શનિવાર, 20 જૂન, 2015

ABCD - 2



૨ વર્ષ પહેલા આવેલી એક ડાન્સ ફિલ્મ "ABCD" કે જેના પર કોઈ આશા નહોતી અને પાછળથી એ ફિલ્મ હીટ સાબિત થઇ હતી, અને એ જ ફિલ્મની સિકવલ રીલીઝ થવાને લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ફિલ્મ ખાસ કઈ ઉકાળે એમ નથી. ચાલો થોડીક વિગતે વાત કરીએ અને લટાર મારીએ "ABCD-2" પર.

રેમો ડિ'સોઝા ભાઈ તમે "સોઝા" છો એમાં અમને આવા ડાયરેકશનના હથોડા મારીને શું કામ સોજ્વાડો છો ? પહેલી બંગાળી ફિલ્મ ફ્લોપ, પહેલી હિન્દી ફિલ્મ "ફાલતું" ફ્લોપ, બીજી ફિલ્મ "ABCD" સેમી હીટ અને ફરી પાછુ આટલી મહેનત પછી આવી રીતે ડાયરેકશનની ધજીયા ઉડાડી દેવાની યાર.. સીનના અમુક અમુક એન્ગલ તો શું કામ એ એન્ગલથી લીધા હશે એ વિચારવું પડે છે અને ડાન્સના સ્ટેપને એકદમ મસ્ત અને સ્મૂથલી બતાવા માટે અમુક પ્રકારના એન્ગલ લેવા જોઈએ જેથી કરીને ડાન્સ મુવ્સની ઈફેક્ટ સારી રીતે કેમેરામાં જીલી શકાય. પણ બધુય પાણીમાં. સ્ટેજની વચ્ચે કેમેરો ગોઠવી દીધો અને આખો ડાન્સ એમજ પતી જાય. સરવાળે ડાયરેકશન ઢંગ-ધડા વગરનું લાગ્યું.

સ્ટોરી લખનાર પણ આ જ મહાશય કે જેમણે આમાં પણ કઈ ઉકાળ્યું નથી. એ જ ચવાઈ ગયેલી "અંડરડોગ" સ્ટોરી, પરાણે ઘુસાડેલી દેશભક્તિ જોતા જોતા ઘણીવાર માનસપટ પર "ચક દે ઇન્ડિયા" અને "હેપી ન્યુ યર" ફિલ્મ આવ્યા કરે છે. નો સ્ટોરીલાઈન.

દર્શકોને ડાયલોગ બાબતે થોડી રાહત મળી છે કારણ કે ડાયલોગ ખુબ સારા એવા રાઈટર અને અમદાવાદી ગુજ્જુ "મયુર પૂરી"ના ભેજા માંથી આવેલા છે અને ગીતના લીરીક્સમાં ફુલ્લ માર્ક્સ લઇ જાય છે. તુષાર હીરાનંદાનીનું સ્ક્રીનપ્લે છે જેમાં ઘણી જગ્યાએ એવું લાગે છે કે ક્યાંક કચાશ રહે છે. દ્રશ્યો પહેલાના પછી આવી જાય છે અને પછીના પહેલા આવી જાય છે પણ ચાલે એવું છે.

ગુજરાતી સંગીતકાર બેલડી સચિન-જીગર. અરે યાર ! કમાલ છે બોસ આ જોડી. શું જબરદસ્ત મ્યુઝીક આપ્યું છે. કોઈ પણ જડ માણસના પગ પણ થીરકવા મજબુર કરી દે છે. ૧૦૦/૧૦૦ માર્ક્સ. ફૂલ એન્ટરટેઈનીંગ ધમાકા મ્યુઝીક.

"બેઝુબાન ફિર સે", "સુન સાથીયા" અને મેજિકલ વોઈસ અરિજિત સિંહના અવાજમાં આવેલું "ચુનર" દિલના દરવાઝા પર દસ્તક લગાવી જાય છે અને ત્યાં મયુર પુરીએ ખુબ જ માવજતથી લખેલા એ "વંદે માતરમ" ગીતના શબ્દો મગજમાં ઘર કરી જાય છે.

ડાન્સ પરફોર્મન્સમાં એક એકથી ચડિયાતા પાવરપેક પરફોર્મન્સ. ડાયરેકશન ભલે ગમે તેવું કર્યું હોય પરંતુ કોરિયોગ્રાફીમાં રેમો ડિ'સોઝાનો જોટો જડે એમ નથી. એક એક મુવ્સ, હરેક ફ્લીપ્સ, અને બધા જ ફોર્મેશન દિલથી વાહ બોલવા માટે મજબુર કરી દે છે. ડાન્સના માધ્યમથી હવામાં ભારત દેશનો ઝંડાની છોળો ઉડાડીને પરફોર્મન્સને ચાર ચાંદ લગાવી દીધા છે.

લોકેશનની પસંદગી બાબતે રેમોભાઈનું કામ ગમ્યું. લાસ વેગાસ કે જે ૨૪*૩૬૫ ધમધમતું જીવતું જાગતું શહેર જે અહિયાં બેઠા બેઠા સૈર કરાવે છે. એરિઝોના સ્ટેટમાં આવેલા ગ્રાન્ડ કેન્યોનના એ ખડકો અને એમાંથી નીકળતી કોલોરોડા નદી જે જોતા જ દિલમાં લવ ફીલિંગ્સ આવવા લાગે છે.

શ્રદ્ધા કપૂરની ડાન્સ સ્કીલતો રેમો ક્યાંથી શોધીને લાવ્યા છે એ જ ખબર નાં પડી. સરાહનીય કામ છે. અને વરુણ ધવન તો ડાન્સ બાબતે ઘણો સારો જ છે પરંતુ આમાં તેની સામે DIDમાંથી આવેલા પરફોર્મર ધર્મેશ, રાઘવ, સુશાંત,પુનીત અને સાથે પ્રોફેશનલ ડાન્સર લોરેન ગોટીબ સામે ટક્કર જીલવી એ કપરું અને મહેનત માંગી લેતું કામ છે જેમાં વરુણે મહેનત કરી હોય એવું દેખાય છે.

ડાન્સ આશીકો માટે દિવાળી પહેલાનું બોનસ છે. યંગસ્ટર્સ અને બાળકો માટે ખુબ જ એન્ટરટેઈનીંગ અને પાવરપેક ફિલ્મ છે. ક્રિટીક્સ માટે એવરેજ કરતા પણ નબળી.

One Time Watch Movie.

Ratings :- 3.5/5

Bonus :- Life is Always about Next Step.

ટિપ્પણીઓ નથી: