શુક્રવાર, 3 ઑક્ટોબર, 2014

હૈદર


વિલિયમ શેક્સપીયરની લખેલી કથા "હેમલેટ" પરથી વિશાલ ભારદ્વાજે બનાવેલી, લાગણી, ઘૃણા, હિંસા, બદલાની ભાવનાઓને હુબહુ ઉજાગર કરતી આ ફિલ્મ એટલે "હૈદર".

ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો બોરિંગ લાગે છે, વાર્તા થોડી ધીમી ચાલે છે. થોડું સ્ક્રીનપ્લે પણ નબળું પડતું જણાય છે પણ ફિલ્મ એના સેકંડ હાફમાં પોતાની ગતિ પકડે છે જે તમને તમારી સીટ પર જકડી રાખવા મજબુર કરી દે છે.

શાહિદ કપૂરની ડૂબતી નૈયા આ ફિલ્મ તારવી જશે. એની એક્ટિંગ જોઇને લાગ્યું કે એ પંકજ કપૂરનો દીકરો છે અને એમની એક્ટિંગ કુવામાંથી અવેડા માં ઉતરી છે. શાહિદ માટે આ ફિલ્મ ક્લાસ બની જશે. શ્રદ્ધા કપૂર, કે.કે.મેનન અને નરેન્દ્ર ઝા નું કામ પણ મહદઅંશે સારું છે. ફિલ્મની મુખ્ય નાયિકા ગણી શકાય એનું નામ છે તબ્બુ. જે પહેલા પણ એક્ટિંગની ખેરખાં હતી અને હજુ પણ છે કે જે એના ચેહરાથી સામેના માણસને દરેક વાત સમજવા મજબુર કરી દે છે. ઇમરાન ખાન માટે શબ્દો ઓછા પડશે. દિગ્દર્શન બાબતે ૧% પણ આંગળી ચિંધાય એમ નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝીકની સાથે ગુલઝારના મધમીઠા શબ્દો,અને એની સાથે સુખવિંદર સિઘ અને અરિજિત સિઘના જાદુઈ અવાજ તમારા હૃદયના તારમાં ઝંઝાનાટી ઉત્પન્ન કરી દે છે.

પ્રેમની કંઈક અલગ જ વ્યાખ્યા જે દરેકની આંખમાં જુદી દેખાય છે અને એટલી જ હદે એજ આંખોમાં તિરસ્કાર, ઘૃણા, બદલાની ભાવના છલકે છે. ઉડતા લોહીના છાંટા, ધોળા દૂધ જેવા બરફના થર પર અલગ તરી આવે છે અને જે પ્રકારની હિંસા અને ક્રુરતા જે કાશ્મીરની ઓળખ હતી એને ઉજાગર કરવામાં વિશાલ ભારદ્વાજે કોઈ કચાશ નથી રાખી.

કોઈ ખાસ એક્શન-થ્રીલર મુવીની આશા રાખીને જોવા જનારને નિરાશા જ મળશે. અને ફિલ્મ માત્ર અમુક ચોક્કસ પ્રકારના દર્શકોને જ ગમશે કે જેને ક્લાસિક ફિલ્મો જોવી ગમતી હોય. પણ એક વાર તો જોવી જ પડે બોસ.

બોનસ :- કાશ્મીર એક કેદખાના હે મેરે દોસ્ત !
              મુજે અબ શક પે યકીન હે ઓર યકીન પે શક.

Ratings :- 4/5

ટિપ્પણીઓ નથી: