શુક્રવાર, 17 જુલાઈ, 2015

બજરંગી ભાઈજાન


"એક થા ટાઈગર" બાદ દિગ્દર્શક કબીર ખાન અને સલમાન ખાનનું બીજું કોલોબરેશન એટલે "બજરંગી ભાઈજાન". સલમાનની છેલ્લી ૮ ફિલ્મો બાદ એક્શન મારધાડ વગરની ઈમોશન અને સામાજિક સંદેશ આપતી ફિલ્મ આવી છે જે તમારા દિલોદિમાગને સ્પર્શી જશે. હિંદુ કે મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ જાય એવા મુદ્દા ઉઠાવવાવાળા લોકોને "બજરંગી ભાઈજાન" ફિલ્મના રૂપમાં સણસણતો તમાચો. સલમાન પોતે મુસ્લિમ હોવા છતાય હિંદુનો રોલ કરે છે જે એક બજરંગીપ્રેમી માણસ છે અને મુસ્લિમ ધર્મને પણ એટલું જ માન આપે છે અને મુસ્લિમનો રોલ કરનાર નાવાઝુદ્દીન અને હર્શાલી પણ હિંદુ ધર્મને એટલું જ માન આપે છે. છેલ્લે હિંદુનું પાત્ર મુસ્લિમની રીતે એક હાથ ઉંચો કરીને  "સલામ વાલેકુમ અને આદાબ" કહીને અલવિદા કરે છે અને મુસ્લિમનું પાત્ર બે હાથ જોડીને "જય શ્રી રામ" બોલીને વિદાય કરે છે જે દરેક ધર્મસમભાવનો સંદેશ આપે છે. દિલથી માન થઇ આવે એવી આ ફિલ્મ સુપરહીટ તો આવશે જ. ૨ દેશો વચ્ચેની આ લડાઈ ફક્ત રાજકારણના લીધે જ થઇ રહી છે બાકી તો એ લોકો પણ આપણી જેમ સામાન્ય માણસ જ છે જે પોતાના કુટુંબ કબીલા સાથે શાંતિથી રહે છે. (પાકિસ્તાની લોકો પણ આપણી જેમ લાગણીશીલ લોકો જ છે અને મદદગાર લોકો છે જે વાત મને અહિયાં દુબઈ આવ્યા પછી અને પાકિસ્તાની લોકો સાથે રહ્યા પછી સમજાઈ છે. લડાઈ અને આતંકવાદ તો રાજકારણીઓની દેન છે. જે બંને દેશોની શાંતિ ભંગ કરે છે.)
.
દિગ્દર્શન & લોકેશન :- વોર, આતંકવાદ, જાસુસી જેવા વિષયો પર ફિલ્મ બનાવનાર કબીર ખાને આ વખતે ઈદની સરપ્રાઈઝ આપી છે જેમાં કોઈ મારધાડના દ્રશ્યો નથી. એકદમ લવેબલ, ઈમોશન ટચી ફિલ્મ બનાવીને કબીર ખાને આ બાબતે પણ પોતાની વર્સેટાઈલીટી બતાવી છે. દિગ્દર્શન અને સ્ક્રીનપ્લે એકદમ હટકે છે. જેમાં કોઈ પણ બાબતે ભૂલ કાઢી શકાય એમ નથી.
કબીર ખાનની ફિલ્મમાં હમેશા ઘણાય લોકેશન જોવા મળતા હોય છે પરંતુ આ વખતે કબીર ખાને ભારતમાં જ રહીને ફિલ્મ બનાવી છે પરંતુ ધરતીનું સ્વર્ગ બતાવીને. દિલ્હી, કર્જત, મંડાવા(રાજસ્થાન ) માં ઘણું બધું શુટિંગ થયું છે અને કાશ્મીરની વાદીઓ, ખુબસુરતી ખુબ જ સુંદર રીતે કેમેરામાં કંડારી છે. ફિલ્મની શરૂઆત જ બર્ફીલા પહાડો અને નદીઓથી થાય છે જે મનમોહક છે.
.
સ્ટોરી & ડાયલોગ :- "બાહુબલી" ફિલ્મની સ્ટોરી લખનાર અને તેના ડાયરેક્ટર એસ.એસ. રાજમૌલીના પિતા "વી.રાજેન્દ્રપ્રસાદ"એ આ ફિલ્મની સ્ટોરી લખી છે. તેમની કલમના કમાલથી ઘણી બધી હીટ ફિલ્મો બોલે છે. આ ફિલ્મની સ્ટોરી ખુબ જ સામાન્ય છે, કોઈ જ ટ્વિસ્ટ કે આડા અવળા વળાંકો વગર એકદમ સીધી દિશામાં ફિલ્મ ચાલે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં થોડી શરૂઆત પછી ફિલ્મ સાવ ધીમી પડી જાય છે જાણે કે ફિલ્મ ત્યાં જ અટકી ગઈ હોય. પરંતુ સેકંડ હાફમાં ફિલ્મ પોતાની ગતિ પકડી લે છે જે છેક સુધી જળવાઈ રહે છે. સાવ સામાન્ય સ્ટોરીને પણ એકદમ મઠારી મઠારીને કબીરખાને એક મસ્ત રેસીપી બનાવી દીધી છે. 
ડાયલોગ કબીર ખાને પોતે લખ્યા છે જેમાં કૌશર મુનીરે સાથ આપ્યો છે. ફિલ્મમાં ઘણા બધા એવા ડાયલોગ છે જે તમને તાળીઓ પાડવા માટે અને દિલથી વાહ બોલવા માટે મજબુર કરી દે છે. એકદમ સામાન્ય લાગતા ડાયલોગ પણ પરિસ્થિતિ અનુસાર બોલાય છે અને એકદમ હટકે બની જાય છે.
.
એક્ટિંગ :- ફિલ્મમાં દરેક લોકો નાની હર્શાલીથી માંડીને સલમાન ખાન સુધી દરેક પોતાની એક્ટિંગનો કમાલ બતાવી જાય છે. સલમાન ખાન આ ફિલ્મ દ્વારા શરૂઆતની ફિલ્મો જેવું પોતાનું ઇનોસન્સ પાછુ મેળવી લેશે. એના ચેહરા પર એક નિર્દોષતા અને લાગણી છલકાઈ ઉઠે છે જે એની એક્ટિંગનો પરચો બતાવે છે. કરીના કપૂરની ખુબસુરતી ઘાયલ કરી જાય છે. શરત સક્સેનાને તો એક્ટિંગ કોઠે પડી ગયેલી છે એટલે કઈ બોલવા જેવું છે નહિ. ફિલ્મમાં સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હોય તો એ છે નાવાઝુદ્દીન સિદ્દીક્કી અને નાની બાળકી હર્શાલી મલ્હોત્રા. ૭ વર્ષની નાની બાળ હર્શાલી મૂંગી રહીને પણ એના એક્સપ્રેશનથી તમારા દિલમાં ઉતરી જાય છે. જાણે એવું લાગે કે હકીકતે એ એના માં-બાપથી છૂટી પડી ગઈ છે અને જે બાળકની હાલત થાય એવી જ એક્ટિંગ કબીર ખાને એની પાસે કરાવડાવી છે. આની માટે તો એક્ટિંગ રમત વાત હશે એવું લાગે છે. પોતાની ક્યુટનેસથી દિલો-દિમાગ પર કબજો કરી લે છે. ફિલ્મના સેકંડ હાફથી નવાઝુદ્દીનની એન્ટ્રી થાય છે પાકિસ્તાનના એક ન્યુઝ રિપોર્ટર તરીકે જે સતત પ્રયત્ન કરતો હોય છે કે પોતે એક સારો ન્યુઝ રિપોર્ટર બને. એક હિન્દુસ્તાનીની નેકદીલી જોઇને માનવતા દર્શાવીને મદદ કરતો નવાઝ પોતાની ડાયલોગ ડીલીવરી અને એક્ટિંગના જોરથી સેકંડ હાફ ઊંચકી લે છે. સલમાન ઘણી જગ્યાએ નવાઝ સામે દબાઈ જાય છે એટલું દમદાર પરફોર્મન્સ છે નવાઝનું. સ્પેશીયલ અપીયરંસમાં ઓમ પૂરી પણ પોતાની જલક દેખાડી જાય છે. ઓવરઓલ બાકીના દરેક લોકોએ પણ પોતપોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે.
.
મ્યુઝીક :- ફિલ્મનું મ્યુઝીક પ્રીતમે આપેલું છે. ખુબ જ સરાહનીય મ્યુઝીક છે. ફિલ્મના મોટાભાગના ગીતો સારા છે. મયુર પૂરી, કૌશર મુનીર, અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દોને આતિફ અસલમ(લવ સોંગ), અદનાન સામી (કવાલી), મોહિત ચૌહાણ(મસ્તી સોંગ), વિશાલ દાદ્લાની (પાર્ટી સોંગ), અને કે.કે.(ઇમોશનલ સોંગ) એ ખુબ જ સારો ન્યાય આપ્યો છે. ફિલ્મના સેકંડ હાફમાં આવતું કે.કે.એ ગાયેલું "તું જો મિલા" ગીત ઇમોશનલ કરી જાય છે. મ્યુઝીક અને ગીત અને શબ્દો માટે ફક્ત એક શબ્દ - "લાજવાબ"
જય શ્રી રામ
Fully entertaining dhamakaa drama film.
.
Ratings :- 3.5/5
.
બોનસ :- "નફરત બહોત આસાની સે બિકી જાતી હૈ, પર પ્યાર ...... "

ટિપ્પણીઓ નથી: