક્રિશ્ના બધા કરતા સ્ટાઈલીશ અને ઉત્સાહથી સ્ટેપ કરી રહી હતી.કમરની લચક તો જાણે કોઈ મિસાઈલથી ઓછી નહોતી. થોડી વાર પછી આરવ પણ એ લોકોના ગ્રુપમાં ક્રિશ્નાની બાજુમાં સ્ટેપ રમવા લાગ્યો. થોડી થોડી વારે બંને એક બીજાની આંખોમાં જોઇને શું વાત કરી લેતા હતા કે જાણે બંને એકસાથે સ્ટેપ બદલાવી નાખે અને બધાય એ બંનેની સામે જોતા રહી જતા હતા અને એ બધાયને જોઇને ક્રિશ્ના અને આરવ બંને એકબીજા સામે જોઈને હસી લેતા હતા. આસ્થાનું ધ્યાન હવે આ બંને પર ગયું હતું અને આસ્થાને સમજતા વાર નાં લાગી કે આ કંઈક જરૂર કરતા વધારે આગળ જઈ રહ્યું છે. યુવાનીનું આકર્ષણ હતું એ તો આસ્થાને ખ્યાલ જ હતો પરંતુ ચિંતાજનક કારણ એ હતું કે આસ્થા આરવ વિશે બધું જ જાણતી હતી અને ક્રિશ્નાના સ્વભાવ વિશે પણ જાણતી હતી.
દાંડિયારાસની વચ્ચે અચાનક એક નાની છોકરી ફોન લઈને આવી અને ક્રિશ્ના ફોન પર વાત કરતી કરતી થોડે દુર ચાલી ગઈ કે જેથી કરીને સ્પીકરનો અવાજ થોડો ઓછો આવે અને શાંતિથી વાત કરી શકે. થોડી વાર રહીને આરવે ત્યાં ધ્યાનથી જોયું તો ક્રિશ્નાનો ફોન હજુ શરુ જ હતો અને ક્રિશ્ના રડી રહી હતી એટલે આરવ ત્યાં નજીક જવા માટે ગયો અને એ દરમિયાન ક્રિશ્નાનો ફોન મુકાઈ ગયો અને ફટાફટ આંખના આંસુ લુછીને બનાવટી હાસ્યનો મુખવટો ઓઢી લીધો. આરવે પૂછ્યું કે શું થયું ક્રિશ્ના ? ના ના કઈ નહિ, બસ એમ જ, ક્રિશ્નાએ બનાવટી હાસ્ય સાથે જવાબ આપ્યો. આરવને લાગ્યું કે હજુ ક્રિશ્નાને પોતાના પર ભરોસો નથી બેઠો એટલે એને વિશ્વાસ તો અપાવો જ પડશે.
આરવે ક્રિશ્નાને એક ખુરશી પર બેસાડી અને તેની સામે ગોઠણભેર બેસીને એના બંને હાથ પકડીને હજુ તો કંઈ બોલવા જાય ત્યાં જ એનું ધ્યાન ક્રિશ્નાના કાંડા પર ગયું અને મનોમન સમસમી ઉઠ્યો. કાંડા પર નસ કાપી હોવાના નિશાન હતા. વિચારે ચડ્યો કે કંઈક તો ગંભીર છે હવે જરૂરી છે કે ક્રિશ્નાના મનની વાત કઢાવવી જેથી કંઈક સોલ્યુશન નીકળે અને પછી જાણે એણે કંઈ જોયું જ નાં હોય એમ કરીને બોલવાનું શરુ કર્યું.
કીશું (આજે ક્રિશ્નાની જગ્યાએ કીશું બોલ્યો આરવ. ક્રિશ્ના આ નામ સાંભળીને થોડીવાર માટે લાગણીશીલ બની ગઈ અને એને રડવાનું મન થઇ આવ્યું) તું શું કામ રડતી હતી ? મેં તને જોઈ રડતા. જિંદગીમાં ઘણીબધી વાતો એવી હોય છે કે જે કોઈ પોતાનાને કહેવા કરતા કોઈ પારકાને કહીને હૃદયનો બોજ હળવો કરવો પડતો હોય છે એટલે જો તને મારા પર વિશ્વાસ હોય તો તું મને તારી તકલીફ જણાવી શકે છે. એવી તો શું વાત છે કે જે તને અંદરથી જ કોરી ખાય છે ? એવી તો શું વાત છે કે જેના કારણે તારે આ બનાવટી સ્માઈલનો સહારો લઇ રહી છે ? શું તું નથી ઇચ્છતી કે તને આ તકલીફમાંથી જલ્દી છુટકારો મળે ? હું તારા ચેહરા પર એ હાસ્ય જોવા માંગુ છું જે તારા હૃદયમાંથી નીકળેલું છે.
ત્યાં જ આરવના ફોનની રીંગ વાગી અને સ્ક્રીન પર ઝળ્કેલું નામ અને ફોટો જોઇને આરવે ક્રિશ્નાનો હાથ મૂકી દીધો. મૂકી દીધો ? કે પછી એની જાતે જ મુકાઈ ગયો ? ખુદ આરવને પણ ખબર નાં પડી કે એની પોતાની સાથે પણ આ શું થઇ રહ્યું છે ? અને ફોન ઉપાડીને ત્યાંથી થોડે દુર વાત કરવા ચાલ્યો ગયો.
ક્રિશ્ના આરવની રાહ જોતી એની સામે તાકીને જોઇને ત્યાં જ ખુરશી પર બેસી રહી અને થોડીવાર પેલા આરવ એની સામે બેઠો હતો એ વાતોને વાગોળતી ગઈ.
બીજા દિવસે સવારે વરરાજાની જાન વાજતે ગાજતે ઘર આંગણે આવી પહોચી અને બધાય લોકો લગ્નની ખુશીનો આ અવસર ધામધૂમથી ઉજવે છે અને માણે છે. લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. બધું જ એકદમ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. માંડવામાં વર-ઘોડીયા પરણતા હતા, આસ્થાની થોડી પાછળની બાજુમાં ક્રિશ્ના બેઠી હતી અને વારાઘડીએ આસ્થાના કાનમાં કંઈક ખુસર-પુસર કરી આવતી અને આસ્થા થોડું થોડું મલકાઈ લેતી હતી, લગ્નમંડપમાં ગાયક કલાકારો દ્વારા ફટાણા અને લગ્નગીતો ગવાઈ રહ્યા હતા. આરવ આજે જાન સંભાળવાના કામમાં લાગેલો હતો. મંડપ પાસેથી પસાર થતો ત્યારે ક્રિશ્ના સામે નજર કરીને સ્માઈલ કરી લેતો હતો અને પોતાના કામમાં લાગી જતો હતો. આમને આમ આખો પ્રસંગ ક્યારે પૂરો થઇ ગયો ખબર જ નાં પડી અને ઘર પરિવારના લોકોએ આંખમાં વિદાયનાં આંસુઓ સાથે આસ્થાને વિદાય આપી.
જાન વિદાય પછી ક્રિશ્ના રૂમમાં પોતાનો સમાન પેક કરીને જવાની તૈયારી કરી રહી હતી એટલામાં જ આરવ ત્યાં આવ્યો અને ક્રિશ્નાનો ફોન નંબર માંગ્યો. એક સેકંડની પણ રાહ જોયા વગર ક્રિશ્નાએ તરત જ આરવને પોતાનો નંબર આપી દીધો જાણે પોતે પણ રાહ જોતી હોય કે ક્યારે આરવ પોતાની પાસે નંબર માંગે. હજુ તો આરવ ત્યાંથી જવા જતો હતો ત્યાં જ ક્રિશ્નાએ રોક્યો અને જેવો આરવ ક્રિશ્ના બાજુ ફર્યો કે ક્રિશ્ના દોડીને આરવને વળગીને રડી પડી. હેય ! કીશું.. શું થયું ? હવે શું કામ રડે છે ? અરે સાસરે તો આસ્થા ગઈ છે અને હું તો હજુ અહિયાં જ છું. એમ કરીને વાતાવરણ હળવું કરવાની કોશિશ કરી અને ક્રિશ્ના થોડું હસી. બંનેએ એકબીજા સામે “બાય” કહીને એકબીજા સામે જોતા રહ્યા અને આરવને કોઈકે બુમ પાડી અને તે ત્યાંથી જતો રહ્યો અને ક્રિશ્ના પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ.
આરવના હૃદયમાં આજે લાગણીઓનું ઘોડાપુર આવ્યું હતું. એ સતત ક્રિશ્નાના વિચારોમાં ડૂબેલો લાગતો હતો અને એક મશીનની જેમ કામ કર્યે જતો હતો. ક્રિશ્નાને બને એટલી જલ્દી હું પુરેપુરી જાણી લઉં અને પછી એની દરેક તકલીફોને દુર કરવાની કોશિશ કરી જોઉં જેથી કરીને એ ખુશ રહી શકે. આ વિચારોની તંદ્રા આરવના ફોનની રીંગથી તૂટી. ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોયું તો સ્ક્રીન પર નામ ઝબકયું “વંશી આચાર્ય મહેતા” ફોન ઉપાડીને તરત જ આરવ બોલ્યો, Hii my sweetheart ! what you doing baby ? સામેથી એક મીઠો મધુરો અવાજ આવ્યો, હાન્જી I am good but I miss you so much. તમે ક્યારે ફ્રી થશો ? આપણે મળ્યા એને એક અઠવાડિયું થઇ ગયું. તમારી માટે એક સરસ મજાની ગીફ્ટ લાવી છું. આઈ હોપ કે તમને પસંદ આવે. આરવ આ સાંભળીને એક રોમેન્ટિક અદાથી જવાબ આપતા બોલ્યો કે, અરે બાબા ! તું ફૂલની જગ્યાએ મને કાંટા આપીશને તો પણ મને એ પસંદ જ આવશે કારણકે એ કાંટા પણ તે જ પસંદ કરેલા હશે મારી માટે. વંશી થોડી શરમાઈ ગઈ અને થોડી ઘણી વાતો થઇ અને ફોન મુકાઈ ગયો.
“વંશી આચાર્ય” શહેરથી થોડે દુર આવેલા એક નાનકડા ગામડામાં રહેતા મિડલ ક્લાસ ફેમીલીની એકની એક લાડકી દીકરી. જેનું વેવિશાળ શહેરના સૌથી વધુ ધનિકોમાં જેમનું નામ છે એવા સુધીર મહેતાના દીકરા આરવ મહેતા સાથે થયેલું હતું. વંશીને સુધીર મહેતાએ તેમના વૈષ્ણવ સમાજના એક સમારોહમાં જોઈ હતી. સપ્રમાણ શરીરનો બાંધો, આરવથી થોડી નીચી હાઈટ, ઘઉંવર્ણો વાન, ચેહરા પર એક નિર્દોષ સ્મિત જે ત્યાંથી હટવાનું નામ નહોતું લેતું, ભણવામાં ખુબ જ હોશિયાર એવી વંશી પોતાના વૈષ્ણવ સમાજમાં કોલેજમાં અવ્વલ નંબરે પાસ થઇ હતી. પોતાના સમાજમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં એમને આટલી સાહજિક અને સરળ સ્વભાવની જોઇને સુધીર મહેતાએ મનોમન પોતાના દીકરા આરવની વહુ માની લીધી હતી. સુધીર મહેતાએ ઘરે આવીને ઘરના દરેક સભ્યો સાથે વાત કરી અને લોકો રાજી પણ થઇ ગયા હતા અને કાયમ પિતાની આજ્ઞાનું પાલન કરનાર આરવ પણ વંશીને જોવા જવા માટે તૈયાર થઇ ગયો હતો.
આરવ વંશીને જોવા માટે તેના ઘરે જવા માટે નીકળ્યો અને તેના ઘર પાસે પહોચતા જ રસ્તામાં જોયું તો એક આધેડ ઉમરના દાદા ચાલતા ચાલતા નીચે પડી ગયા. આ જોઇને આરવે તરત જ પોતાની કાર ઉભી રાખી અને બહાર નીકળીને હજુ તો રસ્તાની સામેની બાજુમાં જવા જાય છે ત્યાં જ કોઈક છોકરી આવી અને દાદાને ઉભા કર્યા અને એક જગ્યા એ બેસાડ્યા. પોતાની પાસે રહેલા વોટરબેગમાંથી એ દાદાને પાણી પાયું અને એક રીક્ષા રોકીને એ દાદાને એમાં બેસાડી અને ઘર સુધીના પૈસા ચૂકવીને દાદાને રવાના કર્યા. આરવ આ જોઇને ખુશ થઇ ગયો. દિલથી એ છોકરીની આ મદદ કરવાની ભાવનાને બિરદાવતો રહ્યો અને ત્યાંથી વંશીના ઘેર પહોચ્યો. ઘરે બધાને પગે લાગી અને આરવ વંશી આવે એની રાહ જોવા લાગ્યો. એટલી જ વારમાં હાથમાં ટ્રે લઈને એક છોકરી દાખલ થઇ અને આરવ ચોકી ગયો, અરે આતો એ જ છોકરી જેને મેં હમણાં ૧૦ મિનીટ પહેલા રસ્તામાં પેલા દાદાની મદદ કરતી જોઈ. આરવના પ્રમાણમાં વંશી એટલી બધી દેખાવડી નહોતી પરંતુ નમણી હતી. પોતાના પિતાએ જોઈ વિચારીને જ આ છોકરી સાથે મારું માંગુ નાખ્યું હશે એ વિચારે એને પિતા પર નાઝ થઇ આવ્યું અને એનો એક દાખલો હમણાં એને ૧૦ મિનીટ પહેલા જોઈ પણ લીધો હતો. વંશીની સાદગી અને સરળતા, લોકોને મદદ કરવાની માનસિકતા જોઇને આરવ પાસે “નાં” બોલવાનો કોઈ વિકલ્પ જ નહોતો અને આરવને પણ વંશીની આ સાદગી મન પર અસર તો કરી જ ગઈ હતી.
બંને પરિવારોની મંજુરીથી સારું મુહુર્ત જોઇને બંનેની સગાઇ ગોઠવાઈ ગઈ. સગાઈને હજુ ફક્ત ૪ મહિના જ થયા હતા પરંતુ આરવને વંશી સાથે એટલું બધું ટ્યુનીંગ થઇ ગયું હતું કે વંશી હજુ તો કઈ બોલે એ પહેલા આરવને ખ્યાલ આવી જતો કે વંશીના મગજમાં શું ચાલે છે અને એને શું ગમે છે શું નથી ગમતું. વંશી પણ એ બાબતે સહેજ પણ ઉતરતી નહોતી. એકદમ સરળ, શાંત, ઠરેલ અને સમજુ છોકરી હતી. એના કોઈ પણ પ્રકારના વર્તનમાં સહેજપણ આછકલાઈ નહોતી. કોઈને માન આપીને બોલવા, હસતા હસતા વાતો કરવી, કોઈની સાથે ઝડપથી ભળી જવું જાણે એની નસે-નસમાં ફેલાયેલું હતું.
આરવ આમતો પોતાના પાપાના બીઝનેસમાં જોડાયેલો હતો પરંતુ પોતાના દોસ્તો માટે હમેશા ફ્રી રહેતો. કોઈને પણ કઈ તકલીફ હોય, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો એ હમેશા ગમે તેવું કામ મુકીને મદદ કરવા માટે પહોચી જતો. આરવના આ હેલ્પીંગ નેચરના કારણે જ આરવને લેડીઝ ફ્રેન્ડસ પણ ઘણી બધી હતી. કોલેજની છોકરીઓ આરવના એકતરફી પ્રેમમાં પાગલ હતી પરંતુ આરવે આજ સુધી કોઈ જોડે કોઈ પ્રકારનું અફેર નહોતું કર્યું કે કોઈ આડુંઅવળું કામ નહોતું કર્યું. એ ફક્ત અને ફક્ત વંશીને જ વફાદાર રહેતો. આ વાત વંશી પણ ખુબ સારી રીતે જાણતી હતી કે કોઈ પણ છોકરી આવે તો પણ આરવ હમેશા મારો જ રહેશે એ મને મુકીને ક્યાય નહિ જાય એટલે વંશીને કોઈ દિવસ આરવની એક પણ ફ્રેન્ડસથી જલન નાં થતી. બિન્દાસ્ત રહેતી. વંશીના આ સ્વભાવના કારણે જ આરવને વંશી પર દિલથી માન હતું.
આસ્થાના લગ્ન પછી ક્રિશ્ના અને આરવ રોજેરોજ વોટ્સપ પર વાતો કરતા રહેતા. આરવનું લક્ષ્ય ફક્ત ક્રિશ્નાની તકલીફ જાણીને સોલ્વ કરીને એની સ્માઈલ પાછી લાવવાનું જ હતું. પરંતુ ક્રિશ્ના તો હવે સપના જોવા લાગી હતી. એના દિલના દરવાજા પર ફરીથી કોઈક દસ્તક આપી રહ્યું હતું જેને ખોલવા માટે ક્રિશ્ના હવે તલપાપડ થઇ રહી હતી. ધીમે-ધીમે બંનેને એકબીજાની ટેવ પડતી જતી હતી. આરવને આ વાતની ખબર નહોતી પરંતુ એ ક્રિશ્નાની આદત પાડી રહ્યો હતો જે તેને જ એક દિવસ ખુબ મોટી મુશ્કેલીમાં નાખી દેવાની હતી. દોસ્તીનો આ સબંધ કંઈક આગળ વધવા જઈ રહ્યો હતો. એ વાતની આરવને ત્યારે ખબર પડી જ્યારે કોઈક કારણસર આરવ ક્રિશ્ના જોડે ૨ દિવસ સુધી વાત નાં કરી શક્યો. આ ૨ દિવસમાં તો આરવ બેબાકળો બની ગયો હતો. ક્રિશ્નાને પણ આરવ સાથે વાત કર્યા વગર ચાલતું નહિ. આરવનો ૨ કલાક માટે પણ મેસેજ નાં આવે તો ક્રિશ્ના ખુબ જ ગુસ્સો કરતી અને આરવ સાથે ઝગડો કરીને રિસાઈ જતી હતી અને આરવ તેને કોઈને કોઈ બહાને મનાવી લેતો હતો. આમ બંનેના ખ્યાલ બહાર એક નવો સબંધ જન્મ લઇ રહ્યો હતો. પરંતુ ક્રિશ્નાને હજુ ક્યા ખબર જ હતી કે જેને એ પોતાનું દિલ દઈ રહી છે એના દિલ પર પહેલેથી જ કોઈક રાજ કરીને બેઠું હતું.
થોડા દિવસ પછી આસ્થા પોતાના પિયરમાં મળવા માટે આવી. આસ્થાએ ઘરે આવીને તરત જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ ક્રિશ્નાને ફોન કર્યો અને હાલ-ચાલ પૂછ્યા અને મળવાનું નક્કી કર્યું. શહેરના એક મોટા કોફી શોપમાં મળવાનું નક્કી કર્યું અને ક્રિશ્ના હળવેથી બોલી કે સાથે આરવને પણ બોલાવી લઈએ તો કેવું રહેશે ? આસ્થાને થોડીવાર માટે આ વાત ખટકી પણ છેવટે એણે ક-મને હા પાડી. ફોન મુકીને આસ્થાએ વિચાર્યું કે ક્રિશ્ના કંઈક વધારે પડતું આગળનું વિચારે એ પહેલા એના પર કંટ્રોલ કરવો જરૂરી છે. આરવના સ્વભાવ પ્રમાણે હજુ આરવે ક્રિશ્નાને પોતાની સગાઇ થઇ ગઈ છે એ વિષે કશું જ કહ્યું નહિ હોય અને પાછળથી કોઈ દુખી થાય એ પહેલા આ વાતનો ઉકેલ લાવવો જ પડશે.
આસ્થાએ થોડીવાર રહીને વંશીને ફોન કર્યો અને ભાભીને પણ કોફીશોપમાં મળવા માટે પૂછ્યું અને કહ્યું કે આરવભાઈ પણ આવી રહ્યો છે તો તમે પણ આવોને. વંશીએ તરત જ ઉત્સાહભેર “હા” પાડી અને આસ્થાએ કહ્યું કે હું તમને લેવા માટે આવીશ.
“ફ્રેન્ડસ ફોરેવર કોફી કાફે” શહેરનું એક એવું કોફી કાફે જે શહેરના યુવાન યંગિસ્તાન માટે બીજા ઘર સમાન હતું. યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ, ફ્રેન્ડસ સાથે આવીને કોફી પીવાના બહાને પોતાના પ્રેમના પુષ્પો ઉગાવવા માટે આ કોફી કાફે સમાન બગીચો પસંદ કરતા કે જ્યાં આરામથી કોઈ પણ તકલીફ વગર તેઓ વાતો કરી શકે. કોફી કાફેનું વાતાવરણ અને લોકેશન પણ એવી રીતે જ ગોઠવવામાં આવેલું હતું. સામસામેની સાઈડથી ખુલ્લું અને બાકીની બે સાઈડથી પેક. જે બંને બાજુએ પેક કરેલું હતું ત્યાની દીવાલો પર માઈકલ જેક્સન, હ્રીતિક રોશન, મેડોના અને કેટરીના કૈફના ફોટાઓ લગાવેલા હતા અને બીજી બાજુની દીવાલ પર હાર્ટ શેઈપનાં આકારો દોરીને તેમાં પ્રેમભરી શાયરીઓ લખેલી હતી. બાકીની બંને સાઈડ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ હતું જેની આગળ વિવિધ પ્રકારના ફૂલોથી સજ્જ છોડવાઓ વાવેલા હતા અને અમુક અમુક અંતરે લીમડાના ઝાડ વાવેલા હતા જેનો ઘટાદાર છાયડો આખા કાફેને ઢાંકી દેતો જેથી કરીને કોઈ દિવસ તડકો નાં લાગતો અને બહારથી કઈ જોઈ પણ નાં શકાતું. આખા કાફેમાં મંદ મંદ મ્યુઝીક વાગતું રહેતું જેમાં એક લવ સોંગ આવતું અને એક મસ્તી ભરેલું ઢીંચાક સોંગ આવતું જેથી કરીને દરેક પ્રકારના મુડવાળાને સાચવી શકાય. કાફેના વેઈટરો પણ યુવાન છોકરા છોકરીઓ જ હતા જેઓ પોતાના કોલેજનો અને પોતાનો ખર્ચો કાઢવા માટે અહિયાં પરત ટાઈમ જોબ કરતા. શહેરથી થોડે દુર આવેલું આ કોફી કાફે યુવાનોનું હાર્દ હતું જ્યાં કેટલીયે પ્રેમ-કહાનીઓ પાંગરી હતી અને ઘણી પ્રેમકહાણીઓ તૂટી હતી.
હજુ તો સવારનો સમય હતો એટલે કાફેમાં કોઈ આવ્યું નહોતું. માત્ર ૩-૪ ટેબલ પર યુવક-યુવતીઓ બેસીને નાસ્તાની સાથે કોફીની ચુસ્કીઓ લઇ રહ્યા હતા અને મજાક મસ્તી કરી રહ્યા હતા. કાફેના એક ખૂણે ક્રિશ્ના એકલી બેઠી હતી. બ્લેક કલરનું “બીઈંગ હ્યુમન” લખેલું ટી-શર્ટ અને સફેદ કલરનું ફ્રોક, અને ગળામાં નાખેલો દુપટ્ટો કે જે ક્રિશ્નાના એ ઉભારોને ઢાંકી રહ્યો હતો. મેચિંગ કલરની ઘડિયાળ અને કાનની એરિંગ પહેરીને મેકઅપ વગર પણ ક્રિશ્ના સંમોહક લાગી રહી હતી. થોડી જ વારમાં બાઈકની ઘૂરરરટીનો અવાજ આવ્યો અને ક્રિશ્ના ઉભી થઈને બહાર આવી અને જોયું તો તે આરવ હતો. એકદમ સિમ્પલ કેઝ્યુઅલ વેરમાં એ કોઈ હોલીવુડના હેન્ડસમ હીરોથી કમ નહોતો. ક્રિશ્ના એને જોઇને મનોમન કુદી ઉઠી. પોતાના પર્સમાં સાચવેલું ગુલાબ કાઢીને સીધી જ બહારની તરફ દોડી અને આરવને વળગી પડી. થોડીવાર માટે તો આરવ પણ સમજી નાં શક્યો પણ ક્રિશ્નાએ કરેલા હગનો એને પુરેપુરો સાથ આપ્યો. સવારના એ ટાઢા છાયામાં બે યુવાન હૈયાઓ એકબીજાને વળગીને ખોવાઈ ગયા હતા. અચાનક ક્રિશ્નાએ આરવને થોડો ધક્કો માર્યો અને પોતાના ગોઠણભેર બેસીને આરવની સામે ગુલાબ ધરીને બોલી કે “I am in love with you Aarav. I love you so much. will you ?” આરવ હજુ કઈ જવાબ આપે એ પહેલા જ જોરથી અવાજ આવ્યો. “ક્રિશ્ના, સવારના ૯ વાગ્યા. ઉઠ હવે. કેટલુક સુવું છે તારે ?” ક્રિશ્નાની મમ્મી બોલી અને ક્રિશ્નાનું એ મધમીઠું સપનું તૂટી ગયું. પોતાના મમ્મી સામે ગુસ્સો કરતા બોલી કે થોડી વાર પછી નહોતી જગાડી શકતી ? હું કેટલું સરસ સપનું જોઈ રહી હતી. હુહ.. આજે હું તારી જોડે વાત નહિ કરું જા.
ફટાફટ રેડી થઈને જલ્દી જલ્દી ક્રિશ્ના પોતાના રૂમમાં આવી અને પોતે સપનામાં જે કપડા પહેર્યા હતા એ જ ટી-શર્ટ અને ફ્રોક પહેરી લીધું, પોતાના બગીચામાંથી ગુલાબનું એક ફૂલ પોતાના પર્સમાં મુક્યું અને મમ્મીને બાય કહીને નીકળી ગઈ. જતા જતા બોલતી ગઈ કે મને ભુલાઈ ગયું કે તારી સાથે નહોતું બોલવાનું આજે એમ. મારું “બાય” પાછુ લાવ.
એકટીવા લઈને “ફ્રેન્ડસ ફોરેવર કાફે” પહોચી ગઈ. હજુ તે એકલી જ ત્યાં પહોચી હતી એટલે એણે આવીને તરત જ આસ્થાને ફોન લગાવ્યો અને પૂછ્યું કે કેટલે પહોચી ત્યારે આસ્થાએ જવાબ આપ્યો કે બસ થોડી વારમાં પહોચીશ. એ પછી તરત જ આરવને ફોન લગાવ્યો પણ આરવે ફોન કાપીને મેસેજ કર્યો કે થોડી વારમાં પહોચું છું. બંનેની રાહ જોતી જોતી ક્રિશ્ના કાફેનાં એક ખૂણાના ટેબલ પર બેઠી અને આજે સવારે આવેલું સપનું વાગોળવા લાગી. મનમાં વિચાર કરવા લાગી કે લોકો કહે છે કે સવારના સપના સાચા હોય છે. ત્યાં જ બાઈકની ઘૂરરરટીનો અવાજ આવ્યો. ક્રિશ્ના એ બહાર આવીને જોયું તો ત્યાં જ મૂર્તિ બની ગઈ. આ શું ? તેણે આજે સવારે જોયેલા સપનામાં આરવે પહેરેલા કપડા જ અત્યારે રીયલમાં પહેર્યા હતા. તેણે પોતાને જ એક ચીટીયો ભર્યો કે આ ફરીવાર સપનું તો નથી ને. પોતે જોયેલા સપના પ્રમાણે એણે જાતે કરીને પર્સનું ગુલાબ આપવા જવાનું નક્કી કર્યું. હજુ તો પર્સ ખોલવા જાય છે ત્યાં જ ક્રિશ્નાના ફોનની રીંગ વાગી, ફોન પર આસ્થાનું નામ દેખાયું એટલે તરત જ ફોન ઉપાડ્યો. કોઈક ભાઈ નો અવાજ આવ્યો “તમે આ ફોન જેનો છે એમને જાણો છો ? આ બેનનું અહિયાં એક્સીડેન્ટ થયું છે તમે જલ્દીથી વિશાલા હોસ્પિટલ આવી જાવ અમે તેમને ત્યાં લઈને જઈએ છીએ” આટલું સાંભળતા જ ક્રિશ્નાના હોશ ઉડી ગયા. જલ્દીથી પર્સ લઈને બહાર ભાગી અને આરવ પાસે આવીને ટુકમાં બધું કહીને આરવની બાઈક પાછળ ગોઠવાઈ ગઈ. આરવ ફૂલ સ્પીડમાં આજે બાઈક ચલાવી રહ્યો હતો જેથી ક્રિશ્નાએ આરવનો ખભો મુકીને એની કમર ફરતે હાથ વીટાળવો પડ્યો પણ આરવને અત્યારે એ બાબતની પરવા નહોતી. બંને જલ્દીથી હોસ્પિટલ પહોચ્યા અને જોયું તો આસ્થા બેડ પર બેહોશ પડી હતી અને ડોકટરો તેની આસપાસ વીટળાયેલા હતા. આસ્થાને માથામાં ખુબ ગંભીર ઈજા થઇ હતી અને ડોકટરો તેને બચવાની પૂરે-પૂરી કોશિશ કરી રહ્યા હતા.
થોડીવારમાં જ આસ્થા અને આરવના ઘર પરિવાર વાળા ત્યાં આવી પહોચ્યા અને સાથે વંશી પણ આવી હતી. આરવ એક ટેબલ પાસે ગુમસુમ બેઠો હતો ત્યાં જઈને વંશીએ આરવના ખભા પર હાથ મુક્યો અને દિલાસો આપતા બોલી કે “Don’t Worry ! Everything will be alright” કારણ કે વંશી જાણતી હતી કે આસ્થા અને આરવ ભાઈ-બેન ઓછા અને ફ્રેન્ડસ વધારે હતા, બંનેને એકબીજા સાથે વાત કર્યા વિના અને ઝઘડો કર્યા વિના થોડીવાર માટે પણ નહોતું ચાલતું અને આસ્થાની આ હાલત જોઇને આરવ આજે દિગ્મૂઢ બનીને બેઠો હતો. ક્રિશ્ના થોડે દુર ઉભી ઉભી વંશીને જોઈ રહી અને જે રીતે વંશી આરવની બાજુમાં બેઠી હતી એ જોઇને ક્રિશ્ના થોડીવાર માટે તો સળગી ઉઠી અને એમ થઇ આવ્યું કે ત્યાં જાય અને એને ખખડાવી નાખે. પણ પછી ચુપચાપ ત્યાં ઉભી રહી અને બધાને જોતી રહી.
આસ્થાના પપ્પા થોડીવાર પછી વંશી પાસે આવીને બોલ્યા કે બેટા ! તું ઘરે ફોન કરીને કહી દે કે થોડું મોડું થશે અને આરવ તને ઘર સુધી પહોચાડી દેશે. આટલું સાંભળતા ક્રિશ્નાએ મનમાં એવું વિચારી લીધું કે વંશી આરવની કઝીન હશે પણ અત્યારના શાંત વાતાવરણવાળા દરિયાને જોઇને એને ક્યા ખબર હતી કે આ દરિયો એની જિંદગીમાં સુનામી લાવશે. આસ્થા હજુ પણ બેહોશ હતી અને રાત્રીના ૧.૩૦ વાગ્યો હતો એટલે તે વડીલે વંશીને કહ્યું કે બેટા ! તને આરવ અત્યારે ઘરે મૂકી જાય છે તું ઘરે જા હવે ખુબ મોડું થઇ ગયું છે, અમે છીએ આસ્થાનું ધ્યાન રાખવા માટે અહિયાં. વંશીએ તે વડીલ સામે થોડી આનાકાની કરી અને પછી મોટાની વાત માનીને ઘરે જવા માટે તૈયાર થઇ ગઈ.
આખા રસ્તે આરવ એક પણ શબ્દ બોલ્યા વગર ચુપચાપ બાઈક ચલાવ્યે જતો હતો અને વંશી તેની કમર ફરતે હાથ વીટળાવીને પોતાનું માથું આરવના ખભા પર ટેકવીને ચુપચાપ બેઠી હતી અને તેણે પણ આજે ચુપ રહેવાનું જ મુનાસીબ સમજ્યું. વંશીએ આ પહેલા આરવને ક્યારેય પણ આવી હાલતમાં નહોતો જોયો અને આજે તે આરવની સાથે છે એવું સહેજ પણ મહેસુસ કરી શકતી નહોતી. ઘરે પહોચીને વંશીએ આરવના હાથ પર પોતાનો હાથ મુક્યો અને કહ્યું કે “Hey ! Don’t take tension baby. everything will be fine. I am always with you” અને પછી આરવ તેને બાય કહીને પાછો હોસ્પિટલ આવી ગયો. થોડીવાર પછી પેલા વડીલે ક્રિશ્નાને પણ ઘરે જવા માટે કહ્યું અને આરવ પોતાની બાઈક પાર્કિંગમાંથી કાઢીને બહાર આવ્યો અને ક્રિશ્નાએ તેને થોડીવાર માટે કેન્ટીનમાં બેસવા માટે કહ્યું. આરવ કઈ બોલ્યા વગર ચુપચાપ પાછો બાઈક પાર્ક કરીને કેન્ટીન પાસે બેઠો અને ચા મંગાવી.
ક્રિશ્નાને આજે પોતાની મનની વાત કહી દેવી જ યોગ્ય લાગી અને એના માટે જ એણે અત્યારે આરવને ત્યાં રોક્યો હતો. પરંતુ પોતાના ભવિષ્યની વાત કરતા પેલા તેણે પોતાનો ભૂતકાળ જણાવી દેવો વધારે યોગ્ય લાગ્યો એટલે નક્કી કર્યું કે પોતાની આખી લાઈફ વિષે અતઃ થી ઇતિ સુધી બધી વાત આજે આરવને કરી દેશે જેથી કરીને આરવને મારા પર વિશ્વાસ બંધાઈ અને પાછળથી કોઈ પ્રોબ્લેમસ નાં આવે. પરંતુ એને ક્યા ખબર હતી કે આ બધું કહ્યા પછી જ એના જીવનમાં મોટો ઝંઝાવાત આવવાનો છે જેની સામે પ્રોબ્લેમ્સ તો ખુબ નાની વસ્તુ બની જશે. આરવે ઇશારાથી વાત કરવા કહ્યું કે બોલ શું વાત કરવી છે તારે ?
ક્રિશ્નાએ ધીમે રહીને પોતાની વાત શરુ કરી.
હોસ્પિટલની કેન્ટીનમાં બંને બેઠા અને ધીમે ધીમે ચાની ચુસ્કીઓ લઇ રહ્યા હતા અને ક્રિશ્નાએ આજે વાત કરવાની શરૂઆત કરી.
૪ વર્ષ પહેલાની વાત છે આરવ. એક છોકરા સાથે મારી મુલાકાત થઇ. એકદમ હેન્ડસમ અને ગુડ લુકિંગ. છોકરીઓમાં એ ફેવરીટ હતો પરંતુ એ હર અઠવાડિયે એક છોકરી બદલી નાખતો જાણે અલગ અલગ ફૂલના રસ ચૂસીને ફેકી દેવાની એની આદત પડી ગઈ હોય. મને અંદરથી એના તરફ ગજબનું આકર્ષણ હતું અને હું એવું માનતી હતી કે હું જો એની લાઈફમાં આવી જઈશ ને તો હું એને બદલી જ નાખીશ. થોડા સમયમાં તો અમારા વચ્ચે ફ્રેન્ડશીપ થઇ ગઈ અને એ ફ્રેન્ડશીપ થોડા જ સમયમાં પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ. રોજે ફોન કોલ્સ, વોટ્સપ ચેટીંગ, રોજે મુલાકાતો થોડી વાર માટે પણ અમે એકબીજા વગર રહી નહોતા શકતા. આમને આમ અમારી આ રીલેશનશીપ ૩ વર્ષ સુધી ચાલી અને લોકો પણ માનવા લાગ્યા કે હવે આ લોકો લગ્ન કરી જ લેશે, અમારી રીલેશનશીપ દરમિયાન એ છોકરા એ બીજી ૩-૪ છોકરીઓ સાથે અફેર્સ કર્યા પરંતુ મને ખ્યાલ પડી જતા જ બધું બંધ કરી દીધું અને મને વફાદાર રહેવા માટે પ્રોમિસ આપ્યું. બસ રોજે રોજ મીઠી મીઠી વાતો, અને યુવાનીના ઉંબરે આવીને પ્રેમનો થતો એહસાસ અમે માણતા રહેતા.
એક દિવસ અચાનક એણે મારી સામે આવીને મને કહ્યું કે તું મને ભૂલી જજે મારી સગાઇ નક્કી થઇ ગઈ છે. આટલું સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. હું બસ સાવ અનિમેષ આંખોથી એની સામે જોતી રહી. મારી આંખોની ઊંડાઈ એટલી વધી ગઈ હતી કે એનું તળિયું શોધવું અસંભવ હતું. એ ઊંડાઈમાંથી અત્યારે આંસુરૂપી પાણીનો ધોધ વહી રહ્યો હતો જે ક્રિશ્નાની ગળામાં વીટાળેલી ચુંદડીને ભીંજવી રહ્યો હતો. શું બોલે કશું જ સમજમાં આવતું નહોતું. ફક્ત એટલું જ પૂછી શકી હું કે “શું કામ ??” અને તે છોકરાએ મને જવાબ આપ્યો કે હું તો બસ તારી જોડે માત્ર ટાઈમપાસ કરતો હતો કારણ કે મારા ફ્રેન્ડસર્કલમાં તને મારા પ્રેમજાળમાં ફસાવાની હોડ લાગેલી હતી અને હું શરત જીતી ગયો. પરંતુ મને પછી વિચાર આવ્યો કે હવે આટલી મહેનત તારી પાછળ કરેલી છે તો હવે મને કંઈક તો ફળ મળવું જ જોઈએ એટલે મેં તને મારા વધારે વિશ્વાસમાં લીધી અને તું મારી પાછળ એટલી પાગલ બની ગઈ કે તે તારું શરીર પણ મને સોપી દીધું. તારા એ શરીરના વળાંકોમાં, ગોર વર્ણી ચામડી, અને ઉભારોમાં હું એટલો ખોવાઈ ગયો કે તને મુકવાનું મનનાં થયું એટલે મેં આ અફેર્સ ચાલુ રાખ્યું અને તને એક ભમરાની જેમ ચુસતો રહ્યો. પણ હકીકતે યાર તું ખુબ જ હોટ છે. તને હું ક્યાય નહિ જવા દઉં. જ્યારે પણ મને ઈચ્છા થઇ જશે ત્યારે તારી પાસે આવી જઈશ. યુ નો આઈ લવ યુ. આટલું સાંભળીને તો મારી આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા અને એને જોરથી ગાલ પર એવો તમાચો માર્યો કે એ ત્યાં ને ત્યાં જ નીચે પડી ગયો અને એના પર થુંકીને હું એને ચિક્કાર ગાળો દેતી દેતી ત્યાંથી ઘર તરફ દોડી ગઈ.
એણે મારી જોડે ફક્ત ટાઈમપાસ કર્યો હતો પરંતુ મેં તો એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો એટલે મારી માટે તો આ આઘાત સહન કરવો ખુબ કપરો હતો. હું એની સાથે વિતાવેલો એ સમય થોડીવાર માટે પણ ભૂલી શકતી નહોતી અને બીજી જ પળે એમણે છેલ્લે કીધેલા એ શબ્દો યાદ આવી જતા એના પર કાળ ચડી આવતો. હું કંઈક કરી બેસીશ એવો ભય લાગવા લાગેલો. આ બધું ટેન્શન દુર કરવા માટે મેં શરાબ પીવાનું પણ ચાલુ કર્યું, સિગરેટ પણ પીવાની શરૂઆત કરી. આખો દિવસ ઘરમાં બેઠી બેઠી બસ રોયા કરતી અને શરાબના કડવા ઘુંટડા ગળા નીચે ઉતારતી જતી. નશો કરવાના કારણે મને ક્યારે ઊંઘ આવી જતી એ પણ ખ્યાલ નહોતો રહેતો. જમવાનું પણ ભૂલી જતી શરાબના કારણે અને બસ ઘરમાં આમથી તેમ આંટા માર્યા કરતી અને બેસી રહેતી. થોડા જ સમયમાં એની સગાઇ નક્કી થઇ ગઈ અને તે દિવસે મેં પણ મારી જિંદગીનો આખરી દિવસ બનાવવાનો નક્કી કરી લીધો અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ હું બચી ગઈ. મારી માં એ મને સમજાવી કે એકવાર અમારી સામે તો જો. શું અમે નથી તારા ? એ પછી મેં એમના માટે જીવવાનો વિચાર કરી લીધો અને ગમે તે ભોગે પેલાને ભૂલવાની કોશિશ કરવા લાગી. હું રોજીંદા કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખવા લાગી કે બીજું કઈ વિચારવાનો સમય જ નાં મળે.
મને આમ મુરજાયેલી જોઇને મારા મમ્મી-પાપાની ચિંતા વધી ગઈ હતી એટલે એમણે મારી સગાઇ કરવાનું નક્કી કર્યું અને મારી સગાઇ પણ એક છોકરા સાથે કરી દીધી. પરંતુ સગાઇના થોડા જ સમયમાં એની ધીરજ ખૂટી એનું ધ્યાન ફક્ત મારા શરીર પર જ હતું એટલે બોલ્યો કે તું મારી સાથે સરખી રીતે વાત કેમ નથી કરતી ? તે આ સગાઇ જબરદસ્તીથી કરેલી છે ? અને મને એની નિયતનો ખ્યાલ આવી જ ગયો હતો એટલે મેં એને મારા ભૂતકાળની બધી વાત કરી દીધી અને ૬ મહિનામાં અમારી સગાઇ પણ તૂટી ગઈ. આમ ૬ મહિનામાં આ બીજો આઘાત હું સહન નાં કરી શકી. મારો દરેક પરથી ભરોસો ઉડી ગયો. મેં હવે કોઈની સાથે પણ સબંધ નાં રાખવાનો નક્કી કરી લીધો. હવે બસ હું મારી મસ્તીમાં જીવતા શીખી ગઈ હતી. કોઈને પોતાની પાસે પણ આવવા નહોતી દેતી. હું એવું માની ચુકી હતી કે જિંદગીમાં પ્રેમ ફક્ત એક જ વાર થતો હોય છે અને એ પ્રેમ મેં કરી લીધો જે મારા નસીબમાં નહોતો એટલે હવે ફક્ત હું મારા મમ્મી-પાપા માટે જ જીવતી હતી.
નસીબ માણસને ક્યાંથી ક્યા લાવીને ફેંકી દે છે એ જ સમજાતું નથી હોતું એ વાત મને તને મળ્યા પછી સમજાણી છે આરવ. તું મને જે રીતે સમજી શકે છે જે રીતે ઓળખી શકે છે એ રીતે તો મને કોઈ નથી ઓળખી શક્યું. તું દરેકની આટલી કેર કરે છે, દરેકને સાચવે છે, આ બધું જોતા અને સમજતા આટલો સમય ક્યા પસાર થઇ ગયો ખબર જ નાં પડી અને એ દરમિયાન મને તારી સાથે પ્રેમ થઇ ગયો એ પણ ખબર નાં પડી આરવ. “Yes, Aarav. I am in love with you. I love you” આટલા આઘાત પામ્યા પછી તારી જોડે રહીને મને એવું લાગી રહ્યું છે કે હું પણ ખુશ થઇ શકું છું. હું પણ જિંદગીને હજુ પણ સારી રીતે જીવી શકું છું. તું મારી જિંદગીમાં આવ્યા પછી મને એ એહસાસ પણ થઇ ગયો છે કે કોણે કહ્યું માણસને બીજો પ્રેમ નાં થાય ? સમય અને સંજોગો દરેક ઘા ભરી દેતા હોય છે અને વેરાન થઇ ગયેલા એ બગીચામાં ક્યારે પ્રેમના ફૂલ ખિલાવી દેતા હોય છે એ તો કોઈ કહી શકતું હોતું નથી. ખરેખર આરવ બીજો પ્રેમ થઇ શકે છે અને થતો પણ હોય છે એ મેં તને મળ્યા પછી અનુભવી લીધું. તું સાથે હોય છે ને તો મને દુનિયાની બીજી કોઈ વાત યાદ નથી આવતી, કોઈની ફિકર રહેતી નથી. બસ જ્યાં હોય ત્યાં તું જ સામે હોય છે. આ વાત હજુ મેં આસ્થાને પણ નથી કીધી કે મને તારા તરફ આટલી લાગણી છે. હું સૌથી પહેલા એ વાત તારા મોઢે સાંભળવા માંગુ છું કે હું પણ તારી લાઈફનો એક મહત્વનો હિસ્સો છું. તને પણ મારા પ્રત્યે પ્રેમ છે.
આરવની ચા હજુ પૂરી નહોતી થઇ અને અત્યાર સુધી એ ધીમે ધીમે ચાની ચુસ્કીઓ લઇ રહ્યો હતો અને જ્યાં ક્રિશ્નાએ પ્રપોઝ કર્યું ત્યાં જ આરવની ચુસ્કીઓ બંધ થઇ ગઈ. એ અવાચક બની ગયો આ સાંભળીને અને થોડો શ્વાસ લઈને ધીમેથી બોલ્યો. ક્રિશ્ના હું ફક્ત તારા ચેહરાની એ બનાવટી સ્માઈલને કુદરતી સ્માઈલમાં બદલવા માંગતો હતો. તારું એ ટેન્શન દુર કરવા માંગતો હતો. મને તારા વિષે આસ્થાએ પહેલા જ બધું જણાવી દીધું હતું કે તને શું તકલીફ છે. હું તારી પાછળ ફરતો હતો કારણ કે હું તારી આદતો અને તારો સ્વભાવ જાણી શકું જેથી કરીને હું તારી મદદ કરી રીતે કરી શકું એ વિચારી શકું. મેં તને એક સારી દોસ્ત માની છે. તું ખરેખર એક સારી છોકરી છે, જે પોતાના હૃદયમાં કેટકેટલા અરમાનો લઈને જીવી રહી હતી અને તે છોકરાએ તે અરમાનોની હત્યા કરી નાખી. જે પોતે પણ એમ ઈચ્છે છે કે પોતાના આ દુખમાંથી પોતાને જલ્દીથી છુટકારો મળી જાય. પોતાની પણ કોઈ સંભાળ રાખે, ખુબ બધો પ્રેમ આપે, હૃદયના એ વિખરાયેલા ટુકડાઓને ભેગા કરીને જોડી આપે અને એ હૃદયને પુરા જતનથી સાચવે. પણ હું તારી એ મદદ કરવા આવ્યો હતો પણ દોસ્ત બનીને, નહિ કે તને પ્રેમના સબંધમાં બાંધીને. મેં તને આજ સુધી કોઈ દિવસ એ નજરે નથી જોઈ. તારી લાગણીઓની હું કદર કરું છું પરંતુ હું તને પ્રેમ નહિ કરી શકું. હા એ વાત સાચી છે કે હું તારી સાથે વાત કર્યા વગર રહી નથી શકતો પરંતુ એ તો મને તારી પડેલી ટેવ છે, સમય જતા એ ટેવ પણ નીકળી જશે. જ્યારે તું તારી લાઈફને ખુબ સારી રીતે જીવવા લાગીશ અને ખુશ રહેવા લાગીશ એટલે તરત જ હું તારી લાઈફમાંથી જતો રહીશ હું એ વિચારીને તારી નજીક આવ્યો હતો. દરેક લોકોને મદદ કરવાની આ ટેવ મને નાનપણથી જ છે. મારા કોલેજના દોસ્તોને પણ મેં આ રીતે મદદ કરેલી છે. કારણ કે માણસને ફક્ત હુંફની જરૂર હોય છે. એક એવા ટેકાની જરૂર હોય છે જેના આધારે એ ફરીથી ઉભો થઈને દોડી શકે. હું ફક્ત એ ટેકો બનીને આવ્યો હતો.
તે આજે મારી બાજુમાં પેલી છોકરીને બેઠેલી જોઈ હતી ? વંશી ?? આરવે એને હળવેથી પૂછ્યું. હા જોઈ હતી, ક્રિશ્નાએ ત્રુટક થડકારા સાથે જવાબ આપ્યો. મનમાં એ ડર સાથે જવાબ આપ્યો કે ક્યાંક આ છોકરી સાથે આરવને રીલેશનશીપ તો નહિ હોય ને ? કે પછી સગાઇ થઇ હશે ? હજુ તો આરવ બોલવા જાય છે કે “હા એ વંશી મારી… ” ત્યાં જ એના ફોનની રીંગ વાગી ફોન હોસ્પિટલમાંથી હતો અને આરવે તરત જ ફોન ઉપાડી લીધો. બેટા ! આસ્થા હોશમાં આવી ગઈ છે. તું જલ્દી આવ. વડીલનો અવાજ સાંભળીને આરવ તરત જ ચાનાં પૈસા ચૂકવીને ઉપર તરફ દોડવા લાગ્યો અને ક્રિશ્ના વિચારોના વમળમાં ફસાઈ ગઈ કે આખરે આ વંશી આરવની છે કોણ ? આરવની પીઠ તરફ જોતી જોતી એ ત્યાં જ બેસી રહી અને આરવને જોતી રહી.
હોસ્પિટલમાંથી ફોન આવતા જ આરવ તરત જ દોડ્યો અને ક્રિશ્ના એને થોડી વાર જોઈ રહી અને ધીરેથી ઉભી થઈને એ પણ ઉપર આસ્થાની હાલત જોવા માટે ઉપર જવા દોડી ગઈ.
આરવે ઉપર જઈને જોયું ત્યાં આસ્થા ધીમે ધીમે એના પાપા સાથે વાત કરતી હતી. આરવને જોતા જ આસ્થાએ હળવેથી સ્મિત કર્યું અને એને જોતા જ આરવની આંખમાંથી આંસુના બે ટીપા ગાલ પરથી નીચે સરી ગયા અને આસ્થાની નજીક આવીને તેની પાસે બેસીને આસ્થા સાથે ધીમે ધીમે વાતો કરવા લાગ્યો. ક્રિશ્ના આ બધું જોઈ રહી હતી અને ખુશ હતી કે આસ્થા ઠીક હતી પણ મગજના બીજા ખૂણે એ જાણવાની તાલાવેલી હતી કે વંશી કોણ છે ?
આસ્થાને થોડા જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને પોતાના ઘરે આવી ગઈ. આરવ દર બીજા દિવસે આસ્થાની તબિયત પૂછવા આવતો એમાં એકવાર આસ્થાના ઘરે ક્રિશ્ના સાથે મુલાકાત થઇ ગઈ. ખબર-અંતર પૂછી લીધા પછી આરવ નીકળવા જતો હતો ત્યાંજ ક્રિશ્ના બોલી કે મને મારા ઘર સુધી મૂકી જઈશ ?
“હા ! કેમ નહિ ? ચલ હું મૂકી જાઉં” આરવ બોલ્યો.
બંને આરવની કારમાં ગોઠવાયા અને ક્રિશ્નાએ મોકો જોઇને આરવને પૂછ્યું કે આરવ આ વંશી કોણ છે ? એ તારે શું થાય ?
“વંશી મારી ફિયાન્સ છે, થોડા મહિના પહેલા અમારી બંનેની સગાઇ થયેલી છે.” આરવે ખુબ જ શાંતિ પૂર્વક જવાબ આપ્યો.
ક્રિશ્ના થોડીવાર માટે કશું જ બોલી નાં શકી. એની માટે આ ત્રીજો એવો આઘાત હતો જે તે જીલી શકે તેમ નહોતી પરંતુ તો પણ હવે હિંમતમેળવવાની કોશિશ કરી રહી હતી. ત્યારપછીના રસ્તે તે કશું જ બોલી નહિ અને એટલામાં ક્રિશ્નાનું ઘર આવી ગયું. ઘર પાસે પહોચતા જ ક્રિશ્નાનો ફોન રણક્યો. સામે છેડેથી કોઈનો અવાજ સંભળાયો કે તમારા મમ્મી-પાપાનું એક્સીડેન્ટ થયું છે અને તેઓ હવે આ દુનિયામાં નથી.
થોડીવાર માટે બધું જ સ્તબ્ધ. ક્રિશ્નાના હાથમાંથી ફોન પડી ગયો અને આંખમાંથી આંસુ પણ નીકળી શક્યા નહિ, જાણે કે દુનિયા જ અટકી ગઈ હતી. આરવ તરત જ કારમાંથી બહાર આવીને ક્રિશ્નાને હલબલાવી અને ક્રિશ્નાની તંદ્રા તૂટી અને સાથે એની આંખોની વચ્ચે બંધાયેલો આંસુઓનો ધોધ પણ હવે ઉછળીને બહાર આવ્યો. આરવને વળગીને મોટી પોક મુકીને રડવા લાગી અને આરવને રડતા રડતા શું થયું એની વાત કરી એટલે આરવ પણ હવે ટેન્શનમાં આવી ગયો. ક્રિશ્નાથી હવે આ આઘાત સહન નાં થયો એ આખી અંદરથી તૂટી ગઈ હતી.આટઆટલા દુઃખ સાથે જીવી રહી હતી એ ઓછુ હતું કે માં-બાપ પણ મને છોડીને ચાલ્યા ગયા ? ક્રિશ્ના હવે એક મૂર્તિ બની ગઈ હતી. રૂમમાં ભરાઈ રહેતી, રડ્યા કરતી, જમવાનું અવ્યવસ્થિત બની ગયું હતું. આ સમયે માત્ર એક જ વ્યક્તિ હતો જે તેને સમજાવીને જમાડી શકતો હતો અને તે હતો આરવ.
આરવે ક્રિશ્ના વિષેની બધી જ વાત વંશીને કરી દીધી કે જેથી કરીને ક્રિશ્નાને પુરેપુરો સપોર્ટ મળી શકે. આરવની સાથે વંશી પણ ક્રિશ્નાના ઘરે આવતી અને બંને બીજી-બીજી વાતો કરીને ક્રિશ્નાને ખુશ રાખીને જમાડી દેતા અને ચાલ્યા જતા. આસ્થા પોતે પથારીવશ હોવાના કારણે અને પોતાના સાસરે હોવાના કારણે ત્યાં આવી શકે તેમ નહોતી. આરવ વગર પણ વંશી હવે ક્રિશ્નાના ઘરે આવતી જતી થઇ ગઈ હતી અને ક્રિશ્ના થોડી નોર્મલ બનતી જતી હતી. થોડા મહિનામાં ક્રિશ્ના હવે સમયની આ થપાટ સ્વીકારી ચુકી હતી. પોતે હવે એક કંપનીમાં જોબ કરવા લાગી હતી અને આરવ સાથેનો એ પ્રેમ દિલમાં દફનાવીને એક દોસ્ત તરીકે રહેવા લાગી હતી. પોતાનું આવી રીતે સેટ થઇ જવાનું શ્રેય તે વંશીને આપતી હતી અને આરવનો આભાર માની રહી હતી કે તેના કારણે તેને આવી સારી દોસ્ત મળી ગઈ હતી.
દિવસો વિતતા જતા હતા અને થોડા સમય પછી ક્રિશ્નાનો જન્મદિવસ આવતો હતો એટલે ક્રિશ્નાએ પોતાના દોસ્તોને ઘરે પાર્ટી આપવાનું વિચાર્યું. ૨૦-૨૫ છોકરા-છોકરીઓનું ટોળું ક્રિશ્નાના ઘરે ભેગું થયું હતું અને બધાયે ખુબ જ ધમાલ-મસ્તી કરી અને ક્રિશ્નાને ખુબ બધી ગીફ્ટ આપી. આ ટોળામાં વંશી અને આરવ પણ શામેલ હતા. વંશીને થોડું મોડું થતું હોવાથી થોડી જ વારમાં તે નીકળી ગઈ હતી. થોડી મોડીરાત થતા જ લોકો ધીમે ધીમે નીકળતા જતા હતા અને છેલ્લે ફક્ત ક્રિશ્ના અને આરવ બચ્યા હતા. આખું ઘર અસ્તવ્યસ્ત હોવાથી ક્રિશ્નાએ કલી બધુય ક્યારે કરી રહેશે એમ વિચારીને આરવ થોડી મદદ કરવા રોકાયો. ટેબલ સાફ કર્યા, ગીફ્ટ ક્રિશ્નાના રૂમમાં મૂકી દીધા, સોફા અને ખુરશીઓ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. બધુય કામ કરીને હવે ફરીથી બંનેને ભૂખ લાગી હતી એટલે બહારથી પિઝ્ઝા ઓર્ડર કર્યા અને થોડી જ વારમાં પિઝ્ઝા પણ આવી ગયા અને બંનેએ ભર-પેટ જમ્યું.
થોડીવાર શાંતિથી બેઠા અને વાતો કરતા હતા. એટલામાં જ બહાર વરસાદ શરુ થયો. વરસાદ આવતા જ ક્રિશ્ના પાગલ થઇ ગઈ અને આરવને ટેરેસ પર નાહવા માટે પરાણે ખેંચી ગઈ. થોડીવાર બંનેએ ખુબ મસ્તી કરી અને નાહ્યા, પણ એકબીજાનો સ્પર્શ, યુવાનીની મદહોશી અને વાતાવરણની ઠંડક આજે બંનેને મદમસ્ત કરી રહી હતી અને બંને અચાનક એકબીજાને વીટળાઈ ગયા અને આરવ અને ક્રિશ્નાના હોઠ ક્યારે એકબીજા સાથે બીડાઈ ગયા ખબર જ નાં પડી. આજે બંને પોતાને ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા હતા. ધીમે ધીમે એક એક વસ્ત્ર ઉતરતું જતું હતું અને એકબીજાના શરીરની ગરમી હવે પોતાની મર્યાદા ઓળંગી ચુકી હતી.
એક સંતોષની લાગણી સાથે સવારે જ્યારે ક્રિશ્ના જાગી અને બાજુમાં આરવને સૂતેલો જોયો ત્યારે એને ભાન આવ્યું કે એણે શું કરી નાખ્યું છે. તરત જ પોતાના કપડા પહેરીને ક્રિશ્ના રસોડામાં ચાલી ગઈ અને ખુરશી પર ચુપચાપ બેસી ગઈ. થોડીવારે આરવ પણ જાગ્યો અને એને પણ આ જ વિચાર આવ્યો અને પોતાના કપડા પહેરીને તરત જ ક્રિશ્નાને બાય કહીને ત્યાંથી નીકળી ગયો. એણે ક્રિશ્નાની સાથે એક શબ્દ પણ બોલવાની દરકાર નાં કરી. આરવ પોતાની કરેલી ભૂલ પર એટલો પસ્તાયો હતો કે એને અત્યારે મગજમાં ફક્ત વંશી જ દેખાઈ રહી હતી. ક્રિશ્નાએ પણ આરવને રોક્યો નહિ અને જવા દીધો. ક્રિશ્ના રેડી થઈને ઓફીસ જવા માટે નીકળી ગઈ.
થોડા દિવસ સુધી બંને વચ્ચે કઈ વાત જ નાં થઇ. વંશી ક્રિશ્નાને મેસેજ કરતી તો ક્રિશ્ના એનો કશો જવાબ જ નહોતી આપતી. આરવની સાથે વાત કરવાની કોશિશ કરતી તો આરવ પણ ટુકમાં જ વંશી સાથે વાત પતાવી દેતો હતો. વંશીને લાગ્યું કે કોઈ કામનું ટેન્શન હશે એટલે સરખી વાત નહિ થતી હોય. થોડા દિવસ પછી વંશી ક્રિશ્નાના ઘરે ગઈ તો ક્રિશ્ના ચુપચાપ બેઠી હતી. વંશીએ એની જોડે વાત કરવાની કોશિશ કરી પરંતુ ક્રિશ્નાએ કોઈ જવાબ સરખો નાં આપ્યો. એટલે વંશી ત્યાંથી ચાલી ગઈ. વંશીને કોઈ દુઃખ નહોતું કે ક્રિશ્નાએ સરખી વાત નાં કરી એમ પરંતુ એવું વિચારીને જતી રહી કે કદાચ મમ્મી પાપાની યાદ આવતી હશે અથવા તો કોઈ ઓફીસનું ટેન્શન હશે એટલા માટે ડિપ્રેસ હશે.
ક્રિશ્ના પોતાના દફનાવેલા એ પ્રેમને ફરીવાર જગાવી ચુકી હતી. વંશીના સબંધ વિષે જાણ થતા ક્રિશ્નાએ ત્યારે તો મન મનાવી લીધું હતું પરંતુ તે રાત પછી હવે તે આરવને ભુલાવી શકે એમ નહોતી.  હવે તેને કોઈ પણ ભોગે આરવને પોતાની જિંદગીમાં સ્થાન આપવું હતું.ક્રિશ્ના સતત આરવને ફોન મેસેજ કરતી રહી પરંતુ આરવનો કોઈ જવાબ નહોતો આવતો કે ઓફીસ કે ઘરે પણ નહોતો. ક્રિશ્ના હવે આરવ વિષે વધારે ને વધારે વિચારવા લાગી હતી.
તે રાત પછી આરવ પોતાના મામાના ઘરે ચાલ્યો ગયો હતો. આરવ તેના મામાને બધી જ વાત કરી શકતો. આરવે અતઃ થી ઇતિ સુધીની દરેક વાત પોતાના મામાને કરી. અને છેલ્લે એ વાતથી દુખી હતો કે “મામા ! ક્રિશ્નાને ફક્ત હું મારી દોસ્ત માનતો હતો, પણ તેના વગર મારે થોડીવાર પણ ચાલતું નહોતું. અમારા બંને વચ્ચે આવો ગાઢ સબંધ ક્યારેય નહોતો પણ મારી દરેક વાત એ સમજી જતી અને એની કોઈ પણ તકલીફ હું વગર કહ્યે સમજી જતો હતો. એ જે દિવસે ઉદાસ રહેતી તે દિવસે મારો દિવસ પણ ખરાબ જતો. વાત કર્યા વગરનો દિવસ મારી માટે જાણે એક-એક જનમનો પસાર થતો. હું તે દિવસે મારી જાત પર કાબુ નાં કરી શક્યો મામા ! મને ખ્યાલ જ નાં રહ્યો કે હું શું કરી રહ્યો હતો. પણ આ બધી વાત પછી વંશીનો શો વાંક ? એણે મારા પર આંધળો વિશ્વાસ કરીને પ્રેમ કર્યો છે એ એનો ગુનો છે ? એને દગો કરીને હું શું મેળવી લેવાનો હતો ? પણ હું ક્રિશ્નાને પણ ભૂલી નથી શકતો. ખબર નથી પડતી કે વંશી મારી જિંદગીમાં હોવા છતાય કેમ હું ક્રિશ્નાને પ્રેમ કરી બેઠો. શું વંશીનો પ્રેમ ઓછો પડે છે મને ? કે પછી ક્રિશ્નાના પ્રેમની ઉત્કટતા એટલી વધારે છે કે વંશી એની સામે ઢંકાઈ જાય છે ? મને આવા અનેક સવાલો મગજમાં ઘૂમે છે મામા. હું શું કરું મને કશુય સમજાતું નથી. આ વાત જો વંશીને ખબર પડશે તો એમને ક્યારેય માફ નહિ કરી શકે. એનો વિશ્વાસઘાત કરીને હું ક્યારેય પણ સુખી નહિ બની શકું.”
ક્રિશ્ના હવે એ ભૂલી ગઈ હતી કે પોતે જ્યારે ભટકી ગઈ હતી ત્યારે વંશીએ જ એને સંભાળી હતી. વંશી જાણે તેની દુશ્મન હોય એ હદે તે વિચાર કરવા લાગી હતી. આરવના પ્રેમે એને આંધળી બનાવી દીધી હતી. ક્રિશ્નાએ વિચાર કર્યો કે “જો હું વંશીને બોલાવીને બધી જ વાત કરી દઉં અને એને મારા રસ્તામાંથી હટી જવા માટે કહું તો કદાચ એ માની જશે, અને જો નહિ માને તો હું એનું મર્ડર કરી નાખીશ પણ હવે આરવને મારાથી કોઈ નહિ છીનવી શકે. મારી જિંદગીમાં મેં ઘણું બધું સહન કર્યું છે, જેને જેને મેં ચાહ્યા છે એ દરેક લોકો મને છોડીને જતા રહ્યા અને હવે આરવ પણ ? નહિ નહિ હું એને ક્યાય નહી જવા દઉં.”
ક્રિશ્નાએ વંશીને ફોન લગાવ્યો અને પોતાના ઘરે આવવા કહ્યું. ક્રિશ્નાએ રસોડામાંથી મોટી ચાકુ લઈને પોતાના સોફા નીચે સંતાડી દીધી અને ટેબલના ડ્રોવરમાં પોતાના પિતાની ગન પડેલી હતી તે બીજા સોફા નીચે દબાવી દીધી. વંશીએ સાંજના સમયે આવવાનું કહ્યું હતું એટલે તે ફ્રેશ થઈને સાંજ ઢળવાની રાહ જોતી જોતી અત્યારે સુઈ ગઈ.
મામા ! વંશીએ આજ સુધી મને કોઈ દિવસ કોઈ બાબતે રોક્યો નથી કે ટોક્યો નથી.મારી દરેક વાત પર એણે આંધળો વિશ્વાસ કર્યો છે.કદાચ ક્યારેક ગુસ્સામાં પણ મેં એને કઈ બોલી નાખ્યું હોય તો પણ એણે મને પ્રેમ જ આપ્યો છે અને કોઈ દિવસ મારાથી રિસાઈ નથી.મને મારી લાઈફમાં આવી લાઈફ પાર્ટનર કદી પણ નહિ મળે. પણ મેં એને શું આપ્યું ? દગો, વિશ્વાસઘાત ? જયારે એને આ વાતની ખબર પડશે ત્યારે શું થશે ? હું એને ગુમાવવા નથી માંગતો મામા.
બીજી બાજુ ક્રિશ્ના છે જેને હું મારી દોસ્ત માનતો હતો પરંતુ દોસ્તી આટલી આગળ વધી જશે એ મને સપને પણ ખ્યાલ નહોતો. એવું તો શું છે ક્રિશ્નામાં કે મને વંશી ભુલાઈ જાય છે ? મામા જ્યારે પણ ફોન ખોલું છું ત્યારે વંશી અને ક્રિશ્નાના મેસેજ આવેલા હોય એમાં સૌથી પહેલો મેસેજ ક્રિશ્નાનો જ વાંચું છું. મને ખુદને ખ્યાલ નથી રહેતો પણ મારા આંગળીના ટેરવા આપો-આપ ક્રિશ્નાના નામ પર જાય છે એ પણ હવે મારા પક્ષમાં નથી રહેતા. વંશીના મેસેજ ઘણીવાર હું ઇગ્નોર પણ કરી દઉં છું, પણ ક્રિશ્નાનો એક પણ મેસેજ હું ઇગ્નોર નથી કરી શકતો.ક્રિશ્નાનો દિવસ સારો જાય તો મારો દિવસ સારો જાય છે અને જો ખરાબ જાય તો મારો દિવસ પણ ખરાબ અને એ ખરાબ દિવસની દાઝ હું વંશી પર ઉતારું છું. મારી આવી હાલતમાં વંશીનો શો વાંક મામા ? એ જ કે એ મને આંધળો પ્રેમ કરે છે ?
મામા બધું જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે એ સમજી ગયા હતા કે આરવની મનોદશા શું હતી ? મામાએ આરવને જ્યુસનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે હવે મારી વાત સંભાળ. જો બેટા ! યુવાનીના થનગનાટમાં આવા પગલાં ભરાઈ જતા હોય છે જેનો પશ્ચ્યાતાપ કરવો હમેશા મુશ્કેલ હોય છે પરંતુ એનો મતલબ એ તો નથી કે કુંભારની દાઝ ગધેડા પર ઉતારવાની. હા એ વાત સાચી છે કે તને બંને તરફ પ્રેમ છે. જીવનમાં એવું નથી હોતું કે માત્ર એક જ વાર પ્રેમ થાય. સમય,સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓ જોડે કુણી લાગણી ફૂટી નીકળતી હોય છે. બીજો પ્રેમ શક્ય હોય જ છે. તને ક્રિશ્ના પ્રત્યે લાગણી વધારે એટલા માટે છે કેમ કે એ તારાથી દુર છે. તને મનમાં ખ્યાલ જ છે કે એ તારી કોઈ દિવસ નથી થવાની પરંતુ વંશી તો તારો પડછાયો બનીને ઉભી છે, સતત તારી સાથે, સતત તને પોતાનામાં સમાવીને. પણ તે “ઘર કી મુર્ગી દાલ બરાબર” જેવો ઘાટ કર્યો છે. તારે અત્યારથી ચેતી જવાની જરૂર છે આરવ. શું તું વંશીને ઠુકરાવીને ક્રિશ્નાને પ્રેમ કરી શકવાનો છે ? શું તું તારા પાપાની વિરુધમાં જવાનો છે ? આરવે નકારમાં ડોકું ધુણાવ્યું. તો પછી શું કામને આટલી બધી લાગણીઓનો પહાડ બનાવ્યો છે ક્રિશ્ના તરફ ? એ સબંધ પર હવે પૂર્ણવિરામ મૂકી દે આરવ, એ સબંધમાં તું સુખી નહિ રહી શકે. આરવ ચિંતાના સુરે બોલ્યો, “પણ મામા ! એમ ડાયરેક્ટ હું કેવી રીતે સબંધ કાપી નાખું ? હા હું ધીમે ધીમે ઓછા કરવાની ટ્રાયકરીશ.” આરવ તું આ બધી વાત વંશીને જણાવી દે બને એટલું જલ્દી. કારણ કે વિશ્વાસ તૂટે પછી એને જોડવો અઘરો બની જાય છે. મન,મોતી અને કાચ, તૂટ્યા પછી રેણ જ રહે છે.
આરવ માટે આ સરળ તો નહોતું જ પરંતુ કંઈક રસ્તો તો કરવો પડે એમ જ હતો. એટલે એણે વંશીને બધું જ જણાવી દેવાનું નક્કી કર્યું.આવી રીતે ઘૂંટાઈ ઘૂંટાઈને જીવવા કરતા બધું કહી દેવું જ યોગ્ય રહેશે પછી જોયું જશે જે થાય તે. મામાના ઘરેથી નીકળીને કલાકમાં સીધો જ પોતાના શહેરમાં પહોચી ગયો અને આવીને વંશીને ફોન લગાવ્યો અને મળવાની વાત કરી. તો વંશીએ સામે જવાબ આપ્યો કે મારે આજે ક્રિશ્નાના ઘરે પણ મળવા જવાનું છે તો તું ત્યાં આવી જા આપણે ત્યાં જ મળી લઈશું. આરવ ચોંકી ઉઠ્યો અને એક ડર બેસી ગયો કે જો ક્રિશ્ના કંઈક બોલી જશે તો વધારે પ્રોબ્લેમ ઉભા થશે એટલે એણે વંશીને તરત જ મળવા બોલાવી અને પછી ક્રિશ્નાના ઘરે જવાનું કહ્યું.વંશીએ મળવા માટે સમંતી દર્શાવી અને એક ગાર્ડનમાં એકલી જગ્યાએ મળવાનું નક્કી કર્યું.
થોડી જ વારમાં આરવ ત્યાં પહોચી ગયો જ્યાં તેમણે મળવાનું નક્કી કર્યું હતું. વંશી પંદર મિનીટ પછી ત્યાં પહોચી પરંતુ એ પંદર મિનીટ આરવ માટે કેવી રીતે પસાર થઇ હતી તે ફક્ત આરવ જ જાણતો હતો. સરસ મજાનું પોપટી કલરનું પંજાબી સલવાર અને પર્પલ કલરનું કુર્તુ. આજે વંશીએ પણ વાળ ખુલ્લા રાખ્યા હતા અને તરત જ લાગી આવતું હતું કે એણે હજુ હમણા જ વાળ પર ટ્રીટમેન્ટ કરાવી હશે.ખભા પર પર્સ હતું અને કપાળ પર નાની એવી બિંદી લગાવેલી હતી. વંશીને મેકઅપનો શોખ બહુ નહોતો એટલે તે મોટેભાગે મેકઅપ વગર જ રહેતી, છતાં પણ એનું નિર્દોષ સ્મિત એવું ખીલી ઉઠતું કે જાણે રણમાં ખીલેલું ગુલાબ જ જોઈ લો. વંશીને દુરથી આવતી જોઇને આરવને વિચારો પણ આવ્યા કે વંશી ક્રિશ્ના જેટલી ખુબસુરત તો નથી જ પરંતુ ક્રિશ્ના વંશી જેટલી સમજદાર અને ઠરેલ પણ નથી. હું રૂપથી આકર્ષાયો હતો અત્યાર સુધી ? ક્રિશ્નાના નખરાળા અને મસ્તી મજાકના અંદાજમાં અંજાઈ ગયો હતો ? ફર્ક એટલો હતો કે વંશીએ આજ સુધી બધી વાત સમજણભરી રીતે જ કરી હતી. તેણે કોઈ દિવસ મસ્તી મજાક કરી જ નહોતી. અને ક્રિશ્નાએ આજ સુધી એના સિવાય કોઈ બીજી વાત નહોતી કરી. કદાચ આરવને એના પોતાના જ સવાલોનો જવાબ મળતો હોય એવું લાગ્યું. શું કરું ? શું નાં કરું ? આરવને કઈ જ સમજાતું નહોતું.
વંશી આવીને તરત જ આરવને ગળે વળગી ગઈ અને હળવેથી શ્વાસના અવાજે આરવના કાનમાં “આઈ લવ યુ” બોલી. આરવને એનો પ્રત્યુતર આપવો હતો પરંતુ એણે કરેલો વિશ્વાસઘાત આજે એને રોકી રહ્યો હતો એટલે કશું જ બોલ્યો નહિ અને ફક્ત “હમમ” કરીને જવાબ આપ્યો. વંશી તરત જ સમજી ગઈ કે કંઈક અજુગતું તો બનેલું છે જ પણ આરવ હજુ કેમ મને જણાવતો નથી. બાકી આરવ આવી રીતે ગુમસુમ નાં રહે. વંશીએ હળવેથી આરવનો હાથ પકડીને ચૂમી લીધો અને પછી એ હાથને પોતાના બંને હાથની વચ્ચે દબાવીને પ્રેમથી પૂછ્યું કે શું થયું આરવ તને ? તું આજે આટલો પરેશાન કેમ દેખાય છે ? છેલ્લા ઘણાય દિવસથી હું તને જોઈ રહી છું કે તું અપસેટ હોય છે,સરખી વાત પણ નથી કરતો. આજે અચાનક તાત્કાલિક મળવા માટે બોલાવી. ચલ હવે તો હું આવી ગઈ ને. શું થયું ? કે મને. આરવે ધીમેથી રહીને બોલવાનું શરુ કર્યું. ક્રિશ્ના સાથેની પહેલી મુલાકાતથી લઈને તે રાત સુધીની બધી જ હકીકતો જણાવી દીધી. આ બધી વાત દરમિયાન આરવ નીચું જોઇને બધું જ બોલતો જતો હતો પરંતુ વાત પૂરી થતા એણે વંશી સામે નજર કરી તો વંશીને આંખમાંથી આંસુઓની ધાર હતી.
આરવે વંશીનો હાથ પકડીને એને કહ્યું કે, “વંશી હું તારા વિના નથી રહી શકતો, મેં ખુબ મોટી ભૂલ કરી છે. પણ તારા વગર રહી નહિ શકું.”
વંશી રડતા રડતા બોલી, આરવ તું મારા વગર જીવી નહિ શકે પરંતુ તે કરેલી આ ભૂલનો બોજ લઈને હું મરી પણ નહિ શકું. મેં તારા પર કરેલા વિશ્વાસને આજે ખુબ મોટી ઠોકર લાગી છે આરવ. કોઈ વ્યક્તિનો પ્રેમ તૂટી જાય ને તો એ માણસ દુઃખી થાય છે પરંતુ કોઈનો વિશ્વાસ તૂટી જાય છે ને ત્યારે એકીસાથે સઘળું નાશ પામતું હોય છે. બધું એકસાથે ખત્મ થઇ જાય છે આરવ. હું જાણું છું કે તું છેલ્લા થોડાદિવસથી અપસેટ છે પરંતુ આ કારણથી અપસેટ હોઈશ એ નહોતી ખબર. તે કરેલી આ ભૂલના કારણે તું પોતે પણ કેટલો પસ્તાય છે એટલે હું તને સજા તો નહિ આપી શકું પરંતુ તને માફ પણ નહિ કરી શકું આરવ. આટલું બોલતા જ વંશી આરવને વળગીને જોરજોરથી રડવા લાગી. હું તો તને હવે બીજું શું કહું આરવ. તે જે કર્યું છે એનાથી મને ખુબ જ દુઃખ લાગ્યું છે. આપણા ભવિષ્યનો કોઈ પણ ફેસલો કરતા પહેલા મારે હવે ક્રિશ્નાને મળીને બધી જ વાત જાણવી પડશે કે એના હૃદયમાં શું છે. અત્યારે તું જઈ શકે છે આરવ. મને થોડીવાર માટે એકલી મૂકી દે. મારે થોડીવાર માટે એકલા બેસવું છે.
આરવ ધીમા પગલે ત્યાંથી ચાલતો થઇ ગયો અને વંશી ત્યાં જ બેઠી રડવા લાગી. ઘણીવાર રડી લીધા પછી પોતાના પર્સમાંથી પાણીની બોટલ કાઢી અને મોઢું ધોઈ નાખ્યું અને ફ્રેશ થઈને ક્રિશ્નાના ઘરે જવા માટે ધીમે ધીમે ગાર્ડનની બહાર તરફ ચાલવા લાગી.
બંધ ઘરમાં ક્રિશ્ના પોતાના પલંગ પર આરામથી સુતી હતી અને અચાનક એની આંખ ઉઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો વંશીના આવવાનો સમય થવા આવ્યો હતો એટલે એ પણ થોડી ફ્રેશ થઇ અને રસોડામાંથી ખાખરા લઇ આવી અને ટી.વી. સામે બેસી ગઈ. પણ ટીવીમાં ધ્યાન નહોતું, ધ્યાન હતું તો ફક્ત આરવ અને વંશીના વિચારોમાં. આ એ જ આરવ છે જેમણે મને આઘાતમાંથી બહાર કાઢી હતી, જેમણે મને હસતા શીખડાવ્યું હતું. દોસ્તીની નવી વ્યાખ્યા શીખવી હતી. અને વંશી તો જાણે પોતાની બહેન જેવી લાગતી હતી કે જેણે મમ્મી-પાપાના ગયા પછી પોતાને એક માં ની જેમ સાચવી હતી. પણ આરવ અને મારી ભૂલના કારણે આજે વંશીને ભોગવવું પડે છે. હું પણ કેટલું સહન કરું ?
મારો પ્રેમ હું જવા નહિ દઉં. હું આરવને મેળવીને જ રહીશ. આમ વિચારોના વમળમાં ક્રિશ્ના આમથી તેમ ફંગોળાયા કરતી હતી. એટલામાં જ ડોરબેલ વાગી. ક્રિશ્નાએ સોફા નીચે ચાકુ અને ગન ચેક કરી લીધા અને દેખાઈ નહિ એમ થોડા ઊંડે સુધી મૂકી દીધા. જાણે કશું બન્યું જ નાં હોય એવો ચેહરો કરીને દરવાજો ખોલ્યો. સામે વંશી થોડી મુરજાયેલા ચેહરા સાથે ઉભી હતી. ઘરમાં આવકારી અને બેસવા માટે કહ્યું.
ક્રિશ્ના રસોડામાંથી વંશી માટે પાણી લેવા માટે ગઈ.
ક્રિશ્ના પાણી લઈને આવી અને વંશીને આપ્યું.
વંશીએ પાણીનો ગ્લાસ નીચે મુકતા સીધું જ પૂછી નાખ્યું, “મને અહી શું કામ બોલાવી છે ? શું વાત કરવી હતી ? એવું તે શું બન્યું છે કે તે મને આજને આજ જ બોલાવી ?” આટલા સવાલો પૂછતાં પૂછતાં વંશી ક્યારે ગુસ્સામાં આવી ગઈ એનો ખ્યાલ એને પોતાને પણ નાં રહ્યો. તે તેના આ ગુસ્સાને કાબુ નાં કરી શકી કારણ કે જેને પોતાની બેન માનીને સાચવી હતી, સાથ આપ્યો હતો એણે પોતાના ઘરમાં જ હાથ માર્યો ? જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થુંકી ? આજે ખબર નહોતી પડતી કે વંશીને મનમાં આવા વિચારો પણ આવવા લાગ્યા હતા.
ક્રિશ્નાએ થોડો શાંતિથી ઉત્તર આપતા કહ્યું, “મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારા અને આરવના સબંધ વિશે”
વંશી થોડી ઉગ્ર થઈને બોલી,”મને આરવે બધી વાત કરી દીધી છે.”
“ઓહ્હ.. તો તે શું નક્કી કર્યું છે વંશી ? તારે આરવને મૂકી દેવાનો છે કે પછી મારે મારી જાતે જ કઈ કરવું પડશે ?” ક્રિશ્ના છણકુ કરતા બોલી.
આટલું સાંભળીને વંશીને થોડું ભાન થઇ આવ્યું કે પોતે આજે એક એવા મોડ પર ઉભી છે જ્યાં ગુસ્સાથી નહિ પરંતુ શાંતિથી કામ લેવું પડશે.
વંશી શાંત સ્વરે બોલી, “મારી પાસે આરવને માફ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.”
“કેમ ? ડરે છે કે તું આરવને ખોઈ બેસીશ ? ડરે છે કે આરવ મારો થઇ જશે ? આરવને તો મેં તારી પાસેથી ત્યારે જ છીનવી લીધો હતો જ્યારે થોડા દિવસ પહેલા મેં તેને મારી બાંહોમાં સમાવ્યો હતો અને એની લાગણીઓ અને એના પ્રેમનો મેં એહસાસ કર્યો હતો.” ક્રિશ્ના એકીશ્વાસે બોલી ગઈ.
“તે પછીના દિવસથી આરવ તારાથી દુર થતો ચાલ્યો ગયો ક્રિશ્ના, તારા મેસેજનો જવાબ આપતો બંધ થઇ ગયો, તારી સાથે વાત કરતો બંધ થઇ ગયો. શું કામ ? એ વિચાર્યું છે તે કોઈ દિવસ ? એણે કરેલી ભૂલના કારણે એ નથી સુખેથી જીવી શકતો કે નથી શાંતિથી મરી શકતો. હું એને માફ એટલા માટે કરી રહી છું કેમ કે જો હું એને માફ નહિ કરું તો એ જીવતા જીવત મરી જશે.”, વંશી ફરીવાર થોડી ઉગ્ર થતા બોલી ગઈ.
ક્રિશ્નાની આંખોમાંથી હવે અશ્રુધારા શરુ થઇ ગઈ હતી. રડતા રડતા ક્રિશ્ના બોલી, “તારા નસીબમાં આરવ લખાયેલો છે, થોડા સમય પછી તારા હાથમાં એના નામની મહેંદી મુકાશે એ બધું જાણીને પછી તે પ્રેમ કર્યો પણ તું મારી સામે તો જો.. મને તો તારા વિશે બધો જ ખ્યાલ હોવા છતાય હું આરવને પ્રેમ કરતા મારી જાતને નાં રોકી શકી, એના પ્રેમમાં પાગલ બનીને મેં મારું સર્વસ્વ એને આપી દીધું. મારું બધું જ દાવ પર લગાવી દીધું.”
વંશી શાંતિથી જવાબ આપતા બોલી, “તારી અને અને મારી વચ્ચેના પ્રેમના ઘમાસાણની વચ્ચે જુનુન અને પ્રેમ સિવાય આરવ પાસે હવે બચ્યું છે શું ક્રિશ્ના ? તારી ભલાઈ એમાં જ છે કે તું આરવને ભૂલી જા. ક્યાંક એવું નાં બને કે તારા પ્રેમના આ પાગલપણામાં કોઈકને પોતાનો જીવ ખોવાનો વારો આવે.”
ક્રિશ્ના આ સાંભળીને બેબાકળી બની ગઈ, “ભૂલી જાઉં ? હું આરવને ભૂલી જાઉં ? કેવી રીતે વંશી કેવી રીતે ? હું આરવને પ્રેમ કરું છું. આરવ સિવાય હવે આ દુનિયામાં મારું છે કોણ ? તું કે છે કે હું એને ભૂલી જાઉં ? પ્લીઝ વંશી મને મારો આરવ આપી દે હું તારી પાસે બે હાથ જોડું છું, તારી પાસે ભીખ માંગુ છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.” આટલું બોલતા બોલતા ક્રિશ્ના પોતાના બંને હાથ જોડીને વંશી સામે ગોઠણભેર બેસીને રડવા લાગી.
વંશીએ તરત જ ક્રિશ્નાનો હાથ પકડીને વંશીને ઉભી કરી અને કહ્યું, “પ્રેમ કોઈ વસ્તુ હોત ને તો તારા માંગ્યા પહેલા જ હું તને આપી દેત કીશું. આરવના દિલમાં તારા માટે કોઈ પ્રેમ નથી અને મારા હટી જવાથી એ તને પ્રેમ કરવા લાગશે એ પણ શક્ય નથી. એ તો ફક્ત એના સ્વભાવ ખાતર તારી મદદ કરવા માટે આવ્યો હતો પરંતુ એની એક ભૂલના કારણે આજે આપણા ત્રણેયની જિંદગી દાવ પર લાગેલી છે. તારે કોઈ પણ રીતે, ગમે તેમ કરીને આરવને ભૂલવો જ પડશે ક્રિશ્ના.”
થોડી ઉગ્ર બનીને ક્રિશ્ના જોરથી ચિલ્લાઈ ઉઠી, “જો હું તને આરવને ભૂલી જવાનું કહું તો શું તું એને ભૂલી જઈશ ?”
“નહિ, ક્યારેય નહિ. હું આરવને મારા છેલ્લા શ્વાસ સુધી નહિ ભૂલી શકું. પરંતુ જો આરવ બોલશે તો હું એની ખુશીના કારણે રાજી થઈને એના રસ્તામાંથી હટી જઈશ.” વંશી રડતા રડતા બોલી.
“કહેવું સરળ હોય છે વંશુ, કરવું ખુબ મુશ્કેલ. હું કેવી રીતે ભૂલી જાઉં આરવને ? એણે મારી સાથે વિતાવેલો એ સમય, એની લાગણીઓ, કોઈ નહોતું ત્યારે એણે સાચવી છે મને. એ બધું હું કેવી રીતે ભૂલી જાઉં ?” ક્રિશ્ના હજુ પણ રડી રહી હતી અને જવાબ આપી રહી હતી.
વંશીએ હવે થોડો કડક અવાજમાં જવાબ આપ્યો,”હા, એ વાત સાચી છે કે આરવે તારી સાથે થોડો સમય વિતાવ્યો, પરંતુ એ પોતાની જિંદગી મારી સાથે વિતાવવા માંગે છે.”
કેમ ? શું કામ ? ક્રિશ્ના હવે એકદમ જોરથી ચિલ્લાઈ ઉઠી અને ફરીથી રડવા લાગી અને બોલી, “હું ફક્ત અને ફક્ત આરવ માટે જ જીવું છું વંશી”
“પણ આરવ ફક્ત મારા માટે જીવે છે ક્રિશ્ના”, વંશીએ એક સેકંડનો પણ વિચાર કર્યા વગર સીધો જ સામે જવાબ આપ્યો.
વંશીનો જવાબ સાંભળીને ક્રીશ્નાનો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોચી ગયો હતો. આંખોમાં એ જ તેજતરાર અંગારા સાથે બોલી, “હું મારા પ્રેમને પામવા માટે કંઈ પણ કરી શકું છું, કોઈ પણ હદ સુધી જઈ શકું છું, જરૂર પડે તો કોઈનો જીવ પણ લઇ શકું છું, મને કોઈ ડર નથી કે આરવને મેળવવા માટે મારે કોઈનું ખૂન પણ કરવું પડે. મારા પ્રેમની દીવાનગી માટે આરવે જુકવું જ પડશે, મારી સાથે બંધાવું જ પડશે, હું એને ક્યાય નહિ જવા દઉં.”
વંશી આંખોમાં આંસુ સાથે હળવેથી ક્રિશ્ના પાસે આવી અને બોલી, “પ્રેમ કોઈ દિવસ બંધાતો નથી હોતો ક્રિશ્ના, પ્રેમ તો મુક્ત વિહરે છે. એ પોતાનો રસ્તો જાતે જ કરી લેતો હોય છે, એમાં તું કે હું કોણ છીએ એ કોઈ નથી જાણતું હોતું.”
“મારા પ્રેમને પામવા માટે હું તારી જેમ કોઈનું ખૂન તો નથી કરી શકતી, પરંતુ એટલું હું વિશ્વાસથી કહી શકું છું કે હું મારા આરવ માટે પોતાનો જીવ પણ આપી શકું છું.”
“જીવ આપી શકું છું” આટલું સાંભળતા જ ક્રિશ્નાના મગજનું વિચારોનું મહાયુદ્ધ જાણે એકાએક શાંત થઇ ગયું અને પોતાની અને વંશીના પ્રેમ વચ્ચેનો તફાવત એને એકદમ આરપાર જોઈ શકાય એટલા કાચની જેમ સાફ દેખાઈ ગયો અને સમજાઈ ગયો. ક્રિશ્ના એકદમ સુન્ન થઇ અને મૂર્તિની માફક ઉભી રહી ગઈ. આંખના આંસુઓ હવે પોતાનો બંધ તોડી ચુક્યા હતા હવે તે આંસુઓને કોઈ રોકી શકે એમ નહોતું. એ આંસુઓ દ્વારા એની જિંદગીમાં આવેલા લોકોની બેવફાઈ, દુઃખ, માતા-પિતાનો વિરહ અને હવે આરવથી છુટ્ટા પાડવાનો ભય બધું જ એકસાથે મળીને વહી રહ્યું હતું. વાતાવરણમાં એક ગજબની શાંતિ છવાઈ ગઈ હતી જે એક મહાવાવાઝોડાનો સંકેત આપી રહી હતી કારણ કે તોફાન પહેલા સઘળું શાંત થઇ જતું હોય છે.
વંશીએ ઘડિયાળમાં જોયું અને બોલી, “મારે ઘરે મમ્મી-પાપા રાહ જોતા હશે મારે હવે જવું જોઈએ. તું બને એટલું જલ્દી આ બધું સમજી જા ક્રિશ્ના એમાં જ તારી ભલાઈ છે. તારી જિંદગીને અલગ મોડ આપીને તું આગળ વધ.” આટલું બોલીને વંશી દરવાજા તરફ ચાલવા લાગી અને બહારના દરવાજા પાસે પહોચી ગઈ.
ક્રિશ્નાના મગજની ઘુરરાટીએ ફરીથી ઉથલો માર્યો “આજે વંશીનો છેલ્લો દિવસ, હવે પછી મારી વચ્ચે કોઈ આવશે તો હું એને જાનથી મારી નાખીશ” અને તરત જ સોફા નીચે સંતાડેલી ગન બહાર કાઢી અને બહાર તરફ ઉતાવળે પગલાં ભરવા લાગી.
સોફા નીચેથી ગન કાઢીને ક્રિશ્ના ઘરના દરવાજા તરફ વંશીને શૂટ કરવા માટે દોડી અને નીચે પાથરેલું કાર્પેટ લપ્સ્યું અને ક્રિશ્ના જોરથી નીચે પટકાઈ, હજુ તો ફરી ઉભી થઈને બહાર જવા માટે જાય છે ત્યાં તો વંશી ત્યાંથી નીકળી ગઈ હતી.
દરવાજેથી પાછી વળી અને ત્યાંથી જોયું કે વંશી આ જગ્યાએ ઉભી ઉભી મને આજે અરીસો બતાવી ગઈ. તેને ફરી પાછુ એ વંશીનું વાક્ય યાદ આવી ગયું. “હું મારા આરવ માટે પોતાનો જીવ પણ આપી શકું છું” ધીમે ધીમે વંશીએ કરેલી દરેક વાત ક્રિશ્નાના મગજમાં એક ફિલ્મની રીલની જેમ ચાલવા લાગી અને ક્રિશ્નાની આંખો ફરીવાર આંસુઓથી ધૂંધળી થવા લાગી.
અચાનક ગુસ્સો આવતા જ દોડીને ટીપોઈ પર પડેલા ફ્લાવર વાઝને લઈને સીધો જ નીચે જોરથી પટક્યો અને જેમ જમીન પર કોઈના માટે ફૂલડાં પાથર્યા હોય એ રીતે ફૂલની સાથે સાથે કાચના ટુકડાઓ વેરાઈ ગયા. રૂમની પાસે અટેચ કિચન હતું ત્યાં ડાઈનીંગ ટેબલ પર પાથરેલું કપડું જોરથી ખેંચ્યું અને ટેબલ પર પડેલા વાસણો આમથી તેમ નીચે ઢોળાઈ ગયા. ખૂણામાં પડેલું બેટ લઈને ફરીથી પેલી ટીપોઈ પાસે ગઈ અને જોરથી ટીપોઈ પર ફટકાર્યું અને ટીપોઈના કાચના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ફરી એ બેટ હવામાં વિન્ઝાયું અને દીવાલ પર લટકાવેલા ટી.વી.ને જઈને અથડાયું અને ટી.વી. ધડામ દઈને નીચે પડ્યું અને તૂટી ગયું. આમ રડતી રડતી ઘરની બધી વસ્તુઓ આમથી તેમ ફગાવવા લાગી અને તોડફોડ કરવા લાગી.
વાહનોની ઘુરરાટી કરતા અવાજોની વચ્ચે પણ આજે વંશીનું મગજ એકદમ શાંત બની ગયું હતું. એ પણ હવે કંઈક વિચારોના યુદ્ધમાંથી બહાર આવીને કોઈ નિર્ણય સુધી પહોંચી ગઈ હોય એવું લાગ્યું અને અચાનક એના ઘર તરફ જતી એની એકટીવાને આરવના ઘર તરફ વાળી દીધી. ચાલુ ગાડીએ જ પોતાના ઘરે ફોન લગાવ્યો અને કહી દીધું કે પોતે આજે ઘરે મોડી આવશે કોઈ ચિંતા કરતા નહિ, આરવ મારી સાથે છે એ મને ઘરે મૂકી જશે. ત્યારબાદ તરત જ આરવને ફોન કરીને પૂછી લીધું કે પોતે ઘરે જ છે ને ? ફોન મુકતાની સાથે જ એકટીવાની સ્પીડ અચાનક વધી ગઈ. વંશી હવે બને એટલું જલ્દીથી આરવના ઘરે પહોચવા માટે બેબાકળી બની ગઈ હતી.
વંશીને મળીને આરવ સીધો જ પોતાના ઘરે આવી ગયો હતો અને પોતાના રૂમમાં ભરાઈ ગયો હતો. ચુપચાપ, ગુમસુમ, વિચારોના વમળમાં ખોવાયેલો, પોતાની કરેલી ભૂલોનો પસ્તાવો કરી રહેલો, વંશીને ખોઈ નાખવાનો ડર પેસેલો એના ચેહરા પર સાફ દેખાઈ રહ્યો હતો.
વંશી આરવના રૂમમાં આવીને આરવ પાસે ઉભી રહી પરંતુ આરવનું ધ્યાન કંઈક વિચારોમાં ખોવાયેલું જ હતું એને ખ્યાલ પણ નહોતો કે વંશી પોતાની બાજુમાં આવીને ઉભી છે. વંશીએ ધીમેથી આરવના ખભા પર પોતાનો હાથ મુક્યો અને હળવેથી બોલી, “આરવ”. આરવ જાણે સફાળો જાગ્યો હોય એમ વંશીને જોઈ ગયો અને ઉભો થઈને વંશીને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. આરવને રડતો જોઇને વંશી પણ પોતાના આંસુઓ કાબુ નાં કરી શકી. ધીમેથી આરવના હાથ છોડાવીને આરવને નીચે બેસાડ્યો અને એની બાજુમાં આરવનું બાવડું પોતાના બંને હાથ વચ્ચે પકડીને વંશી એના ખભા પર માથું ટેકવીને બેઠી.
વંશીએ રડતા રડતા બોલવાનું શરુ કર્યું, “હું અત્યારે ક્રિશ્નાના ઘરેથી સીધી અહિયાં જ આવી છું આરવ. મેં ક્રિશ્નાને બધી જ વાત કરી, એની બધી જ વાત સાંભળી. અમે બંને અત્યારે જિંદગીના એવા મોડ પર ઉભા છીએ કે મારી પાસે પામવા માટે હવે કશું નથી રહ્યું અને ક્રિશ્ના પાસે ખોવા માટે હવે કશું જ નથી રહ્યું. એકતરફ આપણે બંને છીએ જે છેલ્લા એક વર્ષથી સાથે છીએ, એકબીજાને ખુબ પ્રેમ કર્યો, સુખ-દુઃખ વહેંચીએ છીએ, આપણે એક-બીજા વગર રહી નથી શકતા જ્યારે બીજી બાજુ ક્રિશ્ના એકલી છે જેને દરેક વાતની જાણ હોવા છતાય એણે તને પ્રેમ કર્યો, દીવાનગી જેવો પ્રેમ, એણે તને એની જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બનાવી દીધો. જેના દિલમાં તારા માટે પારાવાર લાગણીઓ છે આરવ. આંસુઓ અને લાગણીઓથી તરબતર ભીંજાતો પ્રેમ કર્યો છે. મનમાં ને મનમાં તને પ્રેમ કર્યો, તને સામે ખુબ પ્રેમ આપ્યો અને એ જ પ્રેમના કારણે એણે પોતાનું સર્વસ્વ તને સોપી દીધું અને એના બદલામાં એણે તારી પાસેથી કઈ જ નથી મેળવ્યું આરવ. તે તને ખુબ જ વધારે પ્રેમ કરે છે, કદાચ મારાથી પણ ખુબ વધારે અને એ વ્યક્તિને હું કેવી રીતે નફરત કરી શકું જે “તને” આટલો પ્રેમ કરતી હોય, જેના દિલમાં ફક્ત અને ફક્ત તારા સિવાય બીજું કોઈ નાં હોય.”
જો આજે હું તને એમ કહું કે તું ક્રિશ્નાને અપનાવી લે તો એ ખોટું થશે કારણ કે હું જાણું છું કે તું ક્રિશ્નાને પ્રેમ નથી કરતો, તું મારા વગર રહી નથી શકતો અને જો આપણે બંને ક્રિશ્નાને જણાવ્યા વગર લગ્ન કરી લઈશું તો એ ક્રિશ્ના સાથે પ્રેમનો દગો થયો ગણાશે, નાં-ઇન્સાફી ગણાશે. નસીબે આપણને એક એવા ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે આરવ કે જેમાં કોઈ શાંતિથી જીવી પણ નથી શકતું અને શાંતિથી મરી પણ નથી શકતું.
હજુ વંશી કઈ આગળ બોલવા જાય એ પહેલા જ એના ફોનની રીંગ વાગી અને જોયું તો “ક્રિશ્ના”નું નામ બ્લીંક થયું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર વંશીએ ફોન ઉપાડી લીધો. સામે છેડેથી ક્રિશ્ના એકદમ સપાટ અવાજે બોલી રહી હતી, “વંશી, હું તમને બંનેને મળવા માગું છું, તમે બંને મારા ઘરે આવો અત્યારે જ. હું આરવને પણ ફોન કરી દઉં છું અહિયાં આવવા માટે.”
“ના ના ક્રિશ્ના, આરવને ફોન કરવાની જરૂર નથી, હું આરવના ઘરે જ છું અને આરવ મારી સાથે જ છે. અમે બંને હમણા જ આવીએ છીએ, ચોક્કસ આવીએ જ છીએ.” વંશીએ એકદમ નરમ અવાજે જવાબ આપ્યો.
ફોન મુકતાની સાથે જ વંશીએ આરવનો હાથ પકડતા કહ્યું, “ચલ આરવ આપણે બંનેએ ક્રિશ્નાના ઘરે જવાનું છે, હવે આપણા ત્રણેયના ભવિષ્યનો ફેસલો આપણે સામસામે રહીને જ કરવો પડશે. ચલ જલ્દી”
આરવ તાડૂકીને બોલ્યો, “શું કામ ? શું કામ હું એના ઘરે જાઉં ? આપણા ભવિષ્યનો ફેસલો કરવાવાળી એ કોણ છે ?”
થોડા ગુસ્સા સાથે વંશીએ પણ સામો જવાબ આપ્યો, “તું તારી જવાબદારીથી ભાગી નાં શકે આરવ, ક્રિશ્ના અત્યારે લાચાર છે, બેબસ છે, એ સાવ એવી બની ગઈ છે જાણે તે પોતાની ઓળખ જ ગુમાવી બેઠી હોય. જે ભૂલ કરીને એના પસ્તાવાનો બોજ તું તારા આત્મા પર લઈને ફરી રહ્યો છે એ બોજ તારે આજે ઉતારવો જ રહ્યો આરવ. ક્રિશ્ના સારી રીતે જાણે છે કે એણે શું કરવાનું છે એ ? અને હું પણ જાણું જ છું કે હું શું કરવા જઈ રહી છું. સબંધોની આ માયાજાળમાં કોઈ સુખી નાં થઇ શકે આરવ. આનો રસ્તો મેં શોધી કાઢ્યો છે. તું ચલ મારી સાથે અત્યારે જ.” એમ બોલીને આરવનો હાથ પકડીને વંશી એણે ખેંચી ગઈ.
આરવ અને વંશી થોડી જ વારમાં ક્રિશ્નાના ઘરે પહોચી ગયા. વંશીએ દરવાજા પર ટકોરો માર્યો પણ થોડો વધારે વજન લાગવાથી દરવાજો આપોઆપ ખુલ્લી ગયો. ક્રિશ્નાએ દરવાજો બંધ નહોતો કર્યો. રાત્રીના અંધકારમાં ક્રિશ્નાના ઘરમાં અત્યારે એક પણ લાઈટ શરુ નહોતી. બંને ઘરમાં પ્રવેશ્યા ત્યાં જ વિખરાયેલી વસ્તુઓ પગમાં આવી. ધીમે ધીમે ધ્યાન રાખતા બંને થોડા આગળ ચાલ્યા. રૂમની બારી પાસે બહારથી ચંદ્રનું અજવાળું આવતું હતું અને એની સામે ક્રિશ્ના આરામખુરશીમાં ઝૂલી રહી હતી. દુરથી જોતા એવું લાગી રહ્યું હતું કે પોતાના ચેહરાનો પ્રકાશ ક્રિશ્ના ચંદ્રને પહોચાડી રહી હતી. જાણે કે ચંદ્રનો પ્રકાશ પણ ક્રિશ્નાના મુખ સામે ઝાંખો લાગી રહ્યો હતો.
ક્રિશ્નાને જોતા જ આરવે દુરથી જ બોલવાનું શરુ કર્યું, “ક્રિશ્ના, સાંભળ મારી વાત. આજે તું કઈ નહિ બોલતી, આજે હું બોલીશ અને તું સાંભળીશ અને મને સમજવાની કોશિશ કરીશ. હું જાણું છું કે તું મને ખુબ જ પ્રેમ કરે છે. હું પણ તારી ખુબ ઈજ્જત કરું છું, પણ તને પ્રેમ નથી કરતો. હા હું જાણું છું કે અજાણતા જ મારાથી થયેલી ભૂલને કારણે તું ખુબ જ દુઃખી થઇ છે.”
વંશીએ વચ્ચેથી બોલી, “હું પણ એક સ્ત્રી છું ક્રિશ્ના, હું તારું દુઃખ સમજી શકું છું. કદાચ તારા લગ્ન આરવ સાથે થઇ પણ જાય તો પણ તું ખુશ નહિ રહી શકે, કારણ કે કોઈ પણ સ્ત્રી માટે એ સહન કરવું શક્ય નથી કે તેનો પતિ કોઈ બીજાને પ્રેમ કરે”
આરવે એની વાતમાં સુર પુરાવતા કહ્યું, “એવું કરવાથી તું પણ ખુશ નહી રહી શકે, હું પણ નહિ રહી શકું અને વંશી પણ ખુશ નહિ રહી શકે. ત્રિકોણના ખુણાઓમાં હમેશા બે ખૂણાનો જ મેળ હોય છે ક્રિશ્ના. ત્રણેય ખૂણા ક્યારેય એકસાથે ભેગા નથી થઇ શકતા. હું જાણું છું કે તું મને ખુબ પ્રેમ કરે છે અને તે જ પ્રેમને કારણે તે મને તારું સર્વસ્વ આપી દીધું. મેં તને માત્ર અને માત્ર દુઃખ આપ્યું છે ક્રિશ્ના. પ્લીઝ મને માફ કરી દે. હું તારો ગુનેગાર છું. તું જે સજા આપીશ એ મને મંજુર છે ક્રિશ્ના કારણ કે કરેલી ભૂલનો પસ્તાવો કરવો ખુબ સરળ હોય છે પરંતુ એનું પ્રાયશ્ચિત કરવું ખુબ મુશ્કેલ હોય છે. માટે આજે આપણા ત્રણેયનો જે પણ ફેસલો તું કરીશ એ અમને બંનેને મંજુર છે. આજે ફેસલો તારે કરવાનો છે ક્રિશ્ના. ફક્ત તારે.”
આટલું બોલતા બોલતા આરવ અને વંશી ચાલતા ચાલતા ક્રિશ્નાની ઘણા નજીક આવી ગયા હતા અને અચાનક આરવનું ધ્યાન ક્રિશ્નાના હાથ પર ગયું અને જોયું તો અસંખ્ય ચેકાઓ મુકેલા હતા. હાથમાંથી લોહી જઈ રહ્યું હતું. ડોકની બીજી બાજુ ધ્યાનથી જોયું તો ક્રિશ્નાએ ચાકુથી એક ચેકો ત્યાં પણ મુકેલો હતો જેથી કરીને હવે તે બચી નાં શકે. ખુરશીની બીજી તરફ લાદી પર લોહી પથરાઈ ગયું હતું અને તો પણ  ક્રિશ્નાનો ચેહરો હસતો રહી ગયો હતો. જાણે કે આ ચાકુના ઘા કરતા એના હૃદય પર પડેલા ઘા વધારે દર્દ આપી ગયા હતા. આરવ આ બધું જોતા જ આભો બની ગયો. ગોઠણભેર બેસીને ત્યાં જ રડવા લાગ્યો. વંશી પણ આ જોઇને પોતાનું રડવાનું કાબુમાં નાં કરી શકી અને બોલવા લાગી, “તે આ શું કર્યું ક્રિશ્ના ?” એમ કરીને બંને એકબીજાને ભેટીને પોક મુકીને રડવા લાગ્યા અને ક્રિશ્નાનું નિશ્ચેતન શરીર એને જોઈ રહ્યું.
આરવનું ધ્યાન ગયું તો ખુરશીની બાજુમાં એક પત્ર પડેલો હતો, આરવે તરત જ તે પત્ર ઉપાડ્યો અને વાંચ્યો.
વ્હાલા આરવ,
જ્યાં સુધીમાં મને જીવવાનો મતલબ સમજમાં આવ્યો ત્યાં સુધીમાં તો મારી જિંદગી તારી થઇ ચુકી હતી. આરવ હું જાણતી હતી કે તું વંશીને પ્રેમ કરતો હતો પરંતુ તો પણ હું એ આશાએ જીવી રહી હતી કે કોઈક દિવસ તો હું તને મેળવી લઈશ. મારું સર્વસ્વ તને સોપી દીધું, મારી લાગણીઓ તારી સાથે જોડી દીધી. મેં તારી સાથે જેટલો પણ સમય વિતાવ્યો એ મારી જિંદગીનો સૌથી અમુલ્ય સમય હતો આરવ. મેં તને થોડીક ક્ષણો માટે મેળવ્યો અને પાછી ખોઈ નાખ્યો. હું હવે અંદરથી એટલી તૂટી ગઈ હતી.
તું ભલે મારી જિંદગીનો બીજો પ્રેમ હતો પરંતુ સાચો પ્રેમ હતો. વંશીએ વિશ્વાસથી એવો દાવો કર્યો હતો કે તે તારી માટે પોતાનો જીવ પણ આપી શકે છે અને મેં એ દાવો સાબિત કરીને બતાવી દીધું કે હું તને કેટલો પ્રેમ કરું છું આરવ. હવે મને કોઈ અફસોસ નથી આરવ કારણ કે મેં જિંદગીને જીવી તો પણ માત્ર તારા માટે અને અત્યારે મરી રહી છું તો પણ તારા માટે જ.
મારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ આરવ ? જ્યારે મારા અંતિમ સંસ્કાર કરવા માટે વિધિ કરવામાં આવે ત્યારે તું મારી માંગ ભરી શકીશ ? મર્યા પછી પણ મારી આત્મા એવું મહેસુસ કરી શકશે કે મેં તને પામી લીધો આરવ. પ્લીઝ…
“I Love You Aarav”
તારી અને ફક્ત તારા માટે જ જીવી રહી હતી,
ક્રિશ્ના.
ક્રિશ્નાએ લખેલા કાગળ પર હવે આરવના આંસુઓ સિવાય કશું જ નહોતું. અંતિમ વિધિ થઇ અને ક્રિશ્નાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે વંશીએ જ સામેથી આગ્રહ કર્યો કે તું ક્રિશ્નાના સેથામાં સિંદુર ભરી દે. આરવે રડતા રડતા ક્રિશ્નાની એ ઈચ્છા પૂરી કરી અને આરવે જ ક્રિશ્નાના દેહને અગ્નિદાહ આપ્યો.
થોડા મહિનાઓ પછી વંશી અને આરવનાં ઘડિયા લગ્ન લેવાયા, બંને રાજી-ખુશીથી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે અને પોતાના ઘરમાં લગાવેલા ક્રિશ્નાના હાર ચડાવેલા એ ફોટાને જોઇને ક્યારેક બંને રડી પણ લે છે.
સમાપ્તિ.

ટિપ્પણીઓ નથી: