ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

આત્મહત્યા :- સાહસ કે કાયરતા

ભારત સરકાર આઈ.પી.સી. ની કલમ ૩૦૯ માં સુધારા કરવાનું વિચારી રહી છે કે આત્મહત્યાની કોશિશ હવેથી ગુનો નહિ ગણાય અને એને જેલ નહિ થાય, પણ આત્મહત્યા કરવી જ શું કામ જોઈએ ? એનું કોઈ સોલ્યુશન નથી કાઢતા કોઈ.

જિંદગીમાં ક્યારેક સમય ખરાબ હોય છે, કઈ સારું ન થતું હોય અને જીવનના બધા પાસા ઉંધા જ પડતા હોય ત્યારે અમુક માનસિક પાંગળા લોકોને અંતિમ પગલું આત્મહત્યા દેખાય છે. સાલું, આપણામાં તો બીજાની હત્યા કરવાનીય ત્રેવડ નથી અને માણસો આત્મહત્યા કરી લે છે. હું આવા લોકોને માનસિક પીડિત ગણું છું ઉપર લખ્યું એ મુજબ કારણ કે આવા લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોય છે. પણ શું એ આત્મવિશ્વાસ પાછો નાં આવી શકે ? આવતી તકલીફો સામે લડીને બેઠા ના થઇ શકીએ ? એવું તો કોઈ કારણ માણસના જીવનમાં ન જ હોય કે જેનો ઉપાય આત્મહત્યાથી મળી જતો હોય.

આપણી આસપાસ થતા બનાવો પરથી અમુક તારણો એવા નીકળે કે ભણવામાં નાપાસ થયા હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, નોકરી ન મળતી હોય, દેવું વધી ગયું હોય, અને આજ-કાલ બહુ જોર-શોરમાં ચાલતું મહત્વનું કારણ ઘરમાં થતા કંકાસ અથવા તો મમ્મી-પાપાના કૈક કહેવાથી ખોટું લાગી જાય અને આત્મહત્યા કરનારા કાયરો પણ આપણી આજુ-બાજુ વસે છે. આટલા કારણો સિવાય મને બીજું કોઈ કારણ નથી દેખાતું. આટલી નાની વાતમાં પોતાની જાત નષ્ટ કરી બેસનારા ફટટૂ લોકો એમ લખતા જાય છે કે આત્મહત્યા કરવા માટે હિમત જોઈએ. પણ મારા ભાઈ ! આજ હિંમત આવેલી સમસ્યાનો સામનો કરવામાં દેખાડ તો તારી માટે એક સરસ મજાની જિંદગી રાહ જોઇને બેઠી છે એ વાત એને ધ્યાનમાં નથી આવતી.

વિધાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે અને આ દુનિયા એને નકામી લાગવા માંડે છે. બોર્ડની પરીક્ષાના પરિણામ પછી શહેરના દરેક તળાવ,નદી-નાળા,સરોવર પર પોલીસ પહેરો ભરતી થાય જાય છે શું કામ ? પરીક્ષાનું પરિણામ નાપાસ આવાથી માં-બાપના ખીજાવાનો ડર અથવા તો પોતે કરેલી મહેનતનું પરિણામ ન મળ્યાનો અફસોસ અને પોતે ગુમાવેલો આત્મવિશ્વાસ એમને આવા હલકી કક્ષાના પગલા ભરવા મજબુર કરે છે. પણ એક વાત વિચારો કે પરીક્ષા લેનાર કોઈક છે, પેપર તપાસનાર કોઈક છે અને પરિણામ બનાવનાર પણ કોઈક છે. એ વાત સાચી કે ભવિષ્યનો ફેસલો એના પર થવાનો છે પણ એ લોકો પાસે આપણી સુંદર જિંદગી છીનવાનો કોઈ હક નથી. તો શું કામ એમના એક પરિણામથી આપણી જિંદગી મોતને સોપી દેવી જોઈએ ? મહેનતના આધારે પરિણામ નથી મળતું એનો મતલબ એતો નથી કે હવે બીજી વાર મહેનત નહિ થાય. ક્યાંક કચાશ રહી ગયી હોય એવું બને અથવા તો તમારું મન કૈક બીજો ઈશારો કરતુ હોય એવું બને. આવી પરીક્ષાથી હારી જઈશું તો જિંદગીની પરીક્ષાઓ કેવી રીતે લડીશું ? માં-બાપનો ડર લાગે છે પણ કોઈ દિવસ એ વિચાર્યું કે એ તમારો ડર એમણે આખી જિંદગી ભોગવવો પડશે ? શું તમે ફરીવાર માં-બાપને એવો વિશ્વાસ નાં દેવડાવી શકો કે ફરીવાર મહેનત કરીને વધારે સારું પરિણામ લાવીશ એમ. ભણતર એ જિંદગીનો એક ભાગ જરૂર છે પણ જિંદગી જીવવાનું કારણ નથી કે જેના વગર જીવી ન શકાય.

પરીક્ષા અને રીક્ષામાં એક ગુમાંવાથી નાસીપાસ ના થવાય,
એક જાય ત્યારે બીજી પાછળ આવતી જ હોય છે. 
                                                            - જય વસાવડા


પ્રેમની નિષ્ફળતા :- એક સીધી સાદી વાત કે લોકોને આજકાલની છોકરી/છોકરાનો પ્રેમ દેખાય છે તમારા કુટુંબનો કે માં-બાપનો પ્રેમ નથી દેખાતો ? છોકરા/છોકરીએ કરેલી દગાખોરી કે પછી સંજોગોનાં કારણે લગ્ન ના કરી શકતા લોકોને એનું સર્વસ્વ લુટાઈ ગયા નો એહસાસ થાય છે એ મારી સમજની બહાર છે. માં-બાપે ઉછેરીને મોટા કર્યા,આટલા વર્ષ ભણાવ્યા,આટલા વર્ષ સાચવ્યા,પગભર બનાવ્યા એ પ્રેમ ઓછો લાગે છે ? માં-બાપે તમને જન્મ એટલા માટે તો નથી આપ્યો કે તમે એમને નિરાધાર એકલા મૂકીને ચાલ્યા જાવ. જિંદગીમાં કોઈના આવાથી કે કોઈના જવાથી ફેરફારો જરૂર થાય છે પણ આ દુનિયામાં કોઈ કોઈના વગર મરતું નથી. સમયે જમી  લે છે, સમયે ઊંઘ કરી જ લે છે, સમયે પોતાનું કામ કરી જ લે છે. અમુક સમય જતા એ ઘા પણ ભરાય જાય છે. તો પછી તમે સમય સાથે તાલમેલ કેમ ના કરી શકો ?

આ સમય પણ ચાલ્યો જશે, સુખમાં અને દુઃખમાં આ વાક્ય યાદ રાખવું (જે.કૃષ્ણમૂર્તિ)


નોકરી નથી મળતી અને દેવું વધી જવાથી આત્મહત્યા કરવાવાળા લોકો પણ છે. જાણે કે એમના જીવનનું છેલ્લું કામ નોકરી કરવાનું જ હોય એમ માનવા લાગે છે પણ એક વાત છે કે કોઈ કામ નાનું નથી હોતું. કામ એ કામ હોય છે. પણ નાનું કામ કરવામાં અહંમ નડે છે એ ક્યાંક પીગળી જશે તો અનર્થ થઇ જશે એ કરતા તો આત્મહત્યા કરી લેવી સારી એવી માન્યતાઓ આ માનસિક પીડિતોમાં હોય છે. ભાઈ ! ભણેલો-ગણેલો છો પણ નોકરી નથી મળતી તો ક્યાંક હોટેલ કે લોજમાં કામ કરવા માંડ કદાચ બની શકે કે ત્યાંથી વધુ નસીબ ખૂલવાનું હોય. દેવું વધી ગયું છે તો કામ કરવા લાગો, આત્મહત્યા કરવાથી દેવું ભરાઈ નહિ જાય. ત્યારે એ વ્યક્તિ એમ નથી વિચારતી કે એણે કરેલું દેવું એમના દીકરા/દીકરીને પાછળથી ભરવું પડશે અને અમુક લોકો પોતાની સાથે પોતાના બાળકોને પણ મારી નાખે છે. કાયરો !! સંતાનને જન્મ આપવાનો અધિકાર ભગવાને તમને જરૂર આપ્યો છે પણ એમને મારી નાખવો હક તમને કયો ધર્મ આપે છે કે કયા ભગવાને કહ્યું છે ?


દરેકના ખભા પર સંજોગોનો બોજ હોય છે,
અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઉંચકો છો.
( મર્લે મિલર) (જય વસાવડા ની બૂક "જય હો" માંથી)

આજકાલની પેઢીમાં સહનશીલતાનો અભાવ જોવા મળે છે. માં-બાપ કૈક બોલે તો સહન નથી થતું, કોઈ કંઈ બોલે તો ગુસ્સો આવે છે, ના કરવાનું કરી બેસે છે. શું કામ ભાઈ ? આત્મહત્યા જેવી હલકટ વાતો વિચારી શકે છે પણ માં-બાપ તને ખોટું નથી ખીજાતા એવા હકારાત્મક વિચારો કેમ નથી આવતા ? જતું કેમ નથી કરી શકતો તુ ? જીવનમાં આગળ વધવું હોય તો બાંધછોડ કરવી પડે એ વાત તારા ગળે કેમ નથી ઉતરતી ? આવા સવાલોના એની પાસે અનેક જવાબો મળી રહેશે, કદાચ વ્યાજબી પણ હોઈ શકે પણ એને પૂછવામાં આવે કે જિંદગી જીવવાની ઈચ્છા કેમ નથી તો એનું એક પણ સારું કારણ એની પાસેથી નહિ મળે.આવા અત્યારના મગજ વગરના લોકોની ભૂલો વૃદ્ધ માં-બાપે ભોગવવી પડે છે. એ લોકો સંઘર્ષ કેમ નથી કરી શકતા ?

કાં કશુક કરી બતાવવા માટે જીવી જવાનું હોય છે,
કાં કશુક કર્યા વિના મારી જવું પડે છે. 
                                               - જય વસાવડા

નાનપણથી આપણે વાંદરાના બચ્ચાનું ડાળ પર ચડવું અને રાજા ગુફામાં કરોળિયાને જાળ બાંધતા જોઇને પ્રેરણા લે છે વાળી વાતો સાંભળીને મોટા થયા છીએ એ કોઈ વાર્તાઓ નથી હોતી કે જે પરીકથાઓની જેમ ખોટી હોય. નિષ્ફળતા હમેશા એ દર્શાવે છે કે સફળતા માટે પૂરેપૂરો પ્રયત્ન થયેલો નથી. બાકી જવા વાળાને કોઈ રોકી શકતું નથી. જે ભાગેડુઓ મેદાન મુકીને જાય છે એની ક્યારેય વાહ વાહ નથી થતી મિત્રો, પાળિયા તો એમના પૂજાય છે જે મરવાની હાલતમાંથી બેઠો થઈને લડ્યો હોય.

આત્મહત્યા કરવાના શોખીનો માટે (શોખીન શબ્દ જ વાપરવો યોગ્ય લાગશે આવા ડરપોક માટે) એક સરસ વિચાર છે મારી પાસે કે તમારે ઇન્ડિયન આર્મીમાં જોડાવાની જરૂર છે. કમ સે કમ ૨-૪ દુશ્મનોને મારીને એ લોકોના હાથે મરશો તો શહીદ તો કેવાશો, માં-બાપ ને પણ ગર્વ થશે કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. મરવાનો શોખ હોય તો દેશમાં ઘુસતા આતંકવાદીઓ સામે લડો અને એમને મારી ને મરો. સરકાર તરફથી પુરસ્કાર પણ મળશે જેનાથી માં-બાપ ગુજરાન તો ચલાવી શકશે, કાયર ફટું થઈને મરવાથી કોઈ ફાયદો નથી.

ભારત સરકાર અત્યારે જે વિચારી રહી છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને આર્મીમાં પાકિસ્તાન બોર્ડર પર ભરતી કરી આપો, કમ સે કમ ૨-૪ ને મારીને મરશે.

આત્મહત્યા કરવાના વિચારના એક મિનીટના સમયમાં પંદર સેકંડ જિંદગી જીવવાના કારણ વિચારી લેજો, જિંદગી આપો-આપ બદલાય જશે.  - રવિ યાદવ.

ટિપ્પણીઓ નથી: