ગુરુવાર, 20 નવેમ્બર, 2014

સફળતા - આબાદી કે બરબાદી ?

            દરેકની જીંદગીમાં કંઈકને કંઈક લક્ષ્ય હોય છે જેને તે પોતાની ભાષામાં સફળતા કહે છે. સફળતાના માપદંડો વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે. કોઈના મતે સારો બીઝનેસ સફળતા છે, કોઈના મતે સારા પૈસા સફળતા છે, કોઈના મતે સારી કારકિર્દી સફળતા છે. પરંતુ પોતાની વ્યાખ્યામાં સફળ થયા પછીની સ્ટોરી દરેક માણસની લગભગ સરખી જ હોય છે. કારણ કે સફળતા મેળવવી સહેલી હોય છે પરંતુ એને ટકાવવી અઘરી હોય છે.


            સફળતા કઈ જેવી તેવી વસ્તુ નથી. સફળતા સિંહણના દૂધ જેવી હોય છે જેને માત્ર સોનાના પાત્રમાં જ ભરી શકાય છે. બીજી ધાતુના પાત્રમાં દૂધ ભરાય પણ જાય પણ એ ધાતુને તોડીને બહાર નીકળી જાય છે. એવી જ રીતે સફળતા પણ સિંહણના દૂધ જેવી હોય છે. દરેક વ્યક્તિ સફળતા ટકાવી શકતો નથી, સફળતા પચાવી શકતો નથી. ક્યારેક ક્યારેક સફળતા માણસ પાસે એવા એવા કામ કરાવે છે જે પોતાના આત્મસન્માનની વિરુધ હોય છે પણ જયારે સફળતાનો નશો માણસના સર પર સવાર હોય છે ત્યારે એની નજરમાં કઈ પણ સારું ખરાબ હોતું નથી. માણસના શોખ પણ આપોઆપ બદલાય જાય છે અને વધી પણ જાય છે. માણસના વિચારોના માપદંડો ભુલાઈ જાય છે. માણસમાં અહંકારના લક્ષણો દેખાવા લાગે છે. ખુબ સચોટ રીતે આ વાત પર બંધબેસતા હોય એવા માણસો બીઝનેસ અને ફિલ્મ લાઈનમાં જોવા મળે છે. "ડર્ટી પિક્ચર" અને "હિરોઈન" ની વાર્તા આના પર એકદમ ફીટ બેસે છે. એમાં આ વાતને હુબહુ રજુ કરવામાં આવી છે.

             સફળતા મેળવ્યા બાદ માણસે વધુને વધુ નમ્રતા દાખવવી પડે છે નહીતર જેટલો સમય સફળતા મેળવવામાં લાગ્યો હોય છે એનાથી અડધા ભાગના સમયમાં માણસની બરબાદી લખાય જાય છે અને એ બરબાદી પોતાની સાથે બીજાઓને પણ બરબાદ કરી નાખે છે. માણસ એમ વિચારવા લાગે છે કે દુનિયામાં પોતે એક જ છે જેની પાસે આ સફળતા છે.તે જલ્દીથી હકીકતોને સ્વીકારી શકતો નથી. પોતાને દુનિયાની ટોચ પર જોયા પછી પોતાને એ જ ભીડમાં જોઈ શકતો નથી અને માણસ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ પોતાના સંબંધોને પણ પાછળ છોડતો જાય છે.
કોઈકે સાચું જ કહ્યું છે કે -


" ઝીંદગીમેં ઇતના ભી આગે મત બઢો કી પીછે કોઈ દિખાઈ હી નાં દે, યા ફિર પીછે કે લોગ બહોત છોટે દિખાઈ દે"

ટિપ્પણીઓ નથી: