શનિવાર, 6 ઑગસ્ટ, 2016

“ચીકુડી”

ફ્રેન્ડશીપ, યારી, દોસ્તી, હમદમ, મિત્રતા આ બધા શબ્દોનો મારી માટે એક જ જવાબ એટલે "શ્રેયા". આજ સુધીની જીંદગીમાં મળેલી બેસ્ટ ગિફ્ટમાંથી અને બેસ્ટ વ્યક્તિઓમાંથી એક એટલે એ આ મારી ચીકુડી.

અમારી દોસ્તી એટલે કહેવાય ને કે પુસ્તક જેવી. જે દરેક સમયે હંમેશા પોતાની છુપી હાજરી નોંધાવે પરંતુ ક્યારેય નહીં કોઈ અપેક્ષા કે નહીં કોઈ ફરિયાદ. બસ સાથે ને સાથે. મને યાદ છે ત્યાં સુધી આજ સુધી નથી મેં એની પાસે કશું માંગ્યું કે નથી એણે મારી પાસે કશું માંગ્યું. બસ માત્રને માત્ર આપ્યું છે અને એ છે ગમે તેવા તડકામાં પણ એકદમ ભીંજાયેલી અને ક્યારેય નહિ સુકાતી એવી અમારી વચ્ચેની લાગણી. જેવી દોસ્ત કોઈક પરીકથામાં વાંચેલી હોયને, બિલકુલ એવી જ આ મારી દોસ્ત.

મારી આજ સુધીની લાઈફમાં હું ઢગલો માણસોને મળ્યો હોઈશ. ખુબ બધી સ્ત્રીઓ લાઈફમાં આવી છે પરંતુ “ચીકી” જેવું કોઈ નહિ. એકદમ ઠરેલ મગજની, સમજદાર, લાગણીશીલ, બ્રોડમાઇન્ડ ધરાવતી અને જરૂર પડે ત્યારે દુર્ગાસ્વરૂપ ધારણ કરી લેતી છોકરી મેં મારી જીદંગીમાં આજ સુધી નથી જોઈ.
2014 ના મારા બર્થડે પર અચાનક આવેલો એનો એ વિશ કરતો મેસેજ. ત્યારે કદાચ મને ખ્યાલ નહોતો કે આ એ જ દોસ્તી લઈને આવી છે જે મેં આજ સુધી ક્યારેય મહેસુસ જ નથી કરી. ધીમેધીમે જાણે દૂધમાં સાકર ભળે એમ ભળતી ગઈ અને આજ એ સાકર ભળેલા દૂધની ખીરરૂપી દોસ્તી આજે મન ભરીને માણીયે છીએ. પેલું કહેવાય ને કે દોસ્તીને કોઈ મર્યાદા નહિ હોતી, કોઈ બંધનો હોતા નથી, એ તો બસ વહયા કરે છે ખળખળ કરતી નદીની માફક.

દોસ્તીની કોઈ મોટી ફિલોસોફીવાળી વાતો તો મને આવડતી નથી પરંતુ મને એટલી ખબર પડે કે એના ચેહરાની સ્માઈલના હોય ત્યારે મજા નથી આવતી, એની કોઈ પણ તકલીફ હોય એનું સોલ્યુશન શોધવા માટે કલાકોના કલાકો વિચાર્યા કરતો હોઉં, એના બગડેલા મૂડને સારો કરવા માટે ક્યારેક વાહિયાત જોક્સ પણ કરતો હોઉં, જે ભગવાનને માનતો નથી એની સામે એને સાજી સારી રાખવા માટે ઝૂકતો રહું અને સતત પ્રાર્થના કર્યા કરું છું. બસ એટલામાં તો મારી દોસ્તીની વ્યાખ્યા આવી ગઈ.

આ ફેસબુકે ટાઈમ બગાડવા સિવાય પણ સારું કામ એ કર્યું છે કે એણે તેને તને આપી છે મને. એટલે એનો તો આ ઉપકાર પણ નહિ ચૂકવી શકું. કોણે કહ્યું કે દોસ્તી હમેશા સાથે રહીને જ નિભાવી શકાય ? પાક્કા દોસ્ત ત્યારે જ બને જ્યારે બંને જોડે રહેતા હોય અને એકબીજાની સાથે રહેતા હોય. જેટલા લોકો એવું કહે છે એ લોકોને આપણો આ સબંધ એમના ગાલ પર એક જોરદાર તમાચો છે. લાઈફમાં ક્યારેય રૂબરૂ મળી શકીશું કે નહિ એ પણ ખબર નથી પરંતુ આ સબંધમાં સહેજ પણ આંચ નહિ આવે એ મને પોતાની જાત કરતા વધારે વિશ્વાસ છે. એકબીજાથી આટલા દૂર હોવા છતાંય અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમે દૂર છીએ. અમે આ બે વર્ષમાં ફક્ત 2 વાર ફોન પર વાત કરી છે અને એ પણ ફક્ત અને ફક્ત 2-3 મિનિટ માટે જ. એ સિવાય ફક્ત મેસેજ પર આટલો મજબૂત બનેલો આ સંબંધ ખરેખર આજની વધુ પડતું વિચારી લેતી જનરેશન માટે દાખલારૂપ છે.

મારા હિસાબે તો દોસ્તીની સામે પ્રેમ પણ ફિક્કો લાગે. દોસ્તી એવો સબંધ છે કે જે પ્રેમને પણ માત આપી શકે છે. અત્યારસુધીની મારી જીદંગીમાં ઘણાબધા લોકો આવ્યા છે પરંતુ તારા જેવા તો આંગળીના વેઢા પણ વધારે લાગે એટલા જ મળ્યા. જ્યારે જ્યારે પણ હું ક્યાંક વિચારોના વંટોળમાં ખોવાયો છું કે કોઈક મુશ્કેલીમાં સપડાયો છું ત્યારે તે જ પાછો મને શોધીને મારી સામે રાખ્યો છે.

લાગણી અને પ્રેમના એવા તાંતણે આ દોસ્તી ઉભી છે જેને હવે મૃત્યુ સિવાય કોઈ તોડી શકે તેમ નથી. આ બે વર્ષમાં આપણે જેટલી પણ જીંદગી જીવી છે એટલામાં તો જાણે એમ લાગે છે કે બાળપણથી જ આપણે એકબીજાને ઓળખીયે છીએ. એકબીજાના સુખ-દુઃખ વહેંચ્યા છે. વર્ચ્યુઅલી એકબીજાની સાથે ખભો બનીને ઉભા રહયા છીએ. ઘણીવાર ઝઘડાઓ પણ કરેલા છે પરંતુ મને યાદ નથી કે મેં તને ક્યારેય મનાવી હોય કે તે મને ક્યારેય મનાવ્યો હોય. અરે વાંક ગમે તેનો હોય કે ગમે તે કારણસર ઝઘડો કર્યો હોય પણ ક્યારેય એકબીજાને સોરી પણ બોલ્યા હોય એવું યાદ નથી. ખબર નહિ પરંતુ ક્યારેય કશું કહેવાની જરૂરત જ નથી લાગી. જાણે એમ ને એમ જ આપણા હૃદય એકબીજાને સમજાવી દેતા હોય એવું લાગ્યું.

મજાક મસ્તીમાં પણ ઘણીવાર આપણે એવી મજાક પણ કરી છે કે જેમાં કોઈ ત્રીજી વ્યક્તિને મિસઅંડરસ્ટેન્ડિંગ થવાના પુરા ચાન્સીસ રહી શકે પરંતુ આપણી વચ્ચે એવો કોઈ 1% જેટલો પણ વિચારસુદ્ધા નથી આવ્યો. કદાચ એટલે જ આપણે એકબીજાને આટલું સમજી શકતા હોઈશું. અને એ જ આપણા પવિત્ર સંબંધની નિશાની છે.

જ્યારે અમી પણ નહોતી ત્યારથી તું મને સાચવતી આવી છે. મારી સંભાળ રાખતી આવી છે અને અમીના આવ્યા બાદ પણ તારામાં મારા પ્રત્યેનો કોઈ જ પ્રકારનો ફર્ક મેં નથી જોયો. અમીને પણ તે એટલા જ ઉમળકાથી અને હેતથી પોતાના હૃદયમાં બેસાડી છે અને હમેશા એક નાની બહેન સમજીને તેને નાની નાની બાબતો સમજવાની કોશિશ કરી છે. હું છાતી ઠોકીને કહી શકું કે અમીની લાઈફમાં પણ જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ કોઈ આવી હશે તો એ તું છે એવો એહસાસ મને અમીની તારા વિશેની દરેક વાતમાં હંમેશા થયો છે.

મારી લાઈફમાં રહેલા બીજા વ્યક્તિઓ સામે પણ ક્યારેક તારી વાત નીકળે તો મારા મોઢામાંથી તારા વિશેના એટલા વખાણ નીકળતા હોય કે ઘણીવાર સામેવાળો માણસ ઈર્ષ્યાથી સળગી ઉઠે પરંતુ તારી વાત આવે એટલે હું એકદમ અલગ મુડમાં હોઉં. જાણે સતત એમ લાગે કે આપણા યારની વાત કરવાની છે તો શું કામ નીચું પડવા દઉં.

મારી કોઈ પણ બાબતમાં ક્યારેય તારો સ્વાર્થ કે તારી ઈર્ષ્યા મેં નથી જોઈ. ફક્ત અને ફક્ત બસ અમે બંને ખુશ રહીયે એવા જ પ્રયત્નો રહયા છે. દુનિયા જે વિચારવું હોય તે વિચારે પણ તે ફક્ત અને ફક્ત મારુ અને તારું જ વિચારીને આપણો સંબંધ નિભાવ્યો છે જેના માટે હું તારો અને આ જીંદગીનો એહસાનમંદ રહીશ.

તારી સાથે નહિ પરંતુ તારી અંદર જીવી રહેલો તારો ભેરુ,

રવલો.

ટિપ્પણીઓ નથી: