મંગળવાર, 26 જાન્યુઆરી, 2016

“એરલીફ્ટ”


ઈતિહાસના સૌથી મોટા રેસ્ક્યુ ઓપેરેશનને પરદા પર ઉતારવું એ નાનીસુની વાત નથી જ.  ખુબ બધી એફર્ટ્સથી કામ કરીને એક મજબુત ફિલ્મ બનાવનાર "રાજા કૃષ્ણ મેનન"ના ખાતામાં એક હીટ ફિલ્મ આખરે બેસી ગઈ. સત્યઘટનાઓ પર ફિલ્મ બનાવવી એ ખરેખર મહેનત માંગી લેતું કામ છે કે જેમાં ઘટનાનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડે છે અને તેને આબેહુબ રીતે પરદા પર બતાવવો પડે છે. જીણી જીણી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને "નેવાના પાણી મોભે ચડાવવા" જેવું કામ કરીને રાજા કૃષ્ણ મેનન કાબિલે તારીફ છે.

અક્ષય કુમાર ફિલ્મ માટે એકદમ કન્વીન્સીંગ કેરેક્ટર છે. "અંદાઝ", "નમસ્તે લંડન","હોલીડે","બેબી" જેવી અસરકારક અને એક્ટિંગની સ્કુલ સમાન ફિલ્મો બાદ આવેલી આ ફિલ્મ અક્ષયની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ છે. ફિલ્મના એકપણ સીનમાં તેની એક્ટિંગ ઓવર નથી લાગતી કે કમ પણ નથી લાગતી. તો તેનો સાથ આપવા ગૃહિણીનો રોલ ભજવનાર પંજાબ દી કુડી નીમ્રત કોર પોતાની એક્ટિંગથી નજરમાં ચડી જાય છે. તેના રોલમાં તે એકદમ ફીટ બેસી જાય છે. જો કે બોલીવુડમાં અક્ષય કુમાર માત્ર એક જ એવો એક્ટર છે કે જેની સાથે કોઈ પણ એક્ટ્રેસની જોડી પરફેક્ટ જ લાગવા લાગે છે.

સપોર્ટીંગ કાસ્ટમાં ઇનામુલહક કે જે ઈરાકી મેજરનો રોલ કરી રહ્યા છે એ બિહામણા કરતા વધારે કોમેડિયન હોય એવું લાગે છે. જે રોલ મગજમાં ફીટ નથી બેસતો. પ્રકાશ બેલાવડીનું ઇરીટેટીંગ પાત્ર ફિલ્મની સિરિયસનેસ અને થ્રિલને મારી નાખે છે. પૂરબ કોહલીની ઈમોશનથી ભરપુર એક્ટિંગ એની નોંધ લેવા મજબુર કરે છે અને એકદમ નાનો રોલ પણ બખૂબી નિભાવી જાય છે એવા કુમુદ મિશ્રા ફિલ્મનું મોસ્ટ કન્વીન્સીંગ પાત્ર છે.

ફિલ્મનું સંગીત એકદમ સોલ્ફુલ છે એનું કારણ અમાલ મલિક અને અંકિત તિવારી છે પરંતુ ફિલ્મમાં ગીતોની જરૂરીયાત લાગતી નથી અને છતાય વચ્ચે આવી જાય છે અને ફિલ્મની અસરકારકતાને નુકશાન પહોચાડે છે. "દિલ ચીઝ તુજે દે દી" ગીત એ ૧૯૯૨માં આવેલું અલ્જેરિયન આર્ટીસ્ટ ખાલેદનું ગીત "દીદી" પરથી લેવામાં આવ્યું છે પરંતુ ગીત ગણગણવું ગમે છે. અરિજિત સિંહ તો જાણે હવે દેશની અવાજ લાગવા લાગ્યો છે. કોઈ ફિલ્મ એવી નથી આવતી કે જેમાં એક ગીત અરિજિતનું નાં હોય. બેકગ્રાઉન્ડ સ્કોર ખુબ સારું છે.

૧૯૯૦ના દસકાના કુવૈત સીટીને, રસ-અલ-ખૈમાહ (યુનાઈટેડ આરબ અમીરાત) નામના શહેરમાં ઉભું કરીને ખુબ જ જહેમતનું કામ ઉઠાવ્યું છે અને તેમાં દર્શાવતો કલરનો શેડ એકદમ આર્ટિસ્ટીક લાગે છે જેના કારણે ફિલ્મ આંખોને ગમી જાય છે. શરૂઆતથી જ આવતા ફિલ્મના એરિયલ શોટ એ ફિલ્મને ભવ્ય બનાવે છે. "આખો દેખા હાલ" ટાઈપની સિનેમેટોગ્રાફી ફિલ્મને વાસ્તવિકતા આપવામાં સફળ રહી છે.

આવું કોઈ પણ ઓપરેશન કોઈ એક વ્યક્તિની મહેનતથી નથી થતું હોતું પરંતુ આપણા બોલીવુડની "હિરોનીઝમ" પ્રથા મુજબ એ ફિલ્મ આખી જાણે અક્ષયના ખભા પર જ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ફિલ્મનું થ્રિલ એટલું નથી જળવાયું જેટલું હોવું જોઈએ એનું કારણ વચ્ચે આવેલા ગીત, અને અમુક પાત્રો છે. ફિલ્મ સીટ પર જકડી રાખે છે પરંતુ એવા કોઈ ચડાવ ઉતાર નથી આવતા કે જેનાથી ફિલ્મ એકદમ થ્રિલ આપે.

છેલ્લી ૧૦ મિનીટમાં તો જાણે દેશભક્તિનો વરસાદ થયો હોય એવું લાગવા લાગે છે. રૂવાંડા બેઠા થઇ જાય એવું મ્યુઝીક અને લહેરાતો ત્રિરંગો દેશભક્તિની છોળો ઉડાડી જાય છે જેના કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી જાય છે.

Ratings :- 3.5/5

બોનસ :-
૧.) આદમી કી ફિતરત હી એસી હોતી હે, જબ ચોટ લગતી હે તો માં-માં હી ચિલ્લાતા હે.
૨.) અગર સાથ હે તો કુછ હે, વરના નથીંગ.

ટિપ્પણીઓ નથી: