શુક્રવાર, 2 જાન્યુઆરી, 2015

મને ગમે છે.

ખરી વાત છે તારી રાધા કે, મને શું ખબર હોય આ પ્રેમની,
                      મને તો બસ દિવસ-રાત ફક્ત તારું જ નામ લેવું ગમે છે.

ખરી વાત છે તારી કે, નથી જાણતો હું કોઈ પ્રેમની વ્યાખ્યા,
                      મને તો બસ માત્ર તારા સુખદુખનો ભાગીદાર થવું ગમે છે.

ખરી વાત છે તારી કે, નથી લાવતો તારા માટે ક્યારેય ફુલ,
                      મને તો બસ તારા રસ્તે પડેલા કાંટાઓ વીણવાનું ગમે છે.

ખરી વાત છે તારી કે, નથી જવા દેતો તને મારાથી દૂર ક્યાય,
                      મને તો બસ તારી મુલાયમ હથેળી પકડીને ચાલવું ગમે છે.

ખરી વાત છે તારી કે, હું બેદરકાર છું સાવ પોતાની જાત પ્રત્યે,
                     મને તો બસ માત્ર તારું ધ્યાન અને સંભાળ રાખવી ગમે છે.

ખરી વાત છે તારી કે, તારા સિવાય પણ બીજી દુનિયા છે અહી,
                      મને તો બસ માત્ર તને જ મારી દુનિયા બનાવવી ગમે છે.

ખરી વાત છે તારી કે, આપણે સાથે રહી શકીએ એ શક્ય નથી,
                      મને તો બસ જિંદગીભર તારી યાદોને સાચવવી ગમે છે.

ગુરુવાર, 1 જાન્યુઆરી, 2015

તું એકવાર માત્ર "હા" બોલી દે.

દુનિયાની પરવા નહિ કર તું, આ દેખાડી દુનિયાનો ભરોસો તું મૂકી દે,
દિલથી એકવાર કર વિશ્વાસ મારા પર, તું એકવાર માત્ર "હા" બોલી દે.

દિલ ફાડીને પ્રેમ કરીશ તને, પણ તું એકવાર આંખથી ઈશારો કરી દે,
બધા નફરતના પહાડોને હું તોડી દઈશ, તું એકવાર માત્ર "હા" બોલી દે.

તારી મુસીબતોને હું હરાવીશ એકલો, તું એકવાર તારી તકલીફ કહી દે,
નહિ પડવા દઉં તારી આંખમાંથી આંસુ, તું એકવાર માત્ર "હા" બોલી દે.

પ્રેમ આવો બીજી વાર નહિ મળે, તારા હૃદયને શાંતિથી ધરપત દઈ દે,
રસ્તો જેટલો દેખાય એટલો કઠોર નથી, તું એકવાર માત્ર "હા" બોલી દે.

કયા ગુનાની સજા આપે છે તારી જાતને, જિંદગીને એકવાર છૂટી મૂકી દે,
આપોઆપ તે પોતાનો રસ્તો શોધી લેશે, તું એકવાર માત્ર "હા" બોલી દે.

તારા વિશ્વાસ અને મારા પ્રેમથી છે એક સંબંધ, એને તું કંઈક નામ દઈ દે,
મારા પ્રેમની મંઝીલ માત્ર તું જ છે, પણ તું એકવાર માત્ર "હા" બોલી દે.

હૃદયમાં પ્રેમ અને હોઠ પર નફરત, આવી રમત તું મારી સાથે રહેવા દે,
મારું પૂરું આયખું વિતાવવું છે તારી સાથે, તું એકવાર માત્ર "હા" બોલી દે.

રવિવાર, 21 ડિસેમ્બર, 2014

PK


મુન્નાભાઈ સીરીઝ અને થ્રી ઇડીયટ જેવી મેસેજ આપતી મિનીંગફૂલ અને દરેકથી અલગ હટકે મુવી પછી રાજકુમાર હિરાણીનું સ્ટોરી અને કન્સેપ્ટ પસંદ કરવાનું લેવલ જાણે નીચું ગયું હોય એવું લાગ્યું. ધર્મ, ભેદભાવ, ભગવાન રીલેટેડ ઘણી મુવીઓ આવી ગયી. છેલ્લે આવેલી સ્પેશીયલ આ જ થીમ ઉપર બનેલી "ઓહ માય ગોડ" તો કરોડો કમાઈ ગયી. જો કે ત્યારે વિવાદ પણ થયો હતો કે "ઓહ માય ગોડ" અને "પીકે" ની થીમ એકસરખી છે અને જેના કારણે રાજકુમાર હિરાણીએ પોતાની સ્ક્રીપ્ટ અને થીમ બદલવી પડશે. પણ બધું એમ ને એમ જ રહ્યું.

ડાયલોગ, સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે, અને ડીરેક્શન બાબતે રાજકુમાર હિરાણીનું નામ લેવાય એમ નથી. હિરાણીના ફિલ્મમાં ઓલ્વેઝ એક અલગ જ ફ્રેમ જોવા મળે. પીકે (આમીર ખાન)નો પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. સંજય દત્તની ફિલ્મમાં જરૂર જ નથી પણ મુન્નાભાઈ ફિલ્મના સંબંધને લીધે દત્તને ચાન્સ આપીને પરાણે પાત્ર ઘુસાડ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના ભાગે કઈ કરવાનું આવ્યું જ નથી. સૌરભ શુક્લા કોમેડી ફિલ્મમાં જ ચાલે એમ છે નેગેટીવ રોલ એને સ્યુટ નથી કરતા. અનુષ્કા શર્માની એક્ટિંગ પણ સારી છે પણ હોઠ જોઇને નેગેટીવ માર્ક દેવાનું મન થઇ જાય છે.

ફિલ્મનું નેગેટીવ પાસું હોય તો એ છે ફિલ્મનું સંગીત. શાંતનું મોઇત્રાએ આ વખતે સંગીત આપવામાં નિરાશ કર્યા છે. ફિલ્મના ગીતો કઈ ખાસ નથી. કોમિક ટાઈમિંગ ખુબ જ સરસ છે. જો કે પારિવારિક ફિલ્મ હોવાથી અને હિરાણી અને આમીરના નામની ફિલ્મ સુપરહીટના પાટિયા મારી દેશે.
One Time Watching.

સલાહ-સુચન :-
૧.) કોઈની બિલાડી સાચવવા માટે રાખવી નહિ.
૨.) નામ વગરના પત્ર વાંચવા નહિ, અને વાંચો તો પોતાને રીલેટેડ ગણવા નહિ.

Rating :- 3.5 / 5

રવિવાર, 7 ડિસેમ્બર, 2014

"વિશ્વ-માનવ"


૨૫ નવેમ્બર ૨૦૧૪ નાં લેખક જીતેશ દોંગા સાથે ઓળખાણ થઇ અને તે જ દિવસે વિશ્વાસ રાખીને હજુ કોપીરાઈટ નાં મળ્યા હોવા છતાય મને આ બૂક “વિશ્વ-માનવ” આપી.મેં વિચાર્યું કે બૂક ૨-૩ દિવસમાં પૂરી કરી નાખવી પણ આ બૂકમાં લખાયેલા એક વાક્ય મુજબ “જિંદગી આપણી પોતાની ચોઈસ મુજબ નથી ચાલતી” એ તો એની રીતે નદીના વહેણની માફક દરેક જગ્યાએથી પોતાનો રસ્તો કાઢતી ખળ-ખળ કરતી વહે છે. મારી વાંચવાની સફર અડધી બૂકથી અટકી ગયી. કાલે રાત્રે નક્કી કર્યું કે બાકીની અડધી બૂક ગમે તેમ કરીને પૂરી કરવી. આજે મારા બધા કામ પડતા મૂકીને સવારે બ્રશ કરીને સીધો જ વાંચવા બેસી ગયો. નાસ્તો પણ નથી કર્યો હજુ તો અને નાહ્યો પણ નથી. પણ જયારે બૂક પૂરી થઇ ગયી ત્યારે અચાનક મારા ખુદના આંસુઓથી નાહી લીધું, અને એમના પાત્રોએ મને પ્રેમ, લાગણી, આંસુ, દુખ, પરિવર્તનના ભાતે-ભાતના ભોજન કરાવીને મને અંતરના ઓડકાર લાવી દીધા છે. હવે જમવાની ઈચ્છા નથી.
આજે હું છેલ્લા ૨ કલાકથી ગુમસુમ બેસીને રડી રહ્યો છું. મગજ સુન્ન થઇ ગયું છે. રામ, મુસ્કાન, રૂમી, સ્વરાં આ લોકો સિવાય મને અત્યારે કઈ દેખાતું જ નથી. મારે આ લોકો સાથે કશાય લેવાદેવા નથી તેમ છતાય આ લોકો મને પોતાની તરફ ખેંચે છે અને પોતાના પ્રેમમાં અને દુખમાં શામેલ કરે છે, રડાવે છે, વિચારવા મજબુર કરે છે.
કોઈ ફનપાર્કમાં રોલર કોસ્ટરમાં બેસીને જે રોમાંચ થાય છે, જમીનથી ૧૫૦૦૦ ફૂટ ઉપર પ્લેનમાંથી જમ્પ મારીને સ્કાયડાઇવ કરવામાં જે રોમાંચ થાય છે એના કરતા વધારે રોમાંચ મને આ બૂક કરાવે છે. સ્કાયડાઇવ કરનાર એ માણસને ખબર હોય છે કે હું આવતી ૫-૧૦ મિનીટમાં જમીન પર પહોચી જઈશ પણ આ બુકનું સ્કાયડાઇવ અને કંઈક બીજા જ વિશ્વમાં લઇ જાય છે. મને આનો નશો કેટલા સમય સુધી રહેશે એ હું કહી શકું તેમ નથી. મેં વાંચેલી ૧૦-૧૨ નવલકથાઓમાંથી સૌથી બેસ્ટ ગણી શકું એવી આ વાર્તા છે.
રામ, મુસ્કાન, રૂમી, અને સ્વરાંનાં પાત્રો જાણે આજુબાજુના વિશ્વને ભુલાવી દે છે. એ લોકો દિલ ફાડીને પ્રેમ કરે છે. અને પોતાના પ્રેમથી ભગવાનની એ નસીબની રેખાઓને હરાવે છે. એ ગોધરા વિસ્તારમાં અને મુંબઈની ગલીઓમાં પાંગરતો પ્રેમ પણ મને જાણે યશ ચોપરાની ફિલ્મોના લોકેશન સ્વીત્ઝર્લેન્ડ અને લંડનની સેર કરાવતા હોય એવું લાગે છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મોના પાત્રોમાં જે વેદનાઓ છલકે છે એ વેદનાઓ મને આ બૂકથી અનુભવવા મળી. પ્રેમની જે ભાષા હું સમજતો હતો તેના કરતા કંઈક વધારે આજે સમજુ છું પ્રેમને. સલીમ-સુલેમાનનું સુફી સંગીત વાગતું હોય એવો અનુભવ મને સ્વરાંની નજાકતમાં અનુભવાય છે.
એક અલગ વિશ્વ જે હકીકતે આ વિશ્વનું કડવું સત્ય છે એ આ પુસ્તકથી જાણવા મળ્યું છે. મેં આ ૧૨ દિવસમાં જયારે પણ બૂક વાંચી છે ત્યારે ત્યારે આ પુસ્તકના પાત્રોએ મારી ઊંઘ બગાડી છે, હું સુઈ નથી શક્યો અને માંડ ઊંઘ આવે છે તો ઊંઘમાં પણ બોલવાનું શરુ હતું કે “મુસ્કાન તું ક્યાં છે, મુસ્કાન તું ક્યા છે” મને ૪ વખત રડાવ્યો છે આ પુસ્તકે. મારી છાતીમાં અત્યારે કોઈએ ૨ મણનો વજન મુક્યો હોય એવું લાગી રહ્યું છે.
(આ કોઈ સારું લગાવવા માટે નથી લખ્યું કે પબ્લીસીટી માટે નથી લખ્યું, આ પુસ્તક વિષે લખવા બદલ મને કોઈ કમીશન નથી મળવાનું, આ મારા હૃદયમાં ઉછળતી વેદના અને લાગણીઓ છે જે હું તમારી સામે રાખી રહ્યો છું)

રવિવાર, 30 નવેમ્બર, 2014

સ્વચ્છ ભારત અભિયાન


લોકમુખે છે ભારત દેશ મહાન, કરવા પડે છે તોય કેમ સ્વચ્છ ભારત અભિયાન ?
કહેવાય છે સોને કી ચીડિયા દેશ આ મારો, પણ આમાં ક્યાંથી બને ભારત મહાન ?
કરવા જલસા, અને ફેકવા કચરા, અને સાથે કરવી છે પ્રગતિની મોટી-મોટી વાત,
સાફ કર પહેલા તારા અંદર રહેલા માણસને, પછી બને આપણો ભારત દેશ મહાન.
પ્લાસ્ટિક,એંઠવાડ,કચરો નાખે છે પોતે આમ-તેમ,પછી બોલે છે ગંદો છે આપણો દેશ,
પહેલા તું સુધર ભાઈ! પછી સુધારજે આ દુનિયા, પછી બને આપણો ભારત દેશ મહાન.
તે કરેલી ગંદકીઓ તું જ અટકાવ,શીખવ તારા સંતાનોને સંસ્કાર સાથે સ્વચ્છતાની શીખ,
બની જશે એક સ્વચ્છ,સુઘડ ને સુંદર આ વિસ્તાર,પછી બને આપણો ભારત દેશ મહાન.
વહેલા પરોઢિયે જવું છે બહાર અને કરવા છે ગંદા રેલ્વે-ટ્રેક અને ખેત ખલીયાન,
બનાવ શૌચાલય ઘરમાં, બચી જશે આબરૂ તારી,પછી બને આ ભારત દેશ મહાન.
શિષ્ટાચારની વાતો બનાવીને કરવા છે ભ્રષ્ટાચાર, કરવા પડે છે જેના માટે અનશન,
બતાવ તારી ઈમાનદારી અને પ્રમાણિકતા, પછી બને આપણો આ ભારત દેશ મહાન.
દીકરી નથી જ્યાં સુરક્ષિત, ત્યાં અવાજ ઉઠાવો આજ, કરો શિક્ષિત સમાજની શરૂઆત,
વિકાસ જોઈ તમારો દુનિયામાં થશે તમારું નામ, પછી બને આપણો ભારત દેશ મહાન.
રાખશે ટકા-ટક પોતાનું ઘર અને નહિ ફેંકે કચરો જ્યાં-ત્યા અને રાખશે સ્વચ્છ સમાન,
આ દેશ પણ છે આપણો જ પોતાનો, તોય કરવા પડે છે કેમ આવા સ્વચ્છતા અભિયાન ?

ગુરુવાર, 20 નવેમ્બર, 2014

સફળતા - આબાદી કે બરબાદી ?

            દરેકની જીંદગીમાં કંઈકને કંઈક લક્ષ્ય હોય છે જેને તે પોતાની ભાષામાં સફળતા કહે છે. સફળતાના માપદંડો વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે. કોઈના મતે સારો બીઝનેસ સફળતા છે, કોઈના મતે સારા પૈસા સફળતા છે, કોઈના મતે સારી કારકિર્દી સફળતા છે. પરંતુ પોતાની વ્યાખ્યામાં સફળ થયા પછીની સ્ટોરી દરેક માણસની લગભગ સરખી જ હોય છે. કારણ કે સફળતા મેળવવી સહેલી હોય છે પરંતુ એને ટકાવવી અઘરી હોય છે.


            સફળતા કઈ જેવી તેવી વસ્તુ નથી. સફળતા સિંહણના દૂધ જેવી હોય છે જેને માત્ર સોનાના પાત્રમાં જ ભરી શકાય છે. બીજી ધાતુના પાત્રમાં દૂધ ભરાય પણ જાય પણ એ ધાતુને તોડીને બહાર નીકળી જાય છે. એવી જ રીતે સફળતા પણ સિંહણના દૂધ જેવી હોય છે. દરેક વ્યક્તિ સફળતા ટકાવી શકતો નથી, સફળતા પચાવી શકતો નથી. ક્યારેક ક્યારેક સફળતા માણસ પાસે એવા એવા કામ કરાવે છે જે પોતાના આત્મસન્માનની વિરુધ હોય છે પણ જયારે સફળતાનો નશો માણસના સર પર સવાર હોય છે ત્યારે એની નજરમાં કઈ પણ સારું ખરાબ હોતું નથી. માણસના શોખ પણ આપોઆપ બદલાય જાય છે અને વધી પણ જાય છે. માણસના વિચારોના માપદંડો ભુલાઈ જાય છે. માણસમાં અહંકારના લક્ષણો દેખાવા લાગે છે. ખુબ સચોટ રીતે આ વાત પર બંધબેસતા હોય એવા માણસો બીઝનેસ અને ફિલ્મ લાઈનમાં જોવા મળે છે. "ડર્ટી પિક્ચર" અને "હિરોઈન" ની વાર્તા આના પર એકદમ ફીટ બેસે છે. એમાં આ વાતને હુબહુ રજુ કરવામાં આવી છે.

             સફળતા મેળવ્યા બાદ માણસે વધુને વધુ નમ્રતા દાખવવી પડે છે નહીતર જેટલો સમય સફળતા મેળવવામાં લાગ્યો હોય છે એનાથી અડધા ભાગના સમયમાં માણસની બરબાદી લખાય જાય છે અને એ બરબાદી પોતાની સાથે બીજાઓને પણ બરબાદ કરી નાખે છે. માણસ એમ વિચારવા લાગે છે કે દુનિયામાં પોતે એક જ છે જેની પાસે આ સફળતા છે.તે જલ્દીથી હકીકતોને સ્વીકારી શકતો નથી. પોતાને દુનિયાની ટોચ પર જોયા પછી પોતાને એ જ ભીડમાં જોઈ શકતો નથી અને માણસ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ પોતાના સંબંધોને પણ પાછળ છોડતો જાય છે.
કોઈકે સાચું જ કહ્યું છે કે -


" ઝીંદગીમેં ઇતના ભી આગે મત બઢો કી પીછે કોઈ દિખાઈ હી નાં દે, યા ફિર પીછે કે લોગ બહોત છોટે દિખાઈ દે"

બુધવાર, 19 નવેમ્બર, 2014

What is Love Yaar ???

આજે અચાનક મનમાં આવેલો સવાલ :- What is Love Yaar ???
પછી વિચાર્યું કે કંઈક તો છે આ તત્વ કે જે કંઈક અલગ જ પ્રકારની લાગણીનો એહસાસ કરાવે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પોતાની જાત કરતા પણ વધારે વિશ્વાસ મુકવા માટે મજબુર કરે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પોતાની અંદરની ઉર્મીઓને ઉભરતા રોકી શકતું નથી. કંઈક તો એવું બોન્ડીંગ છે જ કે જે કોઈ બે હૃદયને કોઈક એવા ખૂણેથી જોડી રાખે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પ્રેમ અને નફરતને એક સિક્કાની બે બાજુ બનવા માટે મજબુર કરે છે. માણસ નફરત એને જ કરે છે જેને તે સૌથી વધારે પ્રેમ કરી શકે છે.

હૃદયમાં જયારે લાગણીઓનું ઘોડાપુર વહે છે ત્યારે એ આંસુઓનો ધોધ સામેનું હૃદય સહન કરી શકતું નથી અને ૧૦૦ ભૂલ કરવા છતાં પણ પ્રેમથી એક વાર બોલાયેલું સોરી એ દરેક ગીલા શિકવા ભુલાવી દે છે એનું નામ જ પ્રેમ. ઈર્શાદ કામિલ અને અમિતાભ ભટ્ટાચાર્યના લખેલા ગીતને સાંભળતા જ પોતાના પ્રિયપાત્રનો ચેહરો સામે આવે એનું નામ જ પ્રેમ. એની ગેરહાજરીમાં એને ભાવતી વાનગીઓ બનાવીને અથવા બહારથી મંગાવીને ખાવી, એને ગમતી ફિલ્મો જોવી, એને ગમતી એક્ટીવીટી કરવી અને એને ખબર પણ નાં પડવા દેવી એનું નામ જ પ્રેમ. આવેલા પ્રોબ્લેમ્સની ગંભીરતાને આંખોથી વાંચી લઈને એમને સામેથી બોલવા માટે સમય આપવો અને ધરપત આપવી એનું નામ પ્રેમ. આખો દિવસ ઝઘડો કર્યા પછી પણ જો પોતાને અથવા સામેવાળા પાત્રને કઈ થઇ જાય તો આખી રાતનો ઉજાગરો કરીને પણ એની સંભાળ રાખવી એનું નામ પ્રેમ.

આપણો સમાજ જેને એક લફરા તરીકે જુવે છે અને એને ધિક્કારે છે. સમાજની બીક, કુટુંબની મર્યાદા આ બધી બાબતો આજની યંગ જનરેશનને સહેજપણ ગમતી નથી છતાં પણ એકબીજા પર વિશ્વાસ રાખીને પોતાના કુટુંબને મનાવીને પોતાની સપનાઓની જિંદગી જીવે છે, ગમે તેવા મસ્તીખોર અને પોતાની જાત પ્રત્યે મેચ્યોર ન હોય એવા માણસને પણ એક જવાબદાર વ્યક્તિ બનાવી દે છે એનું નામ પ્રેમ. ફૂલ લાઈફ જેની સાથે વીતવાનું મન થાય, ઝરમર વરસતા વરસાદમાં ઘરની બહાર રહેલા બગીચાના લીલાછમ ઘાસમાં એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલવાનું મન થાય એનું નામ પ્રેમ.

મને તો બસ એટલું જ સમજાય છે કે હું ફક્ત અને ફક્ત તારા માટે જ જન્મ્યો છું કે જે તને મન ભરીને પ્રેમ આપી શકે, કે જે તારી સાથે જીવી શકે. હું જ છું એ કે જે તારા દરેક સપનાઓને પુરા કરવા માંગે છે, હું જ છું એ કે જે તારા દરેક દુઃખમાં તારો ખભો બનવા ઈચ્છે છે, હું જ છું એ કે જે તારી આંખમાં આવતા આંસુઓને રોકવા ઈચ્છે છે. હું જ છું એ કે જે મારા શર્ટનું તૂટેલું બટન તને પ્રેમથી રીક્વેસ્ટ કરીને સાંધવા ઈચ્છું છું. હું જ છું એ કે જે ઓફીસ જતી વખતે મારી ટાઈ તારા હાથે બંધાવાના બહાને તને બાહુપાશમાં લઈને મારી અંદર સમાવા ઈચ્છું છું. હું જ છું એ કે જે દર વિકેન્ડમાં મારા હાથે તને ભાવતી વાનગીઓ બનાવીને તારી સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવા ઈચ્છું છું. આખી દુનિયા સામે આવું બોલવા મજબુર કરે એનું નામ જ પ્રેમ.

કોણ સમજાવે એને ?

સપનાઓને સાકાર કરવા માટે જરૂર પડે છે એક લક્ષ્યની,
કોણ સમજાવે એને કે દરેક સપનાઓ દેખાય એવા સુંવાળા નથી હોતા.
વિચારવું સહેલું લાગે છે કે બધું મને મળી જશે આરામથી,
કોણ સમજાવે એને કે સપનારૂપી દરિયાઓના કોઈજ કિનારા નથી હોતા.
લાગે છે કે કરશું સામનો નીડર બની સંજોગોના સંગ્રામનો,
કોણ સમજાવે એને કે નસીબ નામી વસ્તુના પત્તા કઈ નકામા નથી હોતા.
લક્ષ્ય પ્રાપ્તિ માટે મારે કોઈની જરૂર નથી એમ કહેનારાને,
કોણ સમજાવે એને કે સંબંધોના તાંતણા કઈ મજબુત પહાણા નથી હોતા.
કલિયુગમાં તો પૈસો જ પરમેશ્વર જેમ પૂજાય છે મારા ભાઈ,
કોણ સમજાવે એને કે દરેક સપનાના પાયા કઈ ભણતરના ભારા નથી હોતા.

શનિવાર, 4 ઑક્ટોબર, 2014

બેંગ બેંગ


ટોમ ક્રુઝ અને કેમરૂન ડાયઝની ફ્લોપ ફિલ્મ "નાઈટ & ડે"ની રીમેક તરીકે સિદ્ધાર્થ આનંદે બનાવેલી ફિલ્મ "બેંગ બેંગ". "સલામ નમસ્તે","તારા રમ પમ","બચના-એ-હસીનો","અનજાના-અનજાની" જેવી રોમેન્ટિક હીટ ફિલ્મો આપનાર સિદ્ધાર્થ આનંદે આ વખતે એક્શન ફિલ્મ પર પસંદગી ઉતારી અને કમાણી કરવામાં સફળ પણ થશે.

ગ્રીક ગોડ જેવી શારીરિક રચના અને ચેહરો ધરાવનાર હ્રીતિક રોશને આ ફિલ્મ માટે ૩૦ કરોડ લીધા હોવાનું સંભળાઈ રહ્યું છે અને ફિલ્મમાં પોતાનો જીવ રેડી દઈને એને વસુલ પણ કર્યા છે. એક-એકથી ચડિયાતા હોલીવુડ જેવા સ્ટંટ સીન, એક્ટિંગ અને ડાન્સિંગમાં હ્રીતિક રોશને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. ભારતના દિગ્દર્શકો જો હોલીવુડ જેવી ફિલ્મો બનાવાનો વિચાર કરે તો એમને ટોમ ક્રુઝ બહાર શોધવા જવો પડે તેમ નથી.
હોટ & સેક્સી દેખાતી કેટરીના કૈફ આ ફિલ્મમાં સ્વર્ગની અપ્સરાથી કમ નથી લાગતી. આ અપ્સરા અને ગ્રીક ગોડની જોડી વિષે કઈ બોલવા જેવું જ નથી રહેતું. એકદમ બેસ્ટ રોમેન્ટિક કપલ ઓન સ્ક્રીનનો ખિતાબ મળી જાય એવી જોડી છે.

લંડન, શિમલા, દહેરાદુન, પ્રાગ અને અબુધાબીના આંખોને પહેલી નજરે જ ગમી જાય એવા દ્રશ્યો અને એમાં ફૂલ ફટાક કોશ્ચ્યુમ જોઇને આંખને ઠંડક વળે છે.  કોઈ પણ ઉતાર-ચડાવ વગર ફિલ્મ એકદમ સ્મુથ્લી ચાલે છે જેના કારણે થ્રિલની મજા નથી રહેતી. ફિલ્મનું સ્ક્રીનપ્લે સારું છે. ડાયલોગ એવરેજ છે. સલીમ-સુલેમાનનું બેકગ્રાઉન્ડ સ્કોર અને વિશાલ-શેખરની બેલડીનું ગીતનું સંગીત મનને શાતા આપે છે. ફૂલ માર્ક્સ ઇન મ્યુઝીક એન્ડ સોન્ગ્સ.

ડેની ડેંગઝોપ્પાનો અવાજ આજે પણ એવી જ બુલંદી ધરાવે છે પણ એમના ભાગે કઈ વધારે કામ આવ્યું નથી, જાવેદ જાફરી તો એવરગ્રીન છે અને બાકીના સાથીદારોનું કામ પણ સારું છે. ફિલ્મ જાણે માત્ર હ્રીતિક-કેટરીનાની જ હોય એવી રીતે દર્શાવી છે.

દશેરા અને ઈદની રજાઓનો સમય પસાર કરવા માટે ફુલ્લી મનોરંજક એક્શન, કોમેડી ફિલ્મ.

Ratings :- 3/5

શુક્રવાર, 3 ઑક્ટોબર, 2014

હૈદર


વિલિયમ શેક્સપીયરની લખેલી કથા "હેમલેટ" પરથી વિશાલ ભારદ્વાજે બનાવેલી, લાગણી, ઘૃણા, હિંસા, બદલાની ભાવનાઓને હુબહુ ઉજાગર કરતી આ ફિલ્મ એટલે "હૈદર".

ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો બોરિંગ લાગે છે, વાર્તા થોડી ધીમી ચાલે છે. થોડું સ્ક્રીનપ્લે પણ નબળું પડતું જણાય છે પણ ફિલ્મ એના સેકંડ હાફમાં પોતાની ગતિ પકડે છે જે તમને તમારી સીટ પર જકડી રાખવા મજબુર કરી દે છે.

શાહિદ કપૂરની ડૂબતી નૈયા આ ફિલ્મ તારવી જશે. એની એક્ટિંગ જોઇને લાગ્યું કે એ પંકજ કપૂરનો દીકરો છે અને એમની એક્ટિંગ કુવામાંથી અવેડા માં ઉતરી છે. શાહિદ માટે આ ફિલ્મ ક્લાસ બની જશે. શ્રદ્ધા કપૂર, કે.કે.મેનન અને નરેન્દ્ર ઝા નું કામ પણ મહદઅંશે સારું છે. ફિલ્મની મુખ્ય નાયિકા ગણી શકાય એનું નામ છે તબ્બુ. જે પહેલા પણ એક્ટિંગની ખેરખાં હતી અને હજુ પણ છે કે જે એના ચેહરાથી સામેના માણસને દરેક વાત સમજવા મજબુર કરી દે છે. ઇમરાન ખાન માટે શબ્દો ઓછા પડશે. દિગ્દર્શન બાબતે ૧% પણ આંગળી ચિંધાય એમ નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝીકની સાથે ગુલઝારના મધમીઠા શબ્દો,અને એની સાથે સુખવિંદર સિઘ અને અરિજિત સિઘના જાદુઈ અવાજ તમારા હૃદયના તારમાં ઝંઝાનાટી ઉત્પન્ન કરી દે છે.

પ્રેમની કંઈક અલગ જ વ્યાખ્યા જે દરેકની આંખમાં જુદી દેખાય છે અને એટલી જ હદે એજ આંખોમાં તિરસ્કાર, ઘૃણા, બદલાની ભાવના છલકે છે. ઉડતા લોહીના છાંટા, ધોળા દૂધ જેવા બરફના થર પર અલગ તરી આવે છે અને જે પ્રકારની હિંસા અને ક્રુરતા જે કાશ્મીરની ઓળખ હતી એને ઉજાગર કરવામાં વિશાલ ભારદ્વાજે કોઈ કચાશ નથી રાખી.

કોઈ ખાસ એક્શન-થ્રીલર મુવીની આશા રાખીને જોવા જનારને નિરાશા જ મળશે. અને ફિલ્મ માત્ર અમુક ચોક્કસ પ્રકારના દર્શકોને જ ગમશે કે જેને ક્લાસિક ફિલ્મો જોવી ગમતી હોય. પણ એક વાર તો જોવી જ પડે બોસ.

બોનસ :- કાશ્મીર એક કેદખાના હે મેરે દોસ્ત !
              મુજે અબ શક પે યકીન હે ઓર યકીન પે શક.

Ratings :- 4/5