બુધવાર, 20 ઑગસ્ટ, 2014

સંબંધોનું નામકરણ

છેલ્લા ૧૫ દિવસથી સતત એક પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. એટલે આજે થયું કે પૂછી જ નાખું.
શું દરેક સંબંધને નામ આપવું જરૂરી હોય છે ?
સામાન્ય રીતે જોઈએ તો આપણે સામાજિક પ્રાણીઓ છીએ અને સમાજની વચ્ચે રહેવાનું હોય છે એટલે દરેક વ્યક્તિ એકબીજા સાથે સામાજિક નામકરણથી ઓળખાય છે. પણ શું દરેક સંબંધને નામ આપવું જરૂરી જ હોય છે ? શું કોઈ સંબંધ નામ વગર આગળ વધી નાં શકે ?
કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે કે જેની સાથેનો સંબંધ એને સમજાતો ના હોય. (અમુક લંગુરો આ વાક્યનો પણ અવળો અર્થ કાઢશે). સ્ત્રી અને પુરુષોના સંબંધોને આજે આપણા સમાજમાં માત્રને માત્ર એક શંકાની નજરથી જ જોવામાં આવે છે. સ્ત્રી-પુરુષોના સંબંધોને હમેશા આપણા ગંદા સમાજે વગોવ્યો છે. આપણા ઇતિહાસમાં શ્રેષ્ઠ ઉદાહરણો જોવા મળે છે સ્ત્રી-પુરુષના સંબંધોના. શ્રીકૃષ્ણ અને દ્રોપદીની મિત્રતાનો સંબંધ, રાધા-કૃષ્ણનો સંબંધ. માણસ બનીને જીવેલા આ ઈશ્વરને પણ આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દ્રોપદી અને રાધા જેવા સ્ત્રીપાત્રોની જરૂર પડી હતી તો આપણી જેવા કાળા માથાના માનવીઓની શું ઓકાત છે.

દ્રોપદી એ કૃષ્ણની મિત્ર હતી એ વાત તો ઠીક છે પણ મને આજ સુધી રાધા-કૃષ્ણનો સંબધ સમજાયો નથી કારણ કે મિત્ર બનાવવા માટે, પ્રેમ કરવા માટે અને લગ્ન કરવા માટે હમેશા ૨ વ્યક્તિઓની જરૂર પડે પણ રાધા-કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે ? મને આજ સુધી આ સવાલનો જવાબ નથી મળ્યો. મેં અત્યાર સુધી વાંચેલા કૃષ્ણચરિત્રમાં પણ આ સંબંધને પ્રેમ ગણાવ્યો છે પણ મને આ વાત ગળે નથી ઉતરતી કે રાધા-કૃષ્ણ પ્રેમીઓ હતા. જો આપણો ઇતિહાસ જ આવા શ્રેષ્ઠ સંબંધોના પાયાની રચના પર ઉભો છે તો પછી ઉપરનું બાંધકામ આટલું બોદું કેમ છે ?
સ્ત્રીની જિંદગીમાં ક્યારેક કોઈક એવો પુરુષ પણ હોઈ શકે કે જેને એ પોતાનો મિત્ર પણ ના કહી શકતી હોય, પોતાનો ભાઈ પણ નાં કહી શકતી હોય, કે પોતાનો પ્રેમી પણ નાં કહી શકતી હોય અને છતાં એ સંબંધને એ પોતાના જીવ કરતા વધારે સાચવતી હોય અને મહેસુસ કરતી હોય છે. આ જ ઘટના પુરુષના જીવનમાં પણ બને છે. પોતપોતાની રીતે બંને આ સંબંધને જાળવતા હોય છે ત્યારે વાંધો નથી પણ તકલીફ ત્યારે ઉભી થાય છે કે જયારે સમાજ એને કંઈક ને કંઈક નામ આપીને સંબંધો પર કાદવ ઉછાળે છે અને એના છાંટા બંને વ્યક્તિના મન પર પણ પડે છે અને એ બંને પણ આ સંબંધોને કંઈક નામ આપવા મજબુર બને છે. પછી આ સંબંધો કાં તો જળવાય છે અને કાં તો ઝંખવાય છે. આપણા આ સમાજની વિચારધારા ક્યારે બદલાશે ?
મારા મતે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રતા, પ્રેમીઓ, પતિ-પત્ની આ સિવાય પણ એક સંબંધ હોય છે જેનો ફક્ત એહસાસ થાય છે આવા સંબંધોના કોઈ સરનામાં નથી હોતા, આવા સંબંધો ક્યારેય ક્યાય પહોંચવા માટે નથી ચાલતા, જેમ નદી આગળ વહે છે કારણ કે એને સમુદ્રને મળવાની ઈચ્છા હોય છે, સ્ત્રી-પુરુષની મિત્રતા આગળ વધે છે પ્રેમ કરવા માટે, પ્રેમીઓ બન્યા પછી એમનું નજીક નું લક્ષ્ય હોય છે લગ્ન. આમ, ઘણા સંબંધોમાં આવા લક્ષ્ય હોય છે પણ અમુક સંબંધોના કોઈ લક્ષ્ય હોતા જ નથી એ વ્યક્તિઓ સંબંધને ક્યાય પહોચાડવા માંગતા જ નથી. એતો બસ વહે છે પવન બનીને સમયની સાથે અને ચાલ્યા જ કરે છે. આવા સંબંધોનો માત્ર એહસાસ કરવાથી જ એમ લાગે છે કે જિંદગીમાં કંઈક રોમાંચ છે એવું લાગે કે જિંદગી જીવીએ છીએ. આ અનુભૂતિ જીવનની શ્રેષ્ઠ પળોમાની એક હોય છે.

મારા એક શિક્ષકને મેં આ સવાલ કર્યો ત્યારે એમણે મને ખુબ જ સરસ વાત કરી કે સમાજ સામે દરેક સંબંધોનું એક આગવું મહત્વ હોય છે અને એ મહત્વ જાળવી રાખવા માટે દરેક સંબંધોને કંઈક ને કંઈક નામ આપવું જરૂરી હોય છે. બાકી પોતાને મહેસુસ થતા હૃદયના સંબંધોને નામ આપીને મર્યાદા બાંધવા કરતા એને માત્ર એહસાસ કરવામાં જ મજા છે. અને જેમ આપણે સમાજ વિષે બોલીએ છીએ એમ સમાજ પણ આપણા વિષે બોલે છે કારણ કે આપણે પણ એના સમાજનો જ એક ભાગ છીએ. આ સાંભળીને પછી મારા મનમાં ઉઠેલું વંટોળિયું થોડા ઘણા અંશે જરૂર શાંત થયું.
સ્ત્રી-પુરુષના આ સંબંધો પર લખવા જઈએ તો આખા એક ગ્રંથ જેટલું સાહિત્ય બની જાય પણ આ તો એક નાનકડો એવો મુદ્દો ટાંકવાની ઈચ્છા થઇ.
તમારા મતે સંબંધોના આ પ્રશ્ન વિષે શું માનવું છે એ કહેશો તો આપણો આભારી થઈશ. ધન્યવાદ.

ટિપ્પણીઓ નથી: