શુક્રવાર, 15 ઑગસ્ટ, 2014

Singham Returns


ફૂલઓન માસમીડિયા મનોરંજક અને પોલીસની યાદગાર ભૂમિકા ભજવનાર અજય દેવગણની ફિલ્મ “સિંઘમ” ની સિકવલ “સિંઘમ રીટર્નસ”. અજય દેવગણની પાવરપેક એક્શન, સુપર-ડુપર માઈન્ડ બ્લોવિંગ દમદાર એક્ટિંગ. દિગ્દર્શક રોહિત શેટ્ટીની ઉપર છાપરી આ ૮ મી ફિલ્મ સુપર-ડુપર હીટ આવશે બોસ.
રોહિત શેટ્ટીએ લખેલી વાર્તામાં(સ્ક્રીપ્ટ) કઈ ખાસ દમ નથી, નબળી સ્ક્રીપ્ટ છે. પણ સીધી વાત છે ભાઈ ! એક્શન માસ્ટર અને ગાડીઓ ઉડાડવાના શોખીન અને દિગ્દર્શનના એક્કા રોહિતભાઈ ને કોમળ કલમનો ઉપયોગ કરતા કદાચ નાં પણ આવડે એ સ્વીકારવાની બાબત છે. કરીના કપૂરને આ ફિલ્મમાં ફરીવાર “જબ વી મેટ” માં કરેલો “ગીત” નો રોલ કરવાનો ચાન્સ મળ્યો હતો પણ બિચારીએ ઓવર કોન્ફીડંસમાં આવીને ઓવરએક્ટિંગ કરી નાખી. જો કે ફિલ્મમાં એની જરૂરીયાત જ નથી એવું લાગે છે કારણ કે માત્ર એક શો પીસ છે ફિલ્મમાં. એક્ટિંગની બાબતમાં આ વખતે એક વ્યક્તિએ ધ્યાન ખેંચ્યું હોય તો એ છે બાબાજીનો જબરદસ્ત રોલ કરનાર અમોલ ગુપ્તે. અનુપમ ખેરનો રોલ નાનો છે પણ મહત્વનો છે. મહેશ માંજરેકરના ભાગે કંઈ ખાસ કામ નથી આવ્યું આ વખતે. દરવાઝા તોડવાના માસ્ટર દયાની એક્ટિંગ પણ સારી છે.
એક એક ડાયલોગના પાવરપંચ અને સ્ક્રીનપ્લેનું કામ સરાહનીય છે. કોમેડી જબરદસ્તી ઘુસાડેલી છે. ફિલ્મના અમુક દ્રશ્યો શરીરમાં જોશ અને જુનુન ભરી દે એવા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક થોડું લાઉડ છે. “આશિકી ૨” ફેઈમ અંકિત તિવારી, જીત ગાંગુલી, મિત બ્રધર્સ અને યો યો એ મળીને મ્યુઝીક આપ્યું છે જે એક્શન પાવરપેક ફિલ્મમાં પણ એક સુમધુર ગીત "કુછ તો હુઆ હે" મુકવામાં સફળ રહ્યા છે અને સપનાનું શહેર બતાવીને ગીતનું ફિલ્માંકન પણ સરસ રીતે કરેલું છે. મેજિક વોઈસ અરિજિત સિંહનું પણ એક ગીત છે પણ કંઈ ખાસ નથી. હા ગીતના શબ્દો સરસ છે પણ કમ્પોઝિંગ કરવામાં ક્યાંક કચાશ રહી ગયી. અને નાના ટેણીયાઓને ગમે એવું યો યો નું ગીત “આતા માજી સટકલી” ખુબ જ લોકપ્રિય થશે, અને આ વખતે લગ્નપ્રસંગ માં પણ કદાચ વાગશે.
પરિવાર સાથે બેસીને જોવાલાયક એક મનોરંજક ફિલ્મ. પૈસા વસુલ ફિલ્મ જરૂર લાગશે. એકવાર અજય દેવગણની એક્શન જોવા જેવી છે બોસ. રોહિત શેટ્ટી આ વખતે પણ પૈસા ગણવા માટે તૈયાર થઇ જા ભાઈ! ૧૦૦ કરોડ તો આવશે જ એ પાક્કી ગેરંટી.
Ratings :- 3.5/5

શનિવાર, 9 ઑગસ્ટ, 2014

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી..

         આપણે નાનપણથી હુમાયુનો કિસ્સો, કુંતી અને અભિમન્યુનો કિસ્સો આ બધી પૌરાણિક વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ કે બહેન ભાઈની રક્ષા માટે એને રાખડી બાંધે છે, ભાઈ-બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ બતાવતો આ પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન.

         પણ આજની તારીખમાં આની વ્યાખ્યાઓ કંઈક અલગ કરવી પડે તેમ છે. આજે રોજબરોજનું થતું સ્ત્રીઓનું શોષણ, દર ૨ દિવસે થતા બળાત્કારો, ભૃણહત્યા એ બધાથી આજે સ્ત્રીઓ મુશ્કેલીમાં છે. પેલાના સમયમાં બહેન દીકરીઓની આબરૂ બચાવવા માટે પુરુષો પોતાનો જીવ આપતા પણ અચકાતા નહિ. અરે એ સમયના બહારવટિયાઓ પણ ખુદ્દાર માણસો હતા જે કોઈ પણની બહેન દીકરીને બચાવવા માટે પોતે પાળિયા થઇ જતા અને આજે આપણે આતંકવાદીઓથી નહિ પણ આપણી જ આજુબાજુમાં રહેતા રાક્ષસોથી બચતા રહીને ચાલવું પડે છે કે ક્યાંક એમની ખરાબ નજર કોઈની બેન-દીકરીઓની જિંદગી બરબાદ ના કરી નાખે. આજે તો રક્ષક જ ભક્ષક બની ગયા છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે કે એનો ભાઈ સુરક્ષિત રહે પણ એ જ ભાઈ એ સુરક્ષાકવચ પહેરીને કોઈક બીજાની બહેનની આબરૂ લૂટતા શરમાતો નથી. આ કળયુગ નહિ ભાઈ ઘોર કળયુગ આવ્યો છે કે જ્યાં એક બાપ પણ પોતાની દીકરી પર નજર બગડતો ફરે છે. આજે સ્ત્રીઓ એક પ્રકારના ફફડાટ સાથે બહાર નીકળે છે.

         કહેવું છે ફક્ત એટલું કે મહેરબાની કરીને તમારા મનની લાગણીઓ કાબુમાં રાખો અને ક્યારેય પણ કોઈની બેન-દીકરીઓને મુસીબતમાં જુઓ તો તરત જ મદદ કરો, કારણ કે બની શકે કે કાલે સવારે તમારી બેન-દીકરી પર પણ કોઈ આફત આવી પડે અને ત્યારે કદાચ કોઈ ના મળે. જેવું વાવશો એવું પામશો. તમે મદદ કરશો તો કોઈક તમારી મદદ જરૂર કરશે. ભાઈ-બહેનનો પ્રેમ તો ઘણી જગ્યા એ જોયો છે પણ ક્યારેક બીજાની બહેનની રક્ષા પણ કરતી રહેવી જોઈએ. (ઘણા લંગૂર હજુ આ આગળના વાક્યનાં પણ દ્વિઅર્થ કાઢતા હશે. કંટ્રોલ ભાઈ!)

          મારા મતે રક્ષાબંધન એ ફક્ત ભાઈ-બહેનનો તહેવાર નથી પણ દરેક સ્ત્રીને માન-સન્માન આપવાનો તહેવાર છે. આપણા દેશમાં સ્ત્રીઓને માતાજી-ભગવાન ગણીને પૂજે છે લોકો. પણ અમુક લોકો આજે એ ભૂલી ગયા છે કે એ પણ કોઈક સ્ત્રીનો દીકરો છે અને એના ઘરે પણ એમની બહેન છે. so please save the women and also save the Girl child.
          મારે સગી બહેન તો નથી પણ ભગવાને મને એક એવી વ્યક્તિ આપી છે કે જે મારા માટે સગી બહેન કરતા પણ વિશેષ છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પહેલા પણ એના માટે જ લખેલી મારી જ કવિતા આજે ફરીવાર એના માટે અહી મુકું છું. મારી બેન This poem is only for you. I Love You My Sssiiissss.

ગંગાજળથી પણ પવિત્ર સંબંધ સચવાય છે એમ,
કે જેમાં છે એક વીરો અને છે એની લાડકી બેન.
છે મિત્રોથી ભરપુર આ દુનિયા, પણ ઘરમાં છે એક મિત્રની જેમ,
બેના માટે એનો ભઈલો અને ભઈલા માટે એની બેન.
આશ્ચર્ય થાય છે મને કે દુર હોવા છતાં સુરક્ષિત છું હું કેમ,
ખબર પડે છે પછી કે બેન કરે છે ઉપવાસ ને કાઢે છે દિવસ જેમતેમ.
બેના છે ભાઈથી મોટી અને રાખે છે ભઈલાનું ધ્યાન,
સાંભળીને ભાઈનું નામ, બહેન કહે છે કે આજ છે મારું કામ.
પ્રેમ છે તારા પર અપાર મને, કેમ કરી સમજાવું તને બેન,
તારી અમૂલ્ય રાખડીનું ઋણ, ચૂકવીશ હું તને કેમ ?
લીંબડી પીપળીના ગીતો ગાઉં છું જેમ અને તેમ,
પણ નાં આવડે ત્યારે પ્રેમથી કહું છુ કે હું તારો વીરો અને તું મારી બેન.
Happy Rakshbandhan to all people. Happy Rakhi Day.

ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

આત્મહત્યા :- સાહસ કે કાયરતા

ભારત સરકાર આઈ.પી.સી. ની કલમ ૩૦૯ માં સુધારા કરવાનું વિચારી રહી છે કે આત્મહત્યાની કોશિશ હવેથી ગુનો નહિ ગણાય અને એને જેલ નહિ થાય, પણ આત્મહત્યા કરવી જ શું કામ જોઈએ ? એનું કોઈ સોલ્યુશન નથી કાઢતા કોઈ.

જિંદગીમાં ક્યારેક સમય ખરાબ હોય છે, કઈ સારું ન થતું હોય અને જીવનના બધા પાસા ઉંધા જ પડતા હોય ત્યારે અમુક માનસિક પાંગળા લોકોને અંતિમ પગલું આત્મહત્યા દેખાય છે. સાલું, આપણામાં તો બીજાની હત્યા કરવાનીય ત્રેવડ નથી અને માણસો આત્મહત્યા કરી લે છે. હું આવા લોકોને માનસિક પીડિત ગણું છું ઉપર લખ્યું એ મુજબ કારણ કે આવા લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોય છે. પણ શું એ આત્મવિશ્વાસ પાછો નાં આવી શકે ? આવતી તકલીફો સામે લડીને બેઠા ના થઇ શકીએ ? એવું તો કોઈ કારણ માણસના જીવનમાં ન જ હોય કે જેનો ઉપાય આત્મહત્યાથી મળી જતો હોય.

આપણી આસપાસ થતા બનાવો પરથી અમુક તારણો એવા નીકળે કે ભણવામાં નાપાસ થયા હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, નોકરી ન મળતી હોય, દેવું વધી ગયું હોય, અને આજ-કાલ બહુ જોર-શોરમાં ચાલતું મહત્વનું કારણ ઘરમાં થતા કંકાસ અથવા તો મમ્મી-પાપાના કૈક કહેવાથી ખોટું લાગી જાય અને આત્મહત્યા કરનારા કાયરો પણ આપણી આજુ-બાજુ વસે છે. આટલા કારણો સિવાય મને બીજું કોઈ કારણ નથી દેખાતું. આટલી નાની વાતમાં પોતાની જાત નષ્ટ કરી બેસનારા ફટટૂ લોકો એમ લખતા જાય છે કે આત્મહત્યા કરવા માટે હિમત જોઈએ. પણ મારા ભાઈ ! આજ હિંમત આવેલી સમસ્યાનો સામનો કરવામાં દેખાડ તો તારી માટે એક સરસ મજાની જિંદગી રાહ જોઇને બેઠી છે એ વાત એને ધ્યાનમાં નથી આવતી.

વિધાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે અને આ દુનિયા એને નકામી લાગવા માંડે છે. બોર્ડની પરીક્ષાના પરિણામ પછી શહેરના દરેક તળાવ,નદી-નાળા,સરોવર પર પોલીસ પહેરો ભરતી થાય જાય છે શું કામ ? પરીક્ષાનું પરિણામ નાપાસ આવાથી માં-બાપના ખીજાવાનો ડર અથવા તો પોતે કરેલી મહેનતનું પરિણામ ન મળ્યાનો અફસોસ અને પોતે ગુમાવેલો આત્મવિશ્વાસ એમને આવા હલકી કક્ષાના પગલા ભરવા મજબુર કરે છે. પણ એક વાત વિચારો કે પરીક્ષા લેનાર કોઈક છે, પેપર તપાસનાર કોઈક છે અને પરિણામ બનાવનાર પણ કોઈક છે. એ વાત સાચી કે ભવિષ્યનો ફેસલો એના પર થવાનો છે પણ એ લોકો પાસે આપણી સુંદર જિંદગી છીનવાનો કોઈ હક નથી. તો શું કામ એમના એક પરિણામથી આપણી જિંદગી મોતને સોપી દેવી જોઈએ ? મહેનતના આધારે પરિણામ નથી મળતું એનો મતલબ એતો નથી કે હવે બીજી વાર મહેનત નહિ થાય. ક્યાંક કચાશ રહી ગયી હોય એવું બને અથવા તો તમારું મન કૈક બીજો ઈશારો કરતુ હોય એવું બને. આવી પરીક્ષાથી હારી જઈશું તો જિંદગીની પરીક્ષાઓ કેવી રીતે લડીશું ? માં-બાપનો ડર લાગે છે પણ કોઈ દિવસ એ વિચાર્યું કે એ તમારો ડર એમણે આખી જિંદગી ભોગવવો પડશે ? શું તમે ફરીવાર માં-બાપને એવો વિશ્વાસ નાં દેવડાવી શકો કે ફરીવાર મહેનત કરીને વધારે સારું પરિણામ લાવીશ એમ. ભણતર એ જિંદગીનો એક ભાગ જરૂર છે પણ જિંદગી જીવવાનું કારણ નથી કે જેના વગર જીવી ન શકાય.

પરીક્ષા અને રીક્ષામાં એક ગુમાંવાથી નાસીપાસ ના થવાય,
એક જાય ત્યારે બીજી પાછળ આવતી જ હોય છે. 
                                                            - જય વસાવડા


પ્રેમની નિષ્ફળતા :- એક સીધી સાદી વાત કે લોકોને આજકાલની છોકરી/છોકરાનો પ્રેમ દેખાય છે તમારા કુટુંબનો કે માં-બાપનો પ્રેમ નથી દેખાતો ? છોકરા/છોકરીએ કરેલી દગાખોરી કે પછી સંજોગોનાં કારણે લગ્ન ના કરી શકતા લોકોને એનું સર્વસ્વ લુટાઈ ગયા નો એહસાસ થાય છે એ મારી સમજની બહાર છે. માં-બાપે ઉછેરીને મોટા કર્યા,આટલા વર્ષ ભણાવ્યા,આટલા વર્ષ સાચવ્યા,પગભર બનાવ્યા એ પ્રેમ ઓછો લાગે છે ? માં-બાપે તમને જન્મ એટલા માટે તો નથી આપ્યો કે તમે એમને નિરાધાર એકલા મૂકીને ચાલ્યા જાવ. જિંદગીમાં કોઈના આવાથી કે કોઈના જવાથી ફેરફારો જરૂર થાય છે પણ આ દુનિયામાં કોઈ કોઈના વગર મરતું નથી. સમયે જમી  લે છે, સમયે ઊંઘ કરી જ લે છે, સમયે પોતાનું કામ કરી જ લે છે. અમુક સમય જતા એ ઘા પણ ભરાય જાય છે. તો પછી તમે સમય સાથે તાલમેલ કેમ ના કરી શકો ?

આ સમય પણ ચાલ્યો જશે, સુખમાં અને દુઃખમાં આ વાક્ય યાદ રાખવું (જે.કૃષ્ણમૂર્તિ)


નોકરી નથી મળતી અને દેવું વધી જવાથી આત્મહત્યા કરવાવાળા લોકો પણ છે. જાણે કે એમના જીવનનું છેલ્લું કામ નોકરી કરવાનું જ હોય એમ માનવા લાગે છે પણ એક વાત છે કે કોઈ કામ નાનું નથી હોતું. કામ એ કામ હોય છે. પણ નાનું કામ કરવામાં અહંમ નડે છે એ ક્યાંક પીગળી જશે તો અનર્થ થઇ જશે એ કરતા તો આત્મહત્યા કરી લેવી સારી એવી માન્યતાઓ આ માનસિક પીડિતોમાં હોય છે. ભાઈ ! ભણેલો-ગણેલો છો પણ નોકરી નથી મળતી તો ક્યાંક હોટેલ કે લોજમાં કામ કરવા માંડ કદાચ બની શકે કે ત્યાંથી વધુ નસીબ ખૂલવાનું હોય. દેવું વધી ગયું છે તો કામ કરવા લાગો, આત્મહત્યા કરવાથી દેવું ભરાઈ નહિ જાય. ત્યારે એ વ્યક્તિ એમ નથી વિચારતી કે એણે કરેલું દેવું એમના દીકરા/દીકરીને પાછળથી ભરવું પડશે અને અમુક લોકો પોતાની સાથે પોતાના બાળકોને પણ મારી નાખે છે. કાયરો !! સંતાનને જન્મ આપવાનો અધિકાર ભગવાને તમને જરૂર આપ્યો છે પણ એમને મારી નાખવો હક તમને કયો ધર્મ આપે છે કે કયા ભગવાને કહ્યું છે ?


દરેકના ખભા પર સંજોગોનો બોજ હોય છે,
અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઉંચકો છો.
( મર્લે મિલર) (જય વસાવડા ની બૂક "જય હો" માંથી)

આજકાલની પેઢીમાં સહનશીલતાનો અભાવ જોવા મળે છે. માં-બાપ કૈક બોલે તો સહન નથી થતું, કોઈ કંઈ બોલે તો ગુસ્સો આવે છે, ના કરવાનું કરી બેસે છે. શું કામ ભાઈ ? આત્મહત્યા જેવી હલકટ વાતો વિચારી શકે છે પણ માં-બાપ તને ખોટું નથી ખીજાતા એવા હકારાત્મક વિચારો કેમ નથી આવતા ? જતું કેમ નથી કરી શકતો તુ ? જીવનમાં આગળ વધવું હોય તો બાંધછોડ કરવી પડે એ વાત તારા ગળે કેમ નથી ઉતરતી ? આવા સવાલોના એની પાસે અનેક જવાબો મળી રહેશે, કદાચ વ્યાજબી પણ હોઈ શકે પણ એને પૂછવામાં આવે કે જિંદગી જીવવાની ઈચ્છા કેમ નથી તો એનું એક પણ સારું કારણ એની પાસેથી નહિ મળે.આવા અત્યારના મગજ વગરના લોકોની ભૂલો વૃદ્ધ માં-બાપે ભોગવવી પડે છે. એ લોકો સંઘર્ષ કેમ નથી કરી શકતા ?

કાં કશુક કરી બતાવવા માટે જીવી જવાનું હોય છે,
કાં કશુક કર્યા વિના મારી જવું પડે છે. 
                                               - જય વસાવડા

નાનપણથી આપણે વાંદરાના બચ્ચાનું ડાળ પર ચડવું અને રાજા ગુફામાં કરોળિયાને જાળ બાંધતા જોઇને પ્રેરણા લે છે વાળી વાતો સાંભળીને મોટા થયા છીએ એ કોઈ વાર્તાઓ નથી હોતી કે જે પરીકથાઓની જેમ ખોટી હોય. નિષ્ફળતા હમેશા એ દર્શાવે છે કે સફળતા માટે પૂરેપૂરો પ્રયત્ન થયેલો નથી. બાકી જવા વાળાને કોઈ રોકી શકતું નથી. જે ભાગેડુઓ મેદાન મુકીને જાય છે એની ક્યારેય વાહ વાહ નથી થતી મિત્રો, પાળિયા તો એમના પૂજાય છે જે મરવાની હાલતમાંથી બેઠો થઈને લડ્યો હોય.

આત્મહત્યા કરવાના શોખીનો માટે (શોખીન શબ્દ જ વાપરવો યોગ્ય લાગશે આવા ડરપોક માટે) એક સરસ વિચાર છે મારી પાસે કે તમારે ઇન્ડિયન આર્મીમાં જોડાવાની જરૂર છે. કમ સે કમ ૨-૪ દુશ્મનોને મારીને એ લોકોના હાથે મરશો તો શહીદ તો કેવાશો, માં-બાપ ને પણ ગર્વ થશે કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. મરવાનો શોખ હોય તો દેશમાં ઘુસતા આતંકવાદીઓ સામે લડો અને એમને મારી ને મરો. સરકાર તરફથી પુરસ્કાર પણ મળશે જેનાથી માં-બાપ ગુજરાન તો ચલાવી શકશે, કાયર ફટું થઈને મરવાથી કોઈ ફાયદો નથી.

ભારત સરકાર અત્યારે જે વિચારી રહી છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને આર્મીમાં પાકિસ્તાન બોર્ડર પર ભરતી કરી આપો, કમ સે કમ ૨-૪ ને મારીને મરશે.

આત્મહત્યા કરવાના વિચારના એક મિનીટના સમયમાં પંદર સેકંડ જિંદગી જીવવાના કારણ વિચારી લેજો, જિંદગી આપો-આપ બદલાય જશે.  - રવિ યાદવ.

મંગળવાર, 29 જુલાઈ, 2014

Kick


થ્રિલના અનુભવથી જેમને ખુબ જ મજા આવતી હોય એવા લોકો માટે આઈડીયા મેળવવા માટેના નુસખા બતાવતી ફિલ્મ “કિક”. “હિમ્મતવાલા” અને “હમ્શકલ્સ” જેવી ફિલ્મોનું નિર્માણ કરીને માથામાં હથોડા મારનાર સાજીદ નડિયાદવાલાએ આ વખતે દિગ્દર્શન પર હાથ અજમાવ્યો., નોટ બેડ. એ પણ સલમાનખાનને લઈને અડધી બાજી તો પોતાના નામે કરી લીધી. અને સંગીતના હીટમશીન હિમેશ રેશમિયાને લઈને સાજીદે પણ કિક મારી દીધી. “૨ સ્ટેટ્સ” માં વાર્તા લખી, “કાઈપો છે” માં વાર્તાની સાથે સ્ક્રીનપ્લે લખીને ફિલ્મોને પરિણામ આપનાર ચેતન ભગતે આ ફિલ્મમાં પણ સ્ક્રીનપ્લે ખુબ બખૂબી રજુ કર્યું છે.
એક્ટિંગમાં સલમાન ફંડાને ટક્કર મારીને પોતાની નોંધ લેવા મજબુર કર્યા છે નવાઝુદ્દીન સિદ્દીકીએ અને “હાઈવે” જેવી ફિલ્મમાં પોતાની એક્ટિંગનો કરિશ્મા દેખાડનાર રણદીપ હુડા થોડો નબળો પડતો હોય એવું લાગે છે. આ બધા એક્શન હથોડા વચ્ચે સાજીદે મૂકી એક ફૂલ જેવી શ્રીલંકન બ્યુટી. ફિલ્મમાં મનોવિજ્ઞાનિક ડો. નો રોલ કરતી જેકલીન પોતે જ કંઈક મગજની બીમારીનો શિકાર થઇ ગયી હોય એવું લાગે છે પણ પોતાની મારકણી અદાઓ અને ચશ્માંવાળા માસુમ ચેહરામાં એક્ટિંગ જોવાનું ચૂકાય જાય છે. એક ગીતમાં લાલ કલરનું ટોપ પહેરીને નૃત્ય કરતી જોઇને આપણો લાલ સનેડો પણ ભૂલી જવાય એવી રૂપકડી કાયાના વળાંકો આહ્હાં અને ઉપરથી આઈટમ બોમ્બ નરગીસ ફખ્રી. આજ સુધી કોઈ દિવસ ધ્યાનથી જોઈ નથી આ નરગીસને પણ સાજીદે ફિલ્મમાં એક નવી જ હોટ અને સેક્સી નરગીસ રજુ કરી છે.
એક્શન થ્રીલર ફિલ્મના શોખીનો માટેની એક સુપરહિટ ફિલ્મ. એકદમ શાંતિથી કોઈ આડા અવળા વળાંકો મુક્યા વગર સ્મુથ્લી ચાલતી થોડી નબળી વાર્તા (સ્ક્રીપ્ટ) સલમાન ફંડા સામે ઢંકાઈ જાય છે. સાજીદે પોતાની ભૂતપૂર્વ અને દિવંગત પત્ની “દિવ્ય ભારતી” ને યાદ કરાવતું ગીત “સાત સમુંદર પાર મેં તેરે” મુક્યું છે અને એમાં બેફીકર થઈને નાચતા સલમાનમાં હવે ઉમરના થર લાગી ગયા હોય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે. પણ ગીત વાગતાની સાથે જ દિવ્ય ભારતીના ચેહરાની માસુમિયત આંખો સામે તરે છે. ફિલ્મના ગીતો હીટ થઇ ચુક્યા છે અને હિમેશ રેશમિયાએ સંગીત પણ સારું આપ્યું છે પણ બહુ ખાસ નથી. અને દર ફિલ્મની જેમ સલમાનની આ ફિલ્મમાં પણ નૃત્યોના સ્ટેપ પણ આરામદાયક મુક્યા છે જેની કોરિયોગ્રાફી આ વખતે મુદ્દ્સ્સર ખાને નહિ પણ અહેમદ ખાને કરી છે જેમાં નાનાથી મોટા લોકો આરામથી પોતાની મોજ ખાતર નાચી શકે.
સલમાન ના ચાહકો માટે અચૂક જોવા જેવી ફિલ્મ “કિક”. ૧૦૦ કરોડનો આંકડો તો આરામથી પાર કરશે આ ફિલ્મ કારણ કે પહેલા દિવસે જ અંદાજે ૩૫ કરોડની કમાણી તો કરી લીધી છે. અને પોતાની છેલ્લી ફિલ્મ ” જય હો” ની જેમ આ ફિલ્મના અંતમાં પણ એક સામાજિક સંદેશ આપીને ફિલ્મ પૂરી કરી છે સલમાન ખાને. તમે જોઈ આવો, ત્યાં સુધી હું ગીત ગાઈ લવ “જુમ્મે કી રાત હે, ચુમ્મે કી બાત હે, અલ્લાહ બચાયે મુજે તેરે વાર સે” Jumme ki Raat, “હેન્ગોવેર તેરી બાતો કા હેન્ગોવેર તેરી યાદો કા Hangover”અને મસ્ત મગન કરતુ ગીત “તું હી તું હર જગહ Tu hi tu har jagah
Ratings 3.5/5…

Ek Villain


આશિકી-૨ ની સફળતા પછી ડાયરેક્ટર મોહિત સૂરીએ એ જ હિરોઈન, મ્યુઝીક ડાયરેક્ટર, ગીતકાર, અને ગાયકોને લઈને બનાવેલી અને સુમધુર સંગીત અને નાની એવી લવસ્ટોરી સાથે બનાવેલી થ્રીલર ફિલ્મ “એક વિલન”.
સિદ્ધાર્થ મલ્હોત્રાની અસરકારક અને લાજવાબ એક્ટિંગ, શ્રદ્ધા કપૂરની એ જ પ્રકારની શાંત અને સૌમ્ય ડાયલોગ ડીલીવરી અને ફિલ્મનું મ્યુઝીક અને એમના ગીતો ફિલ્મને એના બજેટને સરભર કરી શકાય એટલે નાણાં આરામથી રળી આપશે. કારણ કે ફિલ્મના ગીતો પહેલેથી જ હિટ થઇ ચુક્યા હતા અને એમના પ્રોમોને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.એટલે યુવાવર્ગ ચોક્કસથી આ ફિલ્મ જોવા થીયેટર સુધી જશે જ.
રીતેશ દેશમુખને જોઇને જ હસવું આવે અને એમાં ઉપરથી એનો વિલનનો રોલ છીછીછીછી… માથામાં હથોડા મારે છે. સાવ બકવાસ એક્ટિંગના કારણે ફિલ્મને સુપરહિટ થતા રોકી શકે છે રીતેશ દેશમુખ. પણ એની પત્નીનો રોલ કરતી આમના શરીફની એક્ટિંગ બરાબર છે.
ફિલ્મનું મ્યુઝીક ફિલ્મની જાન છે. મનોજ મુન્તાશીરનું લખેલું ગીત “તેરી ગલિયા Teri Galliyaan” અને એમાં સુમધુર સંગીત અને પોતાનો અવાજ આપવા વાળો સિંગર બીજો કોઈ નહિ પણ આશિકી-૨ નો સિંગર પેલો “સુન રહ હે તું” વાળો અંકિત તિવારી. અને મિથુનનું લખેલું ગીત “બંજારા Banjaara” ને અવાજ આપ્યો છે મોહમ્મદ ઈરફાને. અરે પેલું “ફિર મોહબ્બત કરને ચલા હે તું” વાળા ગીતમાં અરિજિત સિંહની સાથે અવાજ આપ્યો એ. લાગે છે હવે એનું નસીબ ખુલવાના આરે છે. અને ફિલ્મમાં અરિજિત સિંહ નું ગીત નાં હોય તો તો ફિલ્મને અન્યાય કર્યો કેવાય. અરિજિતના અવાજ માં ગવાયેલું “હમદર્દ Humdard” આહા આહ્હા જબરજસ્ત.. મિથુનના લખેલા આ શબ્દો કોઈ પણ પત્થરદિલ માણસના હૃદયમાં પણ પ્રેમના બીજ ઉગાવવા માટે સક્ષમ છે.
એક્શન સીનને દિગ્દર્શિત કરવામાં પેલેથી થોડા કાચા મોહિત સૂરીએ આ ફિલ્મના એક્શન સીનને દિગ્દર્શિત કરવામાં પણ થોડી ભૂલો કરી છે. પરંતુ લવસ્ટોરીની બાબતમાં આ ડાયરેક્ટરનું કેવું પડે એવું નથી. ફિલ્મનું સ્ક્રીનપ્લે વચે થોડું નબળું પડતું જણાય છે. અને સાથે બોનસમાં પ્રાચી દેસાઈનું એક ગીત પણ છે જેમાં પ્રાચી દેસાઈનો હોટ એન્ડ સેક્સી લૂક ફિલ્મની ટીકીટના અમુક ટકા પૈસા જરૂર વસૂલ કરાવશે.
ફિલ્મના ડાયલોગ આહ્હાં આહ્હાં શબ્દો જ નથી આવા જબરદસ્ત ડાયલોગ માટે. “જબ તક હમ કિસી કે હમદર્દ નહિ બનતે તબ તક હમ દર્દ સે ઓર દર્દ હમસે જુદા નહિ હોતા”, “અંધેરે કો અંધેરા નહિ સિર્ફ રોશની મિટા સકતી હે, ઓર નફરત કો નફરત નહિ સિર્ફ પ્યાર મિટા સકતા હે.”
એક વાર ચોક્કસ જોવા જેવી આ ફિલ્મ. આપણે તો જોઈ આવ્યા બાપુ.. હવે તમે પણ રાહ કોની જોવો છો ?..

Holyday :- A Soldier is never off duty


એક સૈનિક અને એક સામાન્ય નાગરિક વચ્ચેનો તફાવત દર્શાવતી દિગ્દર્શક A.R.Murugadoss ની એમની જ પહેલા દિગ્દર્શિત કરેલી ૨૦૧૨ ની તમિલ ફિલ્મ Thuppakki ની રીમેક.
આતંકવાદીઓ હજારોને મારવા માટે પોતે એકલા મરી શકે છે તો આપણે એ આતંકવાદીઓને મારવા માટે પોતે સામાન્ય નાગરિક બનીને કેમ ના મરી શકીએ ? દેશ માટે દિવસ રાત જોયા વિના સેવા કરતા સૈનિકોની ઘાયલ થયા પછીની જિંદગીની વેદના અને વ્યથાને વણી લેતી એક એક્શન થ્રીલર ફિલ્મ. ગજીનીની સફળતાના લાંબા સમય બાદ A.R.Murugadoss એ ફરીથી એક્શન થ્રીલર પર જુગાર ખેલ્યો અને સફળ રહ્યો.
અક્ષયકુમારની બેસ્ટ ફિલ્મોમાની એક ગણી શકાય એવી આ મિક્ષ મસાલેદાર એક્ટિંગ, લાજવાબ એક્શન. સોનાક્ષી સિન્હાની ચરબી ઉતર્યા પછીની સુંદરતા અને માદક શરીરના વળાંકો એક બોનસ છે. બાકી ફિલ્મમાં માત્ર એક શો પીસ. ગોવિંદાનો રોલ બીનજરુરિયાત, અને પોતાની એક્ટિંગને સારી બનવા માટે સંઘર્ષ કરી રહેલો વિલન ફ્રેડી દારૂવાલા. જે મૂળ ફિલ્મના વિલન વિદ્યુત જામવાલના રોલ ને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યો.
ઈર્શાદ કામિલના શબ્દોને ન્યાય આપવા પ્રીતમે તૈયાર કરેલું સુમધુર સંગીત અને અરીજીત સિંહના અવાજ સાથે દિલ જીતી લેતું ગીત ” આજ દિલ શાયરાનાAaj dil shayrana ” , અને બેની દયાલનું ” તું હી તો હે Tu hi to hai ” ની સાથેના અદભુત લોકેશન અને એમના કોશ્ચ્યુમ ડીઝાઈનીંગ અને ગણેશ આચાર્યની કોરિયોગ્રાફી જે દરેક ના હાથ-પગ ડોલાવી નાખે અને દિલ જીતી લે એવી અદભુત તાલમેલ વાળી ફિલ્મ. એક પછી એક કડી જોડતું સ્ક્રીનપ્લે.
such a mind blowing and outstanding movie. Vacation end entertaining movie. must watch.and in last enjoy this lovely song.. Aaj dil shayrana shayrana lagta he. and Tu hi to he khyal mera.

રવિવાર, 20 જુલાઈ, 2014

ઋણ હું કેવી રીતે ચૂકવીશ ?



મારા જન્મદાતા માતા-પિતા, થઇ ઈચ્છા આજે તમને બે શબ્દો કહેવાની,
મને સ્વર્ગ જેવી દુનિયામાં લાવવા માટેનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?
મહેનતથી વેઠ્યા છે તમે દુઃખ રાત-દિવસ, મને ભણાવવા-ગણાવવા માટે,
હું પગભર થઇ શકું એવો બનાવવા માટેનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?
બધા શોખ મારા પુરા કરવા માટે, તમે કરી છે તમારી જરૂરીયાતોની હત્યા,
મને આટલો લાડકોડ પ્રેમથી ઉછેરવા માટેનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?
નામ પાછળ આપ્યું છે તમે તમારું નામ મને, ત્યારે ઓળખે છે આ દુનિયા મને,
મને આગળ આવવાનું પીઠબળ આપ્યું એનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?
વચન છે મારું તમને કે થશે એક દિવસ ગર્વ તમને મારા પિતા હોવા બદલ,
પણ મને તમારો દીકરો બનાવવા માટેનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?
માની ગયો છુ આજે હું કે તમે છો એટલે તો મારે કોઈ ભગવાનની જરૂર નથી,
પણ તમારામાં જ ભગવાનના દર્શન કરાવવાનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ?


શનિવાર, 12 જુલાઈ, 2014

હું ત્યાં હાજર હોઈશ

સ્વાર્થી લોકોની વચ્ચે કોઈ નિસ્વાર્થ વિશ્વાસુને મળવાનું મન થાય,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

મુશ્કેલીઓથી ઘેરાઈને જયારે કઈ રસ્તો ના સુઝે અને કોઈ નાં મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

ભલે આખી દુનિયા દુશ્મન બને તારી પણ જયારે કોઈ દોસ્ત નાં મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

અંતરની ઊર્મિનો ભાર વધી જાય અને કોઈ સાંભળવાવાળું ના મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

સુખમાં તું ખુશ રહેજે, આનંદ કરજે પણ જયારે અસહ્ય દુઃખ આવી પડે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

નફરત ભલે કરે તું મને પણ સાચા હૃદયથી પ્રેમ કરવાનું મન થાય,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

પોતાનું દુઃખ હળવું કરવા અને રડવા માટે કોઈના ખભાની જરૂર પડે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.

રવિવાર, 6 જુલાઈ, 2014

તૈયાર નથી...

સમજાવું છુ હું મારા હૃદયને ઘણું, પણ એ સમજવા તૈયાર નથી,
ચાલવું છે સત્યના માર્ગે પણ, મહાત્મા ગાંધી બનવા તૈયાર નથી.
મેળવવું છે લક્ષ્ય જે છે સપનું,પણ સારા રસ્તે ચાલવા તૈયાર નથી,
સાચા હોય કાંટાળા રસ્તા પણ, સ્વામી વિવેકાનંદ બનવા તૈયાર નથી.
બેઠું થવું છે મળેલી નિષ્ફળતામાંથી, પણ થોડો સંઘર્ષ કરવા તૈયાર નથી,
સ્વભાવથી જીતાય છે માણસોના દિલ પણ,અમિતાભ બચ્ચન બનવા તૈયાર નથી.
બનાવવો છે પોતાનો સ્વભાવ શાંત, પણ ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર નથી,
પોતાના પ્રદર્શનથી ઝુકે છે દુનિયા પણ, સચિન તેંડુલકર બનવા તૈયાર નથી.
લોકોને હસાવવા ખુબ ગમે છે, પણ જોક્સ યાદ કરવા તૈયાર નથી,
અવલોકનથી આવે છે રમૂજવૃત્તિ પણ, કપિલ શર્મા બનવા તૈયાર નથી.
બનવું છે મોટા એક લેખક-કવિ, પણ થોડું વાંચન કરવા તૈયાર નથી,
યુવાપેઢીના હમદર્દ બનવું છે “રવિ”ને પણ, જય વસાવડા બનવા તૈયાર નથી.

ગુરુવાર, 3 જુલાઈ, 2014

હવે નફરત કરતા શીખવું છે.

પ્રેમના થયેલા કડવા અનુભવો, અને દોસ્તીમાં થયેલી દગાખોરી,
સગાવ્હાલાની વધતી જરૂરિયાતો જોઇને, હવે નફરત કરતા શીખવું છે.
સંબંધો થઇ ગયા છે ખોખલા, અને દુનિયાદારી થઇ છે બહુ અઘરી,
કામથી કામને સાચવવા ને સમજવા માટે, હવે નફરત કરતા શીખવું છે.
કરે છે લોકો ઉપયોગ માણસનો, અને કદર નથી એમને સમર્પણની,
સમજાવવા એમને દુનિયાદારીની આ અસર, હવે નફરત કરતા શીખવું છે.
આપ્યો છે પ્રેમ નફરતના બદલામાં, અને સમજે છે કે માણસ છે ભોળો,
સહનશીલતા ખૂટી ગયી છે હવે આ પ્રેમની, હવે નફરત કરતા શીખવું છે.
કર હત્યા તારી લાગણી ને સંવેદનાની, સમજાવે મારા પોતાના આ વાત,
મગજથી નહિ પણ દિલથી વિચારતા “રવિ”ને, હવે નફરત કરતા શીખવું છે.